કાવ્યાસ્વાદ/૧૧
સિલ્વિયા પ્લાથે એની એક કવિતામાં આ દુનિયાને કેવાં માણસો વહાલા લાગે છે તે વિશે ભારે વ્યંગપૂર્વક વાત કરી છે. ઇન્ટરવ્યૂ લેનાર પૂછે છે. પહેલું તો એ પૂછવાનું કે તમે અમારી જાતના છો કે નહીં? એટલે કે તમે ખોટી કાચની આંખ પહેરો છો? તમારે બનાવટી દાંતનું ચોકઠું છે? ઘોડીને આધારે ચાલો છો? તમારાં સ્તન ખોટાં રબરનાં છે, કપડાંમાં સાંધાં છે? નથી તો પછી અમે તમને શી રીતે સ્વીકારીએ? ચાલો, આંસુ સારશો નહીં, તમારી મૂઠી ખોલો જોઉં. અરે, એ તે સાવ ખાલી છે જુઓ, આ રહ્યો હાથ, એને તમે ગમે તેનાથી ભરી શકો, એ કશાંની ના નહિ પાડે, એ ચાના પ્યાલા લાવે, માથાનો દુઃખાવો દૂર કરે, તમે જે કરવાનું કહો તે કરે, તો બોલો, તમે પાણિગ્રહણ કરશો? એ જરૂર પડશે ત્યારે તમારી આંખ અંગુઠાથી બંધ કરશે. તમારા વિષને ઓગાળી નાખશે, તમારી પાસે વસ્ત્ર નથી? તો લો, આ પહેરો કાળાં ને કકડતાં. પણ બંધ બેસતાં, એમાં થઈને પાણી પેસે નહીં. એ ફાટશે પણ નહીં, અગ્નિ એને બાળી શકશે નહીં. છાપરું વીંધીને બોમ્બ પડશે તોય એને કશું થશે નહીં, તમે મરશો ત્યારે તમારા શરીરને વીંટવા એ કામમાં આવશે. હવે તમારું માથું – માફ કરજો, એ તો સાવ ખાલી છે. સાવ કોરા કાગળ જેવું, એના પર જે લખવું હોય તે લખી શકાય, કબાટમાંની આ ઢીંગલી જુઓ, કેવી સુન્દર લાગે છે? પચ્ચીસમે વર્ષે એ થશે રૂપાંપરી, પચાસમે વર્ષે એ થશે સોનપરી, એ સીવી શકે, રાંધી શકે, અરે વાત સુધ્ધાં કરી શકે. એ બધાં જ કામમાં આવશે. કાણું પડે તો એપોલ્ટીસનું કામ આપશે, તમારે જો આંખ હશે તો એ છબી બની જશે. આ તમારો છેલ્લો આધાર છે. બોલો એને પરણશો? જેઓ કશું નથી કરતા, જેમનો તો ઉદ્યમ જ નિરુદ્યમ છે તેને લોકો ચાહે છે. એઓ સુખભર્યા હળવા મધુરા શબ્દો બોલે છે. એમની કશુ ન કરવાની અદા આકર્ષક હોય છે. એમનું બેપરવાહીનું મહોરું જ એમનો ચહેરો બની રહે છે. જગત એ લાવણ્યમય મુખની મોહિનીથી આકર્ષાય છે, એમના ઉચ્ચારણમાં ખરજનો સ્પર્શ હોય છે, એઓ એક પ્રકારની સુખદ બેકરારી મૂકી જાય છે.