કાળચક્ર/ભૂતખાનામાં હું ક્યાંથી આવી પડી?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભૂતખાનામાં હું ક્યાંથી આવી પડી?


“બહારનાં બારણાં ઉઘાડાં જ રાખો ને!”

રવેશમાંથી નીચે રસ્તા પર નજર કર્યા પછી બેઠકમાં આવીને મનોહરલાલે ઘાટીને એ સૂચના આપી; અને પત્નીને કહ્યું કે “ચાલો, ચા-નાસ્તો તો છેલ્લી વાર સાથે બેસી કરીએ.” “આવી પહોંચી પોલીસ?” માણેકબહેનના ચિત્તમાં હલબલાટ થયો તે અછતો ન રહી શક્યો. એમણે જરા વધુ વ્યાકુળતા બતાવતાં વિમળાને કહ્યું “ઘેલી! હું તો ચાલી! આવું ધાર્યું જ નહોતું. ઘરમાં કોણ રહેશે? આમને કોણ સંભાળશે? તું, બે’ન, આંહ્ય રહીશ ને? મૂંઝાઈને ચાલી નહીં જા ને? જલદી કર, બે’ન, હું નાહી લઉં. ને કોઈક મારું બિસ્તર કાઢો.” મનોહરલાલે ધીરેથી ઊભા થઈ, પત્નીનું બાવડું પકડી, ખુરશી તરફ ધકેલતાં ધકેલતાં હસીને કહ્યું “કશી ઉતાવળ નથી એ બધી વાતોની. ચાલો, પહેલું કામ પહેલું પતાવો; બિસ્તરમાં તો દાંતિયો, કાંસકી, સ્નો, તેલ, કંકુની શીશી વગેરે બધું હું જાતે જ ભરાવીને પાછળ મોકલીશ. હું જ સુપરવાઈઝ કરીશ ને!” પછી ધીરેથી વિમળાને મનોહરલાલે સૂચના દીધી “પેલી રિવૉલ્વર સમજ્યાં ને! નાની બંદૂકડી, મારા સૂવાના ખંડમાં ટેબલ પર પડી છે ને, તે રસોડામાં લઈ જઈ લોટના ડબામાં દાટી દો.” ત્યાં તો ચાની ટ્રે લાવનાર ઘાટીએ શાંતિથી સંભળાવ્યું “તો મી ઠેવલેલા આહે હો! ઠેવલેલા આહે.” આમ કહેતાં કહેતાં એ અડબૂથ લાગતા માણસે, ગુજરાતીઓ જે છટાથી નકાર ભણવામાં માથું આડું હલાવતા હોય છે, તે છટાથી હકારમાં એનો મોટો ટોલો હલાવ્યો. “બ…ર્-રા!” (એટલે કે, વારુ!) મનોહરલાલે જરા પણ સંક્ષુબ્ધ બન્યા વગર, નાહવાનું પાણી કાઢ્યું છે એમ કોઈ કહે અને જે રીતે જવાબ આપે તે રીતે ઘાટીના આ કાર્યને અનુમોદન આપ્યું, ત્યારે માણેકબહેન અને વિમળા, એ બેઉ તો આ શેઠ-નોકર વચ્ચેનો વ્યવહાર દેખી સૂમસામ ઊભાં થઈ રહ્યાં. રિવૉલ્વર! લાયસન્સ વગરની રિવૉલ્વર! અને આજે સવારને પહોર ટેબલ પર! તે પણ પાછી રામાએ ઠેકાણે મૂકી! વધુ આશ્ચર્યને બહલાવવાની વેળા નહોતી. બારણે ઘંટડી વાગી. પણ દ્વાર તો ખુલ્લું જ હતું, ને એ દ્વારની આગળ જ બેઠકનો ખંડ હતો. ત્રણેક યુનિફૉર્મધારી સિપાહીઓને બહાર રહેવા દઈ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે અંદર પ્રવેશતાં કહ્યું કે “ચા પીવા આવું કે, શેઠસાહેબ?” “આવો, સાહેબ, તમારી જ રાહ જોઈએ છીએ.” મનોહરલાલે જેમ બેઠા હતા તેમ જ બેસી રહીને નિમંત્રણ આપ્યું. “ઓહો! આ ઘરમાં તો હું પહેલી જ વાર આવું છું.” એમ કહેતાં કહેતાં પોલીસ અધિકારીએ ઘરની અંદર જરા આગળ કદમો માંડ્યા, એટલે મનોહરલાલે ઊઠીને, હાથમાં ચાનાં કપરકાબી સાથે અફસર પાસે જઈ કહ્યું “અગાઉ અહીં નથી આવ્યા? ચાલો, ચાલો, મકાન બતાવું.” મનોહરલાલે મહેમાનને ઓરડા પછી ઓરડામાં, રવેશમાં, બાથરૂમોમાં પણ, અને રસોડામાં સુધ્ધાં, સાથે લીધા. દરેક સ્થળ, આલમારી, ટાંકું, ભીંત-કબાટ બતાવતે બતાવતે એણે કહ્યું “આમાંની કેટલીયે સગવડો મારે ખરચે જ મારે કરાવવી પડી છે. ઘરધણી તો મખ્ખીચૂસ છે. આ જુઓ, મેં એને કહ્યું કે અહીં બળતણ રાખવાનો મેડો નાખી શકાય એવી જગ્યા છે ઊંચે, પણ એ કહે છે કે પૈસા નથી! મારે મોટાં મોટાં પીપમાં કોલસા રાખવા પડતા.” આમ કહી પીપો ખોલીને બતાવ્યાં. પછી કહે કે “છેવટે મારે ખર્ચે મારે મેડો કરાવી લેવો પડ્યો.” ઘરધણી ઘર બતાવતો હતો, ને પોલીસ અમલદાર એની કન્યાનું વેવિશાળ કરવાને માટે કેમ જાણે આવ્યો હોય એવા રસથી દરેક ખૂણોખાંચરો, પલંગ, કબાટ, ટાંકું ને મેડો જોતો હતો. બેઉ જાણતા હતા કે જોવાનું ને દેખાડવાનું પ્રયોજન જુદું જ હતું. પણ પોલીસ અમલદારની તો પ્રામાણિક માન્યતા હતી કે મનોહરલાલ શેઠ પોતાનો બ્લૉક અને પોતાની શાનદાર રહેણીની ઢબ બતાવવાને સાચેસાચ ઇંતેજાર હતા. એણે હજુ પણ વિશેષ ખૂણાખાંચરા જોતે જોતે તારીફ વહાવી “આ આખું ક. બિલ્ડિંગ એક સાક્ષાત્ ભૂતખાનું છે. ફક્ત એક આ તમારો બ્લૉક સ્વર્ગીય લાગ્યો. માણેકબે’ન તો વારંવાર મળે. તો આજ તો થયું કે આપને મળું.” “સારું કર્યું. આવો દીવાનખાનામાં. ચા તો પીઓ. હું મિલમાંથી નવરો થાઉં જ નહીં, એટલે ભાગ્યે જ મારાં મિસિસના જેવા સોશ્યલ સંબંધો બાંધી શકું છું. મને એવી ફાવટ પણ નથી. બાકી તો એમનામાં હું આવી જ રહું છું ને? આજે જ, જુઓ ને, બજારોમાં ઊથલપાથલ થાય છે, ને મારો ટેલિફોન ખોટકાઈ ગયો હતો. તમે, ભાઈસા’બ, આ ધરપકડો હજુ જરા વહેલી કરી હોત તો શું ખોટું હતું?” “શું કરીએ, સાહેબ? કમબખ્ત ગુલામી… પાપી પેટ પડ્યું છે ને… બાકી તો હવે ‘સ્વરાજ’ થઈ જાય એટલે અમારે કાળા હાથ કરવા મટે…” એવાં એવાં સલૂણાં સુંવાળાં વાક્ય વાપરતે વાપરતે અધિકારી ચા પીવા બેઠા, ત્યાં માણેકબહેન બાજુમાંથી આવ્યાં, ને બોલ્યાં “કાં, હું તૈયાર છું!” “પણ હું તૈયાર નથી ને!” અધિકારીએ નવાઈ ઉપજાવી. એની નજર તો બીજે જ બધે ઘૂમતી હતી. ઊંચે ખીંતીઓ પરનાં કપડાં અને નીચે પગરખાંની જોડીઓ પર એની આંખો હતી. પછી શાંતિથી એણે પૂછ્યું “પેલા ભાઈ ક્યાં ગયા?” “કોણ વળી?” “પેલા સુધાકર.” “કોની વાત કરો છો?” મનોહરલાલે ચકિત બનીને પૂછ્યું. “એક વિદ્યાર્થી અહીં રહેતા હતા ને તેની.” “અરે, હા!” માણેકબહેનને યાદ આવ્યું કે એ ભાઈ તો આગલી રાતે ઘરમાં પાછા ફર્યા જ નહોતા. એમણે કહ્યું “કેમ? એમનું વળી શું છે?” “બીજું તો શું હોય? વૉરન્ટ!” અમલદારે ગજવામાંથી કાગળ કાઢ્યા ને નામો વાંચ્યાં “સુધાકર રાજમોહન શર્મા, ઉર્ફે હીરાલાલ.” “આ નામનું તો કોઈ નહોતું.” માણેકબહેને કહ્યું “તમે ઘર ભૂલ્યા લાગો છો!” “હાં-હાં, એમ જ ત્યારે તો. કંઈ ગલતી થઈ હશે. વારુ, ત્યારે માફ કરશો. હું જઈશ.” “કેમ? મને નથી લઈ જવાની?” “વૉરંટ નથી, એટલે દિલગીર.” “અરે પ્રભુ!” મનોહરલાલે નિઃશ્વાસ નાખ્યો. “કેમ, સાહેબ?” અધિકારી હસ્યા. “આશા હતી કે મારે વર્ષ-બે વર્ષ સાડીઓનું ખરચ બચશે.” “એવું ફોગટ બોલો ના, ગૉડ ફર્બિડ! (પ્રભુ એવું ન કરે!) સાડીઓનો આપની મિલમાં ક્યાં દુકાળ છે?” એમ કહીને એ અધિકારી ઊઠ્યો ને બોલ્યો “વૉરંટ કાઢનારા પણ બેવકૂફોના સરદારો મળ્યા છે. મકાનનો નંબર જ ખોટો મૂક્યો! માફ કરજો.” “પણ મને આ વખતે કેમ લાભ નથી મળતો?” માણેકબહેનને આ કૌતુક અકળ બન્યું. “તમે તો હવે ક્યાં લિસ્ટ પર રહ્યાં છો? નામ નીકળી ગયું છે. મોજ કરો ને, બાઈસાહેબ! સારું થયું કે તમે આમાંથી નીકળી ગયાં. મનોહરલાલ શેઠ તો સરકારના માનીતા કહેવાય. કારખાનેદારોને તો અમારે સંભાળી લેવાના છે. તમને લઈ જઈએ એટલે મનોહરલાલ શેઠનું મગજ કામ કરી શકે નહીં. સરકારને એ પરવડે નહીં. લ્યો, સાહેબજી!” બારણાં તરફ જતાં જતાં એણે એક ઓરડામાં સંકોડાઈને ઊભેલી વિમળાને નજરમાં લીધી. મનોહરલાલ તરફ ફરીને કહ્યું “કોઈ મે’માન જણાય છે?” “હા, તમારી ગણતરી બહાર તો અમારા ઘરમાં કોઈ હોઈ શકે જ નહીં ને?” માણેકબહેનના આ કટાક્ષથી અમલદાર હસ્યો ને બોલ્યો “નહીં, નહીં, એટલાં સખ્ત ન બનો. હું તો આ ઘરનો સ્નેહી માણસ છું. તમારી દીકરીઓને તો હું રોજ સ્કૂલને રસ્તે મળું. મને એ કાકાજી કહી બોલાવે, હું બચ્ચાં કહી ખબર પૂછું, પણ આ તો નવો ચહેરો જોયો એટલે સહજ…” “વારુ! વારુ!” કહેતા મનોહરલાલે એમને બારણા બહાર મૂકતાં મૂકતાં જરા ટમકું મૂક્યું “નેતાઓની રાઉન્ડઅપ પણ તમે ભારી કુનેહથી કરી! શું થાય પણ બીજું? અત્યારે કૉંગ્રેસે આવું નહોતું કરવું જોઈતું. દુશ્મનોના હાથમાં રમી ગઈ કૉંગ્રેસ.” “દરેક સમજદાર માણસ એમ જ કહે છે. પણ એમ તો, સાહેબ, સરકાર પણ એ જ લાગની છે. નાક દાબશું તો જ મોં ખોલશે.” “લાંબું ચાલશે આ બધું? તમે શું ધારો છો?” “અરે, પ્રભુ પ્રભુ કરો, શેઠ! પંદર દિવસમાં તો સરકારને નાકે દમ આવી જવાનો. ‘કરેંગે મરેંગે’ એ સ્લોગનથી જ ટાંટિયા ધ્રૂજી ગયા છે ને! ક્રિપ્સ ગયો, પણ ખુદ ચર્ચિલને આવ્યો સમજો ને!” “અમેરિકા દબાણ કરશે કે?” “કરશે શું, રૂઝવેલ્ટે ચોખ્ખું કહી દીધું જણાય છે.” “કે?” “કે હિંદનું પતાવો, નહીંતર અમેરિકા લડાઈમાંથી જ હટી જશે.” “પણ ચર્ચિલ કરે શું? તમારું પતાવવું જોઈએ ને કૉંગ્રેસે?” “અમારું?” “મુસ્લિમ લીગનું.” “હા-હા-હા-હા!” અધિકારી હસી પડ્યો “અમારે ને લીગને શી નિસ્બત? હું મુસલમાન છું તેથી શું લીગનો થઈ ગયો? હરિ હરિ કરો, સાહેબ! લ્યો, જે! જે!” એમ બોલતો, હવેલીએ હીંડોળાનાં દર્શને દોડતા હિંદુને પણ આંટી દે તેવી અદાથી હાથ જોડીને એ અધિકારી દાદર ઊતરતો પેલા પોલીસોને કહે કે “હવે ચલો ને ભાઈ! ક્યા ખડે હો? જલદી ચલો, ટેલિફોન કરેં, કુછ ગલતી હો ગઈ હૈ. કમબખ્ત વારંટ નિકાલનેવાલે ભી મેરે પાંવકી જૂતીકે લાયક હૈ.” ઘરમાં આવીને મનોહરલાલ પત્નીની સામે જોઈ રહ્યો. માણેકબહેન શરૂમાં જેમ સમતા ખોઈ બેઠાં હતાં, તેમ અત્યારે કંઈક નિરાશ હતાં. પતિએ પૂછ્યું “આ કોને માટેનું વૉરન્ટ? એ નામ કોનાં હતાં?” “કાંઈ ખબર ન પડી.” “બકોરભાઈ તો નહીં હોય?” “શી વાત કરો છો? મોંએથી માખ ઉડાડવાના તો વેતા છે નહીં!” માણેકબહેન જેના નામ પર આમ કહી હસ્યાં તે બકોરભાઈ એટલે એમના ઘરમાં રહેતા પેલા ત્રણ-ચાર જણ માંહેલો એક ભણેશરી, વેદિયો, પૂરું બોલવાનીય ત્રેવડ વિનાનો એક પ્રૌઢ માણસ. એ પોલીસના કાળા પત્રકમાં હોઈ શકે નહીં. પત્ની હસી એટલે પતિએ વાત પડતી મૂકી. “જુઓ,” માણેકબહેને હર્ષ દેખાડ્યો “પોલીસવાળા પણ માને છે કે આ લડત લાંબી ચાલે તેમ નથી.” “તું નહીં સમજી શકે.” એટલું જ બોલીને પતિ અટકી ગયો. પડોશીઓ મનોહરલાલને ઘેર પોલીસ આવીને ચાલ્યા ગયાનું જાણ્યા પછી પોતપોતાના બ્લૉકનાં બારણાં ઉઘાડી ધીરે ધીરે, કોઈ જોતું તો નથી ને એની તકેદારી રાખી ડોકિયું કરવા આવ્યા, અને એક જ પ્રશ્ન કરવા લાગ્યા “કેમ, કંઈ ખબર પડી? નેતાઓને ક્યાં લઈ ગયા? કદાચ દેશની બહાર જ ઉપાડી જશે; કોઈક ટાપુ પર રાખશે; સા… ઠાર તો નહીં મારે ને? પણ જામી ગઈ બરાબરની! ટ્રામો સળગાવવા મંડ્યા છે. મિલમજૂરો જંગ જમાવી દેશે. એ ઘાટા જ સરકારને પહોંચશે. સાચા મરણિયા તો એ જ છે. કાંઈ ખોવા-રોવાનું નહીં ના!” દિવસ ચડતો ગયો. સૂર્ય તપતો ગયો. આગલી રાતની વૃષ્ટિનાં વાદળાં વીખરાતાં ગયાં, તેમ તેમ 9મી ઑગસ્ટનું રુદ્ર રૂપ પ્રકાશતું ચાલ્યું. શાળાઓ, કૉલેજો ને કારખાનાં, પાળ તૂટે ને તળાવો રેલે તેમ રાજમાર્ગો પર ઠલવાતાં ગયાં. શિવાજી પાર્કે નારીઓની સમરવીરતાનો જે ઇતિહાસ આલેખ્યો એનાં મુંબઈમાં યશોગાન ગવાયાં. ધ્વજવંદનને અશક્ય બનાવવા માટે અશ્રુવાયુ છોડનારી પોલીસ-બંદૂકો ભોંઠી પડી. શિવાજી પાર્કની ચારેય ફરતી ઇમારતોની ઊંચીઊંચી બારીઓ, ગોખો, ઝરૂખાઓ પરથી પાણીમાં ભીંજાવેલાં કપડાંનો મેઘ વરસ્યો. અશ્રુવાયુએ ગૂંગળાતી ગુજરાતણોએ આ પાણીમાં બોળેલા રૂમાલો વડે આંખો ટાઢી કરીને ઉઘાડી સામે લહેરાતો હતો શિવાજી પાર્ક પરનો ત્રિરંગી ઝંડો. વિમળાની આંખો આવું કશું દેખતી નહોતી. એની નજરને રૂંધીને પેલો પોલીસ અધિકારીનો પડછાયો રાત્રિ-દિન લાંબો-ટૂંકો થતો હતો. એણે મને કેમ નજરમાં લીધી? એ નજરના સાણસા વચ્ચે હું શા માટે ચગદાઈ ગયા જેવી બની ગઈ છું? આ માણેકબહેન તો મને અહીં એકલી મેલીને બહાર કોણ જાણે ક્યાં ચાલ્યાં જાય છે. વહેલાંમોડાં ફાવે ત્યારે પાછાં આવે છે. પેલા ત્રણ-ચાર જણા, જે અહીં સૂતા, ચર્ચાના તડાકા મારતા, ને બેવકૂફ વેદિયા જેવા જણાતા તે ક્યાં ગાયેબ બની ગયા? અને બીજી આ શી વિચિત્રતા કે હવે દરરોજ પરોઢિયે ‘દૂધ લેજો, બાઈ!’ એવી બૂમ મારીને દૂધવાળો ટકોરી બજાવે છે, ત્યારે ઘાટીને સૂતો રાખીને મનોહરલાલ પોતે દૂધ લઈ લેવા ઊઠે છે! દૂધવાળાની સાથે ગુસપુસ વાતો શું કરી લે છે? એમના વાર્તાલાપના બોલ સમજાતા નથી. પાંચમે દહાડે રાતે વળી કોઈક નવો પોલીસવાળો સાર્જન્ટના પોશાકમાં આવ્યો હતો તેને મનોહરલાલે છેક બેડ-રૂમમાં લઈ જઈ વાતો કરી. હમણાં હમણાં તો મનોહરલાલ, ટાણેકટાણે આવી, બારણાં ઉપર ઊભી રહેતી પિત્તળનાં વાસણ વેચવા આવનારી કોઈક સ્ત્રીની જોડે, કોઈક પસ્તી ખરીદવા કે કોથળા ખરીદવાની ફેરી કરનારાઓની સાથે પણ વાતો કરે છે. વિમળાના કાન પર એ વાતોનાં વિચિત્ર શબ્દ-ગૂંચળાં અફળાય છે. ભાંગ્યાતૂટ્યા શબ્દો વડે પતી જતી આ વાતચીતનો એક ઇશારો પણ મનોહરલાલ કોઈ ઘરનાં માણસ જોડે કરતા નથી. અને રેડિયો પર પેલો સાઇગોનનો સમય થતાં કદી ચૂકતા નથી. દુનિયા આખી જાણે કે આ ઘરમાં કોઈક ભેદભરમભરી વાર્તાને સ્વરૂપે ઘૂમરાઈ રહી છે. એક વાર તો વિમળાએ જોયું કે રાતે પોલીસ સાર્જન્ટને વેશે આવનાર માણસને મનોહરલાલે કશું ચાવી જેવું આપ્યું, અને કહ્યું કે “જૂના સ્ટોર-રૂમમાં.” આ ગુપ્ત ક્રિયાઓને બાદ કરીને વિમળા જોતી હતી, તો મનોહરલાલ અન્ય આવનારાઓની જોડે રૂ અને કાપડનાં બજાર જ ચર્ચતા; સોનાના, રૂપાના ચડતા-ઊતરતા ભાવો છાપાંમાં વાંચતા; ટેલિફોનો કરતા તેમાં પણ બજારોમાંથી અમુક માલનો આટલો કે તેટલો જથ્થો ખરીદવા-વેચવાનો જ વિષય હતો. સામેથી કોઈક કશું પૂછતું હોય અને એના જવાબમાં જ પોતે કહેતા હોય કે “એમાં કંઈ માલ નથી. પાણીમાં ભેંસ બેસી જાય એમ બધી ચળવળ બેસી જવાની. છોકરમત માંડી છે સૌએ! લ્યો, ઑગસ્ટની તા. 8મીની અર્ધરાત સુધી સંત પુરુષે એમ જ કહ્યા કર્યું કે સૌ પોતપોતાને ફાવે તેમ કરજો! અને હવે પાછા છાપાંમાં ચેલકાઓ ચીતરવા મંડ્યા છે કે અહિંસક રહીને પુલો તોડજો, પાટા ઉખેડજો, તારટપાલ રૂંધજો… અ…હિં…સ…ક રહીને કરજો! છે ને અક્કલનાં પડીકાં! હા-હા-હા-હા-હા! દેશના વ્યાપાર-ઉદ્યોગોને લડાઈમાંથી ખટવવાનું ને ઊભા કરી દેવાનું ખરું ટાણું છે, ત્યારે જ આ મોકાણ માંડી. જવા દો ને, ભાઈ! જવા દો હવે. નિરાંતે જેલોમાં બેસી કાંતતાં કાંતતાં ને ખજૂર-પોપૈયાં ખાતાંખાતાં સૂઝે આ બધું. આપણું વેપારીઓનું આ કામ નથી. અત્યારે તો રળવાનો વખત છે.” અને ફરી પાછા મનોહરલાલ રેડિયોનો કાંટો ફેરવતા સમાધિગ્રસ્ત બની જતા. એ-ના એ જ આંક પર એનો કાંટો ઠરતો બર્લિન સ્ટેશન, ટોકિયો સ્ટેશન, સાઇગોન સ્ટેશન ને સિંગાપુર સ્ટેશન મશીનગનમાંથી તડતડાટી થતી હોય એવી એ સ્ટેશનોની આકાશવાણી છૂટતી જોશીલી જબાન એવો ભાવ પેદા કરતી કે જાણે બ્રિટનની છાતી પર કાંઈક બંદૂકોની ધાણી ફૂટી રહી છે. એકાએક સાઇગોન પરથી એક સ્વર સંભળાયો ‘મારું નામ ગુલઝાર. મારા બાપનું નામ કાસમ. અમે દેસાઈ વોરા. મારું ગામ કાઠિયાવાડમાં કેરાળી. દગલબાજ સૂવરના બચ્ચા રંગરૂટવાળાએ મને ભરમાવીને ફોજમાં ધકેલ્યો. આજ હું આઝાદ છું. અય મુસલમીનો ને હિંદુઓ! એક બનો! વતનને માટે મરી ફીટો! અમે તો અહીં આઝાદીનો સ્વાદ ચાખ્યો છે. મારાં તમામ સગાને સુખી ગુલઝારના સલામ આલેકુમ! મારી ઓરત હૂર…’ ટેં-ટેં-ટેં-ટેં એવા કોઈ વિચિત્ર અવાજે એકાએક આ જબાનને દબાવી દીધી. પણ વિમળાના નજીકના ખંડના બારણા પાછળ એકાગ્ર બનીને સાંભળતા બે કાનને માટે આટલું બસ થઈ પડ્યું. રાત્રિએ એ પોતાની બા પર કાગળ લખવા બેસી ગઈ. એમાં સૂચના હતી કે હૂરબાઈને છાનીમાની ઘેર બોલાવીને આ સમાચાર સંભળાવજે. એ દિવસનો રેડિયો સાંભળ્યા પછી વિમળાનો મિજાજ બદલી ગયો. અજાણ્યા, ઉગ્ર, ભેદી અને એકાએક પોતાને ઘેરી વળેલા મુંબઈ આવ્યા પછીના બનાવોએ એને જે ગૂંગળાટ કરાવ્યો હતો તેનાથી એ પર ચાલી ગઈ. માણસની જિંદગીની અંધારગલીને પેલે પાર મોકળો પ્રદેશ જ્યારે એકાએક આવી પહોંચે છે ત્યારે રોમહર્ષણ થાય છે. વિમળાના અંતરમાં નવી પુલક ઊપડી ગઈ. મનોહરલાલને તો આ સિંગાપુર-રેડિયોના સમાચારનું વિશિષ્ટ રહસ્ય જાણીતું નહોતું અને માણેકબહેન ખાદીની ફેરી તેમ જ ફંડફાળાની વ્યવસ્થામાં રાત સુધી બહાર બજારોમાં એટલાં ગરકાવ હતાં કે વિમળામાં ઘેર આવીને નિહાળેલું પ્રફુલ્લિતકર પરિવર્તન દેખી, છૂપી ધરપત વળવા ઉપરાંત એમને વધુ કંઈ રસ પડ્યો નહીં. ઘેર આવીને એ ફક્ત એટલું જ જોઈ લેતાં કે વિમળાને છોકરાં સતાવતાં તો નહોતાં ને? પણ છોકરાં તો વિમળાની સાથે જ ઊઠતાં. નાનો બાબો પણ બાનું નામ લેતો નહોતો. મનોહરલાલનાં ખાનપાન, કપડાં, નાવણ, દાતણ, વગેરેનું ઝીણામાં ઝીણું જતન થતું હતું. ઓછાબોલા મનોહરલાલ અને લજ્જાળુ વિમળા વચ્ચે અમસ્તોયે વાણી-વ્યવહાર નહોતો થતો. ઉપરાંત પોતાની કોઈપણ ખાસિયતને સાધનસામગ્રી વિના રહેવું નહોતું પડતું, એટલે મનોહરલાલના હોઠ વિમળા પ્રત્યે મૂંગા રહેતા. આંખો પર તો એ આકાશી રંગનાં ચશ્માં ચડાવતા ને એને ઊંચે જોવાની ભાગ્યે જ ટેવ હતી. માણેકબહેન રાતે આવે ત્યારે ઘણુંખરું તો ગળાનો ઘૂઘરો ખખડાવીને, લોથપોથ થઈ સોફા પર પડતાં પડતાં આવુંઆવું કંઈક બોલે “આજ તો બસો તાકા ઊપડી ગયા. આજ તો પહોંચી ગઈ બરજોરજી શેઠને બંગલે. બડા પક્કા! કહે કે ખાદીને તો હું અડકું પણ નહીં, એક તસુ પણ લેવસ નહીં; પણ છેવટે તો બાપડા પાણીપાણી થઈ ગયા. પચીસ તાકા લઈ લીધા. હરિજન ફાળામાં પણ પહેલાં તો ગરમગરમ થઈ કંઈક ઉકળાટ મચાવ્યા, પછી સો ભરી દીધા.” વળી બીજી રાતે “આજ તો મીર માર્યો! સરદેસાઈને બંગલે પહોંચી ગઈ. પક્કા સામ્રાજ્યવાદી. પણ મેં કહ્યું કે સાહેબ, હું તમારી દીકરી બનીને આવી છું. તમારા રાજકીય વિચાર ગમે તે હોય, પણ શું દીકરીને ખાલી હાથે પાછી વાળશો? પછી તો ગળી ગયા, ને દસ તાકા ખાદી લીધી, હરિજન ફાળામાં પૂરા બસો ને એક દીધા. મને કહે કે જોજે હો, સૅબોટેજની ચળવળમાં વાપરતી નહીં…” પત્નીનાં આવાં આવાં, આત્મગૌરવનાં ને આત્મતૃપ્તિનાં ગાણાં સાંભળતો પતિ રંગીન ચશ્માંની પાછળ પોતાની આંખોમાં કેવા કેવા રંગોને રમાડી રહ્યો છે તેની માણેકબહેનને શી જાણ હતી? નીચે જોઈને, ધોતિયાનો છૂટો છેડો ખભા પર નાખીને એ તો હં-હં-હં એવા હોંકારા દેતો દીવાનખાનામાં આંટા મારતો હતો. અને માણેકબહેન પોતે હરિજનવાસમાં જઈ બાળકોને મીઠાઈ વહેંચી આવ્યાં એનો છેલ્લો અહેવાલ આપવા લાગ્યાં ત્યારે પછી બગાસાં ખાવા મંડ્યો, પણ એણે સાંભળી લીધો. “શું કંટાળી ગયા?” પત્ની હસી પડી “મન તો ક્યાંક, સરકારના કોઈક નવા ખરીદી-ઑર્ડરમાં જ ભમતું હશે.” “હા-હા, ઠીક યાદ કર્યું. આજે જ એક નવો ઑર્ડર મળ્યો છે, ને મારે મિલનપુર જવું પડશે કાલે.” “કેમ?” “ત્યાંની મિલમાં એ કાપડનું રંગાટ-કામ કરવાનું છે. મારે એ કલરની મેળવણી બતાવવા જવું પડશે. જર્મન કલર મળતા નથી, ને આ જરા મુશ્કેલ કામ છે.” “મને તો એમ થાય છે કે આવાં સરકારનાં લડાઈનાં કામમાં હાથ કાળા કરતાં તો હમણે કંપનીમાંથી નીકળી જાઓ.” “એ તો પછી કાળા હાથને સાફ કરી નખાશે.” “ના, ના, આ કાળો રંગ તો તમે જર્મનીનું સાયન્સ શીખી આવ્યા છો છતાં પણ નહીં ઊપટે.” મનોહરલાલ કાપડ-રંગાટનું રસાયણ-જ્ઞાન જર્મની જઈ મેળવી લાવ્યા હતા. મનોહરલાલ કંઈ બોલ્યા નહીં એટલે માણેકબહેને હસતે હસતે કહ્યું “જ્યાં જાઉં છું ત્યાં લોકો એ જ મે’ણું મારે છે કે દેશસેવા કરવા નીકળતાં પહેલાં પતિ પાસે તો દેશદ્રોહનું કામ છોડાવો!” “તે છોડાવો ને શક્તિ હોય તો!” “શક્તિ તો બધી જ અહીં હાર કબૂલી લ્યે છે.” “ત્યારે તો હું લાચાર!” “પણ હું એમ કહું છું કે તમારા અરધી આની ભાગ માટે કંપનીને સાડાપંદર આનાની લૂંટ કરવામાં શીદ મદદ કરો છો?” “હં ” “શું હં-હં કરો છો?” “કરો દલીલ. સુધારો મને. હું ક્યાં મોંએ ડૂચો મારું છું?” “કાળમીંઢ છો કાળમીંઢ!” “તમે તો જળ છો ને? પાણી તો મોટા કાળમીંઢ પહાડોનેય ભેદી શકે.” આવા ઉડાઉ જવાબ આપીને એણે પત્નીને ચૂપ કરી દીધી, પણ એની મનોગત વાત એ પ્રકટ ન કરી શક્યો. વળતા પ્રભાતે એ મિલનપુર જવા ઊપડી ગયો. વિમળા એક વાર એકલી હતી. છોકરાં સિનેમા જોવા અને માણેકબહેન રચનાત્મક પ્રવૃત્તિ કરવા ગયાં હતાં. સંધ્યાનો કાળ હતો. સરકારી હુકમ પ્રમાણે અંધારપટે નગરીને બિહામણી બનાવી હતી. ઝાંખા માર્ગ-દીવા માથા પર ઢાંકણ ઓઢી જઈ, ભયભીત ગુનેગારોની પેઠે, ભોંય તરફ જ જોતા હતા. આજુબાજુ કે ઊંચે નજર ન કરવાની એમને કડક આજ્ઞા હતી. ઘરની બત્તીઓ પર પણ પરદા હતા. બારીઓ પર અંધારીઓ ઢાળી દેવાઈ હતી. વિમળા રસોડામાં રાંધણું કરતી કરતી મનમાં મરકાતી હતી કે શું જાપાની વિમાનો એકાદ નાનકડો દીવો દેખીનેયે મુંબઈ પર તૂટી પડે તેવી બીક સાચી હશે? કે સરકારે લોકોમાં ડર-થરથરાટી ભરી દેવા જ આ કરામતો કરી હશે? બરાબર એ વખતે બારણા પર ટકોરી વાગી વાગી નહીં, પણ જાણે કે ચીસ પાડી ઊઠી. આવો ઘંટડી-સ્વર વિમળાએ આટલા દિવસોમાં કદી સાંભળ્યો ન હતો. ઘાટી બહાર ગયો હતો. એણે બારણું ખોલ્યું, ને એક માનવ-આકાર અંદર દાખલ થયો. વિમળા હેબતાઈ ગઈ. બૂમ પણ એના કંઠમાંથી ન નીકળી શકી. મોઢાનું જડબું જેનું તૂટી ગયેલું, માંસનો લોચો બહાર નીકળી પડેલો, શરીરે લોહીલોહાણ, ચહેરો ફેલ્ટ હૅટ વડે અરધો ઢાંકેલો, કોટ-પાટલૂનનો લેબાસ, એવો એક માણસ અંદર આવ્યો. વિમળા છેટે હટી ગઈ. આવનારે મજબૂત રીતે કમાડ વાસ્યું. “આંહ્ય કોઈ નથી.” વિમળાનું મોઢું માંડ ઊઘડ્યું. “મારી પાછળ પોલીસ છે, મને છુપાવો!” બિહામણો આકાર માંડમાંડ બોલ્યો. “પણ આંહ્ય નહીં, કોઈ નથી.” “હું ઘરનો જ છું. હું-હું વિમળાબહેન, હું ખીમજી!” ફરીથી એ મહામહેનતે આટલા શબ્દો બોલી, આ ઘરમાં પોતે કેટલો પરિચિત અને રજેરજનો જાણકાર હતો એની પ્રતીતિ આપતો આ માણસ પોતે જુવાન છે કે પ્રૌઢ એટલી પણ ઓળખાણ આપી શકે એ પૂર્વે, આ મકાનના એક અંધારિયા અગોચર નાના મેડા પર ચડી, કોલસાની ગૂણો અને દેવદારનાં ખોખાંના ભંગારની નીચે જીવતો દટાઈ ગયો. હજુ પણ દિગ્મૂઢ ઊભેલી વિમળાએ, કોણ જાણે કેવીયે યંત્રવત્ મનોવસ્થાને વશ બની, એ મેડા પાસેની સીડી ઉપાડી લીધી, અને બીજા એક ખંડમાં લઈ જઈ ઊંચી અભરાઈ પર માંડી, પોતે ઉપર ચડી યંત્રવત્ મેલ-મૂક કરવા લાગી. સુભાગ્યે ઘરનો ઘાટી કઢી કરવા માટે દહીં ખરીદવા બહાર ગયો હતો. એની ગેરહાજરીમાં આ બધું બની ગયું. ખીમજી! વિમળાના હૃદય-ધબકાર સહેજ શમ્યા, યાદદાસ્તનાં ડોળાણ ઓસર્યાં, અને એણે ખીમજીને ઓળખ્યો. મિલની ઑફિસનો આ કારકુન માણેકબહેનને ઘેર સીધુંસામાન ખરીદીને મૂકવા આવતો હતો કોઈ કોઈ વાર. એ અડબૂથ જેવો માણસ આ સાહેબલોકના પોશાકમાં શા માટે? એનું જડબું કોઈ વિચિત્ર જખમે ચૂંથાયેલું કેમ? એની મોટી મૂછો ક્યાં ગઈ? કયું ઘોર કૃત્ય કરીને, ક્યાંથી નાસી છૂટ્યો હશે? પોલીસ એની પાછળ શા માટે પડી હશે? મીંદડી ચડી જાય એવી ઝડપ ને સ્ફૂર્તિથી એ જખમી માણસ મેડા પર ચડી ગયો હતો! આ બધી શી ભૈરવલીલા ચાલી રહી છે? આ આખું ઘર, આ શહેર, આ સમગ્ર દેશ ને દુનિયા, કેમ કોઈ કાવતરાનાં કાળ-ઠેકાણાં બની ગયાં છે? હું આમાં ક્યાંથી આવી પડી? નાસીને, ઉપલે મજલેથી નીચે કૂદકો મારીને ઝટ ટ્રેનમાં બેસીને પોતાના ગામ ભેળી થઈ જવા એ તલસી ઊઠી. પાછું કંઈક યાદ આવ્યું. બારણે જઈ બીજો આગળિયો પણ બીડી દીધો. સીડી ઉપાડી, પેલા મેડાને લગાડી, પાણીનો લોટો ભર્યો, સીડી પર ચડી, મેડે સાદ કર્યો “ભાઈ, પાણી પીવું છે?” સામેથી હાથ લંબાયો. લોટો એ હાથે લીધો. પીને પાછો આપ્યો. અવાજ પણ થયો “હજુ જોઈએ…” ફરી મોટો લોટો ભરીને એ ઉપર ચડી. પીનારના કંઠના ઘટકારા એને કાને પડતા હતા. ‘હા…શ! મા!’ એવો મૂંગો સ્વર સંભળાયો. ફરી એણે સીડી ઓરડામાં ખેસવી લીધી. છોકરાં સિનેમા જોઈને આવ્યાં, અને માણેકબહેન પણ તે પછી આવ્યાં. એમની સાથે પેલો દરવાન ભૈયો હતો કે જેને વિમળાએ પોતે દેશમાંથી આવેલી તે પ્રભાતે દીઠો હતો. ને તે પછી પણ જ્યારે જ્યારે પોતે નીચે ગઈ ત્યારે નીચેને દરવાજે ઊભેલો, અગર માણેકબહેન કેટલીક વાર બહાર જઈ ઉપર આવેલાં ત્યારે ત્યારે માણેકબહેનનો ખરીદીનો સામાન લઈ ઉપર આવેલો દીઠો હતો. આ રાત્રિએ અંદર આવી, સામાનનાં પડીકાં દીવાનખાનામાં મૂકી, પછી એણે હાથની તાળી પાડી. “કેમ, ભૈયાજી!” માણેકબહેનને આ વિચિત્ર ચેષ્ટાએ ચમકાવ્યાં. “ના, કંઈ નહીં, બે’ન! એ તો હું ખીમજીને લેવા આવ્યો છું.” શુદ્ધ ગુજરાતી ભાષાપ્રયોગ! સ્વરમાં પણ પરિવર્તન! આ શું? ભૈયો દરવાન સામે ઊભોઊભો હસી રહ્યો છે અને પછવાડેના મેડા પર બિલાડીના જેવા ખડખડાટ સંભળાય છે. છુપાયેલો આદમી, ચૂંથાઈ ગયેલ જડબે નીચે ઊતરે છે. એના દીદાર દેખી માણેકબહેન સડક થઈ જાય છે. “અમે જઈએ છીએ.” ભૈયા દરવાને શુદ્ધ સંસ્કારી ગુજરાતીમાં સંભળાવ્યું. “હવે આ ઘર સલામત નથી. બૉમ્બ બનાવતાં ખીમજીની બપોરે આ દશા બની છે. ને એની પાછળ પડેલી પોલીસને મેં જુદે રસ્તે વળાવી છે. પણ હવે હું જાઉં છું. કાલ સવારથી તમે મને નહીં જુઓ, જોઈને ચિડાવાનું નહીં રહે, ફરી કદાચ નહીં મળીએ.” “પણ તમે…તમે…કોણ?” “પિછાનનો આ સમય નથી. હતો તો જાસૂસ, પણ સરકારનો નહીં. અહીં હવે નહીં રહેવાય. પોલીસે રાક્ષસ-લીલા આદરી દીધી છે. ગઈ કાલે સાંજે, શામળાપુર સ્ટેશને, પંદર છોકરાઓને ખેતરમાં બેસારીને ઠંડે કલેજે ઠાર માર્યા છે. પાણીપાણી પોકારતા જુવાનાેને પાણી નથી દીધું. જઈશું, બે’ન.” એમ બાેલી, દૂર ઊભેલા ઘાટી પ્રત્યે આંગળી ચીંધી ઉમેર્યું “અેનાે ડર રાખશાે નહીં. અમારા માંયલાે જ છે.” પેલા ખીમજી નામે ઓળખાયેલ માણસને લઈ, આ ભેદી પુરુષ, વધુ કંઈ બોલ્યા વિના નીચે ઊતરી ગયો.

  