કાવ્યમંગલા/આગે આગે
Jump to navigation
Jump to search
આગે આગે
ઊંઘ વિનાની રાત વિતાવી,
પંથ જવા વળી મંન મનાવી,
ચાલ્યો ખંભે ઝોળી ઝુલાવી,
હું આગે આગે.
માલ ખજાના લઈ જગવાસી,
પંથ મળ્યા કંઈ પ્રૌઢ પ્રવાસી,
‘એનાં ધામ ક્યહીં; પુરવાસી?’
‘એ, આગે આગે.’
ઝાકઝમાળ મળ્યાં જનમંદિર,
રંગવિલાસ રચે જન સુન્દર, ૧૦
‘આંહિ વસે મુજ વ્હાલમ અન્દર?’
‘ના, આગે આગે.’
પંડિત બેઠા શાસ્ત્ર પઢંતા,
ગૂઢ અગૂઢે વાદ વદંતા,
‘ધામ અહીં પ્રભુનાં, મનવંતા?’
‘ના, આગે આગે.’
દીપ ઝગે, કંઈ ઘંટ બજે છે,
ભાવિક ભૂ પડી ઈશ ભજે છે,
‘વ્હાલમ શું મુજ આંહિ વસે છે?’
‘ના, આગે આગે.’ ૨૦
લોક વિષે નહિ, રંગ વિષે નહિ,
જ્ઞાન વિષે નહિ, મંદિરમાં નહિ,
‘આગે આગે’ સર્વ રહ્યાં કહી.
ક્યાં આગે આગે?
(જાન્યુઆરી, ૧૯૨૯)