zoom in zoom out toggle zoom 

< કાળચક્ર

કાળચક્ર/બાલબચ્ચાં સાંભરે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બાલબચ્ચાં સાંભરે છે


એક તો અંગ પર ખાખી લશ્કરી લેબાસ, એમાં પાછો જુવાન બદન ધરાવનાર આદમી, અને એમાં પણ ઝીણી મૂછોના વળદાર આંકડા ચડાવનારો અજાણ્યો આદમી પાધરોદોર પોતાની બહેન હૂરબાઈને મળવાની માગણી કરતો ઊભો રહ્યો છે, એ દેખી રમજાને ખાટલે બેઠાં બેઠાં પોતાની આંખો પરથી તોલદાર પોપચાં ઊંચાં કર્યાં. સિગારેટના ધુમાડા આડેથી એની નજરનું ખુન્નસ અછતું ન રહ્યું.

બીજા બધા ભંગી લોકો છેટે ભોંય પર ઉભડક પગે બેસી ગયા હતા, ત્યારે આ અજાણ્યો લશ્કરી ઊભો જ હતો.

હાથા ભાંગેલ એક બાંકડો સામે પડ્યો હતો, તેની સામે દૃષ્ટિ ચીંધાડીને મને-કમને પણ રમજાન કહ્યા વગર ન રહી શક્યો કે “બેસો, લ્યો, પીઓ છો?” કહી સિગારેટની ડબી અને દીવાસળીનું બાકસ બાંકડા પર ફેંક્યાં.

સ્વીપર બાંકડે બેઠો, ને એના સંગાથી ભંગિયાઓના શ્વાસ અધ્ધર ચડ્યા. પેલાએ તો સિગારેટ સળગાવી, ધુમાડા તાણવા માંડ્યા.

હજુ પણ રમજાન એ શખ્સને બીડીના ધૂમ્રપટ આડેથી તપાસી રહ્યો હતો.

તેઓ બેઠા હતા ત્યાં એક વંડી હતી. એ માટીની પછીત પાછળથી દોવાનો મીઠો ગંભીરો ઘેરો રવ અવિરત ધારે આવી રહ્યો હતો. ઉપરાંત બે જણાની બોલચાલ પણ સંભળાતી હતી. એક પુરુષ-સ્વર કહેતો હતો “તૈયબ માગે છે તમારી ગાય. કે’છે કે રોકડા સો આપું, કાંધાંય નહીં.”

“ના રે, નારણભાઈ!” સામે ઓરતનો સ્વર ઉત્તર વાળતો હતો “ઈવડા ઈ તૈયબડાનો મને ઇતબાર નહીં, ઈ તો કસાઈવાડેય ગાને વેચે. તમ જેવા ગોવાતી માગે તો દઉં, મન પાંચ-પંદર ઓછા આપે. નીકર કાંઈ નહીં. પૂળો નીરીશ તો પૂળેય દુવા દેતી બાપડી ખીલે બંધાઈ રે’શે, મન દૂધ નો દેતી.”

“લ્યો, મેલો હવે વાછડાને.”

“હાય! રોયો કાંઈ જોર કરે છે! મારી હથેળી જ છોલી નાખી.”

પછીત પાછળનો એ દોવાનો અવાજ, બે જણ વચ્ચેનો વાર્તાલાપ વગેરે વિરમી ગયા, અને વાછડાની ખરીઓની તબડાટી સંભળાઈ.

એ વાતચીત કરનાર હૂરબાઈ અને ગોવાળ હતાં.

અહીં બહાર ફળીમાં સ્વીપરને રમજાને પૂછ્યું “ક્યાંથી આવો છો?”

“મલાયાથી.” સ્વીપર બોલ્યો.

“શું કામ છે અમારી બાઈનું?”

“સમાચાર દેવા છે.”

“કોના?”

“તમારા બનેવીના.”

“ગુલઝારના?”

“હા.”

“હજી જીવતો છે?”

રમજાનના એ શબ્દોમાં તીખાશ હતી. પણ એણે જવાબની રાહ જોયા વગર પોતાની માને સાદ પાડી હૂરબાઈને બોલાવવા કહ્યું.

“માને ઘણી ખમા! બોનને ઘણી ખમા!” એવું બોલતા, પેલા ભોંય પર બેઠેલા બધા ભંગિયા ઊભા થઈ ગયા, અને ડોશી જેવી દેખાતી ખેડુ-પત્નીએ જરાક લાજ કાઢીને “હા! આવો, ખીમા ભાઈજી! આવ, બેટા ભગવાન! આજ તો સંધા ભેળા થઈને આવ્યા!” એમ બોલી, ઓઢણાનો પાલવ પેટછાતીના ઉઘાડા ભાગ પર લપેટી લીધો.

“આવિયેં તો ખરા ને, માડી!” એક જણે કહ્યું “વધાઈના સમાચાર લઈને આવ્યા છયેં. આજ તો મા ડબલ કોપ ભરી ભરી ચા પિવરાવે. આજ હોઠ પલાળ્યા વિના નૈ જાયેં, સારા સમાચાર લાવ્યા છયેં.”

“ડબલ પીજો ને, માડી! હાલ ઘડી હોટલેથી મગાવી દઉં, એમાં શી નવાઈ છે? રૂડાં મોઢાં તમારાં, તે સારા સમાચાર લાવ્યા. કહો, શું છે સમાચાર?”

“કે’, ધૂડાભાઈ!” બુઢ્ઢા ભંગીએ ‘સ્વીપર’ને જણાવ્યું.

રમજાનના કાન ચમક્યા. આંખો પૂરેપૂરી ઊઘડી ગઈ. જેને બાંકડા પર બેસારી પોતે સિગારેટ આપી છે તે તો ઝાંપડો નીકળ્યો. એનું અભિમાન તો ખૂબ ઘવાયું, પણ પછી એણે તાજેતરમાં જે નવી હવા પીધેલી તે યાદ આવી. એણે ગમ ખાધી.

અને લશ્કરી સ્વીપર ધૂડાભાઈએ મા-દીકરી તરફ જોઈને સંદેશો શરૂ કર્યો “હું મલાયા સિંગાપુરમાં હતો, હમણાં જ આવ્યો છું. ગુલઝારભાઈ મેરી સાથે એક જ કંપનીમાં (લશ્કરી વિભાગમાં) હતા. જાપાનવાળાએ કાળા કોપનું બમ્બિંગ કર્યું. કુઆલાલંપુરમાં હમેરી કંપનીનો પડાવ હતો. મેરી તો મરજી ગુલઝારભાઈની સાથે ઊધર રહી જવાની હતી. પણ હમ હમેરા ગોરા કમાનિંગ સાહેબને બંગલે ડ્યૂટી કરતા થા. ઓર મેમસા’બની મેરી ઉપર બડી મે’રબાની થી કારણ જે ઉસકા બાબાલોગ મેરી સાથે રમતા ખેલતા. એટલે કમાનિંગસા’બ ને મેમસા’બ, બાબાસા’બ સૌ મોટરગાડીમાં ભાગ્યાં, હમને પણ સાથે લીધો. ગુલઝારભાઈ સબ કાળા લોકના લશ્કર સાથે ઉધર રે’ ગયા. હમ તો કમાનિંગસા’બ સાથે ઇસ્ટિમરમેં ચડ ગયા. બાબાલોગે હમારો હેડો છોડ્યો નહીં.”

“તે ગુલઝાર સલામત છે ના, માડી?” ડોસીએ આ માણસની ભાષાની ખીચડીમાંથી ફક્ત મુદ્દાની વાત પકડીને પૂછ્યું.

“હા, મા, ખૂબ સાજાતાજા થા. મને બોલે કે ધૂડાભાઈ, અમારા ખટલાને ખેરિયત કહી આવજો. મેંને કહ્યા કે જરૂર, ગુલઝારભાઈ, હું જાતે જઈને ખેરિયત કહીશ. પોતે કહે કે હમેરી જોરુંકું ખાસ મોઢામોઢ કહના ”

અહીં સ્વીપરે ડોસીના પડખામાં બેઠેલી હૂરબાઈ સામે દૃષ્ટિ કરી. હૂરબાઈ નીચું જોઈ ગઈ. જરી વારમાં તો એ ઘરની ઓશરીની ગાર પર ટપ-ટપ-ટપ એ યુવતીનાં નેનનાં નેવલાં ચૂઈ પડ્યાં.

“સાજો-નરવો છે મારો ગુલઝાર! હેં માડી, સાચે જ?” એમ પૂછતી ડોશી આસમાન સામે સલામ કરતી અને બીજી સલામ ધરતીને ભરતી ફક્ત એટલું જ બોલી “હે અલ્લા! ખાવંદ ધણી! તું બડો રહેમાન છે! અમે તો રોજ ફફડતાં, ને આ મારો રમજુ તો કાંઈ ઉતાવળો, કાંઈ ઉતાવળો, માડી! વાંસે જ લાગ્યો’તો કે હૂરીને ઝટ બીજે…”

“છાની રે’ને મી!” એવું તદ્દન ધીરે સાદે કહેતી હૂરબાઈએ ડોશીનો હાથ દબાવી રાખ્યો. એનું ગળું વધુ કંઈ અવાજ કાઢવાને અશક્ત હતું. મહિનાઓથી ફિક્કાશ ધારણ કરતા ગયેલા એના લંબગોળ રૂપાળા ચહેરા પર સુરખીદાર રુધિરનાં જોશભર્યાં આવનજાવન ચાલતાં હતાં.

“ઔર કહ્યા હે કે અમારા બચ્ચાકુ પણ દેખ કે આના, ધૂડાભાઈ.”

“લ્યો ને, એનેય લઈ આવું, બાપુ!” એમ કરતી ડોસી અંદર જઈ ઘોડિયામાંથી ઊંઘતા ભાણાને તેડી લાવી, એના વાળને પંપાળી કહે “જો, તારા બાપનો સંધેસો લાવ્યા સે! તને યાદ કરે સે તારો બાપુ!”

“કે’વરાવ્યું છે ગુલઝારભાઈએ કે હેમત રાખે, જિગર કઠણ કરીને રયે, માલિક ચોકસ મેળવશે.”

“મેળવશે કબરમાં!” એમ કહેતો રમઝાન તીખે અવાજે પૂછી ઊઠ્યો “તમારી ફોજું તો તિયાં જાપાનવાલાને સોંપાઈ ગઈ, તોય કહો છો કે માલિક મેળવશે! ગોરા ગોરા તમામ મોટરુંમાં ભાગીને આગબોટુંમાં ચડી આંઈ ચાલ્યા આવ્યા, વાંસે કાળી ફોજુંને સોંપી દેવા રાખી કમજાતો!”

“બાત તો સચ છે.” સ્વીપરે કબૂલ કર્યું.

“ને તમારા ગોરા તો આગલી રાત લગી દારૂરંડીબાજીમાં મશગૂલ હતા. ખરી વાત કે નહીં?”

“આખી રાત ક્લબુંમાં મોજ કરી, ને સવારે સિંગાપોર તૂટ્યું કે ભાગ્યા. સચ બાત છે ભાઈની.” સ્વીપર ટહુકો પૂરી રહ્યો “બીજેત્રીજે ઠેકાણે લડતા હતા ત્યાંથી પણ કાળાને લડતા

છોડી ગોરા ભાગી છૂટ્યા.”

“અરે મારા રોયા!” ડોશીએ નિઃશ્વાસ પડતો મેલ્યો “અમારા ગુલઝારને અમારા એક જમાઈનેય ન કાઢી લઈ શક્યા મારા પીટ્યાઓ? ઈ એક એને શું ભારી પડી જાત? જુવાનજોધ બાપડો! મોટી મોટી ઉમેદે ગયો, ને આટલા મહિના ઓરત-છોકરાંની સામે ન જોયું ”

ડોશી અટકી પડ્યાં, પણ સ્વીપરે ત્રાગડો ઉપાડી લીધો “સાચું, ડોસીમા, ગુલઝારભાઈ પણ અમે છૂટા પડ્યા ત્યારે એ જ વલોપાત કરતા’તા. બોલે કે અરે ધૂડાભાઈ! પેટછૂટી કહું છું. બાલબચ્ચાંને ટુકડો કાગજ પણ નથી લખ્યો, નથી ખરચી મોકલી. આંઈ મલાયામાં બાજુ અને સારોંગ માથે મોહી પડ્યો, બુંગા રોઝ અને બુંગા ચમેલીની વેણી ઉપર દિલ લટી ગયું. પણ આખરે તો ઘર એ ઘર. નકા કરેલી તે જ સાચી ઓરત.”

“ઈ શું કહ્યું, ભાઈ? કંઈ સમજણ ન પડી.”

“ઈ તો એવો માયનો છે ડોસીમા, કે મલાયાની ઓરતું બહુ દેખાવડી, બહુ રૂપકડી. ચણિયાને ઠેકાણે ઈ જે લુંઘી વીંટે તેને સારોંગ કહે છે; બદન પર કબજાની સિસ્ટમ પહેરે તે બાજુ કહેવાય; કાનમાં પહેરે તલીંગાં, પગને કાંડે પહેરે રૂપાના પેરા, જરી ભરેલા ખાસોટ માયને ચંપલ પહેરે; માથામાં ગુલાબ ચમેલીની વેણી બાંધે. બો’ત માયાળુ બાઈઓ.”

હૂરબાઈના દિલમાં જે સંદેહ સૂતો હતો તે જાગી ઊઠ્યો. એના મનોભાવને સમજતી માએ સ્વીપરને સ્પષ્ટ પૂછ્યું “તે, હેં માડી! ત્યાં નકા કરે?”

“ઘણા કરે. જેને પરણે તેને મલાયાવાળિયું ફૂલ જેમ જાળવે. પણ લશ્કરવાળો કંઈ પરણી શકે? ઈ તો પારકે પરદેશ એકલવાયું લાગે; મરવા-મારવાના મામલા; ધડ માથે ડોકી કાયમ ડગમગતી જ રહે; ઘર સાંભરે આ એમ વળી ક્યાંય કોઈક દિવસે ડ્યૂટી ન હોય ત્યારે જાય તો માયા લાગે, બાકી કાંઈ નહીં…”

“બાકી કાંઈ નહીં…” એ બોલ હૂરબાઈને શાંતિ પમાડનારા લાગ્યા.

“પણ ડોસીમા!” સ્વીપરે સ્ફોટ કર્યો “વાત છુપાવવી નથી. હું ને ગુલઝારભાઈ કોક કોક વાર ભાંગી પડવા જેવા થઈ જાતા. હું એને કહેતો ને એ મને કહેતા કે જન્નમમાં જાય આપણો દેશ! હાલો ને આંઈ આ નાનાં નાનાં કમ્પોંગમાંથી એકાદમાં, નાળિયેરી ને રબરના બગીચામાં મજૂરીએ લાગિયેં! એઈ ને ખજૂરીના છાપરાવાળા એકાદ ખોરડામાં પરણીને બેસી જાયેં! પણ ફોજમાંથી શે છુટાય? ત્યાં તો બંદૂકે જ દ્યે ના?”

“સારું, બાપુ! તું હીમખીમ ઘેરે આવ્યો.”

“ગુલઝાર આવી રયો હવે, મા!” ઘોઘરે સાદે રમજાને કહ્યું.

“કાં, બાપુ?”

“જાપાનવાળા કેદીઓને સાચવતા જ નથી. કાપીને ગોસ રાંધી ખાઈ જાય છે.”

“ઇન્સાનનું?”

“હાં, ઇન્સાનનું!”

“હેં, ભા?” ડોશીએ સ્વીપર પ્રત્યે રાંકડી નજર નોંધી.

“વાતું તો બધિયુંય થાય છે, માડી! પણ માલિક સારાં વાનાં કરશે. હું તો નીકળ્યો ત્યાર વેળાનું હીમખીમ કે’વા આવ્યો છું.”

“એટલેથીય અમે ઘણાં રાજી છયેં, ભાઈ! ને અમારો અલા રાજી થશે. લ્યો, ચા આવી ગિયો. પીને પછી જાઓ.”

બીજા સૌએ સબડકા બોલાવીને, અને સ્વીપરે કપમાંથી જ ધીરું ધીરું ‘સીપિંગ’ કરતે કરતે ચા પીધી ગોરાને ઘેર રહી આવ્યો હતો એટલે જ તો!

મુલાકાતિયા જવા ઊઠ્યા. ભંગીઓએ દુવા દીધી કે “ઈ તો, માડી, માલક મોટો છે! હીમખીમ રાખશે. બોનને હરમત દેજો.”

એ શબ્દોએ હૂરબાઈની હિંમતને ઊલટી ગાળી નાખી. એને ઓઢણાને છેડે આંખો લૂછતી નિહાળીને રમજાન ચિડાયો.

“રોવછ તે એવી કઈ મહોબતે! રઝળાવીને જનારના મોં માથે તો બૂટ મારવી જોવે!”

હૂરબાઈ એ ન સાંભળી શકી, અંદર ચાલી ગઈ, ને વાડાની ખડકીએથી બહાર નીકળીને પેલા ભંગી લોકોનો રસ્તો આંતરી ઊભી રહી. સંદેશો લઈ આવનાર સ્વીપરને એણે હળવે સ્વરે પૂછ્યું “હેં ભાઈ, એણે બીજું કાંઈ કે’વાર્યું છે?”

“બીજું તો શું, બાઈ?” સ્વીપર ધૂડાભાઈએ નીચું મોં રાખીને જવાબ દીધો “બાલબચ્ચાં બહુ યાદ આવે છે, એટલું જ કહ્યા કર્યું. અમે ગોરા કમાનિંગસા’બનાં મેમસા’બ ને બાબાસા’બ સાથે સવારે ભાગી નીકળ્યા’તા. ને એ પછી ગુલઝારભાઈવાળી અમારી આખી ફોજ સાંજે જાપાનવાલાને સરિન્ડર થવાની હતી.”

“એનું બદન તો નરવું હતું ને, ભાઈ?”

“કાંક લેવાઈ ગયેલ તો ખરા. આડોડાઈ બહુ કર્યા કરે ખરા ને, એટલે એને માથે ખટલા થાય. સજા ભોગવ્યા કરે. કાંઈ ડ્રિલ-બિલ કરે નહીં. દિલ ઉપર ધ્રાસકો જ પડી ગયેલ કે ફસાઈ ગયા! એટલે પછી કામમાં ગલતી થિયા જ કરે.”

“શા માટે?”

“બાલબચ્ચાં યાદ આવ્યા કરે એથી.”

“શી સજા કરે? માર મારે ખરા?”

“પલટનના મામલામાં તો હરેક કિસમની હિંદવેહલાં વીતે, બાપા! પણ હવે ઓ બાતકા કુછ વલોપાત મત કરના.”

એમ કહેતો સ્વીપર ચાલ્યો ગયો. હૂરબાઈ ખડકીની અંદર પાછી પેસીને કમાડ બંધ કરતી હતી તે જ પળે શેરીમાંથી એક આદમી ખૂણાનો વાંક વળીને નજીક આવી પહોંચ્યો, ને હસીને એણે હૂરબાઈને પૂછ્યું “આંઈથી તો નહીં જ દાખલ થવા દે ને, હૂરી?”

સુધરાઈના ઝાંખા દીવાને અજવાળે શરીર ઓળખાય એ પૂર્વે તો અવાજ પિછાનીને હૂરબાઈ બોલી “કાસમ બનેવી! આગલી ખડકીએથી આવો. અને જુઓ, છોકરાના બાપુના સારા વાવડ છે. એટલેથી સમજી જજો, નીકર પછી હું જેવી કોઈ ભૂંડી નથી!”

એટલા શબ્દો સાથે એણે પાછલી ખડકીને અંદરથી સાંકળ ચડાવી ને એના અંતરમાંથી ઉદ્ગાર ઊઠ્યો “સગા ભાઈનેય મારું એક પેટ ભારે પડે છે, નીકર આટલી ઉતાવળ હોય? આજ આને, તો કાલ ઓને તેડાવ્યા જ કરે છે, બે’નને ઝટ ઠેકાણે પાડવા. બે’ન શું અણહકની શેર જાર બગાડે છે? અરે અલા! પરણ્યો બાપડો કાળા પાણીને પાર બેઠો બેઠો અમારે વાસ્તે હિજરાય છે, ને આંઈ તો કાસમ બનેવી મધરાશી ફેંટે તલપાપડ બની રિયો છે. ઓ અલા! હે અલા!”

વાડામાં ગાયોને કડબના પૂળા નીરવાને મિષે એણે આટલા મનોદ્ગારને માટે સમય મેળવ્યો.