કાવ્યાસ્વાદ/૨૦
રૂમાનિયામાં જન્મેલા અને જર્મન ભાષામાં કાવ્યરચના કરનાર યહૂદી કવિ પોલ સેલાન મને ખૂબ ગમે છે. એની કવિતામાં આવી આહ્લાદક સન્દિગ્ધતા છે. એણે એના એક કાવ્યમાં કહ્યું જ છે કે જગતને એક જ નજરે સ્પષ્ટ રીતે વાંચી લઈ શકાતું નથી. એમાં કેટલીક વાર આંખ એક સાથે બે બે વસ્તુને જોતી હોય છે. આપણે આપણામાંના જ ઊંડાણમાં જડાઈ ગયેલા છીએ. આપણે એ ઊંડાણમાંથી ઉપર આવવાનો સતત પ્રયત્ન કર્યા કરવાનો રહે છે. આવી પ્રવૃત્તિનો આલેખ જ કવિતા બની રહે છે. જ્યારે આપણે કશુંક વસ્તુમાત્રના મર્મમાં રહીને અભિવ્યક્ત કરતા હોઈએ છીએ ત્યારે એ પ્રયત્નમાં જ રહેલું કશુંક ચુમ્બકીય બળ કાંઈ કેટલુંક એવું અભિવ્યકિતની સીમામાં ખેંચી લાવે છે, યાં સુધી આપણને પરિચિત ભાષાની પહોંચ હોતી નથી. આથી એ આપણને પણ અજ્ઞાત અગોચરના ભાષાતીત પ્રદેશમાં પગલાં માંડવાનું સાહસ કરવા પ્રેરે છે. આથી જ તો કાવ્ય રચનાર અને કાવ્ય માણનાર બન્ને સાહસિક હોવા જોઈએ. પોલ સેલાન ઈસુ ખિસ્તના છેલ્લા ખાણાના સન્દર્ભમાં એક કાવ્યમાં કહે છે, ‘પ્રભુએ રોટલી ભાંગી/રોટલીએ પ્રભુને ભાંગ્યા.’ આ વાતમાં એનો અર્થ તરત ગોઠવી દઈ શકાતો નથી; છતાં, એમાં સ્પષ્ટ અર્થ નહિ હોય, પણ મર્મ તો રહેલો જ છે. આની પ્રતીતિને કારણે જ આપણે આ પંક્તિને કેવળ શબ્દરમત ગણી કાઢતા નથી, બીજાં એક કાવ્યમાં સેલાન શબપેટી વિશે કહે છે, ‘એને પ્રેમ વિશેનું એક ફ્રેન્ચ ગીત આવડે છે, એ મેં પાનખરમાં ગાયું હતું / ત્યારે હું પ્રવાસી તરીકે લેઈંટલેન્ડમાં રોકાયો હતો અને મેં પ્રભાતને ઘણા પત્રો લખ્યા હતા.’ આ પંક્તિઓ અસમ્બદ્ધ નથી, પણ એ પંક્તિઓ વચ્ચે સમ્બન્ધ જોડતાં પહેલાં આપણે આપણા જ વ્યકિતત્વના જે અંશો સાથે સમ્બન્ધ નથી જોડી શક્યા તે સમ્બન્ધ જોડી લેવાનો રહે છે. અજ્ઞાત અગોચર આપણી બહાર જ નથી, એ આપણી અંદર પણ છે. આ પંક્તિઓ શિથિલ ચાલે ચાલતી નથી, એનાં પગલાંમાં દૃઢતા છે. એ પંક્તિઓની ગતિમાં કશુંક છે જેને આપણે ન ગણકારીએ તો ન ચાલે. એમાં આગવી પ્રમાણભૂતતા રહેલી છે. સેલાનને વધુ પડતી સ્પષ્ટતા રુચતી નથી. એ બ્રેખ્ટના સ્મરણમાં લખેલી એક કવિતામાં કરે છે. ‘આ તે કેવો જમાનો, જેમાં કોઈની જોડે વાત કરવી એય ગુનો, કારણ કે એમાં જે કહેવાઈ ચૂક્યું છે તેનો મોટે ભાગે સમાવેશ થયો છે.’ સેલાનની કવિતા વાંચતાં આપણને લાગે છે કે કાવ્યનો આનન્દ અર્થસંક્રમણમાં રહેલો નથી, પણ આનન્દવર્ધને કહ્યું છે તેમ હૃદયસંવાદ અને પ્રતીતિવિશ્રાન્તિમાં રહેલ છે. કેટલાક એમ કહે છે કે જે વિશુષ છે તે કેવળ અંદૃઅ સ્વરૂપનું હોય છે. પણ આ જ વાત બીજી રીતે કહીએ તો કવિના અન્તરંગમાં પ્રવેશવાનું ઇજન આપનાર કવિતા આપણને કવિના આત્મીય બનાવીને જ છોડે છે. સેલત્નના માતાપિતા હિટલરે ઊભી કરેલી મૃત્યુછાવણીમાં મરી પરવાર્યાં હતાં. સદ્ભાગ્યે કવિ પોતે ઊગરી ગયા. છેક ઓગણીસસો સિત્તેર સુધી પેરીસમાં જર્મન સાહિત્યનું અધ્યાપન કર્યુ. એ વર્ષે જ એણે જળસમાધિ લઈને આત્મહત્યા કરી. એણે મરણને પણ રસની સામગ્રી બનાવીને મૃત્યુછાવણીઓ પ્રત્યે રોષ પ્રકટ ન કર્યો એવો એના પર આરોપ છે, પણ તે સાચો નથી. એની બધી જ કવિતાનો આંગળિયાત રસ ભયાનક છે. એણે આ મૃત્યુછાવણીઓનો પોતાની કવિતા માટે ‘લાભ ઉઠાવ્યો’ નથી. સેલાનની કવિતાના વાતાવરણમાં જે હવા છે તે, ઊંચા પર્વતો પર હોય છે એવી, પાતળી છે. એથી એમાં કશુંક અપાર્થિવ રહેલું લાગે છે જે આપણાથી ઝટ દઈને પારખી લઈ શકાતું નથી. એને મએ ભાષા જ એક એવી વસ્તુ છે જેને આપખ્ે દુષ્પ્રાપ્ય ગણી લઈ શક્યા નથી, આપણુ બીજું બધું ખોઈ બેસીએ, પણ ભાષાને આપણે કદી ખોઈ દઈ શકતા નથી. સેલાનની કેટલીક પંક્તિઓ તો આપણી સ્મૃતિમાં રહી રહીને ઝબક્યા કરે એવી છે. ‘મારા હોઠ પર તમારા મુખને શોધશો નહિ, દરવાજા આગળ કોઈ અજનબીને શોધશો નહિ, આંસુને આંખમાં શોધશો નહિ. સાત રાત્રિ જેટલો ઊંચો રાતો રંગ હતાશ લાદૃે છે, સાત હૃદય જેટલે ઊંડેથી હાથ બારણું ઠોકે છે. ગત ગુલાબ જેટલો સમય વીત્યા પછી ફુવારો છબછબિયાં કરવા માંડે છે.’ બીજા એક કાવ્યમાં એણે કહું છે, ‘હવે તો એવું સાંભળવામાં આવ્યું છે કે કુહાડીને ફૂલ ફૂટ્યાં છે. મેં સાંભળ્યું છે કે એ સ્થળનું નામ દઈ શકાય તેમ નથી.