કાવ્યાસ્વાદ/૩૪
જર્મન કવિ હેલ્મુટ હાઉઝેનબુટેલ ભાષા જોડે રમી જાણે છે. પુનરાવર્તનો કેટલી કેટલી જુદી રીતે કરવા, કુારે એકાએક ક્રિયાપદને પડતાં મૂકવાં, ક્યારે વાક્યોમાં વિરોધોને ઉછેરવા, ક્યારે દેખાતાં સરળ વાક્યોમાંથી ધીમે રહીને કશુંક અટપટું બહાર કાઢવું – આ બધું એને ગમે છે. એનો ભાષા સાથેનો વ્યવહાર માણવા જેવો છે. એ શબ્દ વિશે કશી ફિલસૂફી ડહોળતો નથી. શબ્દના પડ પછી પડ ઉકેલે છે, સંગતિને નેવે મૂકે છે. એની ‘તેથી શું?’ નામની એક રચના છે : પ્રામાણિક લોકો ભ્રષ્ટ પુરવાર થયા છે, શિષ્ટમાન્ય લોકો બનાવટી પુરવાર થન્ના છે. કૌવત જ નપુંસક ઠર્યું છે, બ્રહ્મચર્ય કામાતુરતા છે એ પુરવાર થયું છે, ઠાવકા લોકો ગરાડી નીકળ્યા છે, જવાબદાર લોકો જ સૌથી બિનજવાબદાર જણાયા છે, ઔદાર્યની ક્ષુલ્લકતા ઉઘાડી પડી ગઈ છે, શિસ્ત તે ગૂંચવાડાનું જ બીજું નામ છે, સત્ય માટેનો પ્રેમ અસત્યથી ખરડાયેલો છે, નિર્ભયતા અને કાયરતા એકબીજાના પર્યાય બની રહ્યા છે, ન્યાય જેવું નિષ્ઠુર કશું નથી, જીવનનું સમર્થન કરનારા પવન જોઈને પીઠ ફેરવે છે. ભ્રષ્ટાચારી જ હવે તો પ્રામાણિક લેખાવા લાગ્યા છે, બનાવટી લોકો જ સંસ્કારી છે, નપુંસક તે જ બલિષ્ઠ, ગરાડી બન્યા વિના ઠાવકાપણું આવે નહિ, કામાતુરતા એ જ ઇન્દ્રિયનિગ્રહનું બીજું નામ, બિનજવાબદાર લેખાતા લોકોમાં હવે જવાબદારીનું ભાન ટકી રહ્યું છે, કાયરો જ નિર્ભય છે, ક્રૂર લોકો જ ન્યાયી છે, પવન જોઈને પીઠ ફેરવનારા જીવનના ચાહકો છે. આથી હવે તો જે પ્રામાણિક તે જ ભ્રષ્ટ, ઠાવકા હોવાનો ઢોંગ કરનાર જ બનાવટી, કૌવત દાખવવાનો લોભી જ પોતાની નપુંસકતાને ઉઘાડી પાડે, બ્રહ્મચર્ય પાળવા ઇચ્છનાર જ કામાતુર બને, ઠાવકા જ ગરાડી, જે જવાબદારી લેવા આગળ દોડે તે જ બિનજવાબદાર, જે શિસ્તમાં માને તે જ ગૂંચવાયેલો છે, જે સત્ય કહેવા જાય છે તેનાથી જ અસત્ય બોલાઈ જાય છે, નિર્ભય જ કાયર, જેને ન્યાયી થવું છે તે જ ક્રૂર બને છે, જે લુત્ફે હયાતની વાત કરે છે તે જ ઘડી ઘડીમાં બદલાતો રહે છે. પ્રામાણિકપણે ભ્રષ્ટ અથવા ભ્રષ્ટતાપૂર્વક પ્રામાણિક, શિષ્ટ બનાવટ અથવા બનાવટી શિષ્ટતા, કૌવતભરી નપુંસકતા અથવા નપુંસક કૌવત, કામાતુર બ્રહ્મચર્ય અથવા ઇન્દ્રિયનિગ્રહી કામાતુરતા, ઠાવકાઈનો જ નશો અથવા નશાની જ ઠાવકાઈ, જવાબદાર બિનજવાબદારી, ઔદાર્યભરી તુચ્છતા અથવા તુચ્છતાપૂર્ણ ઔદાર્ય, શિસ્તબદ્ધ ગૂંચવણ અથવા ગૂંચવણભરી શિસ્ત, સાચું અસત્ય અથવા અસત્યથી ખરડાયેલું સત્ય, નિર્ભય રીતે કાયર અથવા કાયરતાપૂર્ણ નિર્ભય, ન્યાયી ક્રૂરતા, ક્રૂર રીતે ન્યાયી, જીવનથી ભાગીને જીવનને ચાહનાર.