કાન્તિલાલ લવજીભાઈ કાલાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાલાણી કાન્તિલાલ લવજીભાઈ (૨૭-૭-૧૯૩૦) : વિવેચક, ચરિત્રકાર. જન્મ અમરેલી જિલ્લાના ઝરમાં. વતન ખેડા જિલ્લાનું સોજિત્રા. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૭૩માં પીએચ.ડી. અમેરિકાની વેઇન સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑવ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન. ૧૯૫૫-૫૬માં વિલ્સન કૉલેજ, મુંબઈમાં અને ૧૯૫૬થી ૧૯૬૦ સુધી એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૬૦-૬૨ વેઇન યુનિવર્સિટી, અમેરિકામાં વિઝિટિંગ સ્કૉલર, ૧૯૬૩થી આજપર્યંત યુ.એસ. ઇન્ફર્મેશન સર્વિસ, મુંબઈમાં ગુજરાતી વિભાગના વડા. એમણે છંદો પરના વિવેચનનું પુસ્તક ‘છાંદસી’ (૧૯૭૨) તેમ જ જીવનચરિત્ર ‘સંત ફ્રાન્સિસ’ (૧૯૭૬) આપ્યાં છે. ‘રામનારાયણ વિ. પાઠક :વાઙ્મયપ્રતિભા’ (૧૯૮૧) એમનો મહાનિબંધ છે. ‘અમૃતનું આચમન’ના પાંચ ખંડો (૧૯૭૭, ૧૯૭૮, ૧૯૮૦, ૧૯૮૨, ૧૯૮૩)માં ચિંતનાત્મક નિબંધો છે. ‘કુરળ’ (૧૯૭૧) તમિળ વેદનો એમણે કરેલો ગુજરાતી અનુવાદ છે.