કાંચનજંઘા/ગિરિમલ્લિકા
ભોળાભાઈ પટેલ
હજી તો હમણાં બે દિવસ પહેલાં બંગાળી પંચાંગ પ્રમાણે વૈશાખ બેઠો છે. અને આકાશમાં તો અષાઢ છવાયો છે. ‘એસો એસો હૈ બૈશાખ’ ગીતના સૂર હજી તો કાનમાં ગુંજે છે. નવવર્ષના પ્રથમ દિવસે આમ્રવનમાં જે ગુંજરિત થયા હતા – પણ એકાએક જાણે અપટીક્ષેપથી વર્ષાનો અકાલ પ્રવેશ. ગઈ કાલે સવારે તો આવાસની બધી બારીઓ ખોલી નાખીને ભરપૂર તડકાને ઘરમાં આવવા દીધો હતો, પણ સાંજ પડે તે પહેલાં ‘બાદલ બાઉલે’ એકતારો બજાવવો શરૂ કરી દીધો. હતો. પછી તો વારિધારાનો ઝર ઝર અવાજ. આખી રાત એ અવાજ જાણે આવતો રહ્યો. એ અવાજમાં ભીના પવનનો વનરાજીના નવપલ્લવો સાથેનો સંવાદ ભળી ગયો હતો.
આખી રાત વીજળી નહોતી. સૂચિભેદ્ય અંધકાર. ક્યાંય કશું દેખાય નહીં. માત્ર ઝર ઝર, માત્ર મર મર. બહુ વહેલી સવારે તેમાં કોકિલનો તીવ્ર મધુર સ્વર સાંભળ્યો અને પછી પપીહાનો. સવાર થતાં જોયું કે વસંતમાં ભરપૂર વર્ષા બેસી ગઈ છે. સઘન ગગન, સઘન પવન.
વતનથી હજારેક માઈલ દૂર ભારતના પૂર્વાંચલમાં શાંતિનિકેતનમાં બેઠો છું. મારા નિવાસનું નામ તો પંચવટી’ છે. મેં આપેલું નથી, એ છે એમાં દેશવિદેશના પ્રવાસી અધ્યાપકો રહેતા હોય છે. આમ તો એવા પાંચ એકમનું ઝૂમખું છે એટલે પંચવટી. પણ પંચવટી સાથે વનવાસનો જે ભાવ છે તે એક રીતે અહીં અનુભવાય છે. તેમાં આ મેઘદર્શન. કાલિદાસનો પેલો ‘મેઘાલોકે…’ વાળો શ્લોકાર્ધ બરાબર અભિજ્ઞતાપૂર્વક બોલું છું અને પછી છેલ્લો શબ્દસમુચ્ચય ફરી ફરી બોલું છું. – ‘કિં પુનઃ દૂર સંસ્થે.’ બારી બહાર જોઉં છું તો નજર સામે છાંદસિક પ્રબોધ સેનની ‘બાડી’ના ઉદ્યાનમાં પુષ્પિત ગિરિમલ્લિકાને જોઉં છું. એને થોડા દિવસથી સ-રાગ જોતો આવ્યો છું. અત્યારે પણ એને જોઉં છું અને મેઘાલોકજનિત મધુર વિષાદને ભૂલી જાઉં છું.
ગિરિમલ્લિકા? થોડા દિવસ પહેલાં કવિ રાજેન્દ્ર શુક્લ અહીં આવ્યા હતા. કવિ અને તેમનો સમગ્ર પરિવાર પુષ્પપ્રેમી. તેમના ધૈવતના હાથમાં શ્વેત ફૂલો હતાં. કવિએ મને પૂછ્યું – આ કયાં ફૂલ છે? મોગરાં જેવાં શ્વેત અને એવી સુગંધભર્યાં. પછી તેમણે એક વૃક્ષ બતાવ્યું. હા, આ શ્વેત ફૂલોવાળાં આવાં વૃક્ષો અહીં ઘણાં છે. બીજાં પણ ઘણાં મનોહર પુષ્પો ધરાવતાં વૃક્ષવેલીઓ છે. ધીમે ધીમે બધાંને ઓળખતો જોઉં છું – પણ આ વૃક્ષ? કેટલાક દિવસથી નખશિખ પુષ્પિત આ વૃક્ષ જોઈ રોમાંચ થઈ આવતો હતો, પણ નામની ખબર નહોતી, અને નામ જાણ્યા વિના તો…?
રવીન્દ્રનાથ જ્યારે ઉત્તરાયણમાં રહેતા હતા ત્યારે ઘરને એક ખૂણે પિયર્સને એક વિદેશી છોડ વાવેલો. સમય જતાં તેને લૂમખે ને ઝૂમખે ફૂલો બેઠાં. રૂપાળાં નીલરંગી. રવિ ઠાકુરમાં બેઠેલો કવિ આ પુષ્પિત લતા જોઈ તેની સાથે સંભાષણ કરવા અધીર બની ગયો. પણ એના નામની ખબર નહીં અને નામ જાણ્યા વિના તો વાતચીત શી રીતે થાય? છેવટે કવિએ પોતે જ નવું નામ આપ્યું – નીલમણિ લતા. અને એ તો રહ્યા કવિ. એટલે એ નામ પાકું કરવા માટે એને વિશે એક સરસ મજાની કવિતા પણ રચી કાઢી. કહે છે એનું મૂળ નામ તો પેટ્રિશિયા. પણ અહીં એ નામથી કોઈ એને હવે ઓળખતું નથી. રવીન્દ્રનાથે આપેલા નામથી જ સૌ એને ઓળખે છે.
કવિને તો ઝટ નવાં નવાં સુંદર અને ઉચિત નામ સૂઝતાં, પછી તે વ્યક્તિ હોય કે વૃક્ષ, પણ અકવિ એવા મને એ પુષ્પિત વૃક્ષ જોઈ નવું નામ પાડવાનો વિચાર સરખો આવ્યો નહિ. અહીં બીજાં અનેક વૃક્ષો છે, જેમની સાથે જૂનો પરિચય છે.
થોડા દિવસ ઉપર અહીં પલાશ એટલે કે કેસૂડાનું સામ્રાજ્ય હતું. જ્યાં એને જુઓ સર્વત્ર ‘કામણગારો’ લાગે. અહીંની કન્યાઓના હાથમાં અને મસ્તકે તો સવિશેષ. દોલપૂર્ણિમાએ તો કેસૂડાનાં ફૂલોના અલંકાર. વસંતને વધાવવા એથી વધારે યોગ્ય કર્યું પ્રસાધન? કેસૂડો તો બધે ખીલે છે. પણ અહીં સૌનાં મનમાં પણ ખીલે છે. રવીન્દ્રનાથે એને બિરુદ આપ્યું છેઃ આનંદમૂર્તિ. પલાશ આનંદમૂર્તિ.
અને શાલ્મલી? શીમળો જ તો. અત્યારે તો શીમળાનું રૂ પવનમાં ઊડે છે, પણ કેટલાક દિવસ આગળ શાલ્મલીની ડાળી ડાળી ભારઝલ્લાં લાલ લાલ ફૂલોથી લચી પડી હતી. પ્રિયકાન્તે ભલે કહ્યું હોય – ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી – પણ ખરેખર જાણે બોજ. ગુરુદેવના એક આવાસ કોણાર્કના પ્રાંગણમાં એક વિરાટ શાલ્મલીવૃક્ષ છે. પ્રાચીન કાદંબરીમાં શુક વૈશંપાયનને મુખે તેના એક વખતના નિવાસસ્થાન શાલ્મલીનું જે વર્ણન આવે છે, તે આ શાલ્મલીને જોતાં સમજાય. કેસૂડો પણ એક રીતે લાલ અને શીમળો પણ લાલ. કાદંબરીકાર બાણભટ્ટ હોત તો બંને લાલ રંગની અલગ અલગ ઝાંયને જુદાં જુદાં ઉપમાનોથી ચાક્ષુસ કરી બતાવત.
પણ આ ત્રીજું એવું લાલ ફૂલ! એ તો મંદાર. દેવતરુ. ‘સ્વર્ગમાંથી વિદાય’ કવિતામાં કંઠે મંદારમાલિકાનો ઉલ્લેખ આવે છે. પુણ્યો ક્ષીણ થતાં સ્વર્ગમાંથી વિદાય લેવાની નિશાની કઈ? કંઠની મંદારમાલા કરમાય છે. અહીં પૃથ્વી પર કોણ લઈ આવ્યું છે આ દેવતરુ? પારિજાતહરણની તો ખબર છે. પલાશ, શિમૂલની જેમ મંદાર પણ જ્યારે પુષ્પિત થાય ત્યારે અપત્ર બની જાય. માત્ર પુષ્પ! (જાતિભેદ ધ્યાનમાં ન લઈએ તો માત્ર ઘરેણાં પહેરેલી બૉદલેરની નગ્ન નાયિકા.)
એમ તો થોડા દિવસ પર આમ્રવન ગંધભાર મંજરીઓથી શોભતું હતું. પણ હવે તો કેરીઓ બેસી ગઈ છે. તે વખતે શાલ અપત્ર બની ગયાં હતાં. જાણે તપસ્વી. મંજરીઓ બેસું બેસું હતી. થોડા દિવસ અહીંથી ગામ જઈને આવ્યો ત્યારે શાલવૃક્ષો નવપર્ણોથી પ્રફુલ્લિત હતાં. પણ મંજરીઓ? શાલની મંજરીઓ આવી અને ખરી પણ ગઈ. શાલવીથિકાને છેવાડે હજી બે શાલ મંજરિત હતા. એય આશ્વાસન રહ્યું. એ રાતે અંધારી શાલવીથિકામાં ભમતાં કવિ પ્રહ્લાદની આ પંક્તિઓ ગણગણતો રહ્યોઃ
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભભરી રાત સારી,
આજ આ શાલની મંજરી ઝરી ઝરી
પમરતી પાથરી રે પથારી.
કવિ પ્રહ્લાદને આટલામાંથી ક્યાંક આ પંક્તિઓ સ્ફુરી આવી હશે.
શાલની જેમ થોડાં સપ્તપર્ણ પણ હજી મંજરિત હતાં. સપ્તપર્ણ – છાતીમ ઝાડ તો અહીંનું પૂજનીય વૃક્ષ. મહર્ષિ દેવેન્દ્રનાથને છાતીમ વૃક્ષ નીચે શાંતિનો બોધ થયો હતો. અને એટલે તેમણે અહીં શાંતિનિકેતનની સ્થાપના કરી. આજે પણ અહીંના છાત્રોને દીક્ષાન્તદિને સપ્તપર્ણનું પર્ણગુચ્છ આપવામાં આવે છે.
હા, નીમમંજરીઓ બેસી ગઈ છે. લીમડાનાં નવાં લીલાં પાન વચ્ચે શ્વેત મંજરીની સેર શોભે છે. જરા સરખી પવનની લહરીમાં ઝર ઝર ઝરે છે. વૃક્ષની નીચે ઝીણી બિછાત થઈ જાય છે. ને શિરીષ? કાલિદાસનું પ્રિય પુષ્પ છે શિરીષ. એયને તે ઢગલે ઢગલા નીચે ખરે છે. પવનને ગંધસભર કરી દે છે. જેની સાથે અહીં આવીને નવી ઓળખાણ આ વેળા થઈ તે મુચુકુન્દ તો પોતાનાં લાંબી પાંખડીવાળાં શ્વેત ફૂલોને પર્ણોની સઘન ઘટામાં જાણે સંતાડી રાખે છે. મારા રસ્તાને ખૂણે ઊભું છે એક એવું મુચુકુન્દ. ચંપાની તો વાત ન કરીએ તે જ ઠીક. ચંપાની તો અહીં બહુતાયત છે. પૂરબહારમાં છે સૌ ચંપા. મારા આંગણામાંય એક ચંપો છે. એની નીચે સાંજને સમે બેસું છું. ટપ ટપ ફૂલો ખેરવે આપણા ઉપર.
પેલા ફાગુનબઉ નામે ઓળખાતા નવા ફૂલવૃક્ષ સાથે પણ ઓળખાણ થઈ ગઈ હતી, એનાં પીળાં ફૂલો આંખમાં વસી જતાં હતાં. પણ આ થોડા દિવસથી જે જોયા કરતો આવું છું તે ઠેર ઠેર જોવા મળતું શ્વેત પુષ્પોનું વૃક્ષ. વૃક્ષ શું? એનો બે વેંતનો છોડ હોય તેનેય અત્યારે તો ફૂલ બેઠાં! અહીંતહીં સર્વત્ર એ છે અને જાણતો નહોતો એનું નામ. વૉટ ઇઝ ધેર ઇન અ નેઇમ? ભલે, પણ સારુંખોટુંય નામ તો હોવું જોઈએ. એક વૃક્ષપ્રિય અસમિયા મિત્ર સુનીલે કહ્યું – એ વૃક્ષ? એ વૃક્ષ તો છે ગિરિમલ્લિકા.
ગિરિમલ્લિકા?
–એકદમ બેત્રણ વાર એ નામ બોલી નાંખ્યું. નામના ઉચ્ચારણમાં એક ગુંજન છે – ‘ગિરિમલ્લિકા’ – બોલતાં એક શબ્દમૂર્તિ સાકાર થાય છે. તો અહીં મેદાનમાં આવી ગઈ ગિરિમલ્લિકા. આ કોયલ બોલે છે, તે એના સ્વાગતમાં. આ પપીહો બોલે છે, તે એના સ્વાગતમાં. આ ‘અચેના પાંખિ’ની ડાક પણ એના સ્વાગતમાં. રવિ ઠાકુરે આ ગિરિમલ્લિકાના સ્વાગતમાં કોઈ ગીત લખ્યું નથી શું? શુભ્ર વનમલ્લિકાની સુવાસની વાત એમણે અવશ્ય ‘બલાકા’ની એક કવિતામાં કરી છે. પણ ગિરિમલ્લિકા?
એક દિવસ રવીન્દ્રાનુરાગિની ‘સૂતપાદિ’એ કહ્યું કે ગિરિમલ્લિકાને અહીં સૌ ‘કર્ચિ’ નામથી ઓળખે છે. કુર્ચિ? બંગાળમાં ઘણુંખરું દરેક વ્યક્તિનાં બે નામ હોય. એક ભાલો નામ, એક ડાક નામ. ભાલો નામ એટલે સારું નામ. ભારે મોટું મોં ભરાઈ જાય તેવું નામ હોય. પણ ડાક નામ – બોલાવવાનું નામ ટૂંકું, એકદમ ઘરેલુ હોય. પણ એમાં આત્મીયતા વધારે અનુભવાય.
તો શું કુર્ચિ ગિરિમલ્લિકાનું ડાક નામ છે? તો તો એ નામની એક કવિતા રવીન્દ્રનાથની છે, ‘વનવાણી’માં.
કવિને પણ અચાનક જ એ ફૂલનો પરિચય થયો હતો. શિલાઈહદથી કલકત્તા આવતાં વચ્ચે કુષ્ટિયા સ્ટેશને હાટબજારના કોલાહલ અને બળદગાડીઓની ભીડ વચ્ચે દીવાલને અઢેલીને ઊભેલું સૌથી ઉપેક્ષિત પણ ફૂલોના ઐશ્વર્યથી શોભતું એક ઝાડ વસંતની જયઘોષણા કરતું જોયું હતું. કુર્ચિનો કવિને એ પહેલો પરિચય.
કવિને થયું કે આટલું આ સુંદર પુષ્પમંડિત વૃક્ષ જાણે કે ઉપેક્ષિત છે. પરંતુ વસંતનું સ્વાગત ગાનાર આ વૃક્ષે કવિના ચિત્તમાં અક્ષય ગૌરવનું સ્થાન મેળવ્યું. કવિએ કવિતામાં કહ્યું કે, ધરતી પર તારું ખરું નામ કોઈ જાણતું નથી. બધા ભૂલી ગયા છે. એકમાત્ર આકાશના સૂર્યદેવતા જાણે છે. વસંતને સૂર્યદેવતા પાસેથી એનો સંકેત મળ્યો છે, એ સ્મિત કરે છે. આ જિપ્સી કન્યા ધરતી તને સ્વર્ગમાંથી ચોરી લાવી છે. રખે ને સૌને ખબર પડી જાય એટલે કટુ-કર્કશ નામથી એની આસપાસ ગુપ્તતાનું આવરણ રચી દીધું છે. એટલે દેવી સરસ્વતીના પદ્મવનમાં તને કોઈ સમોવડિયું માનતું નથી. પણ હું સૂર્યદેવતાના પ્રકાશની ભાષા જાણું છું. હું તો કવિ છું. તને બરાબર ઓળખી ગયો છું – તું રવિની લાડકી છે. કવિએ રવિ પર શ્લેષ કર્યો છે.
ગમે તેમ, પણ આ કવિએ કુર્ચિનું ખરું નામ તો ના જ આપ્યું – સ્વર્ગનું નામ. પણ બીજું એક નામ એ કવિતાના આરંભે આપેલા સંસ્કૃત શ્લોકમાં નિર્દેશ પામ્યું છે, અને તે છે કુટજ.
ગિરિમલ્લિકા એ કુર્ચિ એ કુટજ? ઓહો, એકદમ દીવો થઈ ગયો. આ કુટજ તો પેલું કાલિદાસવાળું તો નહિ? યક્ષે જ્યારે મેઘ સાથે પોતાની વિરહિણી પ્રિયતમાને સંદેશો મોકલવાનો સંકલ્પ કર્યો ત્યારે સૌપ્રથમ એ મેઘને ખુશ કરવા માટે એણે જે પુષ્પોનો અર્થ ધર્યો હતો એ જ તો કુટજ.
સપ્રત્યગ્રૈ કુટજકુસુમૈઃ કલ્પિતાર્ધાય તસ્મૈ
પ્રીતઃ પ્રીતિપ્રમુખવચનં સ્વાગત વ્યાજહાર.
રામગિરિ પર કુટજ ખીલ્યાં હતાં. વસંતનાં આ પુષ્પ વર્ષાકાલે પણ હતાં. પછી જોયું તો કવિ કાલિદાસના યક્ષે જ નહિ, કિષ્કિન્ધા કાંડમાં કવિગુરુ વાલ્મીકિના વિરહી રામે પણ વર્ષાકાલે મેઘનાં પગથિયાં ચઢી અર્જુન કુટજનાં પુષ્પોની માળાથી – કુટજા’ર્જુન માલાભિઃ સૂર્યદેવતાને અલંકૃત કરવાની વાત કરી છે. જાનકી વિનાના રામચંદ્રજીએ કુટજનાં ફૂલો જોઈ લક્ષ્મણને કહેલું કે આ ગિરિના શિખર પર ખીલેલાં સુંદર કુટજ પ્રિયાવિરહથી પીડિત એવા મને પ્રેમાગ્નિથી ઉદ્દીપ્ત કરી રહ્યાં છે.
ઓહ! વાલ્મીકિ, કાલિદાસ, રવીન્દ્રનાથ બધાંને આ ગિરિફૂલ સ્પર્શી ગયું છે. આ ગિરિમલ્લિકા મને આ બધા કવિઓ સાથે જોડી દે છે, પુષ્પસંબંધે. ગિરિનું આ ફૂલ પછી મેદાનમાં ઊતરી આવ્યું, પણ નામ ગિરિમલ્લિકા લેતું આવ્યું.
તો હવે ગિરિમલ્લિકા સાથે બરાબર ઓળખાણ થઈ ગઈ છે. અત્યારે આ સામે પ્રબોધ સેનની વાડીમાં આખું પુષ્પિત વૃક્ષ ઊભું છે. તેની સામે નજર માંડીને બેઠો છું. આકાશમાં વાદળ દોડાદોડી કરે છે, વચ્ચે ક્યાંક ઝર ઝર કરી ઝરી પડે છે. મેઘમેદૂર વાતાવરણમાં તેજનાં શ્વેત ટપકાં જાણે ગિરિમલ્લિકાનાં પુષ્પ. માત્ર એ પુષ્પોની વૃક્ષાકૃતિ રચાય છે. કવિ ‘ન હોવાનો અફસોસ’ આટલો ક્યારેય નહોતો. આ સવારમાં આ ગિરિમલ્લિકા મને ક્યાંની ક્યાં લઈ જાય છે?
કેટલાય દિવસથી એને જોતો આવ્યો છું. એને પુષ્પિત થયે પણ સારા એવા દિવસ થયા. નામ જાણ્યા વિના માત્ર પ્રશંસાભાવે જોતો હતો, પણ તેણે મારા અંતરમાં સ્થાન જમાવ્યું નહોતું. પણ જ્યારથી એનું નામ જાણ્યું છે ત્યારથી ગિરિમલ્લિકા સૌ ફૂલોમાં મને પ્રિય થઈ પડી છે. રાતના અંધારામાં પણ એક વાર તેને જોવાનો પ્રયત્ન કર્યો હતો – વિદ્યુતના આછા વિલસનમાં એની ઝાંખી કરી હતી. પણ આજ સવારથી તો તેને જોતો બેઠો છું. આજે જાણે દિવસનો એક જ યામ છે અને તે આ સવાર. કદાચ સમય થંભી ગયો છે.
ગિરિમલ્લિકાના દર્શનથી અને કોકિલ પપીતાના અવાજના શ્રવણથી ઉત્કંઠિત છું. તેમાં વળી આ મેઘ અને આ દક્ષિણ પવન. અને શું હું જ માત્ર ઉત્કંઠ છું? આ મારા પાડોશી ઉસ્તાદ ખાંસાહેબ પર પણ વાતાવરણની અસર થઈ ગઈ છે – તેમાં ગિરિમલ્લિકાનો યોગ કદાચ નયે હોય પણ તેઓ કોઈ સૂર ગણગણતા રસ્તા પર નીકળી પડ્યા. મને બારી પાસે બેઠેલો જોઈને બોલ્યાઃ
‘આજ મૌસમ બહુત અચ્છા હૈ.’
મેં કહ્યું –
‘આપ ગા જો રહે હૈં!’
પંચવટી
શાંતિનિકેતન
૧૯-૭-૮૩