કવિલોકમાં/મુકાબલાની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુકાબલાની કવિતા

ઈકબાલી મુક્તકો, અનુ. અંજુમ વાલોડી,
પ્રકા. કંકાવટી પ્રકાશન, સૂરત, ૧૯૯૦

આપણે ઘણાબધા તો ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા' એ ઉમંગછલકતા રાષ્ટ્રભક્તિના ગીતથી જ ઇકબાલનું નામ જાણીએ છીએ. એ ઉર્દૂ અને ફારસીના એક મોટા ગજાના કવિ લેખાય છે પણ એમની રચનાઓ આપણા સુધી પહોંચી નથી. અંજુમ વાલોડીએ ઈકબાલની ફારસી ગઝલોના પોતે ચૂંટી કાઢેલા ઉત્તમ શેરોનો અનુવાદ સાથેનો આ નાનકડો સંચય આપીને એ સુપ્રસિદ્ધ શાયરની કવિતાનું આચમન કરવાની તક આપણને પૂરી પાડી છે. એ માટે એ સૌ કાવ્યરસિકોના અભિનંદનના અધિકારી છે.

આ મુક્તકો સ્વતંત્ર રીતે લખાયેલાં નથી પરંતુ ગઝલોના શેરો છે અને એની પસંદગી અનુવાદકે કરેલી છે. સંભવ છે કે ગઝલના એક ઘટક તરીકે શેર જે ચમત્કાર ધરાવતો હોય તે એને છૂટો પાડતાં ઓછો થતો હોય. સંભવ છે કે ગઝલના એક ઘટક તરીકે શેર જે સંકેતો પ્રગટ કરતો હોય તે એને છૂટો પાડીને મૂકતાં થોડા બદલાઈ જતા હોય. એ જે હો તે, અહીં રજૂ થયેલા મુક્તકોના સ્વતંત્ર અસ્તિત્વમાં તો કોઈ બાધા જણાતી નથી; આપણે એનો સ્વતંત્ર રચના તરીકે આસ્વાદ લઈ શકીએ છીએ.

આ મુક્તકો વાંચતાં ઈકબાલની જે મુદ્રા અંકિત થાય છે તે એક જીવનવિચારકની છે. એમને દાર્શનિક કવિ કહી શકાય, કેમકે મનુષ્યજીવન વિશેનું એક દર્શન એમની પાસે છે. પરંતુ એમની દાર્શનિકતા કશા શાસ્ત્રીય વાદવિવાદમાં રાચતી નથી, નથી કશો પરિભાષાનો ભાર લઈને આવતી. ઈકબાલ પોતાને જે કહેવું છે તે સીધી, પારદર્શક ને સચોટ રીતે કહે છે. એક રીતે એમની કવિતા આપણી જ્ઞાનમાર્ગી કવિતાધારા, આપણી સંતવાણીની સગોત્ર છે. જ્ઞાનમાર્ગી કવિતાધારાનું કેન્દ્ર જેમ આત્મસાક્ષાત્કાર છે, તેમ આ કવિતાનું કેન્દ્ર પણ ખુદી — પોતાના ખરા અસ્તિત્વ -ની પ્રાપ્તિ છે. જ્ઞાનમાર્ગી કવિતાધારા બૌદ્ધિક જ્ઞાનને અપર્યાપ્ત લેખે છે ને અનુભવજ્ઞાનને નિર્ણાયક માને છે તેવું અહીં પણ છે. જ્ઞાનમાર્ગી સંતવાણી અનુભવમાર્ગમાં પ્રેમ - હૃદયની આર્દ્રતાની આવશ્યકતા જુએ છે તેમ અહીં પણ પ્રેમનું માહાત્મ્ય વારેવારે બતાવાયું છે. જ્ઞાનમાર્ગી વિચારધારામાં બધી સમસ્યાનું મૂળ મનની વૃત્તિમાં માનવામાં આવ્યું છે. તેમ ઈકબાલની કવિતામાં પણ 'નજર'ને સર્વ અનુભવોમાં ચાવીરૂપ માનવામાં આવી છે. ક્યારેક તો સંતવાણીને મળતું આવતું ચિત્રકલ્પન પણ ઇકબાલની કવિતામાં ઊગતું દેખાય છે.

આ સંગ્રહની પહેલી જ પંક્તિ જુઓ :

કદી તો ઘાસનું એક તણખલું
બને છે આવરણ મુજ આંખ કેરું.

આ પંક્તિઓ વાંચીને ધીરા ભગતની ‘તરણા ઓથે ડુંગર રે, એ ડુંગર કોઈ દેખે નહીં' એ ઉક્તિ યાદ આવ્યા વિના રહે ખરી?

પણ ઇકબાલ આધુનિક જગતના કવિ છે. આધુનિક જગતની સમસ્યાઓથી ઘેરાયેલા કવિ છે. એ આધુનિક કવિ છે, સંતકવિ નથી, એટલે એ જગતનો અસ્વીકાર ન કરી શકે, એનો મુકાબલો કરવા ચાહે. કવિને માટે આ સમય ગૂંગળાવનારો છે. આ સમયમાં એવા હાકેમો છે જે વૈભવના નશામાં ચકચૂર છે ને ગધેડાને મેડીએ સ્થાન આપી પેગંબરને કૂવામાં ધકેલે છે. ભાવિ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે પણ કોને દેખાય છે? કોણ એની નોંધ લેવા ઇચ્છે છે?

ભાવિના મુખ ઉપરથી સૌ પડદા;
કાળે ખેંચી કરી દીધા છે દૂર;
તે છતાં હાય! આ બધા મિત્રો
છે ગઈ કાલના નશામાં ચૂર!

કોઈ વળી આવતી કાલના પ્રલય અંગે વાત કરે છે પણ આજના પ્રલયનું એને ભાન નથી. વાસ્તવિકતા સામે બધા જાણે આંખ મીંચીને બેઠા છે. ન કહી શકતા હતા તે વાત કવિને હોઠે આવી ગઈ છે પણ, એમને નવાઈ લાગે છે કે, શહેરના શેખો એ વિશે ચૂપ છે! છેવટે, કવિને વાત કરવી જ પડે છે ત્યારે કેવી રીતે કરવી પડે છે?

સમય છે ચોકખેચોખ્ખું બોલવાનો,
ઈશારામાં છતાં વાતો કરું છું!
તને આશ્ચર્ય એથી થાય છે કાં?
આ મુજ મિત્રો છે કાચા, શું કરું હું?

સાચી વાત સહન કરવાની પણ શક્તિ જોઈએ તે ક્યાં છે? માટે જ મર્મથી કહેવું પડે છે!

પૂર્વના દેશો માટે આધુનિક સમય તે પાશ્ચાત્ય પ્રભાવનો સમય છે. ઈકબાલનું પૌર્વાત્ય માનસ પાશ્ચાત્ય પ્રભાવ પ્રત્યે કેવી પ્રતિક્રિયા વ્યક્ત કરે છે તે જોવા જેવું છે. એમની દૃષ્ટિએ પાશ્ચાત્ય સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ છે વૈજ્ઞાનિક બુદ્ધિ. એ આપણા કેટલાક કોયડાઓનો ઉકેલ આપે છે, પણ એમાં હૃદયની ઉષ્મા - પ્રેમની ઉષ્માનો અભાવ છે. એ સંસ્કૃતિ આપણને તાજગીભર્યા, શીળા નવજીવનની પ્રેરણા આપી શકતી નથી. ઊલટું એ આપણને છકેલ કરી દે છે, આપણી કલ્પનાને વિકૃત કરી દે છે-

  • એમ તો આ ફિરંગી જ્ઞાનીની

સાવ કુંઠિત ને જડ છે ઉર-પાંખો;
તે છતાં એય પણ ખરું છે કે
તે ધરાવે છે દેખતી આંખો!

  • પશ્ચિમે જે દીધું છે આપણને

બુદ્ધિ અજવાળનાર છે તે જામ;
સૂર્ય છે એ, છતાં હકીકતમાં
એ નથી આપતો ઉષાનો પયામ!

ખચિત, બુદ્ધિને ઇકબાલ એક અપૂર્ણ સાધન લેખે છે. વિશ્વને ઝેર ચડ્યું છે એનો ઉતાર બુદ્ધિ પાસે નથી. બુદ્ધિ મંજિલે પહોંચાડી શકે, પણ મંજિલે પહોંચવું - ઠેકાણે પડવું તે કંઈ માનવજીવનની સાર્થકતા નથી.

ઈકબાલનો જીવ તો એનાથીયે અતૃપ્ત છે —

મિત્રો ખુશ છે, કે મુજ સમો રખડુ
અંતે આવી ગયો છે મંજિલ પર;
કિંતુ આ જ્ઞાન – બુદ્ધિના માર્ગે
શું વીત્યું મુજ પર, એમને શી ખબર?

આથી જ ઇકબાલ વારેવારે બુદ્ધિની સામે દિલને - પ્રેમને મૂકે છે. બન્નેનાં સ્થાન અને કાર્ય એ જુદાં બતાવી આપે છે. એક વાર એમ કહે છે કે ‘પ્રેમ મારો રહેબર છે' ને 'બુદ્ધિ મારી ચાકર છે.’ તો બીજી વાર એમ પણ કહે-

બુદ્ધિ હો તુજ ચિરાગ, તો એને
કોઈ મારગમાં જઈને દે મૂકી;
પ્રેમ હો તારું જામ, તો કોઈ
મર્મજ્ઞાતાની સાથ બેસી પી.

એટલેકે બુદ્ધિ એક સાધન છે. પણ પ્રેમ એક અનુભવ છે. આથી જ, ઇકબાલ પ્રેમની સંમતિ નથી તેવી બુદ્ધિ કરતાં અંધતાનેયે ઇષ્ટ ગણે છે. અલબત્ત, ઇકબાલ બુદ્ધિનો ઈન્કાર ન કરી શકે, પ્રેમની સંમતિની અનિવાર્યતા જ દર્શાવી શકે. કેમકે એ જાણે છે કે —

દિલ અને બુદ્ધિ વસે એક વાસમાં
તો પછી છે મર્મ કંઈ એમાં જરૂર;
કે ગમે છે બુદ્ધિને દુનિયાનો સંગ,
ને મથે છે દિલ રહેવા દૂર દૂર.

દિલ અને બુદ્ધિનો યોગ એ ઈશ્વરદત્ત છે તો તેનું પરિણામ - દુનિયામાં હોવું છતાં ન હોવું - એ મનુષ્યની નિયતિ છે. બુદ્ધિને દિલની સંમતિ મળી રહે એ મનુષ્યની સિદ્ધિ હશે.

પ્રેમને વિષય કરીને ચાલતાં મુક્તકો આ સંગ્રહમાં ઘણાં છે. એમાં પ્રેમની પ્રકૃતિ ને શક્તિ વિશેના માર્મિક ઉદ્ગારો છે : પ્રેમને કોઈ માર્ગદર્શક ખપતો નથી, એ પોતે પોતાનો માર્ગ કોરે છે; પ્રેમ કિનારાને સલામત માનતો નથી અને તોફાની સાગરમાં પોતાની નાવ ઝુકાવે છે; પ્રેમને વાચાની જરૂર નથી, એ મૂગી દૃષ્ટિને બોલતી કરે છે; નિઃશ્વાસ નાખે છે એ પ્રેમ નિજથી અજ્ઞાત છે. વિરહવેદના પી લેવી એ જ એનું લક્ષણ છે; જાતનું સમર્પણ એ પ્રેમની ટેક છે; જિંદગીનો આશય પ્રાણ નથી, પણ પ્રેમ છે; પ્રેમ દિવ્ય આત્મદર્શનનો માર્ગ છે; સાચા પ્રેમીઓ માટે પુણ્યતાઓનું ખૂન પણ હલાલ છે; વિશ્વની અનંતતા મૃત્યુ છે પણ મનુષ્યઆત્માની અનંતતા પ્રેમ છે; પ્રેમમાં પહાડને પણ ખભે ઉપાડવાની શક્તિ છે.

આ પ્રેમ એ ઐહિક વ્યક્તિપ્રેમ નથી જ. એ તો મોહ. પ્રેમ તો તેજ-તાપભરી લાહ્ય છે, મોહ તો એક તરણું. આ પ્રેમની કથની એક-બે શ્વાસમાં ન કહેવાય, એ માટે એને અમરતા મળવી જોઈએ. આ પ્રેમ કયા પ્રકારનો, કઈ ભૂમિકાનો પ્રેમ છે તે નીચેનાં મુક્તકોમાં વેધકતાથી સૂચવાયું છે :

  • પ્રેમને માત્ર કો' સુરાલયમાં

કંઈક કહેવાની થાય છે ઈચ્છા;
કેમકે પ્રાર્થનાલયોમાં હવે
કો' નથી એના મર્મના જ્ઞાતા.

  • મસ્જિદે, મંદિરે – બધે આજે

આપણી પ્રીતની જ છે ચર્ચા;
આપણા મર્મની છતાં કો’ને
જાણ છે ના, ન જાણવા ઇચ્છા!

  • કેટલાયે યુગો સુધી જીવન

મસ્જિદ-મંદિરે કરે છે રુદન,
ત્યારે કો' પ્રેમની સભામાંથી
નીકળે છે કો' મર્મજ્ઞાતા જન!

પ્રાર્થનાલયો-મંદિરો-મસ્જિદોની નિષ્ફળતાને કારણે જેને સુરાલયનો આશ્રય લેવો પડ્યો છે એ આ પ્રેમ કયો તે સમજાવવું પડે તેમ નથી. મંદિરો-મસ્જિદોમાં આ પ્રેમની વાતો તો થાય છે, પણ એનો મર્મ સમજવાની કોઈ પ્રવૃત્તિ હોતી નથી. પરિણામ શું આવે છે? જીવનને રુદન કરવું પડે છે તે.

ગૂંગળાવનારી આ પરિસ્થિતિઓ છતાં ઈકબાલની કવિતા નિરાશાની કવિતા નથી. એ પડકારની કવિતા છે, મુકાબલાની કવિતા છે. એ ભગ્ન સ્વપ્નો વાગોળ્યા કરવાનું સ્વીકારતા નથી. કેમકે એ માને છે કે ઝિંદાદિલ આદમીઓ જીર્ણ ખાકમાંથી નવી આલમ સર્જતા રહે છે. ઈશ્વર એણે સર્જેલી દુનિયાને એમ ને એમ રહેવા દઈ શકે, પણ મનુષ્ય નહીં.

જ્યારે ઈશે કહ્યું : 'હવે ના બોલ,
વિશ્વમાં છે બધું કંઈક એમ જ!'
ત્યારે માનવ વદ્યો : 'જો એમ જ છે,
તો તો એને થવું ઘટે તેમ જ!'

મનુષ્યઆત્માની શક્તિમાં - આમ ભલે એ અલ્પાત્મા છે છતાં - અનુપમ વિશ્વાસ એ ઈકબાલની કવિતાનો બુલંદ લલકાર છે. મનુષ્ય-આત્મા છે તો એક કણ, પણ પોતાને પક્વતર કરે તો એ સૂર્યની કક્ષાએ પહોંચી શકે છે. હા, પક્વતર બને તો. આ પક્વતર બનવું એટલે શું?

મોતી બનવું સ્વયંની છીપ મહીં
એ ક્રિયાનું જ નામ છે જીવન!
લાહ્યમાં રહીને પણ પીગળવું નહીં
એ દશાનું જ નામ છે જીવન!

તાત્પર્ય કે આત્મસ્થ બનવું.

માણસની ઘણીબધી આશા-નિરાશા, તૃપ્તિ-અતૃપ્તિ, સુખાનુભૂતિ-દુઃખાનુભૂતિનું કારણ પોતાની આજુબાજુની સૃષ્ટિ અને ઘટનાઓ તરફનું એનું વલણ હોય છે. સૃષ્ટિ આપણી દૃષ્ટિથી કેટલીબધી ઘડાયેલી-રંગાયેલી હોય છે!-

મારા 'જોવા' અગર ‘ન જોવા' પર
'છે' અગર તો 'નથી'નો છે આધાર!
સ્થળ અને કાળ — એ ઉભય પર છે
મારી રંગીન કલ્પનાનો ચિતાર!

કાચી નજર પ્રિયતમના દર્શન આડેયે પડદા નાખી શકે છે. જરૂર છે તે નજરબદલાની, નજર કેળવવાની.

શરાબમાં કેફ ભાળવા માટેયે ‘નજર'ની જરૂર હોય છે પણ ઈકબાલ એવી નજર માગે છે કે જે પથ્થરમાંયે ચિનગારી જોઈ શકે. નિગાહનો પલટો એક પલમાં દુનિયાને પલટી શકે છે.

આત્મસ્થતા આવે છે ને નજર કેળવાય છે એ આસ્થા દ્વારા. આસ્થા હોય પછી કોઈ પણ શસ્ત્ર વિના રણમાં સંગ્રામ ખેલી શકાય છે. જેનામાં પોતાનામાં આસ્થા છે તે બીજી સરિતામાંથી એક પ્યાલીયે ભરતો નથી, કે નથી ચાંદા-સૂરજ પાસે તેજની ભીખ માગતો. પ્રાણનું મૃત્યુ તો કદી હોતું નથી, શ્રદ્ધા-શૂન્યતા એ જ મૃત્યુ છે. આ આત્મસ્થતા, આત્મશ્રદ્ધા, ખુદી એ જ પરમ પ્રાપ્તવ્ય છે, ઈશ્વરની પ્રાપ્તિ પણ એમાં જ આવી જાય છે :

ને ખુદાથી ખુદીની યાચના કર,
ને ખુદીથી ખુદાને પામી લે!

ખુદીને પામનારને બીજી કોઈ મંજિલ હોતી નથી. મંજિલનો ખ્યાલ જ એનો છૂટી જાય છે. એ તો અનંત પ્રવાસી છે. એ માળો શોધતો નથી. એને ઉડ્ડયનનો જ રસ હોય છે; એને નથી મોતીની કે કિનારાની ખેવના, મોજાં સાથે બાથ ભીડવામાં જ એનો આનંદ છે. દિલ જ્યાં સુધી સાથ, સાધન કે પડાવ માગે ત્યાં સુધી સાધના અધૂરી. કાયાના બંધનમાંથી નથી છુટાયું તેનો એ પુરાવો.

તો કાયાથી પર એવા આત્મતત્ત્વની ઈકબાલમાં સ્થાપના છે. એ એક રહસ્યમય પ્રક્રિયા છે ને એની વેદના પણ છે એનો સંકેત કરવામાં ઇકબાલના તત્ત્વવિચારની આધુનિકતા છે, તાજગી છે :

  • જિંદગીનું અમૂલ્ય એવું રતન

ખાકના ખોળિયા મહીં ગુમ છે;
પ્રશ્ન એ છે કે, ગૂમ થયેલ રતન
'તે' જ છે, કે પછી 'અમે' જ છીએ?

  • જરા જામ મુજ હાથમાંથી લઈ લો,

કે હું આજ તો હાથથી જઈ રહ્યો છું;
હરી લીધું છે ભાન સાકીએ મારું,
અને હું જ 'હું'થી જુદો થઈ રહ્યો છું!

આ મુક્તકો તો ઈકબાલના જીવનદર્શનનો એક આછો-અધૂરો દસ્તાવેજ ગણાય. તેમ છતાં તેમાંથી એક પ્રભાવક, પોતીકું, આજના જીવન સાથે સંબદ્ધ એવું દર્શન આપણે પામી શકીએ છીએ એ ઘણી મોટી વાત છે, ઈકબાલની દાર્શનિકતાને સુપેરે સ્થાપી આપનાર બાબત છે.

મુક્તકો ઉદ્બોધન (ઘણી વાર તો આત્મ-ઉદ્બોધન), આત્મનિવેદન, પ્રાર્થના — એમ વિવિધ પ્રકારે લખાયેલાં છે. એમાં સાવ સીધા કથનના દાખલા મળે જ છે, પણ મોટે ભાગે કથનની કશીક વિશેષતા, વક્રતા ને ઉપમારૂપકાદિ વ્યાપારથી સધાતી ચિત્રાત્મકતા જોવા મળે છે. મૂળની અભિવ્યક્તિની માર્મિકતા અનુવાદમાં કેટલી સચવાઈ છે એ તો મારા જેવા ફારસી ભાષાના અણજાણને માટે કહેવું મુશ્કેલ છે, પણ કેવળ આંખથી જોતાં દેખાય છે તે એ કે ગુજરાતી અનુવાદમાં મૂળ ફારસી કરતાં દોઢા-બમણા શબ્દોની જરૂર પડી છે. બે ભાષાના પ્રકૃતિભેદને કારણે આમ થયું હોય કે સ્વીકારેલા ચાર ચરણના પદ્યબંધોએ વાતને જરા ફેલાવવાની ફરજ પાડી હોય. મૂળની સઘનતા ને તેથી ચોટ થોડી ઓછી થઈ હોવાનો વહેમ જાય છે. મૂળની ધ્વનિરચના તો સાચવી ન જ શકાય ને? પણ આ તો કોઈ પણ કવિતાના અનુવાદની સ્વાભાવિક મર્યાદાઓ છે.

મુક્તકોમાં ક્યાંક અસ્પષ્ટતા કે ક્યાંક કલ્પનાની ગૂંચ દેખાય છે. કાચી માટીને પ્રેમ વડે કીમિયારૂપ બનાવવાની વાત બરાબર સમજાતી નથી. પ્રેમ એ કાચી માટીનું રૂપાંતર કરનારો કીમિયો હોવાનું વધારે બંધ બેસે. પણ સંભવ છે કે 'કીમિયા’ શબ્દનો અહીં કંઈ જુદો અર્થ હોય. 'લાલા'ના પગમાં ફૂલને રગદોળીને સુરા પીવાની વાત પણ બરાબર કહેવાઈ ન હોય એમ લાગે છે. 'લાલા' લહેરી, ફક્કડ માણસના અર્થમાં હશે એમ લાગે છે (ફારસીમાં એના બીજા અર્થો છે એ જોતાં સંશય થાય છે), પણ ફૂલને એના પગમાં રગદોળવાની અને સુરા પીવાની વાત સંધાતી નથી. એના પગ તળે ફૂલ કચરીને બનાવેલી સુરા અભિપ્રેત છે? તો વાક્યરચના વધુ સાફ જોઈએ. આવું બહુ ઓછે ઠેકાણે છે ને એ મૂળની જ ખામી છે કે અનુવાદની એ કહી શકાય તેમ નથી.

અંજુમ વાલોડીની પદ્યરચના અત્યંત સાફ છે. સામે ફારસી ભાષા હોવા છતાં, ગુજરાતી ગઝલોમાં ઘણી વાર દેખાતા ફારસી મૂળના પણ ગુજરાતી કવિતામાં જાણીતા શબ્દોના ભારણમાંથીયે એ મુક્ત રહ્યા છે એ આશ્ચર્ય પમાડે એવું છે. વાલોડીની બાની શિષ્ટ ગુજરાતી બાની છે, જેમાં પ્રચલિત સંસ્કૃત શબ્દો પણ છૂટથી વપરાયા છે. 'સ્વયં' શબ્દ જે પ્રચુરતાથી વપરાયો છે (માત્રા દૃષ્ટિએ તો એને સ્થાને ‘ખુદી’ ચાલી શકે) તે જુઓ. ‘બધેબધ' જેવો તળપદો પ્રયોગ જવલ્લે જ દેખાય છે. આવી સ્થિતિમાં ‘કુફ્ર’ ‘શાહબાજી' ‘જિબ્રીલ’ 'યૂસુફ' જેવા ગુજરાતીમાં અપરિચિત ફારસી શબ્દો ટાળી શકાયા નથી તે તરફ ધ્યાન ગયા વિના રહેતું નથી. છેલ્લાં બે વિશેષનામો છે પણ એના સંકેતાર્થથી ચાલી શકાયું હોત. ‘પ્રિયતા' જેવો કઢંગો શબ્દપ્રયોગ કે ‘નિજ સ્વભાન’ જેવો દૂષિત પ્રયોગ અનુવાદકની ભાષાસજ્જતા જોતાં ખૂંચે છે.

પણ કવિતાનો અનુવાદ એ જેવું-તેવું કામ નથી. અંજુમ વાલોડીને આટલો સ્વચ્છ અનુવાદ કરતાં કેટલો શ્રમ પડ્યો હશે એ કલ્પી શકાય છે. આવો શ્રમ લેવા માટે જોઈતો દાર્શનિક કવિતાનો ઉત્કટ રસ ને શિષ્ટ ગુજરાતી બાનીની સજ્જતા અંજુમ વાલોડી પાસેથી અન્યભાષી કવિતાના વધુ અનુવાદોની અભિલાષા રાખવા આપણને પ્રેરે છે.

૨૩ નવેમ્બર, ૧૯૯૦

કંકાવટી,* ડિસેમ્બર ૧૯૯૦