કાફકા/1
વર્ષોે પહેલાં હું રશિયાના છેક અંદરના પ્રદેશમાં નાનકડી રેલવેમાં નોકરી કરતો હતો. ત્યાંના જેટલું એકલવાયાપણું ફરી મેં કદી અનુભવ્યું નથી. તે વખતે હું ઘણાં કારણોસર (અત્યારે તેમનું મહદૃવ નથી) આવી કોઈ જગ્યાની શોધમાં હતો. મારા કાનમાં એકાંતના વધારે પડછંદા ગાજે તે મને વધારે ગમતું હતું. અત્યારે હું તેમની કશી રાવફરિયાદ કરવા માગતો નથી. શરૂઆતમાં તો મેં માત્ર થોડું પ્રવૃત્તિમય જીવન ગુમાવ્યું હતું. આ નાની રેલવે કદાચ શરૂઆતમાં ધંધાદારી હેતુ માટે શરૂ કરવામાં આવી હશે પણ મૂડી અપૂરતી હતી, એટલે કામકાજ અટકી ગયું અને કાલડા સુધી રેલવેલાઇન નાખવાને બદલે ત્યાંથી ચોવીસ કલાક જેટલા દૂરના સ્થળે જંગલોની વચ્ચે આવેલા એક નાના ગામ સુધી જ પાટા નાખી શકાયા. જો કાલડા સુધી પાટા નાખવામાં આવ્યા હોત તો પણ કેટલાય સમય સુધી આ રેલવે ખોટમાં જ જવાની હતી, કારણ કે આ આખી યોજના ભૂલભરેલી હતી. આ વિસ્તારને રેલવેની નહિ, રસ્તાઓની જરૂર હતી. આવી સ્થિતિમાં રેલવે માંડ પોતાનો વ્યવહાર ચલાવી શકતી હતી. આખા દિવસમાં થઈને દોડતી બે ટ્રેનમાં જેટલો માલસામાન જતો હતો તેટલો તો એક નાના ગાડામાં પણ જઈ શકે, અને તેમાં મુસાફરી કરનારા હતા થોડા ખેતમજૂરો, તે પણ માત્ર ઉનાળામાં જ. આમ છતાં તેઓ રેલવે બંધ કરવા માગતા ન હતા, તેમને એવી આશા હતી કે જો આ રેલવે ચાલુ રહે તો વધારાના બાંધકામ માટે જરૂરી મૂડીરોકાણ મળી રહે. ખરું પુછાવો તો આ આશા નહીં પણ માત્ર નિરાશા અને આળસ હતાં. કોલસાનો પુરવઠો મળ્યા કરે ત્યાં સુધી તેઓ રેલવે ચલાવ્યે રાખતા હતા. થોડા કામદારોને તેઓ અનિયમિત રીતે અને તે પણ અધૂરો પગાર આપતા હતા, જાણે તેઓ સખાવત કરતા ન હોય! બાકી તો તેઓ આ આખી યોજના પડી ભાંગે તેની રાહ જોતા હતા. આ રેલવેમાં હું નોકરીએ જોડાયો. રેલવેના પાટા નખાવા માંડ્યા તે વખતે લાકડાનું જે છાપરું ઊભું કર્યું હતું ત્યાં હું રહેતો હતો, અત્યારે તો આ છાપરું સ્ટેશનમાં ફેરવાઈ ગયું હતું. ત્યાં માત્ર એક ઓરડી હતી અને તેમાં મારે સૂવા માટે એક પાટિયું અને કદાચ થોડી લખાણપટ્ટી કરવાની થાય તો એક મેજ હતું. આ મેજ પર તાર માટેનું સાધન હતું. હું જ્યારે આવ્યો ત્યારે ઉનાળો હતો, તે વખતે વહેલી સવારે એક ટ્રેન પસાર થતી હતી (પાછળથી એનો સમય બદલાઈ ગયો હતો) અને કેટલીક વખત હું ઊંઘતો હોઉં તે દરમિયાન કોઈ મુસાફર ટ્રેનમાંથી ઊતરતો. એવી પરિસ્થિતિમાં (ભર ઉનાળો ન જામે ત્યાં સુધી રાતે ખૂબ ઠંડી વાતી) તે મુસાફર ખુલ્લામાં પડી ન રહેતો પણ ઓરડીનું બારણું ખખડાવતો, હું બારણાની સાંકળ ખોલતો અને પછી તો અમે ઘણું ખરું ગપ્પાં મારતા. હું પાટિયા પર પડ્યો રહું, મારો મહેમાન જમીન પર બેસતો અથવા હું કહું એટલે ચા બનાવતો અને અમે મિત્રોની જેમ સાથે ચા પીતા. આ બધા ગ્રામવાસીઓ ખૂબ જ મળતાવડા સ્વભાવના હતા. આ ઉપરાંત મને એ પણ સમજાઈ ગયું કે હું સાવ એકલવાયાપણાને જિરવી શકું એમ ન હતો. મેં જાતે કરીને લાદેલું એકલવાયાપણું થોડા સમય પછી ભૂતકાળની વેદનાઓને વેરવિખેર કરવા માંડ્યું તે પણ મારે સ્વીકારી લેવું રહ્યું. મેં સામાન્ય રીતે જોયું છે કે કોઈ એકલવાયા માણસ પર દુર્ભાગ્યનું જોર લાંબા સમય સુધી ચાલતું નથી. એકલવાયાપણામાં ખૂબ જ શક્તિ છે અને એટલા માટે તે હંમેશાં માનવીને લોકોની વચ્ચે ધકેલી મૂકે છે. સ્વાભાવિક રીતે જ પછી તમે નવા રસ્તા વિચારો, આ બધા રસ્તાઓ દેખીતી રીતે તો ઓછા ત્રાસદાયક હોય પણ વાસ્તવમાં તે કેવા હશે તેની તો ખબર પડે જ નહિ. મેં ધાર્યું પણ નહિ હોય એટલી હદે હું લોકો સાથે ભળી ગયો. મારો તેમની સાથેનો સંપર્ક સ્વાભાવિક રીતે જ નિયમિત ન હતો. મારે જે પાંચ ગામ સાથે સંબંધ હતો તે મારા સ્ટેશનથી ખૂબ ખૂબ દૂર હતાં, વળી આ ગામ એકબીજાથી પણ દૂર હતાં. રખે ને મારી નોકરી જતી રહે એ બીકે હું સ્ટેશનથી બહુ દૂર જવાનું સાહસ કરતો ન હતો. હું કોઈ પણ હિસાબે નોકરી ગુમાવવા તો તૈયાર ન હતો. તેમાંય વળી શરૂઆતના ગાળામાં તો નહિ જ. એટલે હું ગામમાં જતો નહિ અને મારે માત્ર મુસાફરો પર અથવા લાંબી મુસાફરીથી નહિ કંટાળેલા અને મને મળવા આવતા લોકો પર જ આધાર રાખવો પડતો હતો. પહેલા જ મહિનામાં આવા લોકો આવ્યા હતા. પરંતુ તે લોકો ગમે તેટલા મળતાવડા હોય તો પણ કશું કામ હોય ત્યારે જ તેઓ આવતા હતા અને આવવાનું કારણ છુપાવવાનો પ્રયત્ન કરતા નહિ. તેઓ માખણ, માંસ, અનાજ અને એવી બીજી વસ્તુઓ આણતા હતા; શરૂઆતમાં તો, મારી પાસે પૈસા હોય ત્યાં સુધી તો કશું જોયા કર્યા વિના હું ખરીદી જ કરી લેતો હતો. આ લોકો મને એટલા બધા વહાલા હતા, તેમાંના કેટલાક તો ખૂબ જ ગમતા હતા. પાછળથી મેં ખરીદી ઓછી કરી; બીજાં કારણો ઉપરાંત એક કારણ એ હતું કે હું જે રીતે ખરીદતો હતો તે પ્રત્યે તેમને થોડો અણગમો હતો. વળી, ટ્રેન દ્વારા પણ ખાવાની ચીજવસ્તુઓ આવતી હતી, આ વસ્તુઓ બહુ તકલાદી અને ખેડૂતો લાવતા હતા તેના કરતાં વધુ મોંઘી પણ હતી. પહેલાં તો મારો વિચાર ત્યાં શાકભાજી ઉગાડવા બાગ બનાવવાનો, એક ગાય ખરીદવાનો હતો. આ રીતે હું શક્ય તેટલે અંશે આત્મનિર્ભર થઈ શકું. હું બાગકામનાં ઓજારો અને બિયારણ પણ ખરીદી લાવ્યો હતો. મારી ઝૂંપડીની આજુબાજુ નજર પહોંચે ત્યાં સુધી ખાડાટેકરા વિનાની પડતર જમીન હતી. પણ આ જમીન ખેડવાની મારી શક્તિ ન હતી. ઉનાળો ન આવે ત્યાં સુધી આ જમીન થીજેલી રહેતી, અને ત્યાર પછી પણ મારી નવી કોદાળી કામ કરી શકતી ન હતી. જે બિયારણ વાવો તે વેડફાઈ જાય. આ મજૂરી કરતી વખતે કેટલીય વાર હું નિરાશ થઈ જતો હતો હતો. દિવસો સુધી પાટિયા પર પડ્યો રહેતો, ટે્રન આવે તો પણ બહાર નીકળતો ન હતો. હું પાટિયા પર આવેલી બારીમાંથી ડોકું બહાર કાઢતો અને માંદો છું એમ જણાવતો. ટ્રેન ઊભી રહે એટલે ત્રણ કર્મચારીઓ હૂંફ મેળવવા આવતા. તેમને જોકે હૂંફ તો ઓછી મળતી. શક્ય હોય ત્યાં સુધી તો હું તરત જ ભડકો થઈ ઊઠતો. જૂનો લોખંડનો સ્ટવ સળગાવતો નહિ. હું જૂના ગરમ કોટમાં લપેટાઈને તથા આ ગાળા દરમિયાન મેં ખેડૂતો પાસેથી ખરીદેલાં ચામડાં ઓઢીને પડી રહેવાનું પસંદ કરતો. તેઓ મને કહેતા : ‘તમે તો ઘડીએ ઘડીએ માંદા પડી જાઓ છો. આ સ્થળેથી તમે જીવતા પાછા જવાના નથી.’ તેઓ મને હતાશ કરી મૂકવા માટે આમ કહેતા ન હતા, પણ જ્યારે જ્યારે શક્ય લાગે ત્યારે ત્યારે આખાબોલા બનીને સાચું બોલવા જતાં તેમનાથી કહેવાઈ જતું હતું. મહિનામાં એક દિવસ અમલદાર મારા ચોપડા જોવા, સ્ટેશનની આવક ઉઘરાવવા અને મારો પગાર (નિયમિત રીતે નહિ) ચૂકવવા આવતા. આ અમલદાર કોઈ ચોક્કસ તારીખે આવતા નહીં. આગલા સ્ટેશને તે ઊતર્યા હોય એટલે લોકો મને એક દિવસ અગાઉ તેમના આગમનની જાણ કરી દેતા. હું તો ચોપડા વ્યવસ્થિત જ રાખતો હતો પરંતુ આ લોકો જે ચેતવણી આપતા હતા તે જાણે તેમનો મોટામાં મોટો ઉપકાર હોય એમ માનતા હતા. આ ચોપડા વ્યવસ્થિત રાખવા કશી મહેનત પણ પડતી ન હતી. અમલદાર પણ સ્ટેશન પર ઊતરતા વેંત એવી મુખમુદ્રા ધારણ કરતા, જાણે કહેવા માગતા હોય આ વખતે તારો ગેરવહીવટ હું ચોક્કસ પકડી પાડવાનો છું. તેઓ હંમેશાં ઓરડીનું બાહૃણું ઘૂંટણ વડે ધકેલતા અને તે જ વખતે મારી સામે જોતા. ચોપડો ખોલતાં વેંત તેઓ મને ભૂલ કાઢી બતાવતા. પછી તેમની આંખો આગળ ગણતરીઓ કરીને એ ભૂલ મારી નહિ પણ તેમની પોતાની હતી એ સાબિત કરતાં મને ખૂબ સમય લાગતો. સ્ટેશનની આવક વિશે હંમેશાં તેમને અસંતોષ રહેતો, ચોપડા પર હાથ પછાડતા અને મારી સામે આંખ કાઢીને દર વખતે બોલતા : ‘આપણે રેલવે બંધ કરવી પડશે.’ હું પણ એનો એ જ જવાબ આપતો :‘ હા, એવો વખત આવશે ખરો.’ બધી તપાસ પૂરી થાય એટલે એટલે અમારા સંબંધનો પ્રકાર બદલાઈ જતો. મારી પાસે બ્રાન્ડી હોય જ અને ક્યારેક વળી મીઠાઈ પણ. અમે સાથે પીતા; તેઓ સહી શકાય એવા અવાજે ગાતા. પણ હંમેશાં એનાં એ બે ગીત. એક ગીત કરુણ હતું : ‘ક્યાં ચાલ્યો ઓ શિશુ, આ વનમાં?’ બીજું ગીત આનંદી હતું : ‘મજા કરો, મજા કરો, હું છું તમારો.’ હું તેમને કેવા પ્રકારના મિજાજમાં લઈ જઉં છું તેના પર મારા પગારના હપ્તાનો આધાર રહેતો. આ આનંદપ્રમોદની શરૂઆતમાં જ તેમને જોતી વખતે મારા મનમાં કોઈક હેતુ જાગવા માંડતો; પછી અમે ચૂપ થઈ જતા, સહેજ પણ સંકોચ વિના અમે બંને કંપનીને ગાળો કાઢતા અને તે મારા કાન પાસે મોં લાવીને મારી કારકિર્દીમાં તેઓ કઈ રીતે મદદરૂપ થશે તે બબડ્યા કરતા, પછી અમે પાટિયા પર બાથ ભીડીને સૂઈ જતા અને દસ દસ કલાક એમ વીતાવી દેતા. બીજે દિવસે સવારે તે પોતાના રસ્તે પડતા, પાછા મારા ઉપરી બની જતા. હું ટ્રેન આગળ ઊભો રહી સલામ કરતો. ઘણી વખત તેઓ ઉપર ચઢતાંવેંત બોલતા : ‘ચાલો, મિત્ર. ફરી આવતા મહિને. તમારાં જોખમો તો તમે જાણો છો.’ પ્રયત્નપૂર્વક ફબ્લાવી રાખેલો તેમનો ચહેરો હજુ પણ મારી આંખો આગળ જોઈ શકું છું. તેમના ચહેરાનું એકેએક અંગ — ગાલ, નાક, હોઠ — આગળ ઊપસેલું હતું. આખા મહિનામાં આ જ પ્રસંગે મને રોજિંદા જીવનમાંથી મુક્તિ મળતી હતી, ત્યારે હું મારી જાતને છૂટો દોર આપી દેતો. જો કોઈ કારણસર થોડી ઘણી બ્રાન્ડી વધી હોય તો એ અમલદારના ગયા પછી તરત જ હું ગટગટાવી જતો. મારા ગળામાં એ રેડાતી હોય ત્યારે ટ્રેન ઊપડવાની સિસોટી હું સામાન્ય રીતે સાંભળી શકતો હતો. આવી રાત પછીની તરસ બહુ ભયંકર નીવડતી હતી; કોઈ બીજી જ વ્યક્તિ મારામાં વસી રહી છે એવું મને લાગતું — તે વ્યક્તિ મારા મોંમાંથી પોતાનું ગળું અને મોં બહાર કાઢી રહીને પીવા માટે કશુંક માગી રહી છે એમ મને લાગ્યા કરતું. અમલદારને તો બ્રાન્ડી મળી રહેતી હતી; તે ટ્રેનમાં ખાસ્સી એવી બાટલીઓ રાખતો હતો, પણ મારે તો જે વધ્યુંઘટ્યું હોય તેનાથી ચલાવવું પડતું હતું. પણ પછી આખો મહિનો હું દારૂ પીતો નહિ કે સિગારેટ ફૂંકતો નહિ; હું મારું કામ કર્યા કરતો અને બીજી કશી ઇચ્છા રાખતો નહિ. મેં કહ્યું તે પ્રમાણે મારે ઝાઝું કશું કરવાનું હતું નહિ પણ જે કંઈ કામકાજ કરતો હતો તે વ્યવસ્થિત રીતે કરતો. સ્ટેશનની બંને બાજુએ એક કિલોમીટર સુધી પાટા સાફસૂફ રાખવાની અને તપાસવાની મારી ફરજ હતી. પણ હું એટલી મર્યાદાને વળગી રહેતો નહીં, ઘણી વાર એનાથી પણ દૂર દૂર સુધી જતો, તે એટલે સુધી કે પછી સ્ટેશન માંડ માંડ દેખાતું. હવામાન સ્વચ્છ હોય તો પાંચેક કિલોમીટર જેટલા અંતરેથી સ્ટેશન જોઈ શકાય, કારણ કે આખો પ્રદેશ સપાટ હતો. પણ જ્યારે હું ખૂબ ખૂબ દૂર નીકળી પડું ત્યારે દૂર દૂરથી માત્ર ઓરડી જ દેખાતી હતી, અને કેટલીક વખત ઓરડીની પાસે ઘણાં બધાં કાળાં ટપકાં ધસતાં દેખાતાં (આ માત્ર દૃષ્ટિભ્રમ હતો). ઘણા બધા સૈનિકો, ટુકડીઓની ચહલપહલ દેખાતી. પણ કેટલીક વખત ખરેખર કોઈ આવતું, પછી તો હું એ બધું અંતર દોડતો દોડતો પાછો જતો. સાંજ પડે હું મારું કામ પૂરું કરતો અને છેવટે મારી ઓરડીમાં જઈ ચઢતો. સામાન્ય રીતે સાંજે કોઈ મુલાકાતીઓ આવતા ન હતા, કારણ કે રાતે ગામ પાછા ફરવાનું સલામત ન હતું. આસપાસના વિસ્તારમાં નોકરીધંધા વિનાના જાતજાતના લોકો રખડ્યા કરતા, તેઓ ત્યાંના વતની ન હતા, તેઓ જાય ત્યારે તેમની જગ્યાએ બીજાઓ આવી ચઢતા; પણ થોડા દિવસે મૂળ રખડુઓ પાછા આવી ચઢતા. મોટા ભાગના મારી નજરે પડતા; આ એકલવાયા સ્ટેશનનું તેમને આકર્ષણ હતું; તેઓ આમ કંઈ ખરાબ માણસો ન હતા પણ તમારે તેમની સાથે મક્કમતાથી કામ લેવું પડે. લાંબી લાંબી સાંજના સમયે આ લોકો જ મને હેરાન કરતા હતા. નહીંતર તો હું પાટિયા પર પડ્યો રહેતો, ભૂતકાળનો, રેલવેનો વિચાર કરતો નહીં. બીજી ટ્રેન રાતે દસ-અગિયારની વચ્ચે જ આવતી હતી; એટલે હું કશાનો વિચાર કરતો નહીં. ટ્રેનમાંથી ફેંકાયેલું જૂનું છાપું અવારનવાર વાંચ્યા કરતો, જેમાં કાલડાની વાત આવતી. તેમાં મને રસ પડ્યો હોત પરંતુ વેરવિખેર સામગ્રીને કારણે હું સમજી શકતો ન હતો. વળી દરેક વખતે ‘કમાન્ડર્સ રિવેન્જ’ નામની નવલકથાનો હપ્તો આવતો હતો. એક વખત આ સેનાપતિ સ્વપ્નમાં દેખાયો હતો. તેના પડખામાં ખંજર હતું અને એક પ્રસંગે તો તેણે ખંજર દાંતમાં પકડ્યું હતું. હું ઝાઝું વાંચી શકતો નહીં કારણ કે અંધારું જલદી થઈ જતું અને પેરાફીન અથવા મીણબત્તી તો ખૂબ મોંઘા હતાં. દર મહિને રેલવે મને માત્ર અડધો લિટર પેરાફીન આપતી હતી. દરરોજ આવતી ટ્રેન માટે અડધા કલાક સુધી સિગ્નલનો દીવો સળગાવવામાં જ મહિનો પૂરો થાય તે પહેલાં એ તો વપરાઈ જતું હતું. પણ આ દીવાની કોઈ જરૂર ન હતી. પાછળથી, ખાસ કરીને અજવાળી રાતોમાં તો હું દીવો સળગાવતો ન હતો. મને ખ્યાલ આવી ગયો હતો કે ઉનાળો ઊતરતાં વેંત મારે પેરાફીનની ખૂબ જરૂર પડવાની. એટલે ઓરડીના એક ખૂણામાં મેં ખાડો ખોદીને તેમાં બીઅરનું પીપ મૂકી રાખ્યું હતું. દર મહિને બચાવેલું પેરાફીન એમાં રેડતો. તેના પર ઘાસ પાથરી દીધેલું એટલે કોઈની નજરે પડતું નહીં. ઓરડીમાં જેમ પેરાફીનની વાસ વધુ આવતી તેમ હું વધારે ખુશ થતો; પીપનાં જૂનાં અને સડી ગયેલાં પાટિયાં પેરાફીનમાં તરબોળ થવાને કારણે ગંધ વધુ મારતી. પાછળથી સાવચેતીનાં પગલાં રૂપે મેં ઓરડીની બહાર પીપ દાટી દીધું હતું; એક વખત અમલદારે દિવાસળીના બાકસની મોટી મોટી વાતો કરવા માંડી એટલે મેં જોવા માંગી. તેણે તો એક પછી એક દિવાસળી સળગાવીને ફેંકવા માંડી. અમે બંને અને ખાસ તો પેરાફીન ભયમાં મૂકાઈ ગયા. બધી દિવાસળીઓ તેણે ફેંકી ત્યાં સુધી તેને કાબૂમાં રાખીને મેં બધું બચાવી લીધું હતું. ફુરસદની પળોમાં હું શિયાળાની તૈયારી કેવી રીતે કરવી તેનો વિચાર કરતો હતો. જો હું અત્યારે જ, વરસના હૂંફાળા સમયમાં, ધ્રૂજતો હોઉં તો શિયાળામાં મારી શી હાલત થશે તેની કલ્પના કરી શકાતી ન હતી. પેરાફીનની બચત તો એક તરંગ હતો. જો હું સરખી રીતે વર્તતો હોત તો તો શિયાળા માટે ઘણી બધી વસ્તુઓ એકઠી કરવી પડે, રેલવે કંપનીને મારા ભલા માટે કશો વિચાર આવતો જ ન હતો એમાં તો શંકા જ ન હતી. હું પણ બેદરકાર હતો અથવા તો મારા સુખસગવડનો વિચાર કરતો ન હતો. ઉનાળામાં દિવસો સુખેથી વીતતા હતા એટલે હું એમ ને એમ બેસી રહ્યો અને આગળ કશું કર્યું નહિ. આ સ્ટેશન પ્રત્યેના આકર્ષણનું એક કારણ શિકારની સગવડ હતી. આ પ્રદેશમાં શિકાર માટે ઘણાં પ્રાણીઓ છે એ વાત કોઈએ કહી હતી, મેં થોડાઘણા પૈસા બચાવેલા તેમાંથી બંદૂક માટે ડિપોઝિટ પણ ભરી હતી. શિકારયોગ્ય પ્રાણીઓ છે જ નહીં તેની ખબર અહીં આવ્યા પછી પડી. અહીં માત્ર વરુ, રીંછ જ હતાં. શરૂઆતના મહિનાઓમાં તો મને એ પણ જોવા મળ્યાં ન હતાં. બાકી તો માત્ર અસાધારણ મોટાં ઉંદરોનાં ટોળાં, મેદાનોમાં પવનના માર્યા દોડાદોડી કરતા ન હોય તેમ, જોવા મળતાં હતાં. જે શિકારની આશાએ આવ્યો હતો તે પ્રાણીઓ જ જોવાં જ ન મળ્યાં. લોકોએ મને ખોટી માહિતી આપી ન હતી; શિકારયોગ્ય પ્રાણીઓવાળો વિસ્તાર અહીં હતો. પણ ત્રણ દિવસની મુસાફરી જેટલો તે દૂર હતો. હજારો કિલોમીટરના વેરાન પ્રદેશમાં કોઈ સ્થળે જવા માટેની સૂચનાઓ પણ ચોક્કસ ન હોઈ શકે એનો વિચાર મેં કર્યોે ન હતો. ગમે તેમ પણ એ ગાળા દરમિયાન મારે બંદૂકની જરૂર પડી ન હતી અને એ પૈસા હું બીજા ઉપયોગ માટે પણ વાપરી શકું એમ હતું, આમ છતાં શિયાળામાં મારે બંદૂક તો જોઈએ અને એટલા માટે હું નિયમિત રીતે પૈસા બચાવતો. મારા પુરવઠાની વસ્તુઓથી આકર્ષાઈને આવતા ઉંદરો માટે તો મારી લાંબી છરી પૂરતી હતી. શરૂઆતના દિવસોમાં તો બધી જ વસ્તુઓનું મને કુતૂહલ હતું. એટલે એક વખત એક ઉંદરને મેં છરીની અણીએ પકડીને ભીંત સામે મારી આંખોની સમાંતરે ધરી રાખ્યો હતો. આવાં નાનાં પ્રાણીઓને દૃષ્ટિને સમાંતરે રાખ્યાં હોય તો જ જોઈ શકાય; જમીન પર નીચા નમીને જુઓ તો તેમના વિશે ખોટો અને અપૂરતો ખ્યાલ બંધાય. આ ઉંદરોની ખાસ લાક્ષણિકતા રૂપ તેમના પંજા હતા — મોટા, પોલા અને છેડેથી અણિદાર. ખોદકામ માટે તે ઉપયોગી હતા. મરણની અંતિમ વેદનામાં મારી સામે દીવાલ આગળ લટકતા એ ઉંદરે પોતાના પંજા કૈંક અકુદરતી રીતે લંબાવ્યા; તમારી આગળ જાણે કોઈ નાના હાથ ધરતું ન હોય. સામાન્ય રીતે આ પ્રાણીઓ મને ઝાઝું હેરાન કરતાં ન હતાં. સખત જમીન પર કોઈનાં પગલાંનો અવાજ સંભળાય ત્યારે તેઓ ઉતાવળે દોડાદોડ કરીને મને જગાડી દેતા. તે વખતે જો હું બેઠો થઈ જઉં અને કદી નાની મીણબત્તી સળગાવું તો ઉંદરના પંજા દેખાય અને પાટિયાંઓમાં તેમને દર બનાવતાં જોઈ શકતો. આ મહેનત નકામી હતી. કારણ કે ઉંદર તેમાં સમાય એટલું મોટું દર પાડવા માટે ઘણા દિવસ કામ કરવું પડે અને આ તો સવારે અજવાળું થતાંમાં જ ભાગી જતા હતા, ઉંદર દર બનાવવાની કામગીરી સારી રીતે કરતા હતા. ખોદતી વખતે જે રજકણો બહાર નીકળતા તે તો બહુ ઝીણા હતા અને છતાં તેના પંજાની હાલત એળે જતી હોય એવું કદી લાગતું નહીં. રાતે હું ઘણી વખત લાંબા સમય સુધી આ જોયા કરતો, છેવટે તેની ધીરજ અને ખંત મને ઊંઘાડી દેતા હતા. પછી મીણબત્તી ઓલવવાની પણ મારામાં શક્તિ રહેતી નહીં, થોડા સમય માટે ઉંદરને કામગીરી માટે અજવાળું આપતી. એક હૂંફાળી રાતે આ પંજાઓને કામ કરતાં સાંભળ્યા એટલે હું ઉંદરને જોવા માટે મીણબત્તી સળગાવ્યા વિના જ બહાર ગયો. લાંબા નાકવાળું તેનું માથું નીચે નમેલું હતું, લાકડાની બરાબર નજીક જવા અને લાકડામાં ઊંડે ને ઊંડે કોતરવા માટે આગલા બે પગ વચ્ચે એ માથું સંતાડી દીધું હતું. તમને એમ જ લાગે કે ઓરડીની અંદર કોઈ છે અને તે આ ઉંદરને અંદર ખેંચી રહ્યું છે. તેના સ્નાયુઓ એટલા બધા તંગ લાગતા હતા. આમ છતાં, એક જ લાત વડે બધું પતી ગયું. મેં લાત મારીને તેને મારી નાખ્યો. એક વાર હું પૂરેપૂરો જાગી જઉં પછી મારી એક માત્ર મિલકત એવી ઓરડી પર કોઈ આક્રમણને સાંખી ન શકું. આ ઉંદરોથી મારી ઓરડીને બચાવવા માટે મેં બધા દર ઘાસ અને સૂતળીથી સીડી દીધાં. દરરોજ સવારે ચારે બાજુની જમીન તપાસી લેતો. મારી ઓરડીની કઠણ માટીની ફરસને પાટિયા વડે ઢાંકી દેવાનું પણ મેં વિચાર્યું. બાજુના ગામડામાંથી જેકોઝ નામના એક ખેડૂતે આ કામ માટે થોડાં મજબૂત પાટિયાં લાવી આપવાનું વચન આપ્યું હતું. આ વચનના બદલામાં હું તેને સારી રીતે આવકારતો હતો, તે બહુ દૂર રહેતો ન હતો છતાં દર પંદર દિવસે આવતો, ક્યારેક રેલવે દ્વારા માલસામાન મોકલવા આવતો. પણ તે કદી પાટિયાં લાવ્યો નહીં, નહીં લાવવા માટે તેની પાસે હજાર બહાનાં હતાં. વારંવાર પાટિયાં ઊંચકવા માટેની હવે તાકાત નથી એમ કહ્યા કરતો. ખેતરમાં અત્યારે તો કમરતોડ મહેનત દીકરો કરે છે. તે નવરો થશે ત્યારે લાવશે. જેકોઝના કહેવા પ્રમાણે (આમેય દેખાવ પરથી તેની વાત સાચી લાગે) તેની ઉંમર સિત્તેરથી પણ વધારે હતી; પણ તે ઊંચો અને હજુ ખાસ્સો કદાવર હતો. વળી તેનાં બહાનાં પણ બદલાયા કરતાં હતાં. એક વખત તેણે એવું બહાનું કાઢ્યું કે તમારે જોઈએ છે તેટલાં લાંબાં પાટિયાં મળતાં નથી. મેં તેને આગ્રહ કર્યોે નહીં. પાટિયાંની એવી કોઈ તાત્કાલિક જરૂરિયાત ન હતી. ઓરડીની ફરસ પર પાટિયાં જડવાનો વિચાર પણ તેણે જ મને સૂઝાડ્યો હતો; કદાચ આમ કરવાથી કોઈ અર્થ ન પણ સરે; ટૂંકમાં, હું શાંતિથી આ માણસનાં જૂઠાણાં સાંભળ્યે ગયો. હું એને મળું એટલે દર વખતે કહું : ‘જેકોઝ, પેલાં પાટિયાંનું શું થયું?’ તરત જ અસ્પષ્ટ અવાજે તે માફી માગવા માંડતો. તે મને ઇન્સ્પેક્ટર, કેપ્ટન અથવા તો માત્ર તારમાસ્તર તરીકે બોલાવતા. આનો તેને મન તો ખાસ અર્થ હતો; તે મને પાટિયાં લાવી આપવાનું જ નહીં પણ તેના દીકરા અને બીજા પાડોશીઓની મદદથી આ ઓરડીને જમીનદોસ્ત કરીને તેને બદલે એક નવું મકાન બાંધી આપવાનું વચન આપતો. કંટાળ્યો નહીં ત્યાં સુધી આ વાત મેં સાંભળ્યા જ કરી પછી મેં એને બહાર ધકેલી દીધો. બારણામાં જ ઊભા રહીને તેણે તેના કહેવાતા નબળા હાથ ઊંચા કર્યા અને માફી માગી. આ હાથ વડે તેણે પુખ્ત ઉમરના માણસને પણ કચડી નાખ્યો હોત. તે કેમ પાટિયાં લાવતો નથી તેનું કારણ હું જાણવા માગતો હતો, શિયાળો પાસે આવશે એટલે પાટિયાંની જરૂર મને વધારે ને વધારે પડશે. પછી હું તેની સારી કિંમત ચૂકવીશ એનો અંદાજ તેને આવી ગયો હતો; વળી જ્યાં સુધી તે પાટિયાં લાવે નહીં ત્યાં સુધી તો મારા માટે તે મહદૃવનો માણસ ગણાય. એ મૂરખ તો ન હતો, એટલે તેને એ ખબર પડી ગઈ કે તેના મનની વાત હું પામી ગયો છું. આ જાણકારીનો મેં ઉપયોગ કર્યોે ન હતો એટલે તેનો લાભ ઉઠાવતો રહ્યો. પરંતુ આ બધાં પ્રાણીઓથી મારી ઓરડીને બચાવવાના અને શિયાળા સામે રક્ષણ મેળવવાના મારા બધા પ્રયત્નો હું ખૂબ માંદો પડ્યો એટલે અટકી ગયા (આ માંદગી વખતે મારી નોકરીને ત્રણ મહિના પૂરા થયા હતા). વર્ષો સુધી હું માંદો પડ્યો જ ન હતો. સામાન્ય પ્રકારની અસ્વસ્થતા પણ અનુભવાતી હતી, પણ તે વખતે ગંભીર માંદગી આવી ચઢી. માંદગીની શરૂઆત ભયંકર ઊધરસથી થઈ. સ્ટેશનથી બે કલાક અંતરે એક નાનો વહેળો હતો, ત્યાં હું હાથગાડીમાં પીપ નાખીને પાણી લેવા જતો હતો. એ વથ્ઢ્ઢળામાં ઘણી વાર નહાયો હતો અને તેના પરિણામે આ ઊધરસ થઈ. ઊધરસના હુમલા એટલા સખત હતા કે ઊધરસ ખાતી વખતે હું કોકડું વળી જતો હતો. જો હું આ રીતે કોકડું નહીં વળું તો કદાચ બચી નહીં શકાય એમ મને લાગતું એટલા માટે મેં મારી શક્તિ એકઠી કરવા માંડી. મારી ઊધરસ ટ્રેનના કર્મચારીઓને ગભરાવી મૂકશે એમ મને હતું પણ તેઓ તો એ ઊધરસને ઓળખતા હતા અને વરુની ઊધરસ તરીકે તેને ઓળખાવી. પછી હું ઊધરસમાં ઘૂરકવાનો અવાજ સાંભળવા સાંભળવા લાગ્યો. હું ઓરડીની સામે એક નાનકડી પાટલી ઉપર બેસીને આ ઘૂરકાટવાળી ઊધરસ વડે ટ્રેનને આવકારતો, તે ઊપડે ત્યારે પણ તેની સાથે હું પાટિયા પર બેસતો અને મારી ઊધરસનો અવાજ સાંભળવામાંથી બચવા માટે મારા મોંની આસપાસ ચામડાં વીંટાળી દેતો. કોઈ ખૂબ મહદૃવની નસ તૂટી જાય અને મારો અંત આવી જાય તેની આતુરતાથી રાહ જોતો હતો. પણ આવું કશું બન્યું નહિ અને થોડા દિવસ પછી તો ઊધરસ પણ ઓછી થઈ. આ ઊધરસ ઓછી કરતી એક ચા છે અને એક લોકોમોટિવ એન્જિનિયરે તે લાવવાનું મને વચન આપ્યું હતું પણ ઊધરસ શરૂ થાય પછીના આઠમા દિવસે તે જ પીવાય, નહિતર તેની કોઈ અસર ન થાય એવી સમજ એણે મને આપી હતી. આઠમા દિવસે તે લાવ્યો પણ ખરો. મને બરાબર યાદ છે કે ટ્રેનના કર્મચારીઓ જ નહીં પણ ઉતારુઓ, યુવાન ખેડૂતો પણ મારી ઓરડીમાં આવ્યા. ચા પીધા પછીની ઊધરસનો પહેલો અવાજ સાંભળવો એ સૌભાગ્ય ગણાતું હતું. મેં ચા પીધી, મારા મહેમાનોની સામે ઊધરસ ખાધી પણ પછી તરત જ મને ખરેખરી રાહત થઈ. જોકે છેલ્લા બે દિવસથી ઊધરસનું જોર આમેય ઓછું થયું હતું. પણ તાવ તો એવો જ રહ્યો અને તે ઓછો ન થયો. આ તાવે મને ખૂબ જ થકવી નાખ્યો હતો, હું મારી બધી જ શક્તિ ગુમાવી બેઠો; કેટલીક વખત એકાએક જ મારા કપાળે પરસેવો વળી જતો, મારું આખું શરીર ધ્રૂજવા માંડતું. હું ગમે તે સ્થળે હોઉં તો પણ મારે સૂઈ જવું પડતું અને સ્વસ્થ થઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડતી. મારી સ્થિતિ સુધરવાને બદલે બગડતી હતી એ હું જોઈ શક્યો અને જ્યાં સુધી મારી તબિયત સુધરે નહીં ત્યાં સુધી કાલડા જઈને આરામ કરવાનું જરૂરી બન્યું. એતદ્ : જાન્યુઆરી, 1979