કાંચનજંઘા/રેવાને તીર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રેવાને તીર

ભોળાભાઈ પટેલ

નર્મદાને કાંઠે આવ્યા પછી એનું એક બીજું નામ રેવા જ બોલવાનું મન થાય છે. રેવા બોલતાં એક આત્મીયતા અનુભવાય છે. જાણે એ નામથી નર્મદાનું ગૌરવાન્વિત પુરાણપ્રસિદ્ધ રૂપ પ્રકટે છે. નર્મદા બોલીએ છીએ ત્યારે હમણાં હમણાંથી એવું થાય છે કે જાણે એક નદી છે, જેના પર બંધ બાંધવાનો છે. ગુજરાતની ‘જીવાદોરી’ નર્મદા એવું એટલે વારંવાર સાંભળવા મળે છે. નર્મદા પર બંધ બંધાશે ત્યારે લાખ્ખો એકર જમીનમાં સિંચાઈ થશે. રાજસ્થાનની મરુભૂમિને પણ એનાં પાણીનો લાભ મળશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તો ખરાં જ. અને ગુજરાત તો નર્યો હર્યોભર્યો મુલ્ક બની જશે. ઠેર ઠેર નર્મદા યોજનાની કારવાઈ ચાલે છે. વડોદરામાં એ માટે નર્મદાભવન બંધાય છે. નર્મદાને એટલે હવે પછી થનારા તેના પાણીના ઉપયોગથી જુદી પાડીને જોઈ શકાશે નહીં.

એટલે રેવા નામ બોલવું સારું લાગે છે. કંઈ નહીં તો આ જેટલા દિવસ તેના સાનિધ્યમાં રહું એ જ નામ લઉં. એ રીતે મારે માટે તો માતૃસ્મરણ થતું રહેશે. આ લખતાં લખતાં કાગળ પરથી જરા નજર ઊંચી કરું છું તો, સામે જ રેવા વહી રહી છે. એ જોતાં જ આંખને ટાઢક વળે છે. આ જરા પેલી બાજુ ઓરસંગ નદી આવીને રેવાને મળે છે. આ રમ્ય પવિત્ર સંગમ પાસેના એક પાન્થ આવાસમાં રેવાને જોતો જોતો આ લખું છું અને લખતાં લખતાં રેવાને જોઉં છું. જે લખું છું તે પણ રેવા જ છે, જે જોઉં છું તે પણ રેવા છે.

સવારની વેળા છે. આજે આકાશ જરા ગોરંભાયું છે. વાતાવરણમાં ભીનાશ છે. તેમાં હેમંતની શીતળતા ભળી છે. અહીંથી રેવાનો પ્રવાહ એકદમ આનંદ આપનાર બની રહે છે. એ રીતે પાછું કહેવું પડે કે ‘નર્મ-દા’ – નર્મ કહેતાં આનંદ એટલે કે આનંદદાત્રી છે.

ચાણોદ કરનાળી કાંઠેનો રેવાનો આ પ્રવાહ કાશીતલવાહિની ગંગાનો પ્રવાહ જાણે જોઈ લો. બંનેય નયનરમ્ય. પણ ના; કાશીમાં ગંગા ઉત્તરવાહિની બને છે. અહીં રેવા દક્ષિણવાહિની છે. પરંતુ કાશીતટે ગંગા બીજત્રીજના ચંદ્ર જેવી જે બંકિમ છટા ધારણ કરે છે! તેવી, બલ્કે તેનાથી વધારે કામ્ય અને કમનીય બંકિમતા રેવા અહીં ધરાવે છે.

રેવાને કાંઠેથી ગંગાને સ્મરું છું. ગંગાના એ કોલાહલભર્યા ભીડભર્યા અનવરત ગુંજરિત ઘાટ ક્યાં અને ક્યાં આ શાન્ત વિરલ અવરજવર ચાણોદનો ઘાટ? અહીંથી તો એવું જ લાગે છે. દૂર નદીના પ્રવાહમાં એક શઢ ચઢાવેલી પનાઈ સરે છે. પરમ સ્તબ્ધતાનો એ બોધ કરાવે છે. હું એક જાતની સભર નીરવતાનો અનુભવ કરું છું.

પણ કૂદતી-ઊછળતી જતી હોય તો જ ને આમ તો રેવા કહેવાય. કેમ કે રેવાનો અર્થ જ થાય છે કૂદતી ઠેકડા ભરતી. એ રૂપમાં એટલે ખરેખરી ‘રેવા’ના રૂપમાં પણ એને જોઈ છે. આ પણે વહી જતાં એનાં વારિ તો ‘સુપ્ત’ અને બહુબહુ તો ‘સ્તન ધડકશાં’ લાગે છે, પણ મધ્યપ્રદેશની સૈકાઓ પ્રાચીન રાજધાની મહેશ્વર પાસે આવા એક હેમંતના દિવસે પોતાના બૃહત્ ધીરગંભીર પ્રવાહને સહસ્ર, ધારાઓમાં વહેંચી દઈ પથ્થરો વચ્ચે માર્ગ કરતી, પથ્થરો પર અફળાતી-કૂદતી જતી રેવાની દોરડા કૂદતી કિશોરીસહજ ચંચળતા જોઈ છે.

આમ જ એ અમરકંટકના પહાડોમાંથી નીકળે છે ત્યારથી ઘણે સ્થળે કૂદતી — ભૂસકા મારતી ચાલે છે. કપિલધારા અને જબલપુર પાસે ધુંઆધારના ભૂસકા તો જાણીતા છે. ગુજરાતની ભૂમિ પર સૂરપાણનો. રેવાની તેરસો કિલોમીટરની જાત્રામાં તેનાં અનેક રૂપો જોવા મળે. ક્યાંક ઊંચા પહાડો વચ્ચેથી વહેતી હોય, ક્યાંક ગાઢ આદિમ અરણ્યો વચ્ચેથી, ક્યાંક બૃહત્ પટમાં વહે કે ના વહે-નો ભાસ કરાવતી વિપુલ જલૌધ બની રહી હોય, તો ક્યાંક મુષ્ઠિમેય કમરવાળી નાયિકા જેવી સાંકડી વાટમાંથી સવેગ ધસતી હોય. એક હરણી એને કૂદી જાય. એટલે તો રેવાને હજી કોઈ બાંધી શક્યું નથી. એનાં વારિ નિર્બાધ સમુદ્રભણી વહી રહ્યાં છે. પણ નર્મદા પર નવાગામ બંધ બંધાઈ જશે પછી? પછી ખાસ તો અહીં ચાણોદ-કરનાળી તટે નર્મદાનું આ રૂપ જોવા મળશે? મારું મન આશંકાથી છળી ઊઠે છે. પછી તો કદાચ બંધની સત્તાવાળાની દયાથી આ પ્રવાહ જીવતો રહેશે. બંધમાંથી એ પાણી છોડશે, એટલું પ્રવાહમાં આવશે. પછી રેવામૈયાનું ગૌરવ ક્યાં રહ્યું?

ગઈ કાલે પનાઈમાં બેસીને આખો દિવસ મૈયાના ઉછંગમાં વિતાવ્યો હતો. ધુમ્મસભીની સવારથી આછી ઊતરતી સાંજ સુધીમાં કેટલી વિભિન્ન રેવાની મુદ્રાઓ જોઈ? સવારમાં ચમકતાં બેડાંવાળી પનિહારીઓથી ચાણોદનો ઘાટ કવિતા બની ગયો હતો. કવિ દયારામનું સ્મરણ થઈ આવ્યું. એ ઘાટ છોડ્યા પછી થોડી વારમાં તો વિશાળ જલૌધ જોતાં હોય એવું લાગ્યું. પાણી હલે કે ચલે. અમારા નાવિક છનાલાલને પૂછ્યું કે અહીં પાણી કેટલું ઊંડું છે. તો કહે — અહીં તો જાણે તળિયું જ નથી. ચારપાંચ વાંસની તો વિસાત જ નહીં. આ તો છે બોડિયો ધરો. અહીં કાયમ ઊંડાં પાણી રહે છે.

બોડિયા ધરાનાં સ્થિર પાણી પરથી અમારી પનાઈ સરકતી હતી. પ્રવાહની દિશાની તો ખબર જ ન પડે. ઊંડાં પાણી વધારે શાન્ત હોય એ કહેવતને વાચ્યાર્થમાં તો પ્રમાણી. પણ પછી ધરાના વિસ્તારમાંથી બહાર નીકળતાં કલકલ વહેતી નદીનો અનુભવ થયો. એટલામાં કરજણ નદી અને રેવાનો સંગમ આવ્યો. કોણ જાણે અત્યાર સુધી પડી ગયેલો પવન હવે એકાએક ઊપડ્યો. અમારી નાવે જેવો શઢ ખોલ્યો કે તે પવનથી ભરાઈ ગયો પછી તો ડોલતો ડોલતી હોડી જે ઊપડી છે, જે ઊપડી છે!

આકાશમાં એને ધરતી પર તડકાછાંયડાની રમત ચાલે. નદીના બંને કિનારાના ઘાટ ઉપર પ્રાચીન તીર્થો આવે. પનાઈને કાંઠે લાવી ઊતરી તીર્થસ્થળોનાં દર્શન કરતા જઈએ. ગામ આવતાં નદીના ઓવારા જીવતા બની જાય. ઢોરઢાંખર નદીમાં નહાવા પડ્યાં હોય, બેડાં ભરાઈ ભરાઈને ગામમાં જતાં હોય. વળી પાછા. માત્ર નદી અને આપણે. હજારો વર્ષોથી રેવા આમાં વહેતી આવે છે. એવું વિચારતાં આખો ભૂતકાળ વર્તમાનમાં જીવંત થઈ ઊઠે.

સિંધુ નદીની સંસ્કૃતિ કરતાં નર્મદાખીણની સંસ્કૃતિ પુરાણી માનવામાં આવે છે. પાષાણકાલીન અવશેષો નર્મદાને કાંઠેથી મળી આવે છે,

જો કે ઋગ્વેદમાં નર્મદાના નામનો ઉલ્લેખ નથી મળતો. કદાચ આર્યો ત્યાં સુધી પહોંચ્યા જ નહીં હોય! પણ પછી શતપથ બ્રાહ્મણમાં ‘રેવાની ઉત્તરે’ એવા શબ્દો આવે છે.

સૂર્યવંશી રાજાઓએ નર્મદાને કિનારે માહિષ્મતી નામની નગરી વસાવી હતી. સહસ્રાર્જુનની વાત પણ આ નદી સાથે સંકળાયેલી છે. એક વાર તેણે પોતાના હજાર હાથોથી નર્મદાના પ્રવાહને રોકવાનો પ્રયત્ન કરેલો!

રેવા ઉત્તરાપથ અને દક્ષિણાપથ વચ્ચેની વિભાજક રેખા બની રહી છે. રેવાની સાથે સાથે પણ પુષ્કળ ધર્મમહાત્મ્ય જોડાયેલું છે. ગંગાનાં પાણીમાં તો સ્નાન કરવાથી મોક્ષ મળે, નર્મદાના પાણીનાં તો દર્શન કરવા માત્રથી જ. બીજી કોઈ નદીની નહીં. માત્ર નર્મદાની પરિક્રમાની મહત્તા આપણા ધર્મમાં ગણાવાઈ છે. એનાં દર્શનથી મોક્ષ મળે ન મળે, નર્મ-મુદા – આનંદ તો આ ક્ષણે જ મળે. છે, અહીં બેઠાં બેઠાં.

અમારી પનાઈ સતી અનસૂયાને આરે નાંગરી. અહીં સ્નાન કરવાનો આનંદ તરુણ અવસ્થામાં એક વાર લીધેલો. કાલે ફરી એવો અવસર મળ્યો હતો. એમ થાય કે આ પાણીમાંથી બહાર જ ન નીકળીએ. માએ સર્વ અંગે આશ્લેષમાં લીધા હતા.

અહીં જ્યાં જઈએ ત્યાં સને ૧૯૭૦માં નર્મદામાં આવેલા પ્રલયકારી પૂરની વાત કર્યા વિના ના રહે. આપણને બતાવે – ‘આટલે સુધી પાણી આવી ગયાં હતાં!’ એ સાંભળી રેવાના રૌદ્રરૂપનું સ્મરણ થાય અને ધ્રૂજી જવાય.

અનસૂયા તીર્થથી ચાણોદ પાછા જતાં વચ્ચે વ્યાસબેટ અમને મોહ પમાડી ગયેલો. બેટની બંને બાજુએ થઈ દ્વિધા-વિભક્ત રેવા વહેતી હતી. જાતજાતના સુંવાળા પથરા અને રેતનો આ બેટ રહી પડવા કહેતો હતો. પણ અહીં તો આ બધા કંકર એટલા શંકર. મારા સાથીઓને તો અહીંના પથરાઓનું ઘેલું લાગી ગયેલું. પથ્થર વીણે જ જાય. બેટ પર મહાપૂરે ધ્વંસ કરેલી કેટલીક ધર્મશાળાઓ જોઈ.

સાંજે પવનમાં તોફાન હતું. અમારી હોડીનો શઢ ફાટી ગયો! પાણીમાં ચાંચલ્ય વધી ગયું હતું. હોડી વધુ ને વધુ ડોલવા લાગી હતી. પેલો બોડિયો ધરો, જે જતી વેળા તો એકદમ શાંત હતો, તે હવે ઉન્મત્ત બની સમુદ્રની જેમ મોજાં ઉછાળતો હતો! જરા બીક લાગી ગઈ પણ રસ્તે આવતાં તીર્થોનાં દર્શન તો કર્યાં જ.

કરનાળી ઊતર્યા ત્યારે આકાશ સ્વચ્છ બનવા લાગ્યું હતું. રેવાના કાંઠા ઉપર સૂર્યાસ્તની અદ્ભુત શોભા પથરાઈ. રેવાનું આ મનોહર રૂપ લોભાવી રહ્યું. જાણે તે કહેતી હતી, આજ ચાંદની રાત છે, નીકળી પડો! ચાંદનીમાં પનાઈવિહારનો વિચાર ન થઈ આવત એવું નથી! પણ અમને અટકાવવા બોડિયા ધરાનું નામ પૂરતું હતું.

રાતે એક વાર ઊઠી ઓસરીમાં આવી ચૂપચાપ વહી જતી રેવાને નિભૃતપણે જોઈ. આ બાજુ પ્રાચીન મંદિરોની આકૃતિઓ અને ઊંચાં વૃક્ષો પણ સ્તબ્ધ બની એક અદ્ભુત ભૂચિત્રણાનો કે નદીચિત્રણાનો અંશ બની જતાં હતાં. અહીંથી થોડાં કદમ ચાલી જુવારનું આ ખેતર વટાવે તો તરત નદીકાંઠે પહોંચી જાઉં તેમ હતું. રાતે તો નહીં, પણ આજે વહેલી સવારે જ્યારે ગાઢ ધુમ્મસમાં નદીના બંને કાંઠા ડૂબી ગયા હતા અને જુવારની લીલી પાણેઠો ઝાકળથી ભીની બની ગઈ હતી ત્યારે નદીની પાસે પહોંચી ગયા વિના રહેવાયું નહીં.

ફરી પાછો સણકો ઊપડે છે કે બંધ બંધાયા પછી રેવાનું આ રૂપ અહીં જોવા મળશે? નર્મદાની પરકમ્મા કરવાનો વિચાર કેટલાંક વરસોથી મનમાં રમે છે. જોઈએ મૈયાનો હુકમ ક્યારે થાય છે.

અત્યારે તો રેવા સામે એનાં દર્શન થાય તેમ આ પાંથ-નિવાસમાં બેઠા છીએ. અહીંથી સામેનો લીલોછમ કિનારો, આ તરફનો કાચો ઘાટ, ઓરસંગની ઊંચી ભેખડો, દૂર પ્રવાહ પર સરી જતી હોડીઓ – બધું ચિત્રાત્મક લાગે છે. ઉપર શ્વેત વાદળો વચ્ચે આકાશનો નીલ રંગ ડોકાય છે અને આંખમાં ફરફરે છે દૂરનાં મંદિરોના શિખર પરની ધજાઓ. પ્રવાહની પેલી બાજુનું રેતનું વિસ્તીર્ણ ભાઠું તો ત્યાં બેસવા બોલાવે છે.

એક હોડી ફરી રેવાના પટ પર સરકી આવે છે. તે જાણે રેવાના પટ પર નહીં, મારા ચિત્તના પટ પર સરે છે, કે પછી હું જ એ હોડી છું અને રેવાના પટ પર વહેવા લાગું છું!

કરનાળી
૧૮-૧૧-૮૧