કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૬. પૂર
૧
ચારેકોર પાણી
ડહોળું ડહોળું ઘૂઘવતું
કાળું કાળું ફૂંફાડતું
ફેણ માંડી વાંભ વાંભ ઊંચું થાય
ભોંયમાંથી ઊગે અને આકાશેથી પછડાય
બધે પહોંચી જાય
પ્હેલાં ઘર સુધી
પછી ઘર વચ્ચે
ચમચી ને વાટકી ને તપેલું ને માટલું
ને બધું છલકાવી દઈ
એક એક પગથિયાં ચડતુંક પ્હોંચી ગયું
ઠેઠ પેલે માળ
ખૂણે ખાંચે સંતાયો હું હોઉં એમ
મારી કાઢતુંક ભાળ
આવી પ્હોંચ્યું અહીં. મારા પગ પાસે.
પગ જેમ જેમ ખેંચી લઉં છું હું અધ્ધર
પાણી એથી વધુ પ્હોંચી જાય છે ઉપર
પગ છેવટ ઉદરમાં જઈને સમાય
પાણી તોય આગળ ને આગળ
બસ ધસમસતું જ જાય
હજી આગળ આગળ છેક ગળા સુધી જઈ
એક ટીપું ઊંચું થઈ થઈ જીભે અડે
અડતામાં મૂંગીમંતર વાણી
ચારેકોર પાણી.
ર
છત પર ઊભો છું ઊંચે
હાથ લંબાવું તો
આકાશ અડકી શકાય
એટલે ઊંચે ઊભો છું.
ચારેકોર અંધારું છે
આકાશમાં ક્યાંક ક્યાંક તારાઓ ચમકે છે
નીચે મગરની આંખો ચળકતી હોય એમ.
થોડી વાર પછી
ચન્દ્રનો પ્રકાશ રેલાય છે
ત્યારે
બધું અપાર્થિવ હોય તેવું લાગે છે
કદાચ પ્રલયકાળ જેવું.
હું આંખો ખેંચીને દૂર દૂર જોઉં છું
ક્યાંય હોડી દેખાય છે?
દક્ષિણ દિશાએ અગસ્ત્ય ઊગ્યો છે ક્યાંય?
૩
ઉપર આભ
નીચે દરિયો
વચ્ચે
જળની કોટડીમાં
બધા કેદ.
રાતભર પાણીની ભીંતે
માથાં પછાડ્યા કરે
તોય અંધકારની એક્કે કાંકરી ન ખરે
બસ
જળના કોરડા વીંઝાય સબોસબ
બરડે સોળ ઊઠે લીલાંકાચ
તરતાં સાપોલિયાં જેવાં.
તરતાં સાપોલિયાં જેવાં જળ
પ્હેલાં પગને આંટી મારી ઊથલાવી દે
પછી અજગરને ભરડે દેહ મુશ્કેટાટ
બોલે હાડકાંની કડેડાટી
એના પડઘા ડૂબે ડબ્બ ડબ્બ
થોડા જળમાં થોડા અંધારમાં
થોડા દરિયામાં થોડા આભમાં
દરિયામાંથી આભમાં
ને આભમાંથી દરિયામાં
વર્તુળાતાં ને વમળાતાં
જળ ને અંધાર
અંધાર ને જળ
બધેબધ જળઅંધાકાર
બધેબધ જળબંબાકાર
૪
આ જળ
ક્યારેક વહે ખળખળ
ક્યારેક ધસે ધસમસ
ક્યારેક આભે ચઢે ને દરિયે ઊતરે
ક્યારેક દરિયે ચઢે ને આભે ઊતરે
ક્યારેક મૂળે ચઢી
પાન ફૂલ ફળે પ્હોંચે
રસબસ સેર થઈ છૂટે
પ્હેલાં મોંમાં
પછી આખા દેહમાં ફેલાય લાલલાલ
ક્યારેક
એ જ લોહીના ઘૂનામાં
ડોકું ઝાલી ડુબાડે
ડૂબકીએ ડૂબકીએ
પરપોટાનો બુડબુડ અવાજ સંભળાય
અવાજે અવાજે છમ્મ છમકારા થાય
લાવા જેમ ખદબદતા જાય
હવે
આ જળ
હાથે ઝાલી શકાય નહીં
દેહે ઝીલી શકાય નહીં
આંખમાં ધારી શકાય કેવળ
પછી જોઈ શકાય
સજળ આંખે તરતી પૃથિવી.
૫
પહેલાં દરિયામાં
પછી વાદળમાં
પછી બુંદમાં પછી બંધમાં
પ્હેલાં ડહોળાં ઊછળતાં
પછી કાળાં ગરજતાં
આ પાણી
ઊતરી રહ્યાં છે ધીમેધીમે.
ગળચી પરની પકડ ઢીલી થઈ
એથી શ્વાસ લઈ શકાય થોડો થોડો.
આવ્યા’તાં તો
ધસમસાટ સડસડાટ ચડી ગયાં દાદર
પ્હેલો માળ બીજો માળ...
હવે એક એક પગથિયું ઊતરી
ઘરબ્હાર નીકળી ગયાં
પાછાં નદીએ પહોંચી બેકાંઠામાં
ડાહ્યાંડમરાં બેસી ગયાં.
છેવટ
છત ટપકતી બંધ થઈ.
ધાબાં સુકાયાં.
ભીંત કોરી થઈ.
ફર્શ ચોખ્ખી.
નીચે બેસી ટી.વી. જોઈ શકાય
અને પથારી પાથરી ઊંઘી શકાય, એવી.
તોય ઊંઘમાં ઝબકી જવાય વારંવાર
આંખ ખૂલી જાય
ત્યારે છત પર શેવાળ ને ભીંત પર લીલ
જોઈ થાય
પાણી સાવ ઊતર્યું નથી હજી.