કાફકા/9

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શિકારી ગ્રેક્સ

બે છોકરાઓ બારાની દીવાલ પર બેઠા બેઠા પાંચીકા રમતા હતા. સ્મારકનાં પગથિયાં પર બેઠેલો એક માણસ, આકાશમાં તલવાર વીંઝતા વીરપુરુષના પડછાયામાં આરામ કરતો કરતો છાપું વાંચતો હતો. એક છોકરી જલધારામાં એની પાણીની બાલ્ટી ભરતી હતી. ફળફળાદિ વેચનારો એના ત્રાજવાને પડખે આડો પડ્યો પડ્યો દરિયા સામે એકીટશે જોઈ રહ્યો હતો. એક હોટલની ખાલીખમ બારી અને ઉઘાડા દરવાજામાંથી નજર કરીએ તો છેક પાછળ બેઠા બેઠા બે જણ એમનો શરાબ પીતા હતા. તેનો માલિક આગળ જ એક ટેબલ પાસે બેઠો બેઠો ઝોકે ચડ્યો હતો. ત્રણ સઢવાળું એક વહાણ કેમ જાણે અદૃશ્ય રીતે પાણી પર સેરવાતું હોય તેમ, ચૂપચાપ આ નાનકડા બારામાં આવી રહ્યું હતું. ભૂરું બાંડિયું પહેરેલો એક જણ કાંઠે ચડી આવ્યો અને એક કડામાં વહાણનું દોરડું પરોવ્યું. ખલાસી પાછળ બીજા બે જણ હતા. એમણે ઘેરા રંગના, ચાંદીનાં બટનવાળા કોટ પહેરેલા હતા અને એ લોકો એક અરથીને કાંધ દઈ ને ચાલતા હતા. અરથી પર, એક મોટી ફૂલભાતવાળી ઝૂલદાર રેશમી ચાદર નીચે દેખીતો જ એક માણસ સૂતો હતો. ડક્કા પર બેઠેલામાંથી કોઈ આ નવાગંતુકોને જોઈને ઊંચુંનીચું ન થયું; પેલાઓએ ખલાસી દોરડું બાંધીને આવી રહે ત્યાં સુધી અરથી નીચે મૂકી ત્યારે પણ એકે જણ એમની પાસે ન ગયો. એકે જણે એમને એકે સવાલ ન પૂછ્યો, એકે જણે એમની સામે પૃચ્છાભરી દૃષ્ટિ પણ ન કરી. હવે વહાણના તૂતક પર એક સ્ત્રી દેખાઈ. એના વાળ છૂટા હતા અને છાતીએ ધાવણું બાળક હતું. એણે ભોમિયાને હજી વધારે ખોટી કર્યો. પછી એ આગળ થયો અને દરિયાને ડાબે પડખે ભોંયમાંથી સીધું જ ફૂટી નીકળતું હોય એવું, એક પીળાશ પડતું બે માળનું મકાન ચીંધ્યું. કાંધ દેનારાઓએ એમનો બોજો ઉપાડ્યો અને મકાનના નીચા પણ ઘાટીલી થાંભલીઓવાળા દરવાજે જઈ પહોંચ્યા. આ ટોળી ઘરમાં અદૃશ્ય થઈ ગઈ, તે જ વખતે તેને જોઈ લેવા બરાબર મોકાસર એક નાનકડા છોકરાએ એક બારી ખોલી અને પછી તરત ઝટપટ બંધ કરી દીધી. બારી કાળા સાગની હતી અને ભારે મજબૂત ઘડેલી હતી. કબૂતરોનું એક ઝોલું દેવળના ટાવરની આસપાસ ઊડતું હતું. તે ઘરની સામે શેરીમાં ઊતર્યું. એમની ચણ જાણે આ ઘરમાં ભરેલી હોય તેમ, એ બધાં દરવાજા સામે ટોળે વળ્યાં. એમનામાંથી એક ઊડ્યું ને પહેલે માળે પહોંચીને બારીના કાચ પર ચાંચો મારી આવ્યું. એ બધાં ભભકદાર રંગવાળાં, સારી માવજતવાળાં, સુંદર પંખી હતાં. વહાણ પરની સ્ત્રીએ લાંબે હાથે એમને દાણા ફેંક્યા; એ ચપચપ ચણી જઈને કબૂતરો એ સ્ત્રી ભણી ઊડ્યાં. એક માણસ જેને માથે ટોપ હેટ ફરતી શોકદર્શક કાળી પટ્ટી હતી, તે હવે બારા તરફ જનારી સાંકડી ને ખૂબ ઊભા ઢાળવાળી ગલીમાં થઈને નીચે ઊતર્યો. એણે સાવધાનીથી ચારે બાજુ નજર નાંખી. એને બધી વસ્તુથી નારાજી ઊપજતી હોય એમ લાગતું હતું. એણે એક ખૂણે પડેલી કશીક ગંદકી જોઈને મોં મચકોડ્યું. સ્મારકનાં પગથિયાં પર ફળનાં છોતરાં પડેલાં હતાં. ત્યાંથી જતાં જતાં એણે એની લાકડીથી એ છોતરાં વાળી નાખ્યાં. એણે મકાનને દરવાજે ટકોરા કર્યા, અને સાથે જ પોતાના કાળાં મોજાંવાળા હાથે માથા પરની ટોપ હેટ ઉતારી. દરવાજો તરત જ ઊઘડ્યો, અને કંઈક પચાસેક જેટલાં છોકરાં લાંબા પ્રવેશખંડમાં બે હાર બાંધીને ઊભેલાં દેખાયાં, એમણે આને નમસ્કાર કર્યા. પેલો ખલાસી જીનો ઊતરી આવ્યો. એણે આ કાળા પોશાકવાળા સદ્ગૃહસ્થનું અભિવાદન કર્યું, એને પહેલે માળે લઈ ગયો, ચોકની ચોતરફ બાંધેલી ઝગઝગાટ ભવ્ય રવેશમાં ફેરવીને અંદર લઈ ગયો, જ્યારે છોકરા એમની પાછળ પાછળ માનપૂર્વક, અમુક અંતર રાખીને આગળ ધપતા રહ્યા. એ ખંડ શીળો ને વિશાળ હતો ને એની બારીઓ પાછલા ભાગ પર પડતી હતી, જ્યાં કશી વસ્તી નજરે નહોતી ચડતી, ફકત ખાલી કાળાશ પડતી ભૂખરી પત્થરિયા દીવાલ જ નકરી દેખાતી હતી. કાંધ દેનારાઓ અરથીના માથા પાસે થોડી લાંબી મીણબત્તીઓ પેટાવીને ગોઠવવાની ખટપટમાં પડ્યા હતા. પણ એ બત્તીઓ કાંઈ પ્રકાશ નહોતી આપતી. ફકત તે અમુક વખત સુધી નિરાંતે થીજી રહેલા પડછાયાઓને બીવડાવી, આઘા ભગાડીને ભીંતો પર ધ્રુજાવતી હતી. અરથીને ઢાંકતી ચાદર ખસેડી લેવામાં આવી હતી. એના પર સૂતેલા માણસના જંગલ જેવા વાળ ગૂંચવાયેલા હતા અને એ કંઈક શિકારી જેવો લાગતો હતો. એ હાલ્યાચાલ્યા વિના પડ્યો હતો. અને એમ લાગતું હતું કે એનો શ્વાસ પણ નહોતો ચાલતો. આંખો બંધ હતી. છતાં એની આસપાસની સજાવટ જ એ કદાચ મરેલો છે એવું દર્શાવતી હતી. સદ્ગૃહસ્થ અરથી પાસે ગયો. એનો હાથ સૂતેલા માણસના કપાળે મૂક્યો, પછી ઘૂંટણિયે પડ્યો ને પ્રાર્થના કરી. ખલાસીએ કાંધ દેનારાઓને ખંડમાંથી બહાર જવાનો ઇશારો કર્યો; એ લોકો બહાર ગયા, ત્યાં જમા થયેલા છોકરાઓને હાંકી કાઢ્યા અને બારણાં બંધ કર્યા. પણ તેટલાથી યે સદ્ગૃહસ્થને સંતોષ થતો ન જણાયો. એણે ખલાસી સામે દૃષ્ટિ ફેંકી; ખલાસી સમજી ગયો અને પડખેના એક બારણામાં થઈને બાજુના ઓરડામાં જતો રહ્યો. તરત જ અરથી પર સૂતેલા માણસે એની આંખો ખોલી. એનું મોં કષ્ટપૂર્વક સદ્ગૃહસ્થ તરફ ફેરવ્યું અને બોલ્યો : ‘તમે કોણ?’ આશ્ચર્યના સહેજે ચિહ્ન વિના સદ્ગૃહસ્થ ઘૂંટણિયેથી ઊભો થયો અને જવાબમાં બોલ્યો : ‘હું રિવાનો નગરશેઠ.’ અરથી પરના માણસે હકારમાં માથું હલાવ્યું. નબળો હાથ સહેજ હલાવીને ખુરશી બતાવી અને નગરશેઠ એને માન આપીને બેઠો. એટલે કહ્યું : ‘અલબત્ત મને એ તો ખબર જ હતી. નગરશેઠ! પણ ભાન પાછું આવતું હોય ત્યારે શરૂઆતની થોડી પળો સુધી હું બધું ભૂલી જાઉં છું. મારી આંખો સામે બધું ફેરફુદરડી ફરે છે, અને હું જાણતો હોઉં તો પણ પૂછી લેવું એ જ ઉત્તમ લાગે છે. તમે પણ કદાચ જાણતા હશો કે હું શિકારી ગ્રેકસ છું.’ ‘અવશ્ય,’ નગરશેઠે કહ્યું, ‘તમારા આગમનની જાણ મને રાતે જ કરવામાં આવી હતી. અમે લોકો સારો એવો સમય ઊંઘ્યા હોઈશું. પછી મધરાતને સુમારે મારી પત્ની બૂમ મારી ઊઠી : ‘સાલ્વાતોર!’ મારું નામ સાલ્વાતોર છે —- ‘બારી પર પેલું કબૂતર બેઠું છે તે તો જુઓ.’ ખરેખર તે કબૂતર જ હતું, પણ કૂકડા જેવું મસમોટું એનું કદ હતું. એ ઊડીને મારી પાસે આવ્યું અને મારા કાનમાં બોલ્યું : ‘આવતી કાલે મરી ગયેલો શિકારી ગ્રેક્સ આવે છે; એનો શહેરને નામે સત્કાર કરજો.’ શિકારીએ હકારમાં માથું હલાવ્યું અને એના હોઠને જીભના ટેરવાથી ચાટ્યા. ‘હા, કબૂતરાં મારી આગળ અહીં ઊડતાં ઊડતાં આવી પહોંચ્યાં હતાં. પણ નગરશેઠ, તમે શું માનો છો, હું રિવામાં રહીશ કે?’ ‘તે તો હમણાં હું ન કહી શકું.’ નગરશેઠે જવાબ આપ્યો. ‘તમે મરી ગયેલા છો?’ ‘હા,’ શિકારી બોલ્યો, ‘તમે જુઓ છો તેમ, ઘણાં વરસ પહેલાં — હા, બહુ વરસ થઈ ગયાં હોવાં જોઈએ - હું જર્મનીમાં આવેલા કાળા જંગલમાં એક ખડકની ધાર પરથી સાબરનો શિકાર કરવા જતાં પડી ગયેલો. ત્યારથી હું મરી ગયેલો જ છું.’ ‘પણ તમે તો જીવતા પણ છો.’ નગરશેઠ બોલ્યો. ‘અમુક એક અર્થમાં,’ શિકારી બોલ્યો, ‘અમુક એક અર્થમાં જાણે હું જીવું પણ છું. મારી મૃત્યુનૌકા ભૂલી પડી, સુકાનનો એક આંટો ખોટો ફર્યો, એક પલવાર સુકાની અન્યમનસ્ક થઈ ગયો, કે મારી સુંદર મજાની માભોમ તરફ વળી જવાની ઝંખના જાગી. શું થયું તે હું ચોક્કસ કહી શકતો નથી. હું ફકત એટલું જાણું છું કે હું આ પૃથ્વી પર જ રહી ગયો. છેક ત્યારથી મારી નૌકા આ જાતનાં જ પાણી કાપતી રહી છે, એટલે મને તો ભાવતું મળ્યું. મારા ડુંગરાઓમાં ભમવા કરતાં વધારે સુખી જિંદગીની મને કશી ખેવના જ નહોતી. અને મારા મરણ પછી મને દુનિયાના તમામ દેશોમાં સફર કરવાનું મળ્યું છે.’ ‘અને પરલોકમાં તમારો કશો જ હિસ્સો નથી?’ નગરશેઠે ભવાં સંકોચતાં પૂછ્યું. ‘હું કાયમ,’ શિકારીએ જવાબ વાળ્યો. ‘એના પછી પહોંચતી વિરાટ નિસરણી પર જ હોઉં છું. એ અનંત સુધી વિસ્તરેલી વિશાળ નિસરણી પર હું રખડું છું, કોઈ વાર ઉપર તો કોઈ વાર નીચે, કોઈ વાર ડાબે તો કોઈ વાર જમણે, પણ કાયમ ફરતો રહું છું. શિકારીને પતંગિયું બનાવી દેવામાં આવ્યું છે! હસો નહીં.’ ‘હું હસતો નથી.’ નગરશેઠે પોતાના બચાવમાં કહ્યું. ‘તમે એ બહુ સારું કરો છો.’ શિકારીએ કહ્યું. ‘હું હંમેશાં ફરતો જ ફરું છું. પણ હું જ્યારે ઊંચામાં ઊંચું ઉડ્ડયન કરું છું અને ખરેખાત મારી સામે ઝળહળતું જોઉં છું. કે હું તરત જ પાછો મારી જૂની નૌકા પર જાગી જાઉં છું. અને જોઉં છું કે હજીય હું તો એક યા બીજા દુન્યવી સમુદ્રમાં જ એકલો સલવાઈ પડેલો છું. હું મારી કેબિનમાં પડ્યો હોઉં છું. ત્યારે મારા એક કાળના મરણની મૂળભૂત ભૂલ મારી સામે દાંતિયાં કરે છે. સુકાનીની પત્ની જુલિયા મારે બારણે ટકોરા કરે છે અને અમે જે કોઈ કાંઠા પાસેથી પસાર થતા હોઈએ છીએ, ત્યાનું સવારે પિવાતું પીણું મારી અરથી પર લઈ આવે છે. હું એક પાટિયા પર પડ્યો રહું છું. વસ્ત્રમાં હું એક ગંધાતી ચાદર લપેટેલી ધરાવું છું ,જે કાંઈ આંખને સારી નહીં લાગી શકે તેવી નથી. મારા માથાના અને દાઢીના કાળા વાળ, જેમાં સહેજ ભૂખરાની છાંટ છે. હવે ઊગી ઊગીને ઊકલે નહીં તેવા ગૂંચવાઈ ગયા છે; મારાં અંગો પર કોઈ સ્ત્રીની ફૂલભાત ભરેલી લાંબી ચાદર ઢાંકેલી છે. એક પૂજાની મીણબત્તી મારા માથા પાસે પડી છે, અને જે મારા પર અજવાળું નાખે છે. મારી સામેની દીવાલ પર એક નાનું સરખું ચિત્ર છે. એમાં દેખીતો જ એક જંગલી મારી સામે એનો ભાલો તાકતો અને એની સુંદર ચિત્રામણવાળી ઢાલથી પોતાની જાતને જેટલી બને તેટલી ઢાંકતો ઊભો છે. વહાણ પર ઘણી વાર માણસ મૂરખ જેવા તરંગી વિચારોનો શિકાર બને છે, પણ એ તો મૂરખાઈની યે હદ થઈ નહીં તો મારું કાષ્ઠનું પિંજરું સાવ ખાલી જ છે. પડખેની દીવાલના બાકોરામાંથી દક્ષિણની રાતના હૂંફભર્યા વાયરા આવે છે, અને આ જૂના વહાણને પાણીની થપાટો લાગતી હું સાંભળું છું. ‘શિકારી ગ્રેક્સ તરીકે, કાળા જંગલમાં એક સાબરનો પીછો કરતાં ખડકની ધારેથી પડી ગયો, તે વખતથી હું અહીં જ પડ્યો છું. બધું જ બહુ સારા ક્રમથી બન્યું. મેં પીછો કર્યો, પડ્યો, એક ખીણમાં લોહી વહી જઈને મોત પામ્યો; અને આ વહાણે મને પરલોક પહોંચાડવો જોઈતો હતો. આ પાટિયા પર પહેલવહેલો હું કેટલો બધો ખુશ થતો સૂતો તે હજુ પણ મને યાદ છે. આ અંધારી દીવાલોએ તે વખતે મારાં જે ઊ*િ&@r__મગીતો સાંભળ્યાં છે, તેવાં તો પહાડોએ પણ કદી નથી સાંભળ્યાં. ‘મને જીવવાનું ગમેલું અને મરવાનું પણ ગમેલું. હું વહાણ પર ચડ્યો તે પહેલાં મેં કારતૂસો, થેલો, બંદૂક વગેરેનો તમામ નઠારો બોજો લહેરથી ફંગોળી દીધો હતો અને કોડભરી કન્યા લગનની ચૂંદડી ઓઢે તેમ આ ચાદર ડીલે લપેટી હતી. બસ, પડ્યો પડ્યો હું રાહ જોતો હતો, ત્યાં પેલી કમનસીબ ઘટના બની, ને રસ્તો ચૂક્યા.’ ‘ગજબનાક નસીબ!’ નગરશેઠ હાથ આગે ધરતો બોલ્યો. ‘અને એમાં તમારે માથે કશો જ વાંક નહીં કે?’ ‘લગીરે નહીં.’ શિકારી બોલ્યો. ‘હું શિકારી હતો; શું એમાં કશું પાપ હતું? હું શિકારી જીવનના સાદને અનુસર્યો, તે વખતે કાળા જંગલમાં હજી વરુઓનો ત્રાસ વરતાતો હતો. હું ટાંપીને પડ્યો રહેતો, બાર કરતો, નિશાન પાડતો, મારા શિકારોનાં ચામડાં ઉતારી લેતો : શું એમાં કશું પાપ હતું? મારી જહેમત પર લોક આશિષ વરસાવતાં. ‘કાળા જંગલનો મહાન શિકારી!’ એવું બિરુદ એમણે મને આપ્યું હતું. શું એમાં કશું પાપ હતું?’ ‘એનો નિર્ણય કાંઈ મારે કરવાનો નથી.’ નગરશેઠે કહ્યું, ‘છતાં મનેય એ બધામાં કશું પાપ જણાતું નથી. પણ તો પછી ગુનો છે કોનો?’ ‘વહાણવાળાનો.’ શિકારી બોલ્યો. ‘હું અહીં જે કહીશ તે કોઈ વાંચશે નહીં, કોઈ મારી વહારે ધાશે નહીં; બધા જ લોકોને મારી વહારે દોડી જવાનું ફરમાન થયું હોય તો પણ એકેએક બારીબારણું બંધ જ રહેશે. દરેક જણ પથારીમાં ભરાઈને મોંએ ચાદર ઢાંકી દેશે. આખી દુનિયા એ રાત પૂરતી સરાઈ બની જશે. અને એમાં અરથ પણ છે, કારણ મને કોઈ જાણતું નથી, અને કોઈ કદી જાણતું હોય તો પણ હું ક્યાં મળી શકું તેની એને ખબર નહીં પડે. અને હું ક્યાં મળી શકું તેની ખબર પડે તો મારું શું કરવું તેની એને સમજ નહીં પડે. મને શી રીતે મદદ કરવી તે સૂઝશે નહીં. મને મદદ કરવાનો વિચાર એ પોતે જ એક બિમારી છે અને એને પથારીમાં ભરાઈ જઈને મટાડવી પડે છે. ‘મને આ ખબર છે, તેથી જ હું ‘મદદ મદદ’ની બૂમો પાડતો નથી, જો કે કોઈ કોઈ પળે – હું જ્યારે મારી જાત પરનો કાબૂ ગુમાવી બેસું છું, જેમ કે હમણાં જ મેં એવું કર્યું હતું - ત્યારે હું ગંભીરતાથી એનો વિચાર કરું છું ખરો. પણ એવા વિચારોને ભગાડી મૂકવા માટે મારે ફકત મારી આસપાસ નજર કરીને હું ક્યાં છું અને — હું નિશ્ચિતતાથી, ભાર મૂકીને કહી શકું કે — સેંકડો વરસોથી ક્યાં હતો, તે જરા નક્કી કરવાની જરૂર પડે છે.’ ‘અસાધારણ.’ નગરશેઠ બોલ્યા, ‘અસાધારણ!’ અને હવે તમે અહીં અમારી સાથે રહેવા ધારો છો કે?’ ‘નથી ધારતો,’ — શિકારીએ મોં મલકાવતાં કહ્યું, અને દિલગીરી દર્શાવવા પોતાનો હાથ નગરશેઠના ઢીંચણ પર મૂક્યો. ‘હું અહીં છું, એથી વધારે હું જાણતો નથી. એથી આગળ હું જઈ શકું તેમ નથી મારા વહાણને સુકાન નથી અને મૃત્યુના ઊંડામાં ઊંડા પાતાળમાં સૂસવાતા વાયરાથી એ હંકારાય છે.’ અનુ. પ્રબોધ ચોકસી