zoom in zoom out toggle zoom 

< કવિલોકમાં

કવિલોકમાં/રસસિદ્ધ કવિવરનો ઊંડો ને ઉજ્જ્વળ અભ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રસસિદ્ધ કવિવરનો ઊંડો અને ઉજ્જ્વળ અભ્યાસ

વિશ્વનાથ જાની – એક અધ્યયન, લે. મહેન્દ્ર અ. દવે,
વિતરક : ગૂર્જર એજન્સીઝ, અમદાવાદ, ૧૯૯૦

વિશ્વનાથ જાનીનો હું પ્રેમી છું. મધ્યકાળના જે થોડાક કવિ એમના ખરેખરા કવિત્વથી મને સ્પર્શી ગયા છે એમાં વિશ્વનાથ જાનીનું સ્થાન છે. પ્રેમાનંદ પૂર્વે એક અત્યંત રસભરી મામેરાકથા આપનાર આ કવિ એ કૃતિ પરત્વે તો પ્રેમાનંદથી અતિક્રમાઈ ગયા, પરંતુ એમની ‘પ્રેમપચીસી' અને 'ચતુરચાલીસી’ તો એ વિષયનાં મધ્યકાલીન કાવ્યોમાં શિરમોર જ રહી છે. 'પ્રેમપચીસી'ના પ્રકારની ઉદ્ધવસંદેશની રચના પ્રેમાનંદ અને દયારામ જેવા તથા ચાતુરીઓની રચના નરસિંહ જેવા પ્રથમ પંક્તિના કવિઓને હાથે થઈ હોવા છતાં. આ હકીકત વિશ્વનાથ જાનીના કવિત્વની ઉચ્ચ કોટિ નિર્વિવાદપણે સિદ્ધ કરી આપે છે.

આમ છતાં મધ્યકાળના જે કેટલાક કવિઓને આપણા સાહિત્ય-ઇતિહાસ કે સાહિત્ય-અભ્યાસમાં ઘટતું સ્થાન આપવાનું હજુ બાકી છે એમાં, મારી દૃષ્ટિએ, વિશ્વનાથ પણ આવે. એનાં કારણો સમજી શકાય એવાં છે - ‘મોસાળાચરિત્ર', આગળ કહ્યું તેમ, પ્રેમાનંદની આ વિષયની કૃતિથી અતિક્રમાઈ ગયું, ‘પ્રેમપચીસી'ની અનન્યતા અને એમાંના વિશ્વનાથ જાનીના કવિકર્મની બારીકીઓ તરફ પૂરતું લક્ષ ગયું નહીં અને ‘ચતુરચાલીસી’ તો હમણાં સુધી અપ્રગટ રહી. મારે સ્વીકારવું જોઈએ કે 'ચતુરચાલીસી'ના પ્રકાશને વિશ્વનાથ જાનીના મારા મૂલ્યાંકનને શગ ચડાવી છે.

‘પ્રેમપચીસી' જેવી સુમધુર કૃતિના સર્જકની ‘ચતુરચાલીસી' પ્રત્યે, ભોગીલાલ સાંડેસરાએ એક ખંડિત પ્રતમાંથી એની જે થોડીક પંક્તિઓ આપેલી તેના પરથી જ, આકર્ષણ થયેલું. આથી જ્યારે જાણવા મળ્યું કે મહેન્દ્રભાઈને એની અખંડ પ્રત હાથ લાગેલી છે ને એમણે વિશ્વનાથ જાની વિશેના પોતાના મહાનિબંધમાં એની વાચના પણ આપી છે ત્યારે મારો જીવ ઝાલ્યો ન રહ્યો. એનું પ્રકાશન થવું જ જોઈએ એવો મને ઉધામો ચડ્યો. મહેન્દ્રભાઈને મળેલી અખંડ હસ્તપ્રત અને સાંડેસરાવાળી ખંડિત હસ્તપ્રત બન્ને મોડા સમયની અને ઘણી ભ્રષ્ટ પ્રતો હતી - કાનામાતરનાં ઠેકાણાં નહીં અને બીજાંયે ઘણાં સ્ખલનો. મહેન્દ્રભાઈએ એમના પીએચ.ડી.ના માર્ગદર્શક કાન્તિલાલ વ્યાસની સહાયથી સ્વચ્છ પાઠ ઊભો કરવાની કોશિશ કરી હતી, પણ હજુ મુશ્કેલીઓ નજરે ચડતી હતી. મહેન્દ્રભાઈએ ફરી સંપાદનશ્રમ આરંભ્યો. હરિવલ્લભ ભાયાણીની સહાય લીધી અને વધુ સ્વચ્છ પાઠ તૈયાર કર્યો. ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘ભાષાવિમર્શ'માં એને પ્રગટ કરવાનો ઉત્સાહ બતાવ્યો અને એ રીતે વિશ્વનાથ જાનીની એક સુંદર કૃતિ પ્રકાશમાં આવી. ‘પ્રેમપચીસી'માં વાત્સલ્યભાંવના આલેખનમાં સવિશેષ રસ બતાવી, શૃંગારના આલેખનને ગૌણ કરી નાખનાર કવિની એ વિષયના નિરૂપણની કેવી નિજી પ્રતિભા છે એ ‘ચતુરચાલીસી'ના પ્રકાશને બતાવી આપ્યું.

પછી તો, ‘મોસાળાચરિત્ર'ની એક સ્વતંત્ર હસ્તપ્રત મહેન્દ્રભાઈને હાથ લાગેલી હતી એ જાણતાં એ કૃતિનું પુનઃસંપાદન પ્રગટ કરવાનો ઉદ્યમ પણ એમની પાસે કરાવ્યો અને હવે આવા રસસિદ્ધ કવિવરનો સમગ્રદર્શી અભ્યાસ લઈને મહેન્દ્રભાઈ આપણી પાસે આવ્યા છે. આ બધું મારે માટે અત્યંત તૃપ્તિકર છે પણ પરિતૃપ્તિ તો ત્યારે જ થશે, જ્યારે વિશ્વનાથ જાનીની ચારે કૃતિઓ મહેન્દ્રભાઈને હાથે એકીસાથે એક ગ્રંથમાં પ્રાપ્ત થશે. એથી વિશ્વનાથ જાનીની કવિતાના આસ્વાદ અને અભ્યાસની ઘણી મોટી સગવડ ઊભી થશે.

પ્રસ્તુત પુસ્તક છે તો પીએચ.ડી.ની પદવી માટે તૈયાર કરાયેલો મહાનિબંધ, પણ અહીં એ સમાઈ ગયો છે માત્ર દોઢસો પાનાંમાં! પીએચ.ડી.ના મહાનિબંધોનાં સામાન્ય રીતે મોટાં પોથાં-થોથાં જોવા મળે છે, ત્યારે મહેન્દ્રભાઈના આ સંયમને અને એમના લાઘવને આપણે દાદ આપવી પડે. લાઘવ એટલે સંક્ષેપકથન અને લાઘવ એટલે કૌશલ પણ; પણ લાઘવ એટલે ત્વરિતતા તો નહીં જ, કેમકે ૧૯૬૯માં તૈયાર થયેલો મહાનિબંધ છેક ૧૯૯૦માં એટલેકે ૨૧ વર્ષે પ્રગટ થાય છે. એ રીતે મહેન્દ્રભાઈનો પ્રકાશનસંયમ પણ દાદ માગી લે છે. ઘણા મેદસ્વી મહાનિબંધો આવા તન્વંગી સ્વરૂપે આવે તો વધુ મનોહર લાગવા સંભવ છે. મહેન્દ્રભાઈએ ત્રણ મહત્ત્વનાં પ્રકરણો તારવી લીધાં છે ને એમાં પણ આવશ્યક સંમાર્જનનો શ્રમ ઉઠાવ્યો છે, જેને કારણે આ પુસ્તકનું આવું સુઘડ સ્વરૂપ સિદ્ધ થયું છે.

પુસ્તકના આરંભમાં વિશ્વનાથ જાનીનો પરિચય આપવામાં આવ્યો છે તેમાં જ લેખકની શોધદૃષ્ટિના સંકેતો આપણને સાંપડે છે. સત્યાશિયા દુકાળની છાયા ‘સગાળચરિત્ર'ના નિરૂપણમાં પડેલી હોવાની સંભાવના અવશ્ય લક્ષમાં લેવા જેવી છે ને એને આધારે વિશ્વનાથ જાનીના જીવનકાળને થોડો આગળ ખસેડવામાં પણ બહુ જોખમ નથી, પરંતુ અંતે સમગ્ર જીવનકાળની -જન્મમૃત્યુનાં વર્ષો સાથે - સંભાવના એ તો સંભાવના જ રહે. જે તર્કો ઉપર મધ્યકાલીન કવિઓનાં સમગ્ર જીવનકાળનાં વર્ષોની ઈમારત આપણે ઊભી કરતા હોઈએ છીએ એ તર્કો નિરપવાદ નથી હોતા, બલકે એને ઘણા અપવાદો હોવાની શક્યતા હોય છે તેથી ચોક્કસ વર્ષો સાથેના જીવનકાળની કલ્પના કરવાનું કેટલે અંશે યોગ્ય છે એ વિશે મને હમેશાં સંશય રહે છે.

વિશ્વનાથ જાની પાટણના નહીં, પણ પાટણપંથકના, પાટણની આજુબાજુના કોઈ ગામના વતની હોવાના મતને મહેન્દ્રભાઈ વધુ તર્કસંગત માને છે કેમકે ‘મોસાળાચરિત્ર'માં ‘ગોવિંદકૃપાએ ગ્રંથ બાંધ્યો પ્રેમે પાટણ દેશ' એમ 'દેશ' શબ્દ વપરાયો છે. ‘દેશ' શબ્દ મધ્યકાલીન સાહિત્યમાં 'સ્થાન'ના અર્થમાં પણ ક્યારેક વપરાતો હોવાનો મને વહેમ છે (તાત્કાલિક એનું કોઈ ઉદાહરણ હું શોધી શકતો નથી) ને અહીં ‘દેશ' એ પ્રાસશબ્દ છે તેથી વિશ્વનાથ જાનીએ આ કૃતિની રચના પાટણમાં જ કરી હોય ને એ પાટણના વતની હોય એ સંભાવના સાવ રદ કરવા જેવી મને નથી લાગતી. રચનાનાં ચોક્કસ વર્ષ, તિથિ, વારનો ઉલ્લેખ કરનાર કવિ રચનાના ચોક્કસ સ્થળનો પણ ઉલ્લેખ કેમ ન કરે? રચનાસ્થળ તરીકે પંથકના ઉલ્લેખની રૂઢિ પણ વિરલ હોવા સંભવ છે.

પણ વિશ્વનાથ જાની મૂળે કનોડિયા જાની હશે એ તર્કને પૂરો અવકાશ છે.

કૃષ્ણભક્તિના – વૈષ્ણવભક્તિનાં ત્રણ સુંદર કાવ્યો રચનાર કવિની પરંપરાગત ધાર્મિક માન્યતા શૈવમાર્ગી હોવાનો સંભવ મહેન્દ્રભાઈ દર્શાવે છે, કેમકે એમના 'સગાળચરિત્ર'માં શૈવ તત્ત્વનું પ્રાધાન્ય છે. અન્ય સગાળકથાઓમાં શૈવ તત્ત્વ તો છે પણ એનું આવું પ્રાધાન્ય નથી. આ તર્ક અવશ્ય વિચારણીય છે, પરંતુ 'જાની'ની નામછાપવાળું 'શ્રીનાથજીનું ધોળ' આ કવિનું હોવાનો સંભવ સ્વીકારીએ - મહેન્દ્રભાઈ સ્વીકારે છે - તો એમને પુષ્ટિમાર્ગીય માનવાનો વારો આવે. (પાઠની કેટલીક અશુદ્ધિ ધરાવતા આ પદનો ઝાઝો આધાર લેવામાં મને, જોકે, જોખમ લાગે છે.) વળી, વિશ્વનાથ જાનીએ પોતાની કોઈ કૃતિના મંગલાચરણમાં શિવની સ્તુતિ નથી કરી - ‘મોસાળાચરિત્ર'ના આરંભમાં દામોદરની સ્તુતિ છે ને 'સગાળચરિત્ર'ના આરંભમાં શંકરસુત તથા બ્રહ્મસુતાની (બીજાં બે કાવ્યોમાં મંગલાચરણ નથી), એ હકીકતને પણ લક્ષમાં લેવી પડે. સમગ્રપણે જોતાં પરિસ્થિતિ સંદિગ્ધ બની જાય છે. એ વાત સાચી છે કે શૈવ-વૈષ્ણવ સંસ્કારોની સહ- ઉપસ્થિતિ બિલકુલ અસંભવિત નથી અને કનોડિયા જાની જો સામાન્ય રીતે શૈવ હોય તો વિશ્વનાથ જાનીનો કુલધર્મ પણ શૈવ હોવાનો સંભવ વધારે અને વૈષ્ણવભક્તિનો રંગ એના ઉપર ચડ્યો હોય.

પુસ્તકના બીજા પ્રકરણમાં વિશ્વનાથ જાનીની કૃતિઓનો અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ પરંપરા અને પરિવર્તનને સંદર્ભે થયો છે તેથી વિશ્વનાથ જાનીની પોતીકી વિશેષતાઓને પ્રકાશિત કરવાનું એક મહત્ત્વનું કામ એ દ્વારા થઈ શક્યું છે. લેખક વિશ્વનાથ જાનીની ઊંચી કક્ષાની કવિસૂઝને પ્રકાશિત કરવા સાથે એમની મર્યાદાઓ પ્રત્યે પણ અંગુલિનિર્દેશ કરવાનું ચૂક્યા નથી. 'સગાળચરિત્ર' અંતર્ગત કર્ણકથામાં મહાભારતમાં પણ જોવા ન મળતા કર્ણત્યાગવેળાનાં કુંતીની વેદનાના આલેખનને જાનીની કાવ્યકૃતિનો એક અતીય રમણીય અંશ ગણાવતી વેળા કર્ણજન્મ અને કર્ણત્યાગના પ્રસંગો 'સગાળચરિત્ર'ના ઘટનાતંત્ર સાથે સુસંગત બને એવા નથી એ કહેવાનું એ બાકી રાખતા નથી.

સગાળકથા અંગે અહીં એક સરસ નિરીક્ષણ થયેલું મળે છે: દક્ષિણ ભારતમાંથી આવેલી આર્યેતર બીજવાળી સગાળકથા સાથે કર્ણકથાને જોડી દેનારે એને આર્ય પૌરાણિકતાનો રંગ લગાડી દીધો છે. આના અનુસંધાનમાં લેખક સગાળકથા આખ્યાન કે લોકકથા એવો પ્રશ્ન ઉઠાવી આખ્યાનની વ્યાખ્યાને બદલાવે છે તે વધારે નોંધપાત્ર છે : "મધ્યકાલીન આખ્યાનને પૌરાણિક કથા સાથે અવિનાભાવ સંબંધે જોડી દેવાની જરૂર પણ નથી.” “આખ્યાન ધર્મપર્યવસાયી કથાઓ દ્વારા શ્રોતાઓની ધાર્મિક જિજ્ઞાસા પરિતૃપ્ત કરવાનો ઉપક્રમ ધરાવે છે, જયારે લોકકથા શ્રોતાઓની ધરાતલની - વાર્તારસની અને સંસારી રસની - જિજ્ઞાસાનો પરિતોષ સાધે છે.” (પૃ.૩૬)

વિશ્વનાથ જાનીનું ‘મોસાળાચરિત્ર' આ વિષયની પહેલી સુવિકસિત કૃતિ છે. આ હકીકત એ કૃતિના અહીં રજૂ થયેલા અભ્યાસમાં સુપેરે સદૃષ્ટાંત સ્ફુટ થઈ છે. લેખક કહે છે એ ખરું છે કે “વિશ્વનાથ જાની સો પ્રથમ આ પ્રસંગને શુષ્ક ચમત્કારમાંથી મૂર્ત કાવ્ય રૂપે સંક્રાન્ત કરી બતાવે છે.” (પૃ.૫૭) આ અભ્યાસ વિશ્વનાથ જાનીનાં પ્રેમાનંદ સાથેનાં સામ્યભેદ બતાવવા સુધી વિસ્તર્યો છે તેથી બે સુકવિઓની શક્તિ-મર્યાદા અને સ્વભાવભિન્નતા પર પણ કેટલોક રસપ્રદ પ્રકાશ પડ્યો છે. આ તુલનાનો લેખકે કાઢેલો નિષ્કર્ષ એમની તટસ્થ, સ્વસ્થ, સમતોલ વિવેચનદૃષ્ટિનો દ્યોતક છે : “આ બન્નેનાં કાવ્યો રસદૃષ્ટિએ પરસ્પરની અતિ નિકટ હોવા છતાં અને પ્રેમાનંદ ઉપર વિશ્વનાથ જાનીનું, આ કાવ્ય પૂરતું ઘણું ૠણ હોવા છતાં પ્રેમાનંદની સર્જનાત્મક શક્તિનું સામર્થ્ય નિઃશંક ચઢિયાતું છે.” (પૃ.૬૪)

મોસાળાની કથાઓમાં વ્યક્ત થતા સમાજચિત્રની એમાંનાં વસ્ત્રો ને વ્યક્તિનામો, સીમંતાદિની વિધિઓ ને રૂઢિઓ, નાગરસમાજની લાક્ષણિકતાઓની અહીં થોડી વીગતે વાત થઈ છે એ ગમે છે, એ ઉપયોગી પણ જણાય છે કેમકે સામાજિક સંદર્ભ મધ્યકાલીન કૃતિઓનો તો અવિભાજ્ય અંશ ગણાય. એને અવગણીને મધ્યકાલીન કૃતિનો સાચો આસ્વાદ ન થઈ શકે અને સામાજિક ઇતિહાસની તો એ મહત્ત્વની સામગ્રી કહેવાય.

અહીં રત્ના ખાતીના રાજસ્થાની મામેરાનો બે-ત્રણ વાર ઉલ્લેખ થયો છે અને એને વિષ્ણુદાસની પૂર્વેની રચના માનવામાં આવેલ છે. આ હકીકત શંકાસ્પદ છે. રત્ના ખાતીની કૃતિમાં સં.૧૬૧૬ (ઈ.સ. ૧૫૫૦) આવે છે તે કાવ્યરચનાના વર્ષ તરીકે નહીં, પણ ભગવાને કુંવરબાઈનું મોસાળું ભર્યાના વર્ષ તરીકે આવે છે. વળી; પ્રાપ્ત છે તે રત્ના ખાતીની અસલ કૃતિ નહીં, પણ એનું શિવકરણે કરેલું સંવર્ધન. એ સંવર્ધિત કૃતિનું રચનાવર્ષ ક્યારેક સં.૧૯૨૫ (ઈ.સ.૧૮૬૯) દર્શાવાયું છે. એટલે આ સ્વરૂપમાં તો એ ઘણી મોટી રચના છે. રતના ખાતી ક્યારે થઈ ગયા અને એમની કૃતિ કયા પ્રકારની હશે એ કહેવું મુશ્કેલ છે. ઓછામાં ઓછું, આ કૃતિને પ્રાચીન માની એને આધારે કંઈ તારણો કાઢવા જેવાં નથી.

નરસિંહના આત્મકથાત્મક ‘મામેરું'નો પણ મહેન્દ્રભાઈએ વારંવાર પોતે કરેલી તુલનાઓમાં નિર્દેશ કર્યો છે. વિશ્વનાથ જાની અને પ્રેમાનંદમાં જે કથાવિકાસ સિદ્ધ થયો છે તેનાં બીજ એમને નરસિંહની કૃતિમાં સતત દેખાયાં કર્યાં છે પણ એમનો એવો અભિપ્રાય છે કે “નરસિંહનું આ કાવ્ય કથાવિકાસની દૃષ્ટિએ જેટલું મૂલ્યવાન છે એટલું શુદ્ધ કાવ્યદૃષ્ટિએ નથી.” (પૃ.૬૩) મને પોતાને તો આમાં આત્મકથાત્મક ‘મામેરું'નું કર્તૃત્વ નરસિંહનું નહીં પણ પ્રેમાનંદ પછીના સમયના કોઈ અજ્ઞાત કવિનું છે એવા મારા મત (જુઓ ‘સાહિત્યિક તથ્યોની માવજત')નું સમર્થન દેખાય છે. પણ હું જાણું છું કે મારો મત સ્વીકારાતાં હજુ થોડી વાર લાગશે.

‘પ્રેમપચીસી'માં ઉદ્ધવસંદેશનાં કાવ્યોની પરંપરામાં વિશ્વનાથ જાનીએ કરેલાં પરિવર્તનો મહેન્દ્રભાઈએ સંક્ષેપમાં પણ માર્મિક રીતે મૂકી આપ્યાં છે : ભ્રમરતત્ત્વનો સર્વથા અભાવ અને તેથી તત્ત્વદૃષ્ટિને સ્થાને ભક્તિનિરૂપણને — ભાવનિરૂપણને મળતું પ્રાધાન્ય, ઉદ્ધવગોપી- મિલનને બદલે ઉદ્ધવ તથા નંદજશોદાના મિલનના નિરૂપણ તરફ અપાયેલું વિશેષ ધ્યાન અને તેથી વત્સલરસનું થયેલું ઉત્કટ ચિત્રણ, માતાપિતાને કૃષ્ણ તરફથી પાઠવવામાં આવતો તત્ત્વોપદેશ નહીં પણ આશ્વાસનસંદેશ, પ્રારંભિક દેવસ્તુતિ ટાળીને પાત્રની ઉક્તિથી જ કરાયેલો નાટ્યાત્મક આરંભ, એકએક પદ એકએક પાત્રની પોતાની ઊર્મિને અભિવ્યક્ત કરતું હોય એવી રચનાશૈલી વગેરેવગેરે. "ગોપીઓનો વિયોગભાવ જાની કલાથી નિરૂપી શકતા નથી” (પૃ.૭૪) એમ લેખક કહે છે તેમાં તથ્ય છે પરંતુ આ કાવ્યમાં કવિનું લક્ષ એના તરફ ઝાઝું રહ્યું ન હોય એમ બને. કદાચ ભક્તિશૃંગારની વિશ્વનાથની કલ્પના જુદી અને પોતીકી છે, જેમાં સ્થૂળ, ગાઢાં નિરૂપણોને ઝાઝો અવકાશ નથી, મૃદુ ભાવસૂચક રેખાઓને વધારે અવકાશ છે. ‘ચતુરચાલીસી’ એ બતાવે છે. ‘પ્રેમપચીસી'માં મળતું ‘પાગ રંગું પદમની, એક અક્ષર મુખમાંથી ભણો; અલતો કર માંહે ગ્રહીને આદર કરતો અતિ ઘણો’ જેવું રસિક અનુનય- ચિત્ર પણ એ બતાવે છે.

‘ચતુરચાલીસી’ વિશેના લઘુલેખમાં નરસિંહના આ વિશેના કાવ્યથી વિશ્વનાથ જાનીની કૃતિ જુદી પડી આવે છે એ સમુચિત રીતે બતાવ્યું છે : નરસિંહની ‘ચાતુરીઓ'ના શૃંગારનું નિરૂપણ ઉત્કટ ભોગરૂપનું, કાંઈક શબ્દાળુ અને એક જ પ્રકારનાં ચિત્રોના પુનરાવર્તનવાળું છે, એમાં વિશૃંખલતા છે, ને એની રાધા મત્ત અને પ્રગલ્ભ છે; ત્યારે જાનીના કાવ્યમાં વિપ્રલંભશૃંગારનાં ચિત્રોનું પ્રમાણ વિશેષ છે, એમાં ભિન્નભિન્ન સંચારી ભાવો વડે પુષ્ટ થઈને ક્રમેક્રમે ઉપચય પામીને રતિભાવ શૃંગારની પૂર્ણ કોટિએ પહોંચે છે અને એની ગોપી આર્દ્ર, ભાવનાશીલ અને મુગ્ધા નાયિકા છે. મારી દૃષ્ટિએ સાદ્યંત રસદૃષ્ટિએ થયેલી રચના વિશ્વનાથની જ છે. નરસિંહની નહીં. નરસિંહની કૃતિ વિશ્વનાથની કૃતિની તુલનામાં ઘણી પાંખી પડે છે અને તેથી નરસિંહની કૃતિમાં ક્વચિત્ મળતાં સૂક્ષ્મ ભાવનિરૂપણ કે મનોહર અલંકારોની નોંધ લેવાનું મહેન્દ્રભાઈએ કર્યું છે તે નરસિંહની પ્રતિષ્ઠાને જાણે સાચવી લેવા એવી લાગણી થાય છે. નરસિંહની 'ચાતુરીઓ'ની મર્યાદા બતાવ્યા પછી "નરસિંહની કેટલીક ભક્તિકવિતા તો અનન્ય જ છે.” (પૃ.૮૦) એવું વાક્ય લખવાનું થયું છે તે પણ એવા કારણે જ એમ લાગે છે.

'કવિત્વસમીક્ષા' એ ત્રીજા પ્રકરણમાં રસ, પાત્રસૃષ્ટિ, વર્ણન, છંદ, અલંકાર, ભાષા વગેરેની દૃષ્ટિએ વિશ્વનાથ જાનીની સમગ્ર કાવ્યસૃષ્ટિનું અવલોકન કરવામાં આવ્યું છે. કૃતિપરિચયમાં આવેલા મુદ્દાઓ અહીં ફરીને આવે જ. વળી અહીં તુલનાત્મક દૃષ્ટિબિંદુનોયે પ્રસંગોપાત્ત આશ્રય લેવાયો છે, પરંતુ અહીં મુદ્દાઓ જુદી રીતે ગોઠવાઈને આવ્યા છે. એમાં વીગતે વાત કરવાનો અવકાશ રહ્યો છે અને સરસ દૃષ્ટાંતોને પણ છૂટથી ગૂંથી લઈ શકાયાં છે. એ દૃષ્ટિએ આ પ્રકરણ આપણને વિશ્વનાથ જાનીની કાવ્યસૃષ્ટિની સંનિકટ લઈ જાય છે અને તેથી એમાં પ્રત્યક્ષતાનો રસ આપણે અનુભવી શકીએ છીએ.

વિવિધ રસોના નિરૂપણમાં વરતાતી વિશ્વનાથ જાનીની શક્તિ અને મર્યાદાનો લેખકે તટસ્થ રીતે પરિચય કરાવ્યો છે ને એને અંતે સમાપન કર્યું છે કે "વિશ્વનાથ જાનીની રસસૃષ્ટિ વ્યાપકતા અને વૈવિધ્યમાં નહીં, તો ભાવતત્ત્વની સુકુમારતામાં પ્રેમાનંદથી પણ ક્યાંક ચઢિયાતી લાગવા સંભવ છે.” (પૃ.૯૩) લેખકે કરાવેલા પરિચય પછી આ અભિપ્રાય સાથે અસંમત થવાપણું રહેતું નથી.

પાત્રસૃષ્ટિ વિશેનો ખંડ વિવિધ પાત્રો વિશેનાં અને વિશ્વનાથ જાનીની પાત્રનિરૂપણપદ્ધતિ વિશેનાં અનેક નોંધપાત્ર નિરીક્ષણોથી ભરેલો છે. વસુદેવ તથા નંદ તેમજ દેવકી તથા જસોદા વચ્ચેનો ભેદ માર્મિક રીતે સ્ફુટ કરવામાં આવ્યો છે અને વિશ્વનાથ જાનીનાં પાત્રનિરૂપણોમાં જોવા મળતી નાટ્યાત્મકતા (વર્ણનાત્મકતા નહીં), પાત્રોના સહસંયોજનની પદ્ધતિ તથા પાત્રોની પૌરાણિકતા કે ગુજરાતીતામાં નહીં પણ એમના સનાતન હ્રદયભાવોમાં લેવાયેલો રસ — એ મુદ્દાઓ પ્રૌઢ વિવેચકબુદ્ધિથી સ્થાપિત કરવામાં આવ્યા છે. લેખકના કોઈક નિરીક્ષણ વિશે અભિપ્રાયભેદને અવકાશ અવશ્ય રહે છે. જેમકે, લેખકને દેવકીનું પાત્ર "સ્પષ્ટ અને અસરકારક” લાગતું નથી કેમકે એની દૃષ્ટિ "સીમિત અને રાજસી" છે - એ સોનારૂપા ને ઊંચી મહેલાત વગેરેની સમૃદ્ધિથી કૃષ્ણને સંતુષ્ટ રાખવા ઇચ્છે છે. મારી દૃષ્ટિએ આ "સીમિત અને રાજસી” દૃષ્ટિ દેવકીના પાત્રની વાસ્તવિકતા છે અને એમાં જ એનો વિશિષ્ટ કાવ્યરસ છે. દેવકીની આ દૃષ્ટિને પડછે જ કૃષ્ણના ગોકુળપ્રેમની અનન્યતા ઉઠાવ પામે છે.

એમ લાગે છે કે મહેન્દ્રભાઈનું દૃષ્ટિબિંદુ કંઈક આદર્શવાદને રંગે રંગાયેલું રહે છે. પ્રેમાનંદની કુંવર દામોદર દોશી આવ્યા ત્યારે સાસુ પાસે જઈ 'હાસ કરી ગર્વે ઉચ્ચરી' તે એમને ભક્ત પિતાની પુત્રીને છાજે એવું વર્તન લાગતું નથી. જાનીની કુંવરનો વર્તાવ સાસરિયા પ્રત્યે નમ્ર રહે છે એ એમને ગમે છે. મને પોતાને પ્રેમાનંદની કુંવર વધારે માનવીય લાગે છે. ઓછામાં ઓછું, પ્રેમાનંદ અને વિશ્વનાથ જાનીની કુંવર વિશેની કલ્પના જુદી છે ને બન્નેમાં એમની રીતનું સ્વારસ્ય છે એમ કહી શકાય. પરંતુ છેવટે અભિપ્રાયભેદ તે અભિપ્રાયભેદ જ છે અને લેખકે આ અભ્યાસમાં ઝીણી કામગીરી કરી છે એ હકીકતને કશો બાધ આવતો નથી.

આ પ્રકરણમાં વર્ણન, ભાષા, કાવ્યસ્વરૂપ, સમાજચિત્ર ઉપરાંત છંદ અને અલંકાર જેવાં પરંપરાગત ઓજારોની નોંધ લેવા સુધી મહેન્દ્રભાઈની દૃષ્ટિ પહોંચી છે એ ધ્યાનાર્હ છે. ભાષા વિશેની નોંધમાં કેટલીક વીગતો રસપ્રદ છે ને છંદવિશ્લેષણ ઉપયોગી છે.

વિશ્વનાથ જાનીના ઘણા કવિગુણો પ્રકાશિત કર્યા પછી એમનું સમગ્રપણે મૂલ્યાંકન આપતી વેળા લેખક કંઈક રક્ષણાત્મક સ્થિતિ સ્વીકારે છે, સંકોચપૂર્વક પોતાનો અભિપ્રાય રજૂ કરે છે એ મને જરૂરી લાગતું નથી. “મધ્યકાળનો આ ઓછો જાણીતો કવિ વ્યાપક કાવ્યધોરણોને અપેક્ષિત કક્ષાએ ન પહોંચી શકતો હોય એમ પણ બને. આમ છતાં જાનીનાં કાવ્યોમાં પ્રતિબિંબિત થતી કવિપ્રતિભા જરૂર રમણીય છે.” (પૃ.૧૩૬) આમાં "વ્યાપક કાવ્યધોરણોને અપેક્ષિત કક્ષા” એટલે શું એ હું સમજી શકતો નથી. “નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ અને દયારામના... તુલનાએ… નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની કે રત્નો જેવા કવિઓની કૃતિઓ ઓછી કાવ્યતત્ત્વસમૃદ્ધ જણાય એ સ્વાભાવિક છે. છતાં આવા કવિઓની કેટલીક કૃતિઓ અથવા તેમાંના કેટલાક ખંડોમાં પ્રગટ થતી કવિપ્રતિભા સહૃદયને કાવ્યરસનો આહ્લાદ આપીને સંતૃપ્ત કરે એવી મનોહર છે.” (પૃ.૮૨) આમાં "ઓછી કાવ્યતત્ત્વસમૃદ્ધ” એ શબ્દો વિશ્વનાથ જાની માટે હું ન સ્વીકારું. વિશ્વનાથ જાનીમાં લેખકે દર્શાવેલી કેટલીક મર્યાદાઓ અવશ્ય છે. પણ કયો કવિ મર્યાદાથી મુક્ત છે? નરસિંહ, પ્રેમાનંદાદિ પણ મુક્ત છે? વળી, કેટલીક મર્યાદાઓ તો, લેખક જ દર્શાવે છે તેમ સમગ્ર મધ્યકાલીન સાહિત્યની છે. કહો, મધ્યકાળની એ સાહિત્યરૂઢિઓ છે. નિઃસંશય, વિશ્વનાથ જાનીનું પોતાનું એક ભાવજગત છે અને પોતાની એક કાવ્યશૈલી છે. પણ એમાં એમની સિદ્ધિ મધ્યકાળમાં માગ મુકાવે છે. કવિગુણે હું વિશ્વનાથ જાનીને નાકરવિષ્ણુદાસાદિ કરતાં ચડિયાતા ગણું અને નરસિંહપ્રેમાનંદાદિ કરતાં ખાસ ઊતરતા ન ગણું; ભલે નરસિંહપ્રેમાનંદાદિ એમના સર્જનની વિશાળતા વગેરે કારણોથી આપણને વિશેષ પ્રભાવિત કરે. મેં આરંભમાં કહ્યું હતું તે ફરીને કહું કે મધ્યકાળના જે થોડાક કવિ એમના ખરેખરા કવિત્વથી આપણને આજે પણ સ્પર્શી શકે એમ છે એમાં વિશ્વનાથ જાનીનું સ્થાન છે. એ રસસિદ્ધ કવિવર છે. એવા રસસિદ્ધ કવિવરનો આવો ઊંડો અને ઉજ્જ્વળઅભ્યાસ આપણી સમક્ષ મૂકનાર મહેન્દ્રભાઈ દવે માટે પણ હું આદરનો ભાવ અનુભવું છું.

શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૧૯૯૧