કાવ્યમંગલા/મેઘનૃત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મેઘનૃત્ય
(ઝૂલણા)


આજ આકાશના મણ્ડપે મેઘનાં
નૃત્યના ચણ્ડ પડછન્દ ગાજે,
પ્રકૃતિના પાંચ બજવૈ ગવૈયા ઉઠ્યા,
ત્વરિત નિજ નિજતણા સાજ સાજે,

તાલ મડદંગના ધિંગ પૂંઠે,
અહો ! ગુંબજો ગગનના ગાજી ઊઠે.
તરલતન દામિની દ્યુતિતણા દ્યોતને
ચમક ઠમકાર લે રંગભોમે,
મેઘલા વારુણીમત્ત શા ઠેક લૈ
ગૂંથતા નૃત્યના ગોંફ વ્યોમે, ૧૦
ઘુમે તાણ્ડવી ચાલ સાધી,
અહો ! જાગતા રુદ્ર છોડી સમાધિ.

ગહન નભસિન્ધુનાં વારિનાં વહન પે
નર્તકો પાય દૈ ઠેક લેતા,
ક્ષિતિજક્ષિતિજો ગુંથી આંગળીવેલમાં
ઘુમરતા પૃથ્વીને ચાક દેતા,
ભમરડો પૃથ્વીનો ઊંઘ લેતો,
અહો ! નૃત્યુનો રંગ રેલાઈ રહેતો.

ચકિતદ્રગ દેવની મણ્ડળી પુલકભર
નૃત્યુરંગે ડુબી આંખ મીંચે, ૨૦
જલદનર્તકગણો હૃષ્ટ ચરિતાર્થ થૈ,
અંક જનનીતણે ભેટ સીંચે,
દેવથી પ્રાપ્ત ઉપહાર બ્હોળો,
અહો ! સૃષ્ટિનો સ્નિગ્ધ છલકાય ખોળો.

(૧૧ જૂન,૧૯૩૨)