કાવ્યમંગલા/કાવ્યપ્રણાશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાવ્યપ્રણાશ
(પૃથ્વી)

ભ્રમણ


ભમું જગત ન્યાળવા, જગતકાવ્યને ચાખવા,
ઉઠેલ મનસ્વપ્નને નજરથી સગી પેખવા,
પ્રયત્ન અવિરામ માંડી ઉરતોષ માટે ભમું.

અગાધ ઉદરે મહાન ધનવાન અંભોધિના,
સમુદ્ર ગિરિઓતણી ફળવતી વળી ખીણમાં,
પ્રકૃષ્ટ ઘન ભેટતાં શિખર વ્યોમચુંબી પરે,
જલે છલકતાં અનેક સરિતાકુલોના તટે,
લચંત મધુ સૌરભે કુસુમપુંજમાં, કૂજતા
મયૂર જહીં કોકિલો, ભ્રમરગુંજિયા કુંજમાં,
ભમું હું ભટકું નિગૂઢ પ્રકૃતિપ્રભા પામવા; ૧૦
અને મરુતરાજ સંગ ગગનો ય ખૂંદી વળું.

ભમું મનુજલોકમાં, ઊઘડતાં લહું બાળુડાં,
કુમાર સુકુમારીઓ જગત ખેલતાં આંગણે,
કિશોરદિલમુગ્ધતા, નિજ રસે રસી સૃષ્ટિને
જવાન દિલ ઝૂઝતાં, વિજયહારથી શોભતાં,
થઈ વિજયપ્રૌઢ તે જગતડ્હાપણો ડ્હોળતા,
ધરી હૃદયમાં પ્રિયાપ્રણયઊર્મિઓ રાચતા,
સુપુત્ર પ્રગટાવી સૃષ્ટિસરણી દીપાવ્યે જતા;
લહું મનુજજાતિ બાળક, યુવાન, વૃદ્ધા થતી.
લહું નવવિવાહિતા પ્રણયિનીતણી ઊર્મિઓ, ૨૦
છલંત નજરે લહું સરિત સ્વાર્પણોની મુંગી
ક્યહીં વિમળ, મ્લાન ક્યાં, મુદભરી ક્યહીં દુખિની,
વહંતી અવિરામ ધાર ગરકે જઈ સાગરે.

લહું અતલ સાગરે સફર ખેડતા નાવિકો,
લહું વિકટ પૃથ્વીમાં હળ ચલાવતા ખેડુતો,
બની જટિલ અબ્ધિ સંગ જડ નાવિકો ઝૂઝતા,
બની બળદ સંગમાં બળદ ખેડુઓ ખેડતા,
વિદારી ગિરિપેટ શક્તિ બહવંત, આ પૃથ્વીના
ઉરે જ્વલંત ભૂખના જ્વલનકેરી શાંત્યર્થ આ
સ્રજે નિજ શ્રમેથી અન્નફળ પુષ્ટ, એવી લહું ૩૦
મચી મનુજમેદની વિકટ જિન્દગીજંગમાં.

લહું જગતસાગરે મનુજયત્ન આન્દોલને
ઉડંત જલબિન્દુઓ વિવિધ સિદ્ધિનાં, રંગથી
રચે નિજ સુરંગપૂર્ણ પડદો ચિદાકાશપે,
અને અવર સૃષ્ટિ ધન્ય પ્રગટે ય આ દૃશ્યથી.

મહા ભવન ઉચ્ચ ભવ્ય પ્રતિભાતણાં ત્યાં ખડાં,
લસે નવ રસે પ્રફુલ્લ સરિતા મહા કાવ્યની,
અનેક ગિરિમાળ ત્યાં પ્રખર ચિન્તકોની ખડી;
અહો, ઉપવનો, ફળો સુરભિઓ લહું, હર્ષું હું.

પ્રયત્ન મુજ ઇષ્ટમાં મલિન તત્વ શું કૈં, પ્રભો? ૪૦
થતાં મધુર દૃશ્ય શાંત, લય સૃષ્ટિ મીઠી થતી,
અને ધખતી ભઠ્ઠીમાં પ્રજળતી લહું કલ્પના.

દર્શન


સુકે રસભરી ધરા, ગિરિવરો, સરિત્શ્રેણીઓ,
વનો ગહન, વાયુવૃન્દ, કુસુમો, નિકુંજો અને
મહા જલધિગાન, રમ્ય પ્રકૃતિતણા વૈભવો
ન રમ્ય મધુરાં સદા, ફળવતાં ન મીઠાં સદા;
તહીં ય કર કારમો જવનિકા પુઠે દૃશ્યની
રહે નિજ કરાળ રૂપતણું ભાન દેતો સદા.

પ્રચણ્ડ જલપૂરની ઉભરતી નદી એની એ,
તુફાની પવનો થતા, ઉદધિ એ જ ગાંડો થતો, ૫૦
ધરા રસભરી જ આ થથરતી દયાહીન શી
ધ્રુજે ધણધણે પ્રચણ્ડ રસ અગ્નિના રેલતી.
ભર્યાં સુરભિથી સુકાય ફૂલડાં, રસોથી ભર્યાં
ફળો ખરત, કીટ કોરી ઉર ખાય ચૂસી, અને
સુકાય રસવેલ, ક્ષીણ વણસે, ન રે પાંગરે.
દશા પ્રગટ આ શું સર્વ રમણીય સૃષ્ટિતણી?

નિકુંજ ટહુકે ભરી હૃદયગાન રેલાવતા
રસો, મધુર ગીત, ઉચ્ચ સ્વર કોકિલાના મીઠા
મટ્યા, ન ટહુકાર એ અમૃતધાર, આ ઊભરા
નથી પ્રણયના જ, આગ ધખતી અદેખાઈની; ૬૦
ન અન્યતણું ગાન રમ્ય સહતાં શકી સૂરને
પ્રલંબ કરતી લવે, વિફળતા લહી થંભતી.
અરે, કપટમાહીં જન્મી પર ઘેર જે ઊછરે,
ત્યહીં દિલ ઉદારમત્ત રસ રાગ ઉલ્લાસ ક્યાં?
નહીં, પ્રકૃતિદત્ત કણ્ઠકકળાટ એ તો ભુંડો.

વળી ગગનગેબને ગજવતા ગહેકી સદા
ત્રિભંગ રચી ડોકનો, અજબ પિચ્છસૌન્દર્યથી,
સ્વરે, બદનવૈભવે, હૃદય મેઘપ્રેમાકુલે
ગણંત જગ જે મયૂરગણને, ન એવું લહું.
સુપિચ્છ થઈ ભાર માત્ર નભસ્હેલ રોકી રહ્યા, ૭૦
અને ઘન નિહાળતાં બહત ઉચ્ચ કેકારવો
ભયે ધડકતા અશક્ત ઉરના વિલાપો જ રે !

ન કોકિલ મયૂર, ચાતક, ચકોર : એકે નહીં
લહું અમ જને કરેલ મનકલ્પના ધારતું.
નહીં વિહગસૃષ્ટિ રંગ, કલનાદ, સૌખ્યે ભરી,
વિમુકત નિત માણતી પરમ પ્રાણઉલ્લાસને.
અહીં કુટિલ જીવનાર્થ કલહો લહું કારમા;
નહીં ક્ષણ વિરામ, આ પ્રકૃતિ રક્તવક્‌ત્રા સદા;
ભયે, બલમદે, પ્રલોભવમળે, અદેખાઈએ,
અને ઉદરપૂર્તિની પ્રખર વાસનાએ ભર્યાં ૮૦
હરેક પશુપ્રાણી જોઉં; ક્યહીં સ્વપ્ન ત્યાં હર્ષનું?

જઉં મનુજ લોકમાં, કવિપ્રશસ્ત એ બાલ્યમાં
વિરાજત લહું અનેક શિશુ; હાસ્ય, ક્રીડા અને
કલોલ કુમળા થકી જગતપાટલે ઈશનો
લઈ શું પયગામ પ્રાણ નવલાતણો આવિયાં.
અહીં ન જગની ઉપાધિ, નહિ આધિ વ્યાધિ કંઈ,
પ્રફુલ્લ નિત પ્રાણવંત મધુ શૈશવી સૃષ્ટિ યે
સરે, ન શિશુઓ લહું કવિમુખેથી જેવાં સુણ્યાં.

અહીં વિવશતા, પરાશ્રય, ઉરે અસંતોષ કૈં
દહે સતત કાળજું, જગત આધિવ્યાધિ થકી ૯૦
વિદગ્ધ શિશુઓ લહું, ગહન દુઃખ એનાં ય રે :
દરિદ્ર જન, મૂઢ, મત્ત ઘરમાં નિરાધાર એ
લઈ જનમ જીવાનાર્થ ગ્રહતાં મળ્યું જે કંઈ;
        સમસ્ત જગને ન કોઈ પયગામ ત્યાંથી મળે,
સદા જગ કનેથી ના શિશુ ગ્રહે ય સત્કાર રે.
સુપુખ્ત થઈ બાળકો જગ સમાં થવાને ચહે,
અને કંઇક લોક બાળક સમાન થાવા ચહે,
ભ્રમે ઉભય શું ભમે? હૃદય ડામતો પ્રશ્ન આ
ઉઠે; રુદન; ભાંગફોડ શિશુના ય કંકાસ એ
પડે શ્રવણ ને તહીં શિશુદશાનું સ્વપ્નું સરે ! ૧૦૦

ન તોષ, નહિ સ્વાસ્થ્ય, નિત્ય ઉકળાટ આ આદિનો
વધે દિનદિને, કિશોર વય ત્યાં ખિલી આવતી,
યુવાની ફુટતી, ઊઠે પ્રણયલ્હેર, ને માનવી
પડે અતલ જીવને સતત ઝૂઝતો અન્ય શું.
અહો સ્વપન મુગ્ધ સૌ વિજયપ્રેમનાં ત્યાં ઉડે,
કઠોર ભટકાય જીવનતણી દિવાલો અને
ક્યહીંય મૃદુ ખ્યાલ જાય પિગળી જુાઠા ચિત્તના.

‘નહીં, પુરુષજીવને સતત ઝૂઝવું કારમું,
તહીં સુખ, વિરામ કૈં જ નહિ, એક આરામની
રચી જ સુખસેજ અંતર પ્રતપ્તને ઠારવા ૧૧૦
સુધાકળશ સ્ત્રી : ઝરંતી રસ, હર્ષ માધુર્ય; આ
મહા ધખધખતા રણે પ્રભુ સ્ત્રજેલ રે વીરડી.’
સુણી કવિજનોની એમ રમણીપ્રશસ્તિ ફરું,
અને વિમલ ભાવથી ચરણ નારીને જૈ ઠરું.

અહો કરુણ. કિલષ્ટ જીવન દુઃખાર્ત તેનું લહું :
સદા વિધિતણે કરે, પુરુષને કરે રે પડી,
ચુસાતી ભરખાતી હા વિષયરક્ત આ લોકથી.
અલંકૃત, સજેલ વસ્ત્ર, રમણીય હો સુન્દરી !
તુંમાં સુખ લહે છ સૃષ્ટિ, પણ તું સુખી કાં ન રે?
રહે જગત તુંથકી વિધિ ટકાવતો, કિન્તુ ના ૧૨૦
ચહે જ લવલેશ રે તવ ટકાવ, પુષ્પો ફળો
ચુંટી નિઠુર માળી શો ફટ ઉખેડતો વેલડી.
અતૃપ્ત, પરિબદ્ધ, આર્ત તવ જિન્દગીના તટે
રડી હૃદય હા પડે, તવ ગભીર ઔદાર્યની
સદા વહત શીત સૌમ્ય બલિદાન સ્રોતસ્વિની-
તણાં વિમલ વારિને નયન ધારું, ના રાચવું,
વિલાસવું ન; હર્ષ સૌખ્ય, રસધામ આહીં ન રે.

ન રે ક્યહીં ય પ્રાણનો વિમલ શુદ્ધ ઉત્કર્ષ રે,
મહા કરુણ કારમું જગતવૃત્ત ભાળું, દ્રવું.

અને નયન મીંચી હું ઉતરું ભાવનાદેશમાં : ૧૩૦
વિભૂતિ લહું ભૂતકાળતણી, સર્વથા ઇષ્ટ એ
હતો સમય, સત્ય આદિ યુગ પ્રાણ સાચાભર્યો.

નહીં જગતમાં કદી સત અસત્ય ઓછાં હતાં :
અહો, ઋષિયુગે હતા પ્રબળ દૈત્યને દાબવા;
દયાળુ પ્રભુ રામ શાં દરદ કોઈએ ના સહ્યાં,
પડ્યું સ્વકુળ દુષ્ટને હણવું કૃષ્ણ યોગેન્દ્રને ,
મહા વિભવ હોમિયા ઉર કઠોર થૈ ભારતે;
અને યુગસમૃદ્ધિ શા નરજનો મહા રાજવી :
અશોક, શશિગુપ્ત, તેજભર કીર્તિવંતા નૃપો
સિકન્દર સમેત સૌ અહ ગયા, બચ્યા કોઈ ના, ૧૪૦
બચ્યું ન કંઈ એમનું, ગજબ જંગ જામ્યા સદા;
પ્રચણ્ડ મુખ ફાડી કાળ ગ્રસ્તો લહું માનવી-
તણાં સકળ કાર્ય, ઉચ્ચતમ અલ્પ સૌ ત્યાં બળ્યા,
અને ભસમ સર્વની જ સ્મૃતિરૂપ જોવી રહી.

પુરાણ, ઇતિહાસ, કાવ્ય, સહુ દર્શનો, ફિલ્સુફી,
પ્રયત્ન નરજાતિના વિફલ, કાળસામર્થ્યની
કથા કથત હું લહું; જગત સર્વ કૌટિલ્યના
ઝુકે ચરણમાં, વિદાય પ્રભુએ શું હ્યાંથી લીધી.
અહો ભસમ ભૂતની, વિવશ દૈન્ય દોર્બલ્ય ને
અપાર દુઃખ વર્તમાન યુગનાં મળી કેવું રે ૧૫૦
ભવિષ્ય રચશે? વિચાર મુજને કરે મૂઢ એ,
ભવિષ્ય ગમ આંખ શ્રાન્ત નહિ લેશ માંડી શકું.

સમાધિ


અને ભ્રમણ મારું સંકલિત હું કરું, વિશ્વની
કઠોર લહી યોજના, વિહગ, પ્રાણી ને માનવી-
તણાં વિવશ, ક્રૂર જીવન લહી ભર્યાં દર્દથી,
ચહે ન જગમાં હવે જ મુજ કલ્પના જીવવા.

ઉઠેલ મુજ સ્વપ્ન સર્વ શમજો, મહેચ્છા મટો,
મટો રસિક ભાવના, નહિ જ ભૂમિ આ સ્વપ્નની.
ચલો સકળ હાર્દ, ચિત્ત, રસ કલ્પના માહરાં
નિઠૂર તજી વિશ્વ આ જલસમાધિ લૈઐ બધાં;
ન ઠામ ટકવા ઠરી જગતમાં હવે આપણે.

ધરી હૃદય આશ દિવ્ય રસ-પ્રાણ-ચૈતન્યની,
વસીશું જલધિતળે ગહન વારિની ગોદમાં;
અને પરમ સત્ય, પ્રાણ, જગહાર્દને પામવા-
તણી હૃદયચાહના વ્યરથ હોય તો ત્યાં જ રે
સમાધિ ગ્રહશું સદા; હૃદયભાવ સાચો જ જો,
પડ્યાં રહી તહીં કદી વિમલ મોતી રૂપે થશું;
અને જગતટે સ્વયં નિકળશું જ, કે કોકના
કરો જલધિ ડ્હોળતા, વિમલમૌક્તિકો ખોળતા
ક્યહીં નિંદરતાં પડ્યાં જલધિપેટથી કાઢશે, ૧૭૦
મઢી મુકુટ કોકને, જગતચિત્ત આહ્‌લાદશે.

(ઑક્ટોબર, ૧૯૩૦)