કાળચક્ર/દાદાનો વારસદાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દાદાનો વારસદાર


અઢારેક વર્ષ પછીની એક બપોરવેળા હતી, ત્યારે એક ગાડું ડમરાળાની નજીકના રણથળી ગામને ઉતારે આવી છૂટ્યું. એમાંથી ઊતરનારા બે જણા હતા એક વીસેક વર્ષનો, નહિ પાતળો નહિ જાડો એવો, સહેજ ઝીણી આંખોવાળો, વેશપોશાકે વણિક તરીકે પરખાય એવો જુવાન હતો, ને બીજો એક રાજ્યનો નોકર હતો. ગાડા માથે ડમરાળાના બે શસ્ત્રધારી કારડિયા રજપૂતો હતા. સવારીને ઓચિંતી આવેલ દેખીને ઉતારે માણસોની દોડાદોડ શરૂ થઈ ગઈ. ગામનો મુખી આવી હાજર થયો.

“કેમ, મુખી!” વણિક જુવાને ઠંડા રુઆબથી પૂછ્યું “શું વિચાર છે ખેડૂતોનો?” “પચાસમાંથી કોઈ સળવળતો નથી.” મુખીએ જવાબ વાળ્યો. “બસ તો પછી, હાલો.” “પાકું છે ના?” “પચાસેય જણ હજી કાચું સમજતા લાગે છે!” “હા, છે તો એવું જ!” “તો પાકું કરી બતાવીએ, હાલો.” મુખી, ગામ-પસાયતા, ગાડામાં આવેલો દરબારી જપ્તી કરનાર અને હથિયારધારી બે રક્ષકો સાથે વણિક જુવાન એ પછી જે ઘેરે જઈ ઊભા રહ્યા તેની અંદર એક ખેડુ, એક બાઈ ને પાંચેક નાનાંમોટાં છોકરાં, આખી દુનિયાથી ડરતાં હોય એમ લપાઈ ગૂંચળું વળીને બેઠાં હતાં. એ કૂંડાળીની વચ્ચે એક માટીની કથરોટ હતી, કથરોટમાં તાજું ઠાલવેલ મગમઠનું જુવાર ભેળવેલ ભરકડું ટાઢું થતું હતું તેની પણ રાહ ન જોઈ શકનાર એક છોકરું અંદર હાથ બોળીને દાઝવાથી બૂમો પાડતું હતું. મુખીએ અંદર જઈને ખેડુને જાણ કરી. માબાપ છોકરાંને લઈ ઊભાં થયાં. અને એમણે બહાર આવતાં કથરોટ પણ ઉઠાવવા માંડી. “એ ત્યાં જ ભલે પડી,” કહેતો જુવાન વણિક ઉંબરમાં ઊભો રહ્યો ને ખેડુ કુટુંબ ખાલી હાથે બહાર ઓસરીમાં આવ્યું. “ત્યાં નહિ, ફળિયામાં બેસો હમણાં.” એ શબ્દો પણ વણિક જુવાનના હતા. ટાઢ હતી, છોકરાં ઉઘાડાં હતાં. એમણે ફળિયામાં જઈ તડકે બેઠાં બેઠાં હાથની મૂઠીઓ બગલમાં દબાવી. “હેં મા!” એક છોકરું પૂછતું હતું “આપણને દાણા-લૂગડાં દેવા આવ્યા છે ને? ઓલ્યું એણે ઓઢેલ છે ઈ હું જ લઈશ, હો મા!” છોકરાએ વણિક જુવાનના ગળા ફરતી પડેલી ગરમ શાલ દેખાડીને બબડાટ કર્યો. “મૂંગાં મરોને, બાપુ!” ખેડુ સ્ત્રી એટલું જ બોલી શકી. પણ એમને પોતાને જ કાંઈક કૌતુક હોય, ચાલુ હાલતમાં થઈ રહેલ કોઈપણ ફેરફાર એમને મન પ્રોત્સાહનકારી હોય એવું એમની શાંતિ જોઈને લાગે, કારણ કે એ ચૂપ બેઠાં હતાં. ત્યાં તો ખોરડામાંથી એક પછી એક ચીજ બહાર નીકળવા ને પેલા રાજના કારકુનની કલમે નોંધમાં ટપકવા લાગી “એક ગારાની કોઠી, એમાં મગ છે આશરે કેટલા હશે, હેં મુખી? બોલોને, પંચના ભાઈઓ! સત્તરશે અધમણ હશે ના? હાં, હવે મજૂસ તપાસો. એમાં એક થેપાડું ભરત ભરેલું, એક કમખો એ પણ ભરત ભરેલ ત્રણ લીલી અટલસની આંગડી નાનાં છોકરાંની. બહાર નાખો એ બધા લબાચા. અંદર ઊંડાણે જુઓ ને, હાથ નાખીને! ઈ ચીંથરીમાં શું છે? બસ, સોપારી જ છે? કંકુવાળી? પાવલા ભેળી છે હશે પરણ્યાં તેદુની! ઠીક, ઠામડાં? બે ઠોબરી થાળીઓ છે ના? એક બોઘરું ચાર ગોદડાં કાંઈ ફિકર નહિ, ગાભા હોય તો ગાભા, ઉપાડો, એ વગર નહિ ચાલે ઠીક, ચાલો કોઢ્યમાં. બસ એક ભેંસ ને એક પાડરું? ઠીક, છોડો ભેંસને, સાંકળ સોતી દોરી લ્યો.” ખેડુ કુટુંબના સાતેય માણસોની આંખો, વશીકરણના આકરા મંત્રને બળે દોરવાય તે રીતે, મૂંગી મૂંગી પ્રથમ તો પરસાળ પર વેરાયેલાં ગાભા, ઠામડાં અને અનાજ પર ફરી વળતી છેવટે ભેંસનું નામ લેવાતાં ભેંસ પર ને પાડરુંનો ઉલ્લેખ થતાં પાડી પર ઠરેલી હતી. કોણ જાણે કેમ પણ એ આ તમામ ક્રિયાને માત્ર તમાશારૂપે કે થોડી વારની મશ્કરીરૂપે નિહાળી રહ્યાં હતાં. પણ જેવાં એમણે ભેંસ ને પાડરું કોઢ્યની બહાર સાંકળે દોરાઈ જતાં દીઠાં તેવું તો સાતેય જણાંએ ‘ઓ-હો-ઓ-ઓ ’ એવું એકસામટું પોકરાણ પાડ્યું. વણિક જુવાનને પ્રથમ તો આ સામટું પોકરાણ પહેલેથી રિહર્સલ કરી રાખ્યા જેવું લાગ્યું. એ હસ્યો. હસતા દાંત એક પળમાં હોઠની પાછળ આડશ લઈ ગયા. અને એ ગાભા, ઠામડાં, ભેંસ તેમ જ પાડરુંનું સરઘસ દોરી પોતે ઉતારા તરફ ચાલ્યો ત્યારે ગામડામાં છાકો બેસી ગયો. અરધા જ કલાકમાં ગામના પચાસ ખેડૂતો એને ઉતારે હાજર થઈ ગયા અને પાઘડી ઉતારી બોલ્યા “સુમનભાઈ શેઠ, હવે બસ થયું. અમે ખડ ખાધું, હવે અમારી કોઈની આબરૂ લેશો મા ભલા થઈને! તમારું ચડત લેણું તમે કહો એ રીતે ચૂકવી આપીએ છીએ.” “તો લાવો, ઝટ હાજર કરો. મારે મોડું થાય છે.” જુવાને કેવળ ચાનો પ્યાલો માગ્યો હોય એટલી હળવાશથી કહ્યું. સાંજ સુધીમાં તો એનું ચડત લેણું પાઈએ પાઈ વસૂલ થઈ ગયું. પોતાની જમીનનાં વાડીઓ ને ખેતરો એ જ દિવસે બીજા-ત્રીજા ખેડૂતોનાં નામ પર કરી નાખી, એ ફેરફારથી કોણ રઝળી પડે છે અને જમીન પર કરેલી કોની મહેનત ફોકટ જાય છે એની કાંઈ પણ પરવા એણે રાખી નહિ. “માધાએ ખેડી ખેડીને ઈ પશિયું ગાદલા રોખું કર્યું’તું, હો સુમન શેઠ!” “પદમો તમારી જમીનની આશાએ તો મરતો મરતોય ઊભો’તો.” “વશરામે ચાર નવા ગોધલા તમારી વાડીની આશાએ સંધી પાસેથી પરમને દહાડે જ લીધા, ભાઈ!” “ઠીક કર્યું, મારે ગામનો મદ માપી લેવો છે.” એટલું કહીને એ છાંયો કરેલ ગાડે ચડીને ડમરાળાને કેડે પડ્યો. ગાડાની આગળ ને પાછળ એકેક બંદૂકદારનો બંદોબસ્ત હતો. ગામના પાદરમાં ખેડૂતોનું ઢૂંગ ઊભું હતું. બજારમાંથી ગાડાને નીકળતું દેખીને ચુપાચુપ બેપાંચ ખેડૂતોએ એકબીજાને કહ્યું ‘તું કરછ ને?’ ‘ના, તારું કામ.’ ‘હેઠ! તેં માથે લીધુ’તું ને?’ ‘લીધું’તું, પણ હવે કાંઈ નૈ.’ પોણોસોએક ધીંગાં લોખંડી શરીર એમ ગુસપુસ કરતાં ઊભાં થઈ રહ્યાં, અને ગાડું ચાલ્યું ગયું. સુમનચંદ્રના પેટમાં એ ઘીંઘરને જોઈને પાણી પણ હલ્યું નહીં. એની ટેવ પ્રમાણે (એને પોતાની આજુબાજુની પરિસ્થિતિ જોખમી હોય ત્યારે ગળું ખંખારીને જોરથી થૂંકવાની ટેવ હતી) એણે એક બાજુ થૂંકી નાખ્યું. રાતે ઘેર જઈને એણે પોતાના દાદા ગોપાળભાને હિસાબ આપ્યો તેમાં રૂપિયા અઢીસો પ્રતાપગઢના મામલતદારને ચૂકવ્યાની વાત હતી. પચીસ રૂપિયા જપ્તી કરવા આવનાર કારકુનને આપ્યા હતા. “ખાસું!” પોણોસો વર્ષના ભાએ પ્રસન્નતા બતાવી “બાકી સાધુ બન્યે જમીન ખાવા નહીં આપે કોઈ.” દાદા અને પૌત્રની વચ્ચે જપ્તી વિશેની વિગતવાર વાત ચાલતી હતી તે દરમ્યાન પચાસ વર્ષનો એક માણસ ત્યાં ફરતો હતો. એણે ધોતિયું પહેર્યું હતું ને પનિયું ઓઢ્યું હતું. બદન પર પાસાબંધી હતી. એના માથા પર સ્વચ્છ ટાલ હતી. ગોપાળભાના શબ્દ એણે સાંભળ્યા હતા ‘સાધુ બન્યે જમીન કોઈ ખાવા નહીં આપે.’ સાંભળીને એનું મોં મલકાયું હતું. જુવાને એક ગરીબ ખેડૂતને ઘેર કડી કરી તે વૃત્તાંત પણ એણે શાંતિથી સાંભળ્યા કર્યો. પછી એ ડેલી બહાર પોતાની અલાયદી મેડીએ ચાલ્યો ગયો. એ હતા સુમનચંદ્રના પિતા ને ગોપાળભાના પુત્ર દલભાઈ પોતે જ, જેને આપણે અઢાર વર્ષોથી ઓળખ્યા છે. સુમનને મોટો કરીને એણે પિતાના ઘરમાં પાછો સોંપ્યો છે. પોતે તો પેલી અસલી બંગલીમાં, ડેલીની બહાર જ રહે છે. રાતે આવી સુમનચંદ્ર દાદાની સાથે વાળુ કરવા બેઠો. દાદા અને પૌત્ર બન્નેના પાટલા પર મોટા ખૂમચામાં જમવાનું પીરસાણું તેમાં દોઢ શેર દૂધના મોટા કટોરા અને ઘીની ભરેલી અકેક વાટકી મૂકવામાં આવી હતી. ગોપાળભાએ ખીચડીમાં નાખતાં વધેલું ઘી દૂધમાં રેડીને પ્રાશન કર્યું. સુમનચંદ્રને વારસામાં દાદાનું શરીર સાંપડ્યું હોઈને દૂધ-ઘીનો આહાર મોટો હતો, પણ એ રાતે ઘીની વાટકી તરફ એનો હાથ ગયો જ નહીં. “ઘી ખાઈ જા, એલા! ઘી કેમ નથી ખાતો?” ગોપાળભાની નજર ગઈ. “ના, પેટમાં બાદી છે.” “અરે મૂરખ, બાદી માથે તો ઘી ખાવું જોઈએ. બાદી તોડી નાખે.” “ના, આજ તો નહીં પચે, દાદા.” “ઠીક, આંહ્ય લાવ વાટકી.” પોતે આખી વાટકી ચાટી ગયા અને હાથ ધોઈને માથે, મોંએ, કાંડે, કોણીએ, ઘીનું ‘સ્પન્જિંગ’ કરી નાખ્યું. વાળુ દરમ્યાન સુમનચંદ્રે પૂરા તોરથી હકીકતનું નિવેદન કર્યું હતું. એ આ પ્રમાણે હતું “મામલતદાર નવો આવ્યો ખરો ને, દાદા! એટલે મારી આગળ સતની પૂંછડી થાતો’તો. પ્રતાપગઢ જઈ, હું તો ઘોડો જ એને ઘેર હાંકી ગયો. માણસ કહે કે સાહેબ પૂજામાં બેઠા છે. હું બેસી રહ્યો, પણ સાહેબની પૂજા ખૂટે નહીં. દોઢ કલાક રોકાણો. પછી તો મેં ઓરડામાં સાહેબ પૂજા કરતા હતા ત્યાં જઈને એના દેવ સહજાનંદની છબી પડેલી તેની સન્મુખ જ બે લીલી નોટ ધરી દીધી. પછી તો તેણે પૂજા તરત સંકેલીને જપ્તીના કાગળ પર મતું મારી દીધું.” “હ-હ-હ-હ” ડોસાએ હસીને કહ્યું “કોઈ અમલદાર પોતે ખાય, કોઈ અમલદારની બાયડી કાપડા તરીકે ખાય, કોઈ અમલદારના દેવ ખાય. આપણે તો જે કોઈ ખાતું હોય તેને ખવરાવીએ, બેટા!” વાળુ કરીને બંને બેઠકે આવ્યા ત્યારે નજીકના ગામડાના બે-ત્રણ વેપારીઓ આવી બેઠા હતા. એમને જોતાં જ ગોપાળભાએ પૌત્રને કહ્યું “કાલ આ ત્રિકમજીને લઈને તારે પ્રતાપગઢ જવાનું છે. ટપેદાર ત્રિકમજીનું ને એના ખેડુનું ચોળીને ચીકણું કરે છે. એમ થાશે તો તો વાણિયાના દીકરાના રોટલા ગામડે ગામડે ટળી જશે. બાળજો એનું મોઢું પચીસ-પચાસે અને આ રાયચંદનું ઓલી ઘાંચણ લોઈ પી રહી છે, સલમાન ખેડુની રંડવાળ. નામામાં કાંક વિગતફેર થઈ ગયો હશે એમાં તો કોરટે ચડી છે. નાથો વકીલ પડખે ચડી ગયો લાગે છે. કહેજે જઈને કે કોડા, કાગડો કાગડાની માટી ખાય કે? વેપારીનો દીકરો ઊઠીને વેપારીનું જ પેટ ફોડવા બેઠો છે? ન માને તો પછી ન્યાયાધીશ સુધી ડોકાઈ આવજે. બેવડે દોરે કામ રાખવું. કેસ પણ લૂલો કરાવવો. અને ન્યાયાધીશને તો નોતરું દઈ આવજે કે રૂપાવાવની જાત્રાએ આવે, ને રોટલા ખાવાનું આંહ્ય જ રાખે. એનાં કોક સગાં આવ્યાં તો હશે જ ના? જાત્રાનો પૂરો ચરસડો છે નાગર. રોજ કહીએ તો રોજ આવે. એ તો આંહ્ય આવશે ત્યારે ચૂરમું જ એનું મોઢું ભાંગશે. ઠીક, હું ત્યારે ઊંઘી જાઉં છું.” ભા ગયા પછી ત્રણેય વણિકોને લઈ સુમનચંદ્ર બેઠો; દરેક કિસ્સાની વિગતો સમજી લીધી; કહ્યું “આટલું બધું ત્રણેયનું બોદું?” “છે તો ભૈસાબ, એમ જ.” ત્રિકમજીએ કબૂલ કર્યું. “આમ ક્યાં સુધી ચલાવવું છે?” “ગાજરની પપૂડી છે આ તો, ભાઈ!” રાયચંદ પણ માની ગયો. “તમારો વસીલો છે, તમારી હાક વાગે છે, એટલે વાણિયા રળી ખાય છે પેટિયું.” “પેટિયું કે પટારા?” “એમ ગણો તો એમ.” રાયચંદ હસ્યો. “હવે લાંબું નહીં ચાલે હો, ત્રિકમજી કાકા! ને એકાએક ભીંસાઈ જશે વાણિયા!” “જાણિયે છિયે, એટલે તો છોકરાઉંને અંગ્રેજી ભણાવવા મંડ્યા છિયે.” “ઈ તો, ભાઈ, જે તારું થશે તે અમારા છોકરાનું થશે.” રાયચંદ શેઠનો ઘા સુમનચંદ્રને કલેજે પડ્યો. બે પળે કળ ઊતરતાં એણે કહ્યું “મારું પણ આભ કડેડી રહ્યું છે, રાયચંદ મામા! હવે આબરૂના કાંગરા ડોલે છે. હવે ઝટ સંકેલો કરિયે આપણે સૌ છોકરાઓને તો બહાર કાઢીયે આ નરકમાંથી!” “ઈ જ કરી રહ્યા છિયે, ભાઈ! મોટાઓને તો દેશાવર ધકેલી પણ દીધા છે. બે-પાંચ વરસ અમારી બાજી સાચવો, વધુ તો અમારાથી પણ ખેંચાશે નહીં.” “મને એટલું ખેંચવાની પણ આશા નથી. ઠીક, હવે સૂઓ.” રાતે ગોપાળભા સૂતા પહેલાં પાછું શેર કઢેલ દૂધ ગટગટાવી જઈને શાંતિથી ઢોલિયામાં બેઠા, માળા ફેરવી અને પછી પૌત્રના વિચારે પ્રસન્ન બનતાબનતા કાગાનીંદરમાં લહેરાવા લાગ્યા. પોતે કરેલી જમાવટને માથે સોનાનું ઈંડું ચડાવનાર પૌત્ર સુમન, એ એના જીવન-સાફલ્યની પરાકાષ્ઠા હતી. સુમન જો ન હોત તો શી ગતિ થાત? સુમનમાં પોતાની કંટાઈ, કરડાઈ અને વટનો વારસો ઊગી નીકળ્યા બદલ ડોસાએ માળા ફેરવતે ફેરવતે પોતાના ઇષ્ટદેવનો વારંવાર પાડ માન્યો. ત્રણ મહેમાનોને સુવરાવીને સુમનચંદ્ર પોતાને ઓરડે ગયો ત્યારે એના માણસે આવીને ખબર આપ્યા “બાપુજી તો કોઠારમાંથી ગાડું ભરાવે છે.” બાપુજી એટલે દલભાઈ. “શેનું?” સુમનચંદ્રે વિનાઆશ્ચર્યે પૂછ્યું. “એક ગૂણ બાજરાની, એક ગૂણ જારની, બે ભીલી ગોળ, પચીસ હાથ પાણકોરું, બીજી સટરપટર ઘરવખરીની ચીજું.” “ક્યાં મોકલે છે?” “રણથળી.” “ઠીક, બીજી એક ગૂણ વધુ ચડાવી દ્યો ગાડે. ને એક જોડ્ય જાડા સાડલાની પણ મુકાવજે ભેગી. કહેતો નહીં બાપુજીને કે મેં મુકાવ્યું છે. ક્યારે મોકલે છે?” “પરોઢિયે. પોતે પણ જોડે જવાના.” “સારું. સાથે કોણ જાય છે?” “કોઈને લઈ જવાના નથી.” “ઠીક, ખુમાણસિંગને કહેજે કે ઘોડીએ ચડી પાછળ પાછળ જાય, છેટો રહે, ને ભેગી જોટાળી રાખે. દારૂગોળી ન હોય તો કાઢી દેજે.” ગોપાળભા ઊંઘી ગયા હતા ત્યારે સુમનચંદ્ર પોતાની મેડીએ બેઠો બેઠો પોલીસના ઉપરી પર એક અરજી લખતો હતો. એમાં એક રિવૉલ્વરની અને એક કારતૂસવાળી બંદૂકની માગણી હતી. કારણમાં જણાવ્યું હતું કે અમારે ત્યાં જેમની જમીનો મંડાણમાં છે તે ગરાસિયાઓ અવારનવાર જાસા મોકલે છે, અસૂર-સવાર ખેતરો ભેળાવે છે અને અમારા ખેડૂતોની ભાત લઈને સીમમાં જતી બાઈઓને કનડે છે. એ લખીને પોતે બારી પર મૂકવા ગયો ત્યારે પાછળના વાડામાં ઊભેલી એક ભેંસ જોરથી ભાંભરતી હતી. પોતે ઓળખી રણથળીથી જપ્તીમાં આણેલી તે જ ભેંસ! “એલા કાળુ!” એણે ગોવાળને બૂમ પાડી “આને કડબ નીરી છે?” “હા, ભાઈ.” “ત્યારે કેમ ભાંભરે છે?” “ખાતી નથી.” “છાહટિયો નીર, રજકો નીર.” “નથી ખાતી.” “પાણી પાયું છે?” “ન પીધું.” “આમ કેમ ભાંભરે છે?” “એ તો, ભાઈ, સાંઝુંની ભાંભરડાં દે છે.” “મેં તો હમણાં જ સાંભળ્યાં!” ગોવાળે જવાબ દીધો નહિ. સુમનચંદ્ર શરમાઈ ગયો. કાગળ લખવામાં એ મશગૂલ હતો તેથી ભેંસની ઉગ્ર ચીસો પણ સંભળાઈ નહીં! ગોવાળ બોલ્યો “બેચાર દી તો એને એવું રે’શે, ભાઈ, પછી આ ઘરને હળી જશે.” “ઠીક” કહી એ સૂતો. ઊંઘ તો સારી આવી ગઈ, પણ વચ્ચે વચ્ચે જાગી જતો ત્યારે ભેંસનાં ભાંભરડાં કાનમાં રેડાતાં. બેઉ કાન પર અક્કેક બાલોશિયું દબાવીને એ ઊંઘ્યો.