કાફકા/5

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગૃહપ્રવેશ

હું પાછો ફર્યોે છું, આંગણું વટાવીને ચારે બાજુ નજર કરું છું. મારા બાપનો આ જૂનો ખેતરનો વાડો છે. વચમાં ખાબોચિયું છે. જૂનાં, કશા કામમાં ન આવે એવાં ઓજારોનો ઢગલો કોઠાર તરફ જવાના દાદરનો રસ્તો રોકીને પડ્યો છે. કઠેડા પાછળ બિલાડી લપાઈ રહી છે, કોઈ વાર રમતમાં લાકડીને છેડે ચીંથરું વીંટાળ્યું હશે તે પવનમાં ફરફરે છે. હું આવી લાગ્યો છું. કોણ મને આવકારશે? રસોડાનાં બારણાં પાછળ કોણ મારી રાહ જોતું ઊભું છે? ધુમાડિયામાંથી ધુમાડો નીકળે છે, રાતના વાળુ માટેની કોફી તૈયાર થઈ રહી છે. તું અહીંનો જ છે, આ જ તારું ઘર છે એવું તને લાગે છે? કોણ જાણે, મને ભારે અનિશ્ચિતતાની લાગણી થાય છે. તેમ છતાં, આ છે તો મારા બાપનું ઘર, પણ દરેક વસ્તુ બીજી વસ્તુની પડખે સાવ ઉષ્માહીન બનીને ઊભી છે, કેમ જાણે એ દરેક પોતપોતાના મામલામાં મશગુલ નહીં હોય! એ બધું હું થોડુંઘણું ભૂલી ગયો છું, કેટલુંક તો મેં કદી જાણ્યું જ નથી. હું એમને શા ખપનો, એમને મન મારો શો અર્થ, ભલે ને હું મારા બાપનો, જૂના ખેડૂતનો દીકરો હોઉં! રસોડાનું બારણું ઠોકવાની મારી હિંમત ચાલતી નથી. હું થોડે છેટે ઊભો રહીને સાંભળ્યા કરું છું. હું દૂર ઊભો ઊભો સાંભળ્યા કરું છું જેથી લપાઈને વાત સાંભળતો પકડાઈ ન જાઉં. અને હું છેટે ઊભો ઊભો સાંભળું છું તેથી મારાથી કશું પકડાતું નથી. હું જે કાંઈ સાંભળું છું અથવા તો સાંભળું છું એવી કલ્પના કરી રહ્યો છું તે તો ઘડિયાળના ટકોરાનો આછો અવાજ છે જે મારા બાળપણ તરફથી મારી દિશામાં વહી આવે છે. એ સિવાય બીજું જે કાંઈ રસોડામાં ચાલી રહ્યું હશે તે ત્યાં બેઠેલાઓની જ ખાનગી વાત છે, એ લોકો એને મારાથી ખાનગી રાખી રહ્યા છે. જેમ બારણાં આગળ વધુ સમય ખંચકાઈને ઊભા રહીએ તેમ તેમ આપણે અહીં વધુ ને વધુ અજાણ્યા લાગવા માંડીએ. અત્યારે કોઈ બારણું ખોલે અને મને કશુંક પૂછે તો? તો હું પોતે જ પોતાની વાત ખાનગી રાખવા ઇચ્છનાર પૈકીનો જ એક નહીં બની જાઉં? એતદ્ : જૂન, 1979