કાવ્યચર્ચા/જીવનાનન્દ દાસની કાવ્યસૃષ્ટિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવનાનન્દ દાસની કાવ્યસૃષ્ટિ

સુરેશ જોષી

મનમાં કલ્પના કરી જુઓ: પોષ મહિનો ચાલે છે. નિર્જન ખેતરો વચ્ચેથી આપણે ચાલ્યા જઈએ. સાંજ ઢળી ચૂકી છે. ખેતરોની પેલે પાર નરમ નદીની નારી એના ધુમ્મસનાં ફૂલોને વિખેરી રહી છે. સર્વત્ર ઝાકળ ઝરી રહ્યું છે. નદીનો ઉચ્છ્વાસ હિમમય બની જાય છે. ચારે બાજુ વાંસના ખરી પડેલાં પાંદડાં, મરી ચૂકેલું ઘાસ અને આકાશના તારા આ બધાંની વચ્ચે બરફના ફુવારા જેવો ચન્દ્ર દેખાય છે. પૃથ્વીની આંખ પણ જાણે બીડાવા આવી છે. પણ આ નિસ્તબ્ધ નિશ્ચલ સૃષ્ટિ વચ્ચે નિદ્રાહીન એક પંખી બેઠું છે. પીળા પડી ગયેલાં પાંદડાંના ગુચ્છ વચ્ચે ઝાકળ સાથે પોતાની પાંખને ઘસતું, પોતાની પાંખની છાયાથી વૃક્ષની શાખાને ઢાંકી દેતું. એ નિષ્પલક નેત્રે નિદ્રાની અને નિદ્રામાં પડેલાની છબિ જોયા કરે છે ને ખેતરોની ઉપરના તારા અને ચન્દ્રની સાથે – એકાકી જાગતું બેસી રહ્યું છે – એ છે ઘુવડ.

જીવનાનન્દ દાસની કાવ્યસૃષ્ટિનું આ એક લાક્ષણિક ચિત્ર છે. આ સૃષ્ટિની નિસ્તબ્ધતા વચ્ચે બેસીને જો આપણે કાન માંડીને સાંભળીશું, આંખ માંડીને જોઈશું તો એક એવો શબ્દ સંભળાશે, એક એવો રંગ દેખાશે, એક એવી ગન્ધનો અનુભવ થશે, એક એવી વેદના હૃદયમાં ઝંકૃત થઈ ઊઠશે જે સદાકાળથી આપણામાં એનું પ્રતિરૂપ શોધ્યા કરે છે. મનુષ્યની સંસ્કૃતિની અંતિમ વેળાના નારંગી સૂર્યપ્રકાશમાં પણ આ ઝંખનાનો અવશેષ રહી જશે.

બોદલેરે Correspondencesની કવિતામાં આ જ પ્રકારનાં પ્રતિરૂપોની શોધની વાત કરી, રિલ્કે પણ પૃથ્વીની આપણા ચિત્તમાં એકરસ થઈ અદૃશ્ય બની જઈ ફરીથી નવું રૂપ પામવાની ઝંખનાની પૂર્તિ રૂપે જ પોતાની કાવ્યપ્રવૃત્તિ આદરે છે. પોષની ધુમ્મસધૂસર સન્ધ્યાવેળા એ જાણે આપણી જ પ્રાગૈતિહાસિક ચેતના છે. એનું સ્વરૂપ આકાશની નીહારિકા જેવું છે. એની અંદર ભવિષ્યની અનેક સૃષ્ટિઓનું ઇંગિત છે. જીવનાનન્દ દાસની કાવ્યસૃષ્ટિની આબોહવા આવી છે. એમાં હજી વસ્તુઓનાં રૂપની દૃઢ રેખાઓ બંધાઈ નથી, પ્રકાશ અને અન્ધકાર હજી અભિન્ન થયા નથી. અન્ધકાર પ્રકાશનો જ રહસ્યમય સહોદર છે. આ સૃષ્ટિમાં કાળ પણ અખણ્ડ પ્રવાહે વહે છે, ઇતિહાસે એના ખણ્ડ પાડ્યા નથી. હિમયુગ, પાષાણયુગ, લોહયુગ – એ બધાની એક સાથે સંસ્થિતિ છે. આ સૃષ્ટિમાં નદી છે ને નારી છે. આ સૃષ્ટિનું જે કાંઈ વિક્ષિપ્ત છે, તેને એક આકારે મૂર્ત કરે છે નારી. આપણી બધી ઇચ્છા, વાસના, સ્વપ્ન, આકાંક્ષા જુગે જુગે એક નારી રૂપે મૂર્ત થઈને આપણી આગળ પ્રત્યક્ષ થાય છે. આ સૃષ્ટિમાં સૂર્યનો પ્રખર પ્રકાશ નથી. થીજી ગયેલા ચન્દ્રનો, બરફનો ફુવારો છે. એ ધૂસરતાની સાથે સાથે કરુણમ્લાન વિષાદનો ભાવ રહ્યો હોય છે. એની સાથેના આપણી ચેતનાના પ્રચ્છન્ન સમ્બન્ધની કડી આ કાવ્યસૃષ્ટિમાં છતી થાય છે. બુદ્ધિ વિભાવનાનાં ચોકઠાં ગોઠવે તે પહેલાંની આ સૃષ્ટિ છે. એમાં અન્ધકાર કે ધુમ્મસની સર્વવ્યાપકતા છે, તો સાથે સાથે એક પ્રકારની અનિકેત નિરાશ્રયતાનો વૃથા રઝળાટ પણ છે. કેન્દ્રહીન પરિઘની આ વિસ્તૃતિ છે. આજે બુદ્ધિથી સુનિયન્ત્રિત, ઇતિહાસે પાડેલા યુગોમાં વિભક્ત ને મનુષ્યના પુરુષાર્થની સિદ્ધિથી ખડકાયેલી આ સંકુચિત સૃષ્ટિ વચ્ચે પણ આદિ સૃષ્ટિની એ નીહારિકાનો આપણને રહી રહીને અનુભવ થાય છે. આપણા ધ્યાનલોકમાં એનું રૂપ રહી રહીને જાગી ઊઠે છે. આપણને પરિચિત કેડી, ઘાટ ને ખેતરો પર એક પ્રકાશ દેખાય છે, એના દેહ પર ઢળતી સાંજ વેળાની ધૂસરતા એમાં આંખની આંગળી છોડી દઈને આપણે ઘૂમવા નીકળી પડીએ છીએ ને આપણે જેને ચાહી હતી છતાં પામ્યા નહોતા તે નારી, તે વનલતા સેન, તે શેફાલિકા બસુ, તે કંકાવતી આ સૃષ્ટિમાં તણાઈ આવીને મ્લાન ધૂપનું શરીર પામે છે.

આને કોઈ કહેશે રોમેન્ટિકનો પ્રલાપ. જીવનાનન્દ પોતે પણ પોતાને નખશિખ રોમેન્ટિક કહીને ઓળખાવતા. એમની શ્રેષ્ઠ કવિતાના સંકલનના પુરોવચનમાં એમણે કહ્યું છે: મારી કવિતાને કે આ કવિતાના કવિને નિર્જન અથવા નિર્જનતમ કહીને ઓળખાવવામાં આવ્યાં છે, કોઈ કહે છે કે આ કવિતા મોટે ભાગે પ્રકૃતિની કવિતા છે, કોઈ કહે છે કે એમાં ઐતિહાસિક અથવા સામાજિક અભિજ્ઞતા પ્રધાન સ્થાને છે, કોઈકને મતે એમાં નિશ્ચેતનાનું જ વર્ચસ્ છે, કોઈ એને નરી પ્રતીકી રચના પણ કહે છે તો કોઈ વળી એને સર્રિયાલિસ્ટ પણ કહે છે. આ સિવાયની ઘણી બધી એની વ્યાખ્યા કરવામાં આવી છે. કદાચ આ બધી જ અંશત: સાચી છે. જીવનાનન્દ દાસની સમગ્ર કાવ્યસૃષ્ટિ પર નજર નાખતા આ કથનમાં રહેલા સત્યની પ્રતીતિ થશે. રવીન્દ્રનાથના પ્રભાવમાંથી બચીને પોતાની મૌલિકતાનો વિકાસ કરી બંગાળી કવિતાને નવી દિશામાં વાળવાનો સભાનપણે પ્રયત્ન કરનારા કવિઓ પૈકીના જીવનાનન્દ દાસ એક પ્રમુખ કવિ હતા. પણ એ સમયે આ નવી પ્રવૃત્તિ સામે જે વિરોધનો વંટોળ જાગ્યો તેની વચ્ચે એમણે નિ:શબ્દતા જાળવી ને પોતાની કાવ્યપ્રવૃત્તિ પોતાની આગવી સૂઝથી ચાલુ રાખી. પ્રારમ્ભનાં વીસેક વર્ષ સુધી એમને યથાયોગ્ય માન્યતા કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થયાં નહિ. સમકાલીન પ્રવાહોથી નિલિર્પ્ત રહીને, માનવઇતિહાસની પણ બહાર રહીને ઉદ્ભિજની સૃષ્ટિ વચ્ચે જીવનારા એકાકીનો એમના પર આરોપ આવ્યો. એમણે પોતે જ કહ્યું છે તેમ ખણ્ડવિખણ્ડિત આ પૃથ્વી, મનુષ્ય અને ચરાચરના આઘાતે ઉત્થિત મૃદુતમ સચેતન અનુનય પણ જ્યારે સાવ સ્તબ્ધ થઈ જાય ત્યારે પૃથ્વીવ્યાપી અન્ધકાર અને સ્તબ્ધતા વચ્ચે એક મીણબત્તીની જેમ એમનું હૃદય પ્રકાશિત થઈ ઊઠતું. કાવ્યરચનાની આ ક્ષણ હતી.

જીવનાનન્દ દાસની કવિ તરીકેની વિશિષ્ટતા તે એમનાં ઇન્દ્રિયઘન કલ્પનો છે. નીહારિકા જેવી, અશ્રુબાષ્પ જેવી સૃષ્ટિ એમનો વર્ણ્ય વિષય હોવા છતાં આ ધૂસરતા, અન્ધકાર અને આ પ્રકાશને એમણે કેવાં સ્ફટિકકઠિન કલ્પનો દ્વારા મૂર્ત કર્યાં છે! એમાં એક ઇન્દ્રિયના પરિમાણમાં મૂર્ત થતું કલ્પન એવું અનુરણન ઉપજાવે છે કે બીજી બધી જ ઇન્દ્રિયોનાં પરિમાણો પણ એક સાથે ઝંકૃત થઈ ઊઠે છે. આ રીતે એક કલ્પન સર્વ ઇન્દ્રિયોથી સંવેદ્ય બને છે ને એક પ્રકારની સઘનતાનો આપણને અનુભવ થાય છે. એમાં કોઈ વાર પરિમાણની વિસ્તૃતિ તો કોઈ વાર સંકોચ એઓ અત્યન્ત અનાયાસતાથી સિદ્ધ કરી શકે છે. સ્પર્શ, ગન્ધ અને સ્વાદને પણ એમાં સારું એવું સ્થાન છે. આ કલ્પનો માનવચેતનાની અત્યન્ત પ્રાકૃત અને આદિમ ભૂમિકાના પર ઘણું ખરું મંડાયેલાં હોય છે, દિશાઓના છેડા સુધી પ્રસરી જતો બલિષ્ઠ તડકો, કે મિલનોન્મત્ત વાઘણની જ ગર્જના જેવો અન્ધકારનો ચંચલ વિરાટ સજીવ રોમશ ઉચ્છ્વાસ કે આકાશના વક્ષ પરથી ઊતરી આવીને બારીમાં થઈને ઘરમાં પ્રવેશી સૂસવાતો સિંહના હુંકારથી ઉત્ક્ષિપ્ત હરિત પ્રાન્તર અજસ્ર જિબ્રા જેવો લાગતો પવન આપણા લોહીમાં એ આદિમ લયનો સંચાર કરે છે. કોઈ વાર અસંખ્ય જીવિત અને મૃત નક્ષત્રોથી ભરેલું આકાશ બારીએ થઈને ઘરમાં પ્રવેશે છે તો કોઈક વાર એ આકાશ ચામાચીડિયાના ભ્રમણની વાંકીચૂકી થોડી રેખાઓમાં જ સમાઈ જાય છે. કોઈક વાર હજાર હજાર વર્ષે અન્ધકારના પટાંગણ પર આગિયાની જેમ રમતાં દેખાય છે, તો એ અન્ધકાર કોઈક વાર ઘુવડની પાંખ જેવો બની જાય છે. કોઈક વાર આપણી ચેતના એ શબ્દહીન શેષ સાગરની વચ્ચેના થોડીક ક્ષણના સૂર્યના પ્રકાશનું રૂપ ધારણ કરે છે. તડકાના રંગ પણ કેવા બદલાતા દેખાય છે, ને એનું વર્ણન કરતી વેળા – એ કવિ આંખ અને સ્પર્શને એકી સાથે સન્તોષે છે. સવારનો કૂણો તડકો લીંબોઈના કૂણા પાંદડાના જેવો છે તો પ્રાત:કાળના આકાશનો રંગ ઘાસમાંના તીડના દેહ જેવો કોમળ નીલ છે, બપોર થતાં તડકાનો રંગ શિશુના ગાલ જેવો લાલ થઈ જાય છે. પ્રેયસીનું અંગ પણ આ પૃથ્વીના સુપરિચિત તડકાના જેવું લાગે છે. બદલાતા રંગોની માયાવી સૃષ્ટિ કવિ ભારે ખૂબીથી આલેખે છે. જીવનાનન્દ દાસની કવિતામાં જે અતિવાસ્તવવાદી તત્ત્વ રહેલું છે તે પણ એમના, દેખીતી રીતે સ્વૈર લાગતાં એવાં આ કલ્પનોના અન્વયને કારણે પ્રકટ થાય છે. બારીમાંથી ડોકિયું કરતો અન્ધકાર ઊંટની ગ્રીવાના જેવી કશીક નિસ્તબ્ધતા પ્રસારી દે છે, શિરીષવનના કે હરિયાળા રોમશ માળામાં સોનાના ઇંડાના જેવો – ફાગણનો ચન્દ્ર દેખાય છે. નદીના રેતાળ પટ પરની ચાંદની, એમાં ડોલતી ખજૂરીની છાયાઓ, વિચૂર્ણ સ્તમ્ભના જેવી દેખાય છે. આમ કવિ એની પ્રતિભાની માયાવી આરસીમાં સૃષ્ટિનું આવું રૂપ જુએ છે, ત્યારે ધુમ્મસથી આચ્છાદિત સૃષ્ટિમાં ફરતા આગિયાઓ એ જાણે કોઈ નવી રચાતી સૃષ્ટિની ધૂસર પાણ્ડુલિપિ તૈયાર કરતા હોય એવું લાગે છે. નબળો કવિ વિશેષણના પ્રાચુર્યથી – વ્યંજનાને ફિસ્સી કરી નાંખે ત્યારે જીવનાનન્દ દાસ વિશેષણના ઉપયોગથી અલંકાર કે ધ્વનિને પુષ્ટ કરે છે. કોઈક વાર આખું કાવ્ય આવા સાર્થક અલંકાર રૂપ બની રહે છે. હેમન્તની સન્ધ્યાના કેસરી રંગના સૂર્યના નરમ શરીરે ધોળો પંજો પસારી પસારીને ગેલ કરતી ને અન્ધકારને નાના દડાની જેમ પંજાથી તરાપ મારીને પછીથી સમસ્ત પૃથ્વીમાં વિખેરી દેતી બિલાડી એક આવું ચિત્ર છે. કવિ પોતે પોતાને આ પૃથ્વીના ગણતા નથી, કારણ કે આ પૃથ્વીમાં એક યુદ્ધ પૂરું થયા પછી બીજું યુદ્ધ થાય છે, એક સિંહાસન નાનું પડે છે એટલે બીજા મોટા સિંહાસનની વ્યવસ્થા થાય છે. પ્રેમની વૃદ્ધિ થતી નથી, ઉપકરણોની વૃદ્ધિ થાય છે. જ્ઞાન આજે નરી માહિતી રૂપ બની રહ્યું છે, એ કલ્યાણકર્મનું નિર્દેશક નથી. આથી બેબીલોન ને એસિરિયાની સંસ્કૃતિના ભંગાર વચ્ચે, શ્રાવસ્તી અને વિદિશાની નષ્ટ થયેલી નગરીઓ વચ્ચે કવિ ભ્રમણ કરે છે. આ બધા સંહાર વચ્ચે પણ જીવનને ટકાવી રાખવાની કેવી તૃષ્ણા કામ કરી રહી છે! માણસ આત્મહત્યા કરીને મરી જાય છે: એને કશી ઊણપ છે માટે નહિ પણ કશીક અજ્ઞાત વેદનાને કારણે. પણ એ જ ક્ષણે આ સૃષ્ટિ કાંઈ થંભી જતી નથી. પીપળાની શાખા આ આત્મહત્યાનો પ્રતિવાદ નથી કરતી બીજી જ ક્ષણે? આગિયાઓ સોનેરી ફૂલના ગુચ્છામાં ટોળે મળીને રમત નથી માંડતા? વૃદ્ધ અન્ધ ઘુવડ શું નથી કહેતું કે ચાલો, ઘરડો ચન્દ્ર પૂરના પાણીમાં તણાઈ ગયો છે ને? ચાલો હવે, પકડીએ એકાદ બે ઉંદર. ઘરડો જર્જરિત દેડકો વળી પ્રભાતનો ઇશારો પૂર્વમાં દેખાતાં બે ક્ષણની ભીખ માગે છે. એમ છતાં એક અદ્ભુત અન્ધકાર આ પૃથ્વી પર ઊતરી આવ્યો છે એવું તો કવિને લાગે જ છે. જેઓ અન્ધ છે તેઓ જ આજે સૌથી વિશેષ જુએ છે. મનુષ્યમાં જેમને ઊંડી શ્રદ્ધા છે, સત્ય, શિલ્પ, સાધના જેમને હજી સ્વાભાવિક લાગે છે તેમનાં હૃદય આજે શિયાળોનું ખાદ્ય બન્યા છે. પણ કવિને ઉદ્ભિજની સૃષ્ટિમાં, વનસ્પતિની સૃષ્ટિમાં વિશ્વાસ છે. એઓ ઘાસમાતાને ઉદરે જન્મવા ઇચ્છે છે, મનુષ્યના લોહિયાળ હૃદયને હરિયાળીની પાસે અક્ષય ગુંજનની દીક્ષા લેવા જવું પડશે એમ એઓ માને છે. ફરી જન્મ ધારણ કરવાનો વારો આવે તો એમને ધાનસિડિ નદીને કાંઠે આવવાનું ગમશે પણ બંગાળ દેશમાં માનવી થઈને તો હવે એમને જન્મવાની ઇચ્છા નથી. સમડી કે સૂડા થઈને કે સવારે સૌથી વહેલા જાગતા કાગડા થઈને એઓ જન્મવાનું પસંદ કરે છે. કદીક આ વિષાદ તીવ્ર વ્યંગ રૂપ પણ ધારણ કરે છે. નગરજીવન પ્રત્યે એમને ભારે નફરત હતી. કલકત્તાની બૅન્ટિક સ્ટ્રીટની યહૂદી વેશ્યા, જાહેર નળને પાણી માટે ચાટતો કોઢિયો ને એ બધા વચ્ચેથી વાતો ચીમળાઈ ગયેલી મગફળીના જેવો શુષ્ક પવન આ સૃષ્ટિનું ચિત્ર આલેખી આપે છે. જે ટ્રામ નીચે કચડાઈ જતાં એમનું મૃત્યુ થયું તે ટ્રામના પાટા કોઈ આદિમ સપિર્ણીના સહોદરની જેમ શહેરમાં ભરડો લઈને પડ્યા છે ને જે કોઈ એ રસ્તે થઈને ચાલે છે તેના સમસ્ત શરીરના રક્તમાં એનો વિષાક્ત વિષાદ સ્પર્શ અનુભવાય છે. આ યુગને એઓ વ્યાઘ્રયુગ કહે છે. એમાં મુખ્ય વ્યવસાય માત્ર મૃત હરિણીના માંસને ખાવાનો જ છે. આમ છતાં આ સૃષ્ટિને એમને ખૂબ ચાહી છે. બંગાળની કોઈ ગ્રામવધૂ ચોખા ધોઈને પાણી રેડે તેની સુવાસ માણવા ખાતર પણ એઓ ફરી જન્મ લેવા તૈયાર છે. જ્યાં સુધી દેવદારૂ એના કિન્નર કણ્ઠે ગાય છે, જ્યાં સુધી હરિયાળીનો અન્તહીન મર્મરિત લાવણ્યસાગર લહેરાય છે ત્યાં સુધી અમૃતસૂર્યનાં દર્શન થશે, મનુષ્ય જશે પણ માનવ્ય રહેશે એવી એમને શ્રદ્ધા હતી. આપણી સંવેદનાની એક નવી ક્ષિતિજ પ્રકટ કરનાર આ કવિ આપણી હૃદયરિદ્ધિનો એક મોટો અંશ બની ગયા છે.

ક્ષિતિજ: ફેબ્રુઆરી, 1964