કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/ર૧. હજી હમણાં સુધી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હજી હમણાં સુધી

હજી હમણાં સુધી તો
સમયસર ઘરે પહોંચી શકાતું, નિરાંતથી
સાંજનો તડકો પથરાયો હોય ચારેકોર
એ જોતાં જોતાં ગ્રીન ટી પી શકાતી લિજ્જતથી
ખુરશીમાં બેઠા બેઠા સાંજે
ટપાલમાં આવેલાં સામયિકો પર
નજર નાંખી લીધા પછી
ઊભા થઈ નજીકના બગીચામાં
ઇવનિંગ વૉક લેવા જઈ શકાતું હમણાં સુધી તો.
પાછા આવી નાહીનિચોવી તાજામાજા થઈ
ક્યારેક બટેટાનું શાક ને થેપલાં
તો ક્યારેક દાળઢોકળી કે દહીંભાખરી ખાઈ
નવ વાગ્યાના સમાચાર જોઈ શકાતા સમયસર
ને પછી યાનિસ રિત્સો કે તેદ્યુઝ રોઝેવિચ વાંચતાં
અથવા તો આમીરખાઁનો હંસધ્વનિ સાંભળતાં
આંખ ઘેરાવા લાગે ત્યારે
કવિતાને સપનાંમાં ને સંગીતને હવામાં
ઓગળતા મૂકી ઊંઘી જવાતું
હજી હમણાં સુધી તો ઊંઘ આવી જતી ઘસઘસાટ.

પણ હમણાં હમણાંનું
નવીનવાઈનું કઉતક જ કહેવાય ને એવું
કમઠાણ થાય છે સાંજ પડતાં રોજ
એક પંખી ઊડતું આવે
ને બેસી જાય બરાબર મારી સામે
ખુરશીમાં બેઠા બેઠા હું એને તાક્યા કરું
ધીમે ધીમે બધાં પંખી પાછાં જાય માળામાં
તોય એ ઊડવાનું નામ લે નહિ જરાય
અંધારું ઊતરી આવે ને એ દેખાતું બંધ થાય
છતાંય ઊડી ગયું નહીં જ હોય એમ થયા કરે
હવામાં એની પાંખનો ફફડાટ સાંભળવા
હું એકકાન બેઠો રહું, ખુરશીમાં, સજ્જડ
ટેબલ પર બેય હાથ ઢાળી
ક્યાંય મોડે સુધી; સૂનમૂન.

આમ સાવ નાંખી દેવા જેવી વાતમાં
ખોરવાઈ ગયું છે રોજિંદું ટાઇમ-ટેબલ
ટાઇમમાં ટાઈ પડી છે ને ટેબલના
ચારેય પાયાઓમાંથી ચારે દિશાએ
પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે.
એટલે વગર ટેકે હું અંધારામાં
ખાંખાંખોળાં કરતો હોઉં એમ
પડતો આખડતો અથડાતો અફળાતો
જેમતેમ ઘેર પહોંચું છું
ત્યારે कौन बनेगा करोडपति જોતાં
બેઠાં હોય છે બધાં તલ્લીન.
હું પણ બેસી જઉં છું જોડાજોડ
અમિતાભ બચ્ચનની બેનમૂન અદાકારીમાં
મારા પ્રશ્નોના જવાબ શોધવા.