કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/ર૮. કીડીનાં ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કીડીનાં ગીત


કીડીઓ તાણી ગઈ રે અખશર
જોવા જેવું જોણું આ તે કેવું નમણું નવતર.

વેદપુરાણ સઘળાં જોતાંવેંત
થઈ ગ્યાં પીપળપાન
જોતજોતામાં મૂળથી ફળ લગ
લાધ્યું કેવળજ્ઞાન

જ્ઞાનગંગોતરી અવતરી એવી કે છલક્યાં નેણ નિરંતર
કીડીઓ તાણી ગઈ રે અખશર.

અખશરના એકેક વળાંકે
સામે મળ્યા અખાજી
એને જોઈ મનમાં ને મનમાં
ખૂબ હરખ્યા કબીરાજી

હરખપદૂડી કીડીયેં પણ રણકાવ્યાં રણઝણ ઝાંઝર
કીડીઓ તાણી ગઈ રે અખશર.


પ્રેમગલી સોંસરવી રે
ગઈ કીડી સાજીનરવી રે.

એને પગ અખશરનાં ઝાંઝર રે
એને ઓઢણ કાનોમાતર રે

એને છાની વાતો કરવી રે
પ્રેમગલી સોંસરવી રે
ગઈ કીડી સાજીનરવી રે.

એની વાતો સમજે કબીર રે,
બીજું કોઈ ન જાણે લગીર રે

તો કેમ કાગળમાં ભરવી રે
પ્રેમગલી સોંસરવી રે
ભઈ કીડી સાજીનરવી રે.


એક કીડી છેને તે જાય દોડી...

અધવચ્ચે આડું ઊભું રહી આંતરે છે
લીલુંછમ લીમડાનું ઝાડ
ઝાડ કહે : જાવા નહિ દઉં તને
આગળ છે મોટોમસ સાકરનો પ્હાડ

પ્હાડ ચડવા જોઈં કાગળની હોડી...

એનાં કરતાં તો અહીં રોકાઈ જા
રાતભર પાંદડાંના હીંચકડાં ખાજે
સૂરજ ઊગે તો પછી પૂછી કબીરને
તું તારે સપનામાં જાજે

તને લઈ જાશે ખાખરાની ખિલકોડી...


કીડી ઉપર કટક
લેવા શાનું વટક
ક્યાંથી આવ્યું ભટક ભટક

કંપ્યા ચાંદો સૂરજ
ધ્રૂજ્યા ગ્રહ નક્ષત્ર તારા
રેલ્યા સાતે સાગર
ડોલ્યા ડુંગર અપરંપારા

જોતી કીડી મટક મટક
કે ક્યાંથી આવ્યું રે આ કટક

ગગનગોખ દળવાદળ થંભ્યાં
થંભ્યાં પવન પલાણ્યાં પાણી
ઝાડ ઝાડ વનપંખી થંભ્યાં
થંભી સાળ કબીરે જાણી

પ્રગટી વાણી અટક અટક
એવું આવ્યું રે આ કટક
કીડી પર આ વખત સામટું ત્રાટકતું ત્રટત્રટક.


અલી એઈ ઝીણકૂડી

રૂમઝૂમ કરતી તું નીકળતી જ્યારે
આખુંયે વ્રેમાંડ ચડે ચકડોળે ત્યારે
ઘમ્મર ઘમ્મર ઘમ્મ ઘૂઘરીને ઘમકારે
પ્રથમીએ પડે ઝોણી પગલીની ભાત રૂડી.

અલી એઈ ઝીણકૂડી

ઝાંઝરી પ્હેરીને સાંજે રમવાને જાય
કબીરને ઘેર ત્યારે અજવાળાં થાય
બેયને ભાળીને આભે ચાંદો હરખાય
પછી હરખે કબીર, તુંયેં હરખપદૂડી

અલી એઈ ઝીણકૂડી


ઓહોહો કીડીબેન,
આટલી ઉતાવળે ચાલ્યાં કાં જાવ...

ઓચિંતાં ભૂલાં પડ્યાં
કે કોઈ કામસર આણીગમ આવ્યાં છો
કે પછી કાશીથી
કબીરે મોકલેલ વાયકને લાવ્યાં છો

ઓહોહો ઝીણીબેન, આટલી ઉતાવળે ચાલ્યાં કાં જાવ
જરાં વરિયાળી સાકરનું શરબત પીવો
ગોળધાણાં તો ખાવ...

એટલામાં હુંય
જૂનું પ્હેરણ ઉતારીને પાણકોરું પ્હેરી લઉં
એટલામાં હુંય
મારી કોરી પછેડીને માથાઢંક વીંટી દઉં

હુંય તારી ભેળાભેળ હૅંડતોક આવું
જરા ખોટી તો થાવ...
ઓહોહો કીડીબેન, આટલી ઉતાવળે ચાલ્યાં કાં જાવ...


હાં રે હાં કીડીબાઈ

આવડી તે રીસ શાને કરો
આવડો તે કેમ રાખો બરો
મનમાં ભરી છે શાની રાઈ
હાં રે હાં કીડીબાઈ

તમે કીડી ને હું છું સાકરનો કણ
ભવોભવનું છે એવુંએવું સગપણ
આમ ઈટ્ટાકિટ્ટા કરો નહીં, ના રે ભાઈ
હાં હે હાં કીડીબાઈ

શું આપણાં અંજળ પૂરાં થિયાં
શું કબીરનાં વેણ ભૂલી ગિયાં
શીદ રવડતાં મેલીને ચાલ્યાં કાંઈ
હાં રે હાં કીડીબાઈ


હું રે ભલી
ને મારી ઝાંઝરી ભલી.

અખાએ ઘડાઈ અને કબીરે જડાઈ
બાઈ મીરાંએ ચડાઈ બેઉં પગ
લોકલાજ મૂકી મેં તો નાચી ઝૂકીઝૂકી
તઈં જોવાને મળ્યું રે આખું જગ

હવે જઉં કઈ ગલી
હું રે ભલી ને મારી ઝાંઝરી ભલી.

ઝાંઝરીના ઝીણા સૂર સાંભળે સાહેબ
એને મૌલવીની બાંગ ના સુણાતી
નથી નગારાએ નાદ, આ તો ભીતરનો સાદ
જેને ધબકારે ફાટ ફાટ છાતી

મને સંભળાતી અલી
હું રે ભલી ને મારી ઝાંઝરી ભલી.