કાવ્યચર્ચા/થોડી કાવ્યચર્ચા વિશે
સુરેશ જોષી
22મી ગુજરાતી સાહિત્ય પરિષદ વિભાગના પ્રમુખસ્થાનેથી મનસુખલાલ ઝવેરીએ જે કહ્યું તેમાં કેટલાંક ચિન્ત્ય વિધાનો છે. એમનું વક્તવ્ય સંક્ષેપમાં આ મુજબનું છે: કવિ આકારસર્જન કરતો હોય છે ત્યારે એમાં રહેલા સૌન્દર્યને નહિ પણ એ સૌન્દર્યે એના ચિત્તમાં જગાડેલા ભાવને એટલે કે પોતાની અનુભૂતિને જ ઉતારતો હોય છે. માટે એ ભાવસંવેદન કે અનુભૂતિની યોગ્યાયોગ્યતાનો વિચાર કાવ્યચર્ચામાં અપ્રસ્તુત નહિ લેખાય. સંગીત અને સાહિત્ય શ્રુતિભોગ્ય કળાઓ છે. ચાક્ષુષ કળાઓના આકારવિધાનની પ્રતીતિ જેટલી અસન્દિગ્ધ રીતે થઈ શકે તેટલી શ્રુતિભોગ્ય કળાઓના આકારવિધાનની થઈ શકતી નથી. કાવ્યનું ઉપાદાન નિસર્ગદત્ત નથી હોતું, પણ માનવનિમિર્ત હોય છે એ હકીકત કાવ્યને સંગીતથી પણ જુદું પાડે છે. શબ્દાન્તર્ગત અર્થ અથવા ભાવ કાવ્યનું જીવાતુભૂત તત્ત્વ બની જાય છે. બીજી કળાઓનાં ઉપાદાનોમાં અર્થ કે ભાવ નથી રહ્યો એટલે સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર કે સંગીતનો કળાકાર ‘હું કશું કહેવા માંગતો નથી; હું તો ખાલી આકાર જ સર્જું છું.’ એમ કહે તો તે સ્વાભાવિક ગણાય, પણ કવિનું તો ઉપાદાન જ અર્થ અને ભાવથી ઓતપ્રોત હોય છે. એટલે એ જો પોતાના ઉપાદાન દ્વારા અર્થ કે ભાવનો ઉદ્બોધ ન કરી શકે તો એને પોતાના ઉપાદાનની શક્તિનો પૂરેપૂરો લાભ લેતાં આવડતું નથી એમ જ ગણાય. બીજાં ઉપાદાન માત્ર અભિવ્યક્તિનાં સાધન છે, ભાષા અવગમન (communication) માટેનું. ભાવકને જ્યાં સુધી કાવ્યનો અર્થબોધ નહિ થાય ત્યાં સુધી કળા તરીકે કાવ્યનું કાર્ય પૂરું થતું નથી. શબ્દ પાસેથી પૂરેપૂરું કામ લેતાં કવિને આવડ્યું ત્યારે જ ગણાય, જ્યારે પોતે જે કહેવા માગતો હોય તેને અસન્દિગ્ધ રીતે કહી શકે. કળાને ભાવ કે તેના આકારસર્જન ઉપરાંત, સામાજિક સન્દર્ભમાં પણ તપાસવી જોઈએ. કાવ્યને તો ખાસ, કારણ કે કાવ્યની તો ‘સરકીટ’ જ સમાજ વિના પૂરી થતી નથી. કવિનું જે દર્શન હોય તેની સત્યાસત્યતા અને ઉચ્ચાવચતાનો વિચાર પણ કાવ્યનો વિમર્શ કરતી વેળા કરવો આવશ્યક હોય છે.
મનસુખલાલ ઝવેરીએ ફરી ફરી એમની ચર્ચામાં ‘આકારવાદી’ શબ્દ વાપર્યો છે. સાચી રીતે કહીએ તો આપણે બધા કાવ્ય સર્જાય એનો જ આગ્રહ રાખનારા ‘કાવ્યવાદીઓ’ છીએ. અહીં એમણે ‘આકાર’ એ સંજ્ઞાને બહુ પરિમિત અર્થમાં પ્રયોજી છે.
આ ચર્ચાના સન્દર્ભમાં આપણે જે આકારની વાત કરીએ છીએ તે કેવળ ચક્ષુભોગ્ય આકાર છે? આકાર એટલે કૃતિનાં ઘટકોનો સંસ્થાનવિશેષ. એ કેવળ એક ઇન્દ્રિયનો વિષય નથી હોતો, પણ આપણી સમગ્ર સંવિત્તિનો વિષય હોય છે. તાજમહાલના સ્થાપત્યનો આકાર કેવળ ચક્ષુભોગ્ય છે એમ કહી શકાશે? કળાકૃતિ તેના આકાર દ્વારા જ એની સ્વાયત્ત સત્તાને પ્રાપ્ત કરે છે એ અર્થમાં એ આકાર દ્વારા જ અદ્વિતીયતાને પ્રાપ્ત કરે છે. સંસારમાં આપણને ઘણી બધી અનુભૂતિઓ ને સંવેદનાઓ થતી હોય છે. એ અમુક પ્રયોજનની પૂર્તિ રૂપે ખરચાઈ જાય છે કે વ્યવહારની ઘટમાળમાં અટવાઈ જાય છે. આથી વ્યવહારનો અનુભવ લેતા હોઈએ છીએ ત્યારે નિરપેક્ષતા કેળવીને એ અનુભૂતિને કે સંવેદનાને કેવળ એનું રૂપ ઓળખવા માટે આપણે માણી શકતા નથી. પણ રસાનુભવમાં વ્યાવહારિક પ્રયોજનથી નિરપેક્ષ રહીને, એની સીધી અસર નીચે આવ્યા વિના, છતાં એની સાથે સમ્પૂર્ણ તાદાત્મ્ય સાધીને આપણે એનું રૂપ માણી લઈએ છીએ. ‘આકાર’ સંજ્ઞાની સન્દિગ્ધતા કેટલાક બિનજરૂરી કૂટ પ્રશ્નો આપણી કાવ્યમીમાંસામાં ઊભા કરે છે. પોલિશ સાહિત્યમીમાંસક રોમન ઇન્ગાર્ડને ‘form’ શબ્દના જદુા જુદા નવ સંકેતોની જે ચર્ચા કરી છે તે આ સન્દર્ભમાં જોવા જેવી છે. આ ‘આકારને’ હંમેશા ‘સંભાર’ (content) જોડે વિરોધાવવામાં આવે છે. અહીં એક વાતનું વિસ્મરણ થાય છે. કાવ્યરચનાની કે કળામાત્રની રચનાની પ્રક્રિયા એવી છે કે જે સંભારરૂપે કાચી ધાતુની અવસ્થામાં પ્રાપ્ત થાય છે તે પોતાનું આગવું રૂપ પામીને એમાં લય પામે છે. આવું સમ્પૂર્ણ રસાયણ એક આદર્શ સ્થિતિ છે. છતાં એને પ્રાપ્ત કરવાની દિશામાં જ કળાકાર પ્રવૃૃત્તિ કરતો હોય છે. આથી કાચી ધાતુ રૂપ સામગ્રીમાં કૃતિનો અર્થ નથી રહેલો, પણ એ સામગ્રી જે અદ્વિતીય આકારને રૂપે પ્રકટ થાય છે તે આકાર જ એનો ચરમ અર્થ બની રહે છે.
અર્થ શબ્દ પ્રયોગદુષ્ટ છે, માટે હાર્દ શબ્દનો પ્રયોગ કરવો વધુ ઉચિત છે. અગ્નિશિખા રૂપે જ જેમ ઘી, દિવેટ વગેરે સામગ્રી અવશિષ્ટ રહે એ ઇષ્ટ સ્થિતિ છે તેમ આકાર રૂપે જ કળાનાં ઉપાદાન અવશિષ્ટ રહે એ ઇષ્ટ સ્થિતિ છે. અનુભૂતિ કે સંવેદનાનો અર્થ આ સિવાય બીજી રીતે કળામાં સિદ્ધ થાય નહિ. સામગ્રીનું આવું આત્યન્તિક પરિણામકારી રૂપાન્તર – આ પ્રક્રિયાને જ જો રસાસ્વાદમાંથી બાદ રાખીએ તો વ્યવહારના અનુભવ અને રસાનુભવ વચ્ચેનું વ્યાવર્તક તત્ત્વ શું રહેશે? આ આકાર તે અમુક લાગણી કે લાગણીના અર્થની અવેજીમાં ઊભી કરેલી સંજ્ઞા નથી. જો એ એવી સંજ્ઞા હોત તો લાગણી અને આકાર વચ્ચેનું સમીકરણ સહેલાઈથી માંડી શકાતું હોત, ભાવસંક્રમણનો પ્રશ્ન સહેલાઈથી ઊકલી ગયો હોત. પણ અહીં એક ગૂંચ રહેલી છે. કાવ્યમાં ઉપાદાનરૂપ બનતી લાગણી જ્યારે વિશિષ્ટ આકાર પામીને પ્રકટે છે ત્યારે એ ચિહ્નરૂપ નથી બનતી પણ પ્રતીકરૂપ બની રહે છે. એનાથી થતા ભાવોદ્બોધનનું ક્ષેત્ર પરિમિત નથી રહેતું. આ પાયામાં રહેલી સન્દિગ્ધતા તે દોષ નથી પણ સમૃદ્ધિનું કારણ છે. આમ છતાં ભાવોદ્બોધનનું ક્ષેત્ર આકારના ઋતથી નિયન્ત્રિત હોય છે. એમાં કલ્પનાવિહાર થઈ શકે, યદૃચ્છાવિહાર નહીં.
આ વિશે થોડી વધુ સ્પષ્ટતા કરીએ. વ્યવહારમાં જેનો વિશૃંખલરૂપે અનુભવ થાય છે તેને કળામાં સુસંબદ્ધ રૂપે પામીએ છીએ. પણ સુસંબદ્ધતા યાન્ત્રિક સ્વરૂપની નથી હોતી. કળાએ પ્રકટાવેલો આકાર એક ચુમ્બકીય બળ ધારણ કરીને આપણા ચિત્તમાં સંવેદન, સ્મૃતિ, સંસ્કાર, અધ્યાસને કૃતિને નિમિત્તે વિશિષ્ટ રૂપે ઉદ્ભાસિત કરી આપે છે. આ રૂપરચના એ કવિની રૂપરચનાને નિમિત્તે વિશિષ્ટ રૂપે સમાન્તર એવી પ્રવૃત્તિ છે. ને એ પ્રવૃત્તિ નિમિત્તે વ્યાપારશીલ બનેલી આપણી ચેતનાનો આપણને થતો આ રીતે અપરોક્ષ અનુભવ જ રસાસ્વાદનું સાચું કારણ છે. આને જ વિસ્મય અથવા ચેતોવિસ્તાર કહીને આપણા આલંકારિકો ઓળખાવે છે.
ભાષા સામાજિક નીપજ છે અને માનવવ્યવહારનું સાધન છે એ સાચું, પણ આ ભાષામાંથી જ પોતાના વિશિષ્ટ પ્રયોજનને અનુકૂળ શક્તિ ઉપજાવવાનું કામ સર્જકનું છે. કવિ નવા શબ્દો યોજતો નથી. કવિ અસાધારણ શબ્દો પ્રયોજતો નથી. પર્યાયબહુલ ભાષા એને વિઘ્નકર્તા નીવડે છે. કવિ વ્યવહારના પ્રયોજનના સાધન રૂપ ખરચાઈને પૂરા થઈ જતા શબ્દોમાંથી અખૂટ શક્યતાવાળો ધ્વન્યર્થ નિષ્પન્ન કરે છે. આ માટે મુખ્યાર્થબાધ અનિવાર્ય શરત છે. શબ્દના રૂઢ સંકેતથી એ બને તેટલો દૂર રહીને કામ કરે છે. કાવ્યમાં યોજાતો પદોનો અન્વય, છન્દોરચના, વર્ણવિન્યાસ વગેરેથી રચાતા વિશિષ્ટ સન્દર્ભમાં શબ્દ એક નવી જ શક્તિ પ્રકટ કરે છે. આ રીતે પ્રયોજાયેલા શબ્દોને વ્યવહારમાં હોય છે તેવો એક સુનિશ્ચિત સંકેત હોતો નથી. સમૃદ્ધિજ્ઞાપક સન્દિગ્ધતા ને ધ્વન્યાત્મકતા તો એકબીજાના પર્યાયો બની રહે છે. આથી જ તો કાવ્યના હાર્દ પરત્વે કદી કોઈ એકવાક્યતાની અપેક્ષા રાખતું નથી. દલપતરામની ‘કવિતા’ પરત્વે એકવાક્યતા સંભવે, બ.ક.ઠા.ની કવિતા પરત્વે એકવાક્યતા સાધવી એટલું સુલભ નથી. ઉપાદાનના કાવ્યોપકારક ઉપયોગની અણઆવડતને કારણે આવતી દુર્બોધતા સાથે આ સન્દિગ્ધતાને તર્કછળ કરીને ગૂંચવી મારવાની નથી.
જો શબ્દનો આવો વિશિષ્ટ ઉપયોગ કાવ્યસર્જનમાં અપેક્ષિત હોય તો એ શબ્દો દ્વારા કવિ ‘પોતે જે કહેવા માગતો હોય તેને અસન્દિગ્ધ રીતે’ શી રીતે કહી શકે? આથી કાવ્યમાં સંક્રમણ થાય તો તે શેનું? કાવ્ય કશાનું સંક્રમણ કરતું જ નથી એમ કહેવું કદાચ સાચું નથી. પણ એ એટલું બધું એવી તો સમૃદ્ધિથી સંક્રાન્ત કરે છે કે એનો એની સંક્રાન્ત કરવાની રીત સિવાય બીજી રીતે અહેવાલ આપવા જઈએ તો આપણે નિષ્ફળ જઈએ. કાવ્ય પોતાના વક્તવ્યને સફળતાથી સંક્રાન્ત કરે છે કે નહિ તેની કસોટી એ વક્તવ્યનો ગદ્યાન્વય થઈ શકે છે કે નહિ એ નથી. કાવ્યથી ઓછા સૂક્ષ્મ માધ્યમ દ્વારા એ વક્તવ્યની સંક્રાતિ થઈ જ શકે નહિ. જો એમ થઈ શકતું હોત તો કાવ્યરચના અનિવાર્ય ન બની રહી હોત. વળી કાવ્યનું ‘વક્તવ્ય’ એક સીધી લીટીમાં એના લક્ષ્ય તરફ ચાલી નીકળતું નથી. એ યુગપદ્ અનેક દિશામાં એકસાથે વિહાર કરે છે. એની આ લીલા કેવળ યદૃચ્છાવિહાર નથી. એને પણ એના આગવા નિયમો હોય છે. કાવ્યના અર્થની અસન્દિગ્ધ સંક્રાન્તિ જેમને અપેક્ષિત છે તેમનો કાવ્ય વિશેનો ખ્યાલ ફેરતપાસ માગી લે છે.
કાવ્ય એ વિચારનો, અહીંતહીં શણગારેલો, સમુચ્ચય નથી; કાવ્ય એ ભાષાનિમિર્ત અર્થવહનનું સાધન નથી. કવિ સર્જક છે, અર્થનો વાહક નથી. પોતાને થયેલા અનુભવોનું કેવળ બીબું ઢાળીને એ આપણને આપતો નથી, જો એવું હોત તો કાવ્યમાં બિનંગત અને સાધારણીકૃત અનુભવની અપેક્ષા રાખવાને કશું કારણ ન રહ્યું હોત. કવિને પગલે ચાલીને અર્થનું પગેરું કાઢવાનું આથી જ શક્ય નથી. કવિ સાથે કલ્પનાનું સાહચર્ય જ એનું ‘હાર્દ’ સમજાવી શકે. નથી કવિ અર્થદાસ કે નથી આપણે અર્થદાસ, કાવ્યને કાવ્ય તરીકે આસ્વાદવાની હજુ આપણે ટેવ પાડી નથી. આને પરિણામે દુર્બોધતા, સન્દિગ્ધતા ને અર્થસંક્રમણના મુદ્દાઓને આપણે ગૂંચવી મારીએ છીએ.
કાવ્ય આપણા ચિત્તમાં કવિએ અનુભવેલી કે એને અનુરૂપ લાગણી ઉપજાવવા માટે લખાય છે? આ પ્રશ્નનો Sussane Langerનો અસંદિગ્ધ ઉત્તર તો આવો છે:
‘The initial questions, then, are not: ‘what is the poet trying to say, and what does he intend to make us feel about it?’ but: ‘What has the poet made, and how did he make it?’
કવિ જેનું નિર્માણ કરે છે તેની સત્તા વાસ્તવિક અથવા પારમાથિર્ક (actual) નહીં, પણ પ્રાતિભાસિક (virtual) છે. મનસુખલાલ ઝવેરી (virtual) સંજ્ઞા બરાબર સમજી શક્યા હોય એવું લાગતું નથી. જેને આપણે વ્યવહારજગતની વાસ્તવિકતા કહીએ છીએ તેની જોડે સાદૃશ્ય ધરાવતું લાગતું છતાં તેથી ઇતર તે virtual. નરી નક્કર ઇમારત પણ આપણી કલ્પનામાં શુદ્ધ આભાસ રૂપે મૂર્ત થઈ શકે ત્યારે એની કેવળ દૃષ્ટિગોચર આકૃતિરચના જ આપણી સંવિત્તિનો વિષય હોય છે. આપણને વ્યવહારમાં થતાં સંવેદનોનો તાત્કાલિક સન્દર્ભ કાઢી નાંખીએ, એને વળગીને રહેલી કાર્યકારણની આનુપૂર્વી પણ દૂર કરીએ, એની અમુક લક્ષ્યને સિદ્ધ કરવા પરત્વેની મર્યાદામાંથી પણ એને મુક્ત કરીને જો એને અનુભવીએ તો રસસંવિત્તિની સામગ્રી બને. ચિત્રમાં વપરાયેલા રંગો સાચા છે, વાસ્તવિક છે. રંગનો વેપારી એની ગુણવત્તા, એની કિંમત વિશે ચોક્કસ વિધાનો કરી શકે. પણ ચિત્રની અંદરના એક અનિવાર્ય ઘટક રૂપે એનું કાર્ય જુદું છે; ત્યાં એને એક નવી વાસ્તવિકતા પ્રાપ્ત થાય છે. એ વિશે રંગનો વેપારી કશું નહિ કહી શકે. લાગણીનું પણ કાવ્યમાં આમ જ બનતું હોય છે. આ લાગણીને વિશે વાસ્તવિકતાનો દાવો કરવાનું કે એને અવાસ્તવિક પુરવાર કરવાનું આ બંને પૈકીનું એકેય વલણ કવિનું નથી. લાગણીના રચનાતન્ત્રને કવિ જાળવી રાખે છે પણ એના વ્યવહારમાં પરિચિત સંકેતને એ વળગી રહેતો નથી. વ્યવહારથી વેગળા સરી જવાની આ પ્રવૃત્તિ લાગણીને અવાસ્તવિક બનાવવાને બદલે મર્યાદિત સન્દર્ભમાંથી એને મુક્ત કરી એના સંકેતને વધુ વ્યાપક અને સાધારણીકૃત સ્વરૂપનો બનાવવામાં મદદ કરે છે. આથી Sussane Langeryએ કહ્યું છે The relation is one in which the semblance is the symbol of the feeling, and that the feeling is not actual. The feeling is not experienced in the moment of artistic creation or of aesthetic contemplation: it is conceived, and the symbolic function of the semblance is the instrument of the conception.
જો આ મુદ્દો બરાબર સમજીશું તો કળા અને તેથી ભાવકના ચિત્તમાં ઉદ્ભવતી લાગણી, એ લાગણીનો સામાજિક નીતિ સાથેનો સમ્બન્ધ – આને લાગતા પ્રશ્નોનો ઉત્તર મળી રહેશે. કવિ આપણા ચિત્તમાં લાગણીઓના progressive analoguesની એક પરમ્પરા સરજી દે છે. એ અમુક લાગણીમાં આપણને જકડી દેવા માગતો નથી. રસાનુભવમાં અનાસક્તિ છતાં તાદાત્મ્યસહિતની જે ચર્વણા છે તેનું સ્વરૂપ જો બરાબર સમજીએ તો અનધિકારી ભાવક કળાનો જે અપવ્યય કરે છે તેની જવાબદારી કળા કે કળાકારને માથે નાખવાનું વલણ આપણે નહીં ધરાવીએ.