કાવ્યમંગલા/રણગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રણગીત

કોણ રે ઊઠશે, ભાઈ?
હો કે, કોણ રે ઊઠશે, ભાઈ?
શંખ કરાળે, દુઃખની ત્રાડે,
ભારત માતા આપણી ગાથા
બોલે, ઓ ભાઈ !
ભારત આપણી બોલે,
ભૂખ મિટાવા, દુઃખ ફિટાવા
કોણ રે ઉઠશે, ભાઈ?
હો કે, કોણ રે ઉઠશે, ભાઈ?

[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર, ૧૦
ઊઠવા અમે સૌ અધીર,
ઊઠશું અમે ભારતવીર.

કોણ રે ધપશે, ભાઈ?
હો કે, કોણ રે ધપશે, ભાઈ?

તીર વછૂટે વેગ અખૂટે,
કૂચમાં કદમ, લેશ નહિ દમ
ખૂટે, ઓ ભાઈ !
કૂચમાં દમ ના ખૂટે,
ઝીલતા ઘાવ, જીતતા દાવ,
કોણ રે ધપશે. ભાઈ?
હો કે, કોણ રે ધપશે, ભાઈ? ૨૦

[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર,
ધપવા અમે સૌ અધીર,
ધપશું અમે ભારતવીર.


કોણ રે લડશે, ભાઈ?
હો કે, કોણ રે લડશે, ભાઈ?

જગત કેરે યુદ્ધ અનેરે,
ઝેર દિલોનાં, વેર દેશોનાં
વેરે, ઓ ભાઈ !
ઝેર દેશોનાં વેરે,
અખૂટ બળે એકલો ભલે, ૩૦
કોણ રે લડશે, ભાઈ?
હો કે, કોણ રે લડશે, ભાઈ?

[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર,
લડવા અમે સૌ અધીર,
લડશું અમે ભારતવીર.

કોણ રે સહેશે, ભાઈ?
હો કે, કોણ રે સહેશે ભાઈ?
વેદના ભૂંડી, યાતના ઊંડી,
મૂઢ કે ખુલ્લી ચોટ અસિની
કૂડી, ઓ ભાઈ !
મૂઢી ચોટો કૂડી,
કઠણ હૈયે, કોમળ હૈયે,
કોણ રે સહેશે ભાઈ?
હો કે,કોણ રે સહેશે, ભાઈ?

[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર,
સહેવા અમે સૌ અધીર,
સહેશું અમે ભારતવીર.

કોણ રે મરશે, ભાઈ?
હો કે,કોણ રે મરશે ભાઈ?
કેસરરંગે કાળભુજંગે,
જીવન ઘોળી ખેલતો હોળી
અંગે, ઓ ભાઈ ! ૫૦
જીવનહોળી અંગે,
મુક્તિ કાજે, અમર સાજે
કોણ રે મરશે, ભાઈ?
હો કે , કોણ રે મરશે, ભાઈ?

[વૃન્દગાન]
ભારતવીર, ભારતવીર,
મરવા અમે સૌ અધીર,
મરશું અમે ભારતવીર.
(ફેબ્રુઆરી, ૧૯૩૦)