કાવ્યચર્ચા/રવીન્દ્રનાથની કવિતા ગતિ અને વ્યાપ્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રવીન્દ્રનાથની કવિતા ગતિ અને વ્યાપ્તિ

સુરેશ જોષી

1

રવીન્દ્રનાથની કવિતા સાથેના પ્રથમ પરિચયની સ્મૃતિ આજેય અત્યન્ત સ્વચ્છ છે. ચૈત્ર-વૈશાખના અનધ્યાયના એ દિવસો હતા. આથી મનને ગમતું ભોજ્ય શોધી લેવાની અનુકૂળતા હતી. નવસારીની ફતેસિંહરાવ લાઇબ્રેરીમાંથી ભૂરા પૂઠાની, મેકમિલન કંપનીએ પ્રસિદ્ધ કરેલી, રવીન્દ્રનાથની એક ચોપડી હાથે ચડી. એમાં પાનું ઉથલાવતાં આ પંક્તિ નજરે ચડી: On many a fleeting moments of my life Thou hest left Thy signs of eternity. એ પંક્તિ વજ્રલેપ બની ગઈ. આજે, પચ્ચીસ વર્ષ પછી, રવીન્દ્રનાથનો આ પંક્તિ દ્વારા આભાર માનું છું.


2

કોલેજના અભ્યાસકાળ દરમિયાન શિક્ષણક્રમમાં ક્યાંય રવીન્દ્રનાથનું નામ સાંભળ્યું નહીં. એમનાથી ઊતરતી કોટિના કવિઓની કવિતાઓ ‘ભણ્યા’. ઘણા એવા બંગાળી સજ્જનો પણ મળ્યા જેમણે રવીન્દ્રનાથથી અપરિચિત હોવામાં ગૌરવ અનુભવ્યું. એક મિત્ર આખરે આવી મળ્યો. એનેય મારા જેવી જ ઝંખના. રવીન્દ્ર રચનાવલિની પાકા પૂઠામાં બાંધેલી, સોનેરી અક્ષરે લખેલા નામવાળી, એ ચોપડી હજુ યાદ છે. કિંગ્ઝ સર્કલના બગીચામાં બેસીને ‘કક અજમર ગય છ’ની પદ્ધતિએ, રવીન્દ્રનાથે મૃત પત્નીના સ્મરણમાં લખેલી કવિતાઓ ‘સ્મરણ’ સૌ પહેલાં વાંચવા માંડી. પયારનું રૂપ ઓળખી લીધું ને મંડ્યા સીધા અનુવાદ કરવા, સંયુક્તાક્ષરોએ ઠીક તકલીફ આપી. રવીન્દ્રનાથની કવિતા સાથેની આ મારી પ્રથમ શુભ દૃષ્ટિ.


3

ત્યાર પછી તો રવીન્દ્રકાવ્યમાં રસબસ થઈને વર્ષો સુધી મહાલ્યા કર્યું છે. એના સંગીતની મોહિની, એની બાનીનો વૈભવ, એની કલ્પનાસૃષ્ટિનું બૃહત્ ફલક – આ લખલૂટ માણ્યું છે. એ ઋણ કદીય ચૂકવી શકાય એવું નથી. આજે એ આનન્દની સ્મૃતિ ધન્યતાપૂર્વક આલેખું છું. રવીન્દ્રનાથની કવિતામાં સૌથી પ્રથમ નજરે ચઢે છે તે એની અજસ્રતા. પ્રકૃતિના જેવી જ એની અજસ્રતા છે. ઘણું વિનાકારણે વેડફાઈ જતું લાગે, ઘણું શબ્દાળુપણામાં સરી જતું લાગે પણ પ્રકૃતિય કેટલું વેડફી મારે છે! કહે છે કે વાતચીતમાં રવીન્દ્રનાથ કંઈ કેટલીય વાર્તાઓનાં વસ્તુ કહી નાખતા. પોતાને તો એ બધું લખવાનો સમય મળતો નહોતો. તેમ છતાં એમણે શું શું નથી કર્યું? નવલકથા, નવલિકા, નાટક, સંગીતિકા, નૃત્યનાટિકા, નિબન્ધ, કવિતા – એ ઉપરાંત પોતાની આગવી સંગીતપ્રણાલી, ચિત્રકળા. આથી જ ફરી વાર કહું છું કે એમની પ્રતિભાનો મુખ્ય ગુણ અજસ્રતા, એઓ વૈરાગ્યના નહીં, ઐશ્વર્યના જ સદા પુરસ્કર્તા રહ્યા છે. રવીન્દ્રનાથની કવિતાનો સૌથી ઘનિષ્ઠ સમ્બન્ધ પણ પ્રકૃતિ સાથે છે. પ્રકૃતિમાં કાલાતીત એવી સનાતનતા રહેલી છે. પ્રકૃતિ સાથેના નિબિડ અપરોક્ષ સમ્બન્ધસૂત્રે રવીન્દ્રનાથ પોતાની ચેતનાને એ કાલાતીત બૃહત્ સાથે સંપૃક્ત કરી દે છે. એમની ક્ષણ શાશ્વત તરફ ઉન્મુખ બનેલી હોય છે. ક્ષણનો શાશ્વતતા તરફનો વળાંક, એની બંકિમતા એ એમની કવિતાની મનોહર મુદ્રા આંકી દે છે. ‘શેષ સપ્તક’માં ઘણી બધી કવિતા છે, જેમાં કવિ વ્યવહારની તુચ્છ લાગતી ઘટનાથી શરૂઆત કરીને એકાએક આપણને વિશાળ ફલક પર મૂકી દે છે. નાનું સરખું સંવેદન પણ શાશ્વતની ઝંકૃતિ મૂકી જાય છે.

વાલ્મીકિ અને કાલિદાસ પછીથી ઘણે લાંબે ગાળે આપણા દેશની પ્રાકૃતિક છબીને આપણી આગળ સાકાર કરનાર કવિ આપણને મળ્યો. પ્રકૃતિવર્ણનને શોભાની ટીપકી રૂપે રવીન્દ્રનાથ વાપરતા નથી. પ્રકૃતિના અન્તરંગ સાથે આપણા અન્તરંગના ઘનિષ્ઠ સમ્બન્ધને એઓ ભારે સૂક્ષ્મતાથી પ્રકટ કરે છે, પ્રસ્તુત અને અપ્રસ્તુતનો સમ્બન્ધ જોડતાં એઓ સાથે સાથે આપણને અગોચર એવી આપણી ભાવસૃષ્ટિનો મોટો ખણ્ડ પણ ભેગો જોડી દે છે. કાલિદાસનો વારસો લઈને એઓ આગળ ચાલ્યા છે, આપણા દેશની આખી કાવ્યપરમ્પરાને આત્મસાત્ કરીને એમણે પોતાનું વિશિષ્ટ ઉપજાવ્યું છે. એ વિશિષ્ટ શું છે?

ક્ષણને શાશ્વતની અમૃતરેખા રૂપે ઉપસાવી આપવી, એ એમનો વિશેષ છે એમ નિ:સંકોચપણે કહી શકાય. એમની કાવ્યરચનાના સન્દર્ભમાં એક પ્રકારનું, સૃષ્ટિના આદિ કાવ્યનું વાતાવરણ છે. એમાં વ્યાપ્તિ છે, જટિલતા નથી; નિબિડતા છે, અસહ્યતા નથી. આથી આધુનિક કવિતાના બહુમુખી વિકાસથી અનભિજ્ઞ તદ્વિદ્ને કેટલીક વાર એમની કવિતાની આ એક સૌથી મોટી મર્યાદા લાગે છે. પ્રકૃતિ સાથેના કવિના સમ્બન્ધમાં ઘાતસંઘાતની સમ્ભાવના નથી. પણ આપણે આપણી અંદર જ કેટલા વિચ્છિન્ન અંશોને લઈને જીવીએ છીએ! આપણી અંદર ચાલી રહેલા મહાભારતનો કોઈ વિષ્ટિકાર નથી. એનો ઓગણીસમો દિવસ હજુ ઊગ્યો જ નથી. ચેતના, અવચેતના નિમ્નતમ સ્તરે પહોંચીને, એના મૂક અન્ધકારના હાર્દને તાગીને સ્ફટિકકઠિન કલ્પનો ઉપજાવવાં, એ અરાજકતાના ઉદ્દામ લયને પકડીને ભાષાને ચકાસી જોવી – આવું કશું રવીન્દ્રનાથે કર્યું નથી. આથી એમની કવિતાને જાણે આપણા યુગ સાથે નાડીસમ્બન્ધ છે જ નહીં.


4

રવીન્દ્રનાથની કવિતા રૂપમાંથી અરૂપમાં સરી પડવાના સન્ધિસ્થાને રચાય છે. ગતિ, વ્યાપ્તિ અને સંહતિ – આ ત્રણ પગલાં પૈકીનું છેલ્લું કદાચ એઓ સિદ્ધ કરી શક્યા નથી. ગતિ સંગીત ઉપજાવે છે. એમની પ્રારમ્ભિક રચનામાં સંગીતતત્ત્વનું પ્રાધાન્ય છે. અલંકારપ્રચુરતા છે. પ્રાત:કાળે અન્ધકારમાંથી અરુણિમાની પ્રથમ ટશર ફૂટે છે ત્યારે એ આખી સૃષ્ટિને અલંકૃત કરી દે છે. વૃક્ષને પર્ણે પર્ણે, જળને તરંગે તરંગે, ભૂંડાભખ ઘરને છાપરે છાપરે એ લખલૂટ અલંકાર વેરે છે.

રવીન્દ્રનાથની પ્રારમ્ભની કવિતામાં આવી પ્રાત: સમયની અલંકારપ્રચુરતા છે. પણ કવિ પોતે જ એનાથી અકળાઈ ઊઠ્યા છે, પોતાની કવિતાને ‘જેમન આછો તેમનિ એસો, આર કોરો ના સાજ’ એમ કહીને નિરાભરણ અવસ્થામાં જ પ્રકટ થવાનું એમણે કહ્યું છે. ‘નૈવેદ્ય’માં પણ સૂચન છે. આ નરી નિરાભરણતા એમની કાવ્યરચનાના અન્તિમ પર્વે પ્રકટ થાય છે. ત્યારે ગતિસંહતિની દશાને પ્રાપ્ત કરવાની અણી પર હોય એવું લાગે છે. અન્ધકારભર્યા ઓરડામાં મૂકેલા ઘીના દીવાની પાતળી જ્યોત આજુબાજુના અન્ધકારને જે તીક્ષ્ણતાથી કાપીને તેજવર્તુળ કોરી કાઢે છે, તે તીક્ષ્ણતાથી કવિ કાવ્યનો સન્દર્ભ રચી દે છે.

‘શેષલેખા’માંની ‘સૂની ખુરશી’વાળી કવિતા જુઓ કે ‘રોગશય્યાય’માંની અન્તિમ કવિતા જુઓ: ઘર બપોર વેળાએ સૂનું સૂનું છે. એક બપોરની આ શૂન્યતા કવિના જીવનની સુદીર્ઘ શૂન્યતાના જુવાળને જાગ્રત કરી દે છે, ને એને માટે ઉપકરણ રૂપે ઘરમાં પડી રહેલી સૂની ખુરશી જ કવિએ પસંદ કરી છે. તેવી જ રીતે બીજી કવિતામાં રોગીને બપોરની તન્દ્રામાં દુ:સ્વપ્ન આવે છે. પગ નીચેની પૃથ્વી સરી જાય છે, ભયથી વ્યાકુળ એ બંને હાથે શૂન્યને બાઝી પડવા જાય છે, ત્યાં જાગી પડે છે. જાગીને જુએ છે તો પાસે બેસીને એક નારી શાન્તિથી પશમ ગૂંથે છે. એની આ મુદ્રામાં અમોઘ શાન્તિનું સમર્થન છે.

5

રવીન્દ્રનાથ દૂરતાને સૌન્દર્યનું અનિવાર્ય અંગ ગણે છે. આથી જ ‘સેંજુતિ’માં એમણે કહ્યું છે કે દૂરની નીલિમાની ભાષા મારી શિરાએ શિરાએ રણઝણી ઊઠી છે. સ્થળની વ્યાપ્તિ અને સમયની શૂન્યતા આ બંને દૂરતાની અનુભૂતિને તીવ્ર બનાવે છે. આ તીવ્રતાને માટેનું ઉદ્દીપન એક આછા શા સંવેદનમાં, એક લુપ્ત થઈ જતી ક્ષણમાં રહ્યું હોય છે. એને માટે કશું વિપુલ પરિમાણ કવિને યોજવું પડતું નથી. દરેક તૃણના ઉદ્ગમ સાથે વસુન્ધરા પોતાના ‘ગોપન ઘર’નું દ્વાર ખોલીને મરણશીલના વક્ષમાં ઢાંકીને રાખેલા અમૃતના પાત્રને બતાવે છે. આથી ધન્યતાની અનુભૂતિ થાય છે. પણ એ સ્પર્શાતીત હર્ષ શી રીતે કહેવો?

પરમના સૂરે જ ચરમની ગતિકલા સિદ્ધ થાય, કવિની એ મહત્ત્વાકાંક્ષા છે. આ ‘ચરમ’ની વિરાટ છબિ ઘણી વાર એક બે પંક્તિમાં કવિ સ્ફુટ કરી આપે છે. કોઈકની આંખને ખૂણે અસીમનો ઇશારો દેખાય છે, તો કોઈનાં ચરણની ગતિ અમરાવતીના નૃત્યનૂપુરની ઝંકૃતિથી મનને વિહ્વળ કરી જાય છે. બારણામાંની ચમેલીની ઉદારતા, શીમળાનું પાગલપણું આ બધું કવિને ઋણી બનાવે છે. એમનાં દેહ, પ્રાણ મનને એ અનાદિકાળની માયાથી ભરી દે છે. બકુલના શાખાની ફૂલ પ્રકટાવવાની રાગિણી, નિષ્કારણ સેલારા મારતી સમડીનો ઉડ્ડયન આવેગ – આ બધું કવિના રક્તને આદિમ લયથી હિલ્લોલિત કરી મૂકે છે, ને એક વિપુલ અનુભૂતિ, ઊંડે ઊંડેથી વિચ્છુરિત થતી આનન્દમય દ્યુતિ, પરમના સૂરે ગવાતી ચરમની ગીતિકા, પુષ્પિત ફાગણની ગન્ધનો છન્દ – બધું કવિચિત્તમાં એકાકાર થઈ જાય છે.

આવા જ કશાક છન્દે, કેવળ ચાલવાના નશાથી મત્ત બનેલા મહાકાળની છબિ કવિ આપણને બતાવે છે. કવિ કહે છે કે આ મત્તતા જ વિશ્વનું આદિ ઉપાદાન છે. સવાર વેળાએ ચણ ચણવાને આવતા પંખીની ચટુલતામાં આદિકાળના એ આનન્દનો નૃત્યવેગ કવિને દેખાય છે. એ કાંઈ એક નિમેષની સદ્ય ચંચલતા નથી, એ તો અગણ્ય યુગની અતિ પ્રાચીન ચંચલતા છે.

સ્તબ્ધ અને સ્થિર ઊભેલો આંબો એની વૃક્ષ છાલની ઓથે સંતાઈને આકાશદૂતની સાથે સદા સંલાપ કરતો જ રહે છે. બારણાં વાસેલા વાસરઘરની ફૂલશય્યામાં પોઢેલાઓની ગોષ્ઠિના જેવું એ છે. તેથી જ તો ફાગણમાં એક દિવસ એકાએક, ખાળી રાખેલું હાસ્ય મોકળું બનીને ગાજી ઊઠે તેમ, એનો આનન્દ ખળખળ કરતો મંજરીએ મંજરીએ મુખરિત થઈ ઊઠે છે. આ આનન્દની ચંચળતા જ કવિને ગમ્ભીર થવા દેતી નથી. વાર્ધક્યમાં પણ એમને ઝિંઝોટી ખમાજના સૂર છેડતાં સંકોચ થતો નથી.

આ અનિત્ય છતાં શાશ્વતવાહી ચંચળતામાં જ કવિને અસીમની સ્તબ્ધતાનો અનુભવ થયો છે. જ્યારે જ્યારે કવિને એમ લાગ્યું છે કે એમની ભાષા ધુમ્મસની જડિમાથી અવમાનિત હેમન્તની સવારના જેવી બની ગઈ છે, ત્યારે ત્યારે વનસ્પતિની શ્યામચ્છાયામાં બેસીને એમણે એને સહજ બનાવી લીધી છે.

વૃક્ષ પરનો પલ્લવસ્તબક શાખાવ્યૂહની જટિલતાને ભેદીને જે રીતે નિસ્તબ્ધ અવકાશ પર જય મેળવવા આગળ વધે છે, તે રીતે કવિ પણ સૂર્યોદયના મહિમાને માર્ગે અગ્રસર થવા ઇચ્છે છે. લક્ષકોટિગ્રહતારા આકાશમાં જે પ્રકાણ્ડ સુષમાને વહન કરીને કક્ષચ્યુત થયા વિના ગતિ કરી રહ્યા છે, એનો છન્દ જેમ તૂટતો નથી, તેમ કવિ પણ એ પ્રકાણ્ડ સુષમા સાથે છન્દ મેળવીને, કક્ષચ્યુત થયા વિના ગતિ કરવા ઇચ્છે છે. એમના કાવ્યની ગતિનું આ સાચું ચિત્ર છે.

રવીન્દ્રનાથની બહુમુખી પ્રતિભા વિશે વિસ્તારથી કહેવું અહીં પ્રસ્તુત નથી. અહીં તો એમનો જે વિશેષ છે તે તરફ જ રસિકોનું ધ્યાન ખેંચીને સંતોષ માન્યો છે.