કાંચનજંઘા/દુઃખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દુઃખ

ભોળાભાઈ પટેલ

પાંડવજનની કુન્તીએ એક વાર કૃષ્ણ વાસુદેવને કહ્યું હતું કે હે ભગવાન, તમે મને કાંઈ આપતા હો તો વેદના આપો, દુઃખ આપો. કુન્તીને મન દુઃખ કે વેદના એ શ્રીપ્રભુનું વરદાન છે. આમ તો, માણસ માત્ર સુખ માગે છે અને સુખને વરદાન ગણે છે અને સુખ મેળવવા જ એની મથામણ, સાધના, પ્રવૃત્તિ હોય છે.

સુખ માત્ર સાપેક્ષ છે, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ સંપ્રાપ્તિ એકને સુખ આપે છે, બીજાને નથી આપતી. વળી તે કોઈને એક વખતે સુખ આપે છે, બીજી વખતે સુખ નથી આપતી. અમુક વસ્તુ કે પ્રાપ્તિથી સુખ મળે એમ માનીએ. એ આવીને મળે એટલે સુખ થાય. પણ પછી મન કોઈ નવાં સુખની શોધમાં નીકળી પડે. અને આ સુખની શોધ ઘણી વાર દુઃખસાગરને કિનારે લઈ જાય એમ બને. પણ સુખ છેવટે શું? ‘માનો તો સુખ અને માનો તો દુઃખ’ એમ જ્યારે કહીએ છીએ, ત્યારે સમજાય છે કે સુખ મનની જ પ્રવૃત્તિ છે, મનની જ અવસ્થા છે. અર્થાત્ સુખ વસ્તુગત નથી – મનોગત છે. સામાન્ય રીતે મનને અનુકૂળ થાય તે સુખ.

અને મનને પ્રતિકૂળ લાગે તે દુઃખ. આપણે અનુકૂળતા અર્થાત્ સુખ શોધીએ છીએ. અને પ્રતિકૂળતા અર્થાત્ દુઃખથી ભાગીએ છીએ. અને છતાં સરવાળે આ દુનિયામાં દુઃખનું જ પ્રમાણ વધારે મળી આવશે. આજે પણ સાચા-સુખી માણસનું પહેરણ નહીં મળે તો પછી દુઃખથી ત્રસ્ત ક્યાં સુધી થયે જવું? શું દુઃખ માત્ર નિષેધાત્મક વસ્તુ છે? અભાવાત્મક વસ્તુ છે? સુખનો અભાવ એ જ દુઃખ? ના, દુઃખ પણ વિધેયાત્મક છે. એની ઉપસ્થિતિ છે. રવિ ઠાકુરે કહ્યું છે કે વેદના એ તો ભગવાનની દૂતી છે. એ ભગવાનનો સંદેશો લાવે છે. કેમ કે કહેવાતાં સુખોની પ્રાપ્તિ માણસને બહિર્મુખ બનાવે છે. એને પોતાનાથી અળગો કરે છે અને જગત સાથેથી પણ અળગો કરે છે.

સ્વીકારેલી વેદના માણસને અંતર્મુખ બનાવે છે. એનો પોતાની જાત સાથે સાક્ષાત્કાર કરાવે છે. દુઃખથી માણસ પોતાને મળતાં શીખે છે, અન્યને મળતાં શીખે છે. દુઃખ, જો એને સ્વીકારતાં શીખે તો સ્વ સાથે જોડે છે, વિશ્વ સાથે જોડે છે, વિશ્વનિયંતા સાથે જોડે છે.

જેણે દુઃખ વેઠ્યું છે, દુઃખનો સ્વીકાર કર્યો છે, જે દુઃખથી ભાંગી નથી ગયો એવા વ્યક્તિત્વનો પરિચય થયો છે? દુઃખે એને વિશાળતા આપી છે, ઔદાર્ય આપ્યું છે. આત્મસ્થ થવાની ધૃતિ આપી છે. દુઃખ માણસના વ્યક્તિત્વને નિખારે છે, એને કંચન જેવું કરે છે, એને ઘડે છે.

જ્યારે દુઃખનો અસ્વીકાર માણસને વાંકદેખો કરે છે, એના સમગ્ર સંસારને સંકુચિત, સીમિત બનાવે છે, એના વ્યક્તિત્વને કુંઠિત કરે છે.

દુઃખના સ્વીકારમાં એક સુખ છે. એક કવિએ કહ્યું છે તેમ દુઃખ સૌને માંજે છે, અજવાળે છે. ૧૯૭પ