કાવ્યમંગલા/દુનિયાનો દાતાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દુનિયાનો દાતાર

ધરતીનો ધારણહાર આવ્યો, ભાઈ,
તરણાંનો તારણહાર આવ્યો, ભાઈ.
હીરામોતીથી મોંઘેરા હાર,
અમૃતબિન્દુના રૂપેરી તાર,
રામની ધેનુના દૂધની ધાર,
મીઠાઈના ભાર,
બાળગોપાળને કાજ લાવ્યો, ભાઈ,
મામો મીઠો મેઘરાજ આવ્યો, ભાઈ. ધરતી...

આભમાંહે એણે ડંકા વગાડ્યા,
સૂતેલા ઇન્દરરાજ જગાડ્યા, ૧૦
રાજાએ મેઘના મંડપ બાંધ્યા,
જગનને માંડ્યા,
દેવોતણે દરબાર આવ્યો, ભાઈ,
ઇન્દરનો છડીદાર આવ્યો, ભાઈ. ધરતી....

માટીની ચાદર ઓઢી સૂતેલાં,
જાગી ઊઠ્યાં બીજ વેલી ને વેલા,
હૈયે ઝર્યા માને પ્રેમના રેલા,
સુધાના ભરેલા,
                જીવનના સંદેશ લાવ્યો, ભાઈ.
મહેનતના સંદેશ લાવ્યો, ભાઈ. ધરતી... ૨૦

ધરતીએ પંકપલંગ બિછાવ્યા,
મોરબપૈયાના નાચ નચાવ્યા,
ધાન રિઝાવી ખેડૂએ સુવાડ્યાં,
ઢબૂરી ઊંઘાડ્યાં,
ભોજનકેરો થાળ લાવ્યો, ભાઈ,
રામરાજાનો બાળ આવ્યો, ભાઈ. ધરતી...

રામરાજાકેરી મહેર ઊતરશે,
ગાય દૂઝી દૂઝી ગોરસ ભરશે,
ખેડુની ઊની આંતરડી ઠરશે,
ભંડારો ભરશે, ૩૦
દુનિયાનો દાતાર આવ્યો, ભાઈ,
અમૃતનો અવતાર આવ્યો, ભાઈ. ધરતી....

(૮ જુલાઈ,૧૯૩૨)