કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૩૦. કવિતા લખવા વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિતા લખવા વિશે


કવિતા લખવા માટે
કવિ પાસે બે અંગત જણસ જરૂર હોવી જોઈએ.
એક સ્મૃતિ અને બીજી કલ્પના

સ્મૃતિનો છેડો ભૂતકાળમાંથી લંબાય છે
અને
કલ્પનાનો છેડો ભવિષ્યમાં ફેલાય છે

તમે એને કાગળની
ડાબી અને જમણી બાજુ પણ કહી શકો
અથવા
કવિતા શરૂ થયા પહેલાંની
અને
કવિતા પૂરી થયા પછીની
ક્ષણ પણ કહી શકો.

એ બંનેની વચ્ચે કાગળ પર
જે લખાય છે તે હોય છે વર્તમાન
તમે એને
ક્ષણજીવી કવિતા પણ કહી શકો
કહેવું હોય તો


દરેક વખતે
નવી કવિતા લખવા
નવેસરથી શીખવો પડે છે કક્કો
બારાખડી પણ શીખવી પડે છે નવેસરથી
નવા સ્વર-વ્યંજનનાં સંયોજન રચવાં પડે છે
વ્યંજના સુધી પહોંચવા નવેસર
અક્ષરોના મરોડ ઘૂંટવા પડે છે
ને અર્થના વળાંક રચવા પડે છે સાવ નવેસર

આટલું કર્યા પછીય ધારણા મુજબ
નવું કાવ્ય લખી જ શકાય
એની કોઈ ખાતરી નથી
આ કાગળની દુનિયામાં
કશુંય ખાતરીબંધ હોતું નથી અહીં

અહીં તો જરા જેટલા પવનમાંય ફંગોળાઈ
જવાનું હોય છે ક્યાંનું ક્યાંય
મધદરિયે વમળમાં વહાણ ફસાતાં જાય
ઘૂમચકરડી ઘૂમ ફર્યા કરે ઘમ્મર ફરંગટી ખાઈ
ઉપર ગોળગોળ ચકરાવા લેતા પંખીના પડછાયામાં
નીચે બધાય સઢ લીરેલીરાઈ જઈ પડ્યા હોય ઢગલો
તોય શ્વાસોચ્છ્વાસનાં હલેસાં મારીમારી
પાતાળઊંડાં પાણી કાપવાં પડે છે કાળમીંઢ
છેવટ આ વખતે તો
કોઈ નવા ટાપુ પર પહોંચી શકાશે જરૂર
એમ માની
તમે કોરા કાગળને કાંઠે ઉતરાણ કરો છો
અધરાતે
તમારા સિવાય ભાગ્યે જ બીજું કોઈ હોય
એવી એકલતામાં, તમે, નવેસરથી
કવિતાની રાહ જોયા કરો છો
રાતભર


એક દિવસ હું
મારી કવિતામાંથી બહાર નીકળી
બે પંક્તિઓ વચ્ચે રસ્તો કરતોક
કાગળના છેડે આવીને ઊભો રહ્યો.

જ્યાં કાગળ પૂરો થતો હતો
ત્યાંથી શરૂ થતું હતું જગત.

તમે જાણો છો કે
કવિતાના કાગળમાંથી બહાર નીકળી
જગતની અંદર જવું કેટલું અઘરું હોય છે
બરાબર સપનાંમાંથી સવારમાં જવા જેવું જ સમજોને.

પહેલાં તો આપણને મૂંઝવણ થાય કે આપણે ક્યાં આવ્યા
પછી છત પર નજર પડતાં જ સમજાય કે
આપણે ક્યાંય ગયા નહોતા રાતભર
છતાંય સપનાંમાંથી સવારમાં પહોંચી ગયા છીએ ક્યાંય ગયા વગર
બરાબર એમ જ કવિતામાંથી જગતમાં જવા જેવું હોય છે, મહેરબાન!

જગતમાંથી પણ કવિતામાં જવું લગભગ એમ જ સમજોને તમે,
જગતનો કોઈ રસ્તો જ્યાં પૂરો થાય છે
ત્યાંથી શરૂ થાય છે કવિતા

તમે જાણો છો કે
જગત અને કવિતા વચ્ચે
એક દર્પણ હોય છે
જે હોય છે તો કોરા કાગળ જેવું
પણ તમે જ્યારે એની સામે જઈને ઊભા રહો છો રૂબરૂ એમ
નદીમાં પગ બોળીને ઊભા રહ્યા હો જેમ.


હું કવિ છું
બહુ બહુ તો હું સાદ પાડી શકું
બૂમબરાડા પાડવાની મને આદત નથી બિલકુલ

મારી કવિતામાં તમને
મારો અવાજ થોડો દબાયેલો ભલે લાગે
છતાં સરવા કાન રાખ્યે એ સાંભળી શકાશે જરૂર
અને સમજી પણ શકાશે રજેરજ

કવિતામાં રજનું ગજ કરવું
એટલે કાગનો વાઘ કરવો
ને ચીતરેલા વાઘથી તો કોઈ જરીકેય ડરતું નથી
સપનામાંય કવિનું કામ કોઈને ડરાવવાનું નથી
એણે કાન ફાડી નાંખે એવા ઘાંટા પાડવાના ન હોય
એણે તો મંદ્ર સૂરે પોતાનો સા ઘૂંટ્યા કરવાનો હોય
ત્યાં સુધી કે સાંભળનારના હૃદયમાં સૂતેલાં ઝરણાં જાગે
ને ધમનીશિરાઓમાં વહેવા લાગે ખ ળ ખ ળ

કવિનો અવાજ
તો પહાડોના પેટાળે વહેતા પ્રવાહ જેવો હોય છે
તોતિંગ પાષાણોના ખડકલા કર્યેય સાવ ચૂપ કરી શકાય નહીં એ
હું જાણું છું
કે અજકાલ કવિતાને ચૂપ કરી દેવાના કારસ્તાન ચાલે છે ચારેકોર
અને
હું એ પણ જાણું છું કે
આ બધાની વચ્ચે હજીય
મારું હૃદય ધબકે છે ધબકધબક
આટલા હોકારા દેકારા પડકારા હાકોટા વચ્ચેય
એનો અવાજ સાફ સાફ સંભળાય છે
કવિતામાં હજીય.


હું કાવ્ય લખું છું
એવી રીતે
જેવી રીતે
કોઈ ખેડૂત ખેતરમાં પાણી વાળે છે.
પણ મારા હાથ ભીના થતા નથી
કે પગ માટીથી ખરડાતા નથી.

હું કાવ્ય લખું છું
એવી રીતે
જેવી રીતે
કોઈ મજૂર ભરબપોરે લારી ખેંચે છે.
પણ મારા માથા પર આકરો તડકો પડતો નથી
કે પીઠ પરથી પરસેવો નીતરતો નથી.

હું કાવ્ય લખું છું
એવી રીતે
જેવી રીતે
કોઈ નારી કાળજીથી કપડાંને ગડી વાળે છે.
પણ જેને એ ક્યારેય પહેરી શકતી નથી
કે પછી જોનારની આંખો એને સોંસરવા ચીરી નાખે છે.

હું કાવ્ય લખું છું.
એવી રીતે
જેવી રીતે
કોઈ બાળક ધૂળમાં લખોટી રમે છે.
પણ મારો કોઈ ભિલ્લુ નથી
કે પછી લખોટી દૂર દડી ગઈ છે ક્યાંય.

હું કાવ્ય લખું છું.
એવી રીતે
જેવી રીતે
બધા કવિ કાવ્ય લખે છે
એથી વધુ કશુંય નહીં.