કાવ્યમંગલા/જન્મગાંઠ
જન્મગાંઠ :
કાળના અનંત સૂત્ર પે પડંતી
જિન્દગીતણા અનેક આમળાની એક ગાંઠ,
રાત્રિ ને દિનોતણા મહાન ઝૂંડ બાંધનાર
વર્ષકેરી આવતી વળી વળી જ એક ગાંઠ-
જન્મગાંઠ,
જીવના પ્રવાસમાં પડેલ એક માનવીની
જિન્દગીની એક એ પ્રચંડ ગાંઠ.
ત્યાં પડી પ્રભાતમાં,
દિને દિને વધી વધી જડંતી અંગ, ૧૦
ચંડ બંધ બાંધનાર જન્મગાંઠ,
ગાંઠ, ગાંઠ, બંધ બંધ,
રાચતો મનુષ્ય શું હશે જ જાણી જન્મગાંઠ?
જન્મ વેંત બાંધી ગાંઠ,
સૃષ્ટિકેરી બાંધી ગાંઠ,
ક્લિષ્ટ ગાંઠ માનવીસમાજ કેરી,
સભ્યતાની શિષ્ટ ગાંઠ,
સંસ્કૃતિની પુષ્ટ ગાંઠ,
જ્ઞાનકેરી શુષ્ક ગાંઠ,
માત, તાત, પત્ની, પુત્ર, મિત્રતાની મિષ્ટ ગાંઠ, ૨૦
અંતરે અનંત ગાંઠ,
એક પે અનેક ગાંઠ,
છોડતો ન, બાંધતો, છુટી જનારી બાંધતો,
તુટી જનારી સાંધતો, નવી નવી ઉમેરતો;
સળંગ સુત્ર,
સ્નિગ્ધ સૂત્ર,
તેજથી પ્રદીત્પ સૂત્ર,
રેશમી સુવાળું સૂત્ર,
આત્મનું અખંડ સૂત્ર,
આમળી જ આમળી,
અભેદ્ય ગાંઠ પાડતો,
કસી કસી જ બાંધતો,
પ્રફુલ્લતા, પ્રદીત્પતા, અખંડ એકસૂત્રતા
દૃગો મિંચી જ તોડતો,
મનુષ્ય કેમ હર્ષતો હશે સુણી જ ‘જન્મગાંઠ’?
માહરી ય જન્મગાંઠ :
ક્યાહરે પડી જ ગાંઠ
ન સ્મરું, હું વિસ્મરું,
મથું મટાડવા હું ગાંઠ;
સળંગ હીરદોર પે પડેલ હું ઉકેલું ગાંઠ.
ગાંઠ ગાંઠ છોડું હું,
અખંડ સૂત્ર અંતવંત જે દીસે છ ગાંઠમાં,
ઉકેલી એ બધી જ ગાંઠ,
ઇચ્છું હું નિહાળવા,
મથું હું સિદ્ધિ પામવા;
અનાદિમાં પડેલ એક છેડલો જ દોરનો,
અનંતમાં પડેલ અન્ય છેડલો જ દોરનો,
સમગ્ર તે નિહાળવા,
સળંગ સ્નિગ્ધ સ્પર્શવા
ચહું, મથું, પડું, ઊઠું, ૫૦
ભલે વલે જ થાય જે થવાની હોય.
જિંદગી અનંત સૂત્ર,
ખંડ ના જ, ગાંઠ ના નિહાળવા મને દિયો;
દિને દિને જ જન્મગાંઠ
માહરી ઉજાવું હું, ઉકેલું હું,
ન બાંધવી વિશેષ ગાંઠ.
ધન્યવાદ ના’પશો યદા પડેલ જન્મગાંઠ,
ધન્યવાદ આપજો છુટે યદા પ્રચણ્ડ ગાંઠ.
(૨૦ જુલાઈ, ૧૯૩૨)
(૨૯ જુલાઈ, ૧૯૫૩)