કાવ્યાસ્વાદ/૩૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧

મને ઇટાલીના કવિ મોન્તાલેની થોડી પંક્તિઓ યાદ આવી, મારી કવિતાના આ શ્રમસાધ્ય પ્રાસ અને ખોડંગાતી વાણીમાં જો હું તારા ઉન્મત્ત પ્રલાપનો સંસ્પર્શ લાવી શકું તો? મારી તોતડાતી બોલીનો તારા પ્રલમ્બ સ્વરો સાથે સંવાદ સાધી શકું તો? ખારા સ્વાદવાળા તારા એ શબ્દો પર હું છાપો મારું તો? તારી એ વાણીમાં પ્રકૃતિ અને કળા કેવાં અભિન્ન બની ગયાં છે! મારા એ વિષાદનેય એથી હું ગૌરવપૂર્ણ રીતે ઉચ્ચારી શક્યો હોત. હું તો મોટો થયો, પણ બાળક જ રહી ગયો. આ ગામ્ભીર્યનો તો મેં વિચાર જ કર્યો નહીં. મારી પાસે તો બચ્યા છે માત્ર શબ્દકોશમાંના થોડા લીસાલપટા થઈ ગયેલા શબ્દો. પ્રેમના ઉદ્ગમે જે થોડા વિરલ શબ્દો સંપડાવ્યા હતા તેય હવે તો ક્ષીણ થઈ ગયા, એ માત્ર વિષાદનું કણસવું બની રહ્યા, કોઈ વાર એ માત્ર વિષાદનો વાગાડમ્બર બની રહ્યો. આજે તો શબ્દોની શી દશા થઈ છે! શહેરની ગલીઓમાં દેહ વેચનારી વેશ્યાની જેમ શબ્દો બધાંને રીઝવવા નીકળ્યા છે. જાહેરખબરવાળા, પ્રચાર કરનારા, રાજકારણીઓ, મુત્સદ્દીઓ – બધા જ એને વાપરે છે. આપણી પાસે તો બચ્યા છે માત્ર આવા થોડા ઘસાઈ ચૂકેલા પ્રયોગો – એનેય આવતી કાલે મારી પાસેથી કોઈ ઝૂંટવી જાય તો નવાઈ નહીં. વિદ્યાર્થીઓ કાવ્યપંક્તિઓ પરીક્ષા માટે ગોખે, પ્રેમીઓ પ્રેમમાં ઉપયોગી થાય એ રીતે વાપરે, અરે, ગાંડા માણસનેય એમાંનું કશુંક ને કશુંક તો ખપમાં આવે. આ શબ્દોની પડછે હું સમુદ્રના પડછન્દાને સાંભળું છું, એમાંથી ભૂરી ભૂરી ઝાંય રચાય છે. મારા વિચારો ભયના માર્યા મને મૂકીને ભાગવા માંડે છે. પછી અર્થબર્થની પળોજણ રહેતી નથી. એ બધાં બન્ધનમાંથી છૂટીને હું પહેલી વાર મારી સીમાઓને ઓગળતી અનુભવું છું. ત્યારે એમ થાય કે કશું પ્રબળ પ્રચણ્ડ મને એની ભીંસમાં લઈને કચડી નાખે તેય મને ગમે. આ પાણીપોચા વિષાદથી તો હું લાજી મરું છું. આ ભંગુરતા સમુદ્ર ભલે ને ભાંગીને ચૂરેચૂરા કરે, વાદળી જેમ કાળા પાટિયા પરના લખાણને ભૂંસી નાખે તેમ ભલે ને એ મને ભૂંસી નાખે.