કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/કવિ અને કવિતા : અમૃત ‘ઘાયલ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિ અને કવિતા : અમૃત ‘ઘાયલ’
AmrutGhayalPic.jpg

ગઝલમાં રમમાણ રહેનાર અમૃત ‘ઘાયલ’નો જન્મ તા. ૧૯-૮-૧૯૧૬ના રોજ સરધાર (જિ. રાજકોટ) ખાતે થયો હતો. એમનું મૂળ નામ અમૃતલાલ ભટ્ટ. માતાનું નામ સંતોકબહેન. એમના નાના પણ કવિતા કરતા અને એ જમાનામાં કાઠી દરબારો કવિઓનો મુકાબલો (વડચડ) યોજતા એમાંય તેઓ ભાગ લેતા. નાનાનો એ વારસો એમના જિન્સમાં આવ્યો હશે? માતા એમને કાવ્યલેખન માટે પ્રોત્સાહન આપતાં. પિતાનું નામ લાલજી ત્રિકમજી ભટ્ટ. તેઓ રાજકોટ ઠાકોરસાહેબ લાખાજીરાજના રસોઈયા હતા. તેઓ તોરમાં આવતા ત્યારે ખુમારીથી કહેતા : ‘હું કોણ? લાલો મહારાજ. પ્રાતઃસ્મરણીય લાખાજીરાજ બાપુનો રસોઇયો.’ પોતાની જાતને તેઓ રાજકોટના દીવાન જ સમજતા. ખુમારીનો આ વારસો અમૃત ઘાયલને મળ્યો. (‘આવી પહોંચી સવારી ‘ઘાયલ’ની/બાઅદબ, બામુલાહિજા, હુશિયાર!’) અમૃત ઘાયલે એમની કેફિયતમાં પિતા વિશે નોંધ્યું છે  : ‘શરીરે એવા મજબૂત કે એક વખત કોણી મારી ભેંસને ઉથલાવી દીધેલી. આવી વજ્ર સરખી કાયાના, પણ તેઓ અભિજાત્યની ઋજુતા સંઘરીને બેઠા હતા.’ (સર્જકની આંતરકથા, સં. ઉમાશંકર જોશી, પુનઃમુદ્રણ ૨૦૧૧, પૃ. ૨૪૨)
પિતા પાસેથી ખડતલ કાયા તથા હૃદયની ઋજુતાનો વારસો પણ એમને મળ્યો. સરધારમાં એમના ખોરડાની ઉગમણી પા હવેલી હતી. હવેલીના મુખિયાજી મોહનકાકા અને એમનાં પત્ની સંતોષકાકી નિઃસંતાન હતાં આથી નાનકડા બચુ (એમનું હુલામણું નામ)ને તેઓ પાલક-પુત્ર તરીકે હવેલીમાં રાખતા. હવેલીમાં વૈષ્ણવપદ અને ભજનથી ભગવાનને પોઢાડાતા અને જગાડાતા. દૈનિક હવેલી સંગીત ઉપરાંત નંદોત્સવ, જોગીલીલા, ઢાઢીલીલા જેવા મનોરથ ઉત્સવો ઉજવાતા. કૃષ્ણલીલામાં તેમને કૃષ્ણનું પાત્ર મળતું. આ બધું એમની ચેતનામાં રોપાતું જતું. પ્રાથમિક શિક્ષણ (ચાર ગુજરાતી અને ત્રણ અંગ્રેજી ચોપડી) સરધારમાં. સરધારમાંની નાની લાઇબ્રેરીમાં તેઓ જતા. શાળા-ગ્રંથાલયમાંથી લાવીને કલાપીનો કેકારવ અને મેઘાણીનાં કાવ્યો વાંચતા. તળાવ પાસેની શાળાની પડસાળમાં બેસીને તેઓ કલાપીની અસર તળે કાવ્યો લખવાનાં સપનાં જોતા, પણ એ સમયે કશું લખાયું નહોતું. અંગ્રેજી ધોરણ ચારથી તેઓ રાજકોટ આવ્યા. તેમની સાંજ ક્રિકેટ, વૉલીબૉલ, કુસ્તી, હૉકી વગેરે રમતોમાં પસાર થતી. તેમને લૅફ્ટ હૅન્ડ ઑપનિંગ બૅટ્સમેન તથા બૉલર તરીકે ખ્યાતિ મળી હતી. હાઇસ્કૂલ સ્તરે ફાઇનલમાં તેમને વિનુ માંકડ સામે રમવા મળ્યું હતું. આમ ખેલદિલી એમનામાં વિકસતી ગઈ. ૧૯૩૮ સુધીમાં તેઓ ચાર વાર મૅટ્રિકની પરીક્ષામાં નાપાસ થયેલા. (કવિ તરીકે નામના થઈ પછી અસંખ્ય વિદ્યાર્થીઓ શાળામાં એમની કવિતા ભણ્યા). શાળામાં એમનું ધ્યાન ક્રિકેટ અને હૉકીમાં વધારે રહ્યું હશે. હૉકીના મેદાન પર એમને પાજોદદરબાર ઇમામુદ્દીનખાન – રુસ્વા મઝલૂમી – સાથે પરિચય થયો. રુસ્વા મઝલૂમીના નિમંત્રણથી અભ્યાસ અધૂરો મૂકીને તેઓ ૧૯૪૮ સુધી એમના રહસ્યમંત્રી રહ્યા. દરબારસાહેબ રુસ્વા મઝલૂમીની ઇચ્છા કે તેઓ ગઝલો લખે. રુસ્વા મઝલૂમીને ત્યાં ઉર્દૂ ગઝલકાર ‘જોશ’ મલિહાબાદી, ‘જિગર’ મુરાદાબાદી, ઉર્દૂ નવલકથાકાર કૃષ્ણચંદર, હિન્દી ફિલ્મગીતકાર ભરત વ્યાસ તથા અન્ય સાહિત્યકારો આવતા. આમ પાજોદમાં એમને સાહિત્યનું, વિશેષ તો ગઝલનું વાતાવરણ મળ્યું. પાજોદમાં પોતાની મનઃસ્થિતિ વિશે એમણે નોંધ્યું છે : ‘પાજોદમાં મારી મનઃસ્થિતિ લગભગ પાગલ સમી હતી.’ આમ થવાનું કારણ? તોકે, એમને ગઝલનું ઘેલું લાગ્યું હતું, એમને જાણે ગઝલ વળગી હતી! ગઝલમાં તેઓ એટલી હદે મગન રહેતા, કહો કે એટલી હદે ગઝલના નશામાં રહેતા કે એમને પત્ની તારાનોય વિચાર આવતો નહિ કે નાનકડી પુત્રી ઉષાને પણ કદી બાથમાં લઈ રમાડતા નહિ! પછીથી આ વાતનું દુઃખ એમને રડાવતું. ૧૯૪૭માં મૅટ્રિક થઈને ધર્મેન્દ્રસિંહ કૉલેજના પ્રથમ વર્ષમાં દાખલ થયા. આઝાદી પછી દેશી રજવાડાઓનું વિલીનીકરણ થતાં પાજોદ દરબારનું કામ છોડી ૧૯૪૯થી જાહેર બાંધકામ ખાતામાં હિસાબનીશ તરીકે નોકરી કરી. ૧૯૭૩માં તેઓ નિવૃત્ત થયા. એમની પાસેથી ‘શૂળ અને શમણાં’ (૧૯૫૪), ‘રંગ’ (૧૯૬૦), ‘રૂપ’ (૧૯૬૭), ‘ઝાંય’ (૧૯૮૨), ‘અગ્નિ’ (૧૯૮૨), ‘ગઝલ નામ સુખ’ (૧૯૮૪), ‘આશ્ચર્ય વચ્ચે’ (૧૯૯૨), ‘પશ્ચાત્’ (૧૯૯૪) કાવ્યસંગ્રહો મળ્યાં છે. એમની સમગ્ર કવિતાનો સંચય ‘આઠોં જામ ખુમારી’ ૧૯૯૪માં પ્રગટ થયો. તેઓ રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૯૩) તથા નરસિંહ મહેતા ઍવૉર્ડ(૨૦૦૨)થી સન્માનિત. તા. ૨૫-૧૨-૨૦૦૨ના રોજ તેમનું અવસાન થયું.

ઘાયલસાહેબના કાવ્યસંગ્રહોના નામ જુઓ તો એમાં એમની ગઝલોના રંગ, રૂપ દેખાશે અને ઝાંય પણ. શમણાંય દેખાશે અને શૂળ પણ. અગ્નિનો દાહ પણ અને ગઝલ નામ સુખ પણ. એમની સમગ્ર કવિતાના સંગ્રહનું નામ ‘આઠોં જામ ખુમારી.’ આ શીર્ષક પણ કેવું ગઝલમય! કેવું ખુમારીમય! કેવું જામમય! ‘આઠોં જામ’ જેવા કેટલાક શેર જોઈએ :

‘નશાના ધામ તરફ, મસ્તીના મુકામ તરફ,
નિગાહ છે કે રહે છે સદાય જામ તરફ.’

(યાત્રાનું ધામ કહીએ એમ ‘નશાનું ધામ!’ ધામ શબ્દનો કેવો વિનિયોગ!)

‘બસ ધરી હોઠે જામ, બેઠા છે,
યાની લઈ એક નામ, બેઠા છે.
...
એમને ક્યાં તમા જમાનાની!
રંગમાં મસ્તરામ બેઠા છે.’

*

મારું, મદિરાપાત્ર અનોખું,
પલમાં ખાલી, પલમાં છલોછલ.’

*

‘એ તારે ભૂલવું ના જોઈએ કે ચૌદે રત્નમાં,
સુરા શામિલ ન હો તો ચૌદે રત્નો ઝેર છે સાકી!’

*

‘ખૂબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું.’

*

‘એવી જ છે ઇચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે!
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે!

*

‘બાજુમાં ગુલ અને નજરમાં બહાર!
હાથમાં જામ, આંખડીમાં ખુમાર!

*

‘સાકિયા! આજ લાવ પીવા દે!
પુષ્પ માંહે ભરી ભરીને તુષાર.’

*

પાય છે પ્રકૃતિ પી લે ‘ઘાયલ’!
જિંદગી માંડ હાથ આવી છે.’

જામ, શરાબ, સુરા ને નશાને લગતા આ બધા શેરોમાંથી ગઝલકારની મસ્તી પ્રગટે છે, દીવાનગી પ્રગટે છે, ફકીરી પ્રગટે છે, કહો કે ગઝલકારનું સૂફીપણું પ્રગટે છે. નિબંધની જેમ, ગઝલમાં પણ ગઝલકારનો ‘હું’ પ્રગટ થયા વિના ન રહે. આ કવિનો ‘હું’ એમની ગઝલોમાં કેવો પ્રગટે છે? આ કવિ જાતે પોતાનો પરિચય કેવો આપે છે? આ કવિનો જાત સાથેનો સંવાદ અને વિ–સંવાદ કેવોક છે? આ કવિનું જીવન–કવન એમનાં કાવ્યોમાં કેવું પ્રકટ થાય છે? – થોડા શેર થકી જોઈએ :

‘ઝૂક્યા’તા ફિરસ્તાઓ જેને,
હું એ જ પહેલો માણસ છું.’

રવીન્દ્રનાથે કોઈ કાવ્યમાં કહેલું – દૂરદૂર ચળકતો તારોય જાણે છે મારું નામ. એમ ફિરસ્તાઓ જેને ઝૂક્યા’તા એ પહેલો માણસ પોતે છે એવું કહેનાર ઘાયલસાહેબ પોતાના અહમ્ ના ફુગ્ગાને ફુલાવે છે ને પછી જાતે જ એ ફુગ્ગાને શૂળ પણ ભોંકે ને કહે –

‘ઠોકર ખાધેલો માણસ છું,
હું ભીંત ભૂલેલો માણસ છું.’

વળી પાછા કહે –

‘લાગું છું ખાલી પણ ‘ઘાયલ’,
ભરપૂર ભરેલો માણસ છું.’

લાગે કે આ કવિ કેમ બે બાજુ બોલે છે? ડબલ ઢોલકી બજાવે છે? જવાબમાં એમનો આ શેર :

‘હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?
અડધોપડધો જ ઓળખાયો છું.’

તેઓ પોતાનો પરિચય આપતાં કહે છે :

‘ગુલામી આદમી છઈએ : રૂઆબી આદમી છઈએ,
અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ.’

કવિનું ભાષાકર્મ જોયું? ‘છીએ’ના બદલે ‘છઈએ’! ‘છઈએ’ કહેવાથી જાણે જામનું ને જાતનુંય ‘છલકવું’ પ્રત્યક્ષ થાય!

ભૂલી જનારાને તેઓ યાદ કરાવે છે :

‘કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઇમારતનો હુંય પાયો છું.’
...
‘મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.’

*

‘પછી દોસ્તોની શિકાયત શું ‘ઘાયલ’!
નથી કામ આવ્યો મને હુંય મોકે.’

જાત સાથેનું એમનું confrontation સતત ચાલતું રહ્યું છે. ઉદાહરણ જોઈએ :

‘સામે મળ્યો તો મેં જ મને ઓળખ્યો નહીં,
ખોવાઈ હું જડ્યો જ નથી એમ પણ નથી.’

*

‘રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું!’

આમ છતાં, પોતે ઈશ્વરનો જ અંશ હોવાની લાગણીયે તેઓ ભારોભાર અનુભવે છે :

‘નહિ જેવો તોય ઈશ્વર તારો જ અંશ છું હું!
હું પણ અનેક રૂપે હાજર થઈ શકું છું.’

*

‘છે કૃષ્ણના સુદર્શન જેવો ઘાટ મારો,
ધારો તો ધર્મ છું હું ફેંકો તો ધ્વંસ છું હું.’

– આવો મિજાજ ધરાવતા આ શાયર લાચારી અનુભવતી વેળા, પોતે કેવા છે એની કબૂલાત કરે છે અને ‘કોક મને સાહો’–ની વિનંતિ પણ કરે :

‘ધૂની છું, તરંગી છું, ‘ઘાયલ’ છું, સ્વછંદી છું,
છું તેમ છતાં શાયર કે કોક મને સાહો.’

આ કવિની મસ્તી, દીવાનગી, ફકીરી; એમનું સૂફીપણું અનેક ગઝલોમાં પ્રગટ થયા કરે છે, ગાલિબની જેમ, ફકીરની જેમ આ કવિ દુઃખમાય હસી શકે છે –

‘હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.’

*

‘આમ નહીં તો નભને તાકી ‘ઘાયલ’ હું બેસી ન રહું,
ખસી ગયું છે મારું ચોક્કસ એમ મને પણ લાગે છે.’

*

‘તલ તિલક લટ તખત મુગુટ શું છે?
આ ગુપત શું છે આ પ્રગટ શું છે?’

– આવી ગઝલબાનીની શરૂઆત અમૃત ઘાયલમાં મળે છે, પછીથી એ રાજેન્દ્ર શુક્લમાં વિકસે છે. (રાજેન્દ્ર શુક્લનો શેર તરત યાદ આવે : ‘કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે? / મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?)

‘રાખે છે એક લાગણી મુજને અમીર જેમ,
હું એટલે તો આમ ફરું છું ફકીર જેમ.’

*

‘ઘર છોડવાનું હોય તો છોડી બતાવીએ,
ઘર ફૂંકવાની વાત છે આ તો કબીર જેમ.’

ઇશ્કે હકીકીની આવી ગઝલો આપનાર ગઝલકાર પાસેથી પ્રણયરંગી ગઝલો ન મળે તો જ નવાઈ. ‘ઘાયલ’નું હૃદય કેવું ઘાયલ થયું છે, કેવું ખંડેર થયું છે કે મંદિરની જેમ હૃદયનોય જીર્ણોદ્ધાર કરવા આ કવિ સાકીને કહે છે :

‘કરી દે અન્ય સાથોસાથ જીર્ણોદ્ધાર એનો પણ,
હૃદય ઘાયલ તણું વર્ષો થયાં ખંડેર છે સાકી!’

કોઈ અજાણી આંખડી કેવી ચોટ મારે છે એના ચોટદાર શેર જુઓ :

‘એમ ધારી નહોતી એવી અણધારી કરી દીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.’

*

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.’

મધ્યકાલીન કવિતામાં જેમ વાંસળીના બદલે ‘વાંસલડી’ આવે એમ અહીં આંખના બદલે ‘આંખડી’! લોકસાહિત્યમાં આવતા શબ્દ કસુંબલને આંખડી સાથે જોડી પ્રણયરંગનેય કેવો કસુંબલ કરી દીધો ને નજરને નશીલી! આ કવિને ભાષા પાસેથી સૂક્ષ્મ કામ લેતાં આવડે છે. થોડા વધુ શેર :

‘નજર શું હતી રંગ મસ્તી હતી એ,
ગઈ ઊતરી એ કલેજામાં સીધી.’

*

‘કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

*

‘ગભરું આંખોમાં કાજળ થઈ, લહેરાઈ જવામાં લિજ્જત છે,
ચર્ચાનો વિષય એ હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજ્જત છે.’

*

‘અમને કહ્યું નજરનું કરતાંય આવડે છે,
જીવતાંય આવડે છે, મરતાંય આવડે છે.’

*

આ કવિ જમાનાને બરાબર ઓળખે છે, બે દિલો મળે ત્યાં જમાનો શું કરે છે?! –

‘જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું?
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દીવાલ રાખે છે.’

આ કવિની રંગદર્શિતા કામુકતામાં લપસતી નથી, પણ એમનો પ્રણયરંગ દીવાનગી સુધી, ઇશ્કે હકીકી સુધી વિસ્તરે છે. આ કવિને જીવનની, દુનિયાદારીની અને મરણનીય પાકી સમજ છે. થોડા શેર જોઈએ :

‘દુનિયાની વાતો દોરંગી,
હોઠે અમૃત, હૈયે હલાહલ.’

*

‘ન જાણે સમજનું થવા બેઠું છે શું?’
સમજમાં ઊતરી નથી વાત સીધી.’

*

‘ભલે આઘાત પર આઘાત કર પણ જો, ભલી દુનિયા!
ધરે છે ફૂલ ‘ઘાયલ’, સામા આઘાતો નથી કરતો.’

*

‘કળા સમજાય તારી તો જીવન સમજાય માનવનું,
સકળ માનવજીવન પણ છે અકળ તારી કળા જેવું.’

*

‘મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે!’

*

‘જગ શું જાણે પાગલના બિસમાર પહેરણની વાતો,
દુનિયાભરની સુખસમૃદ્ધિ એના ધાગેધાગે છે.’

સામાજિક નિસબતની અને માનવતા વિશેની ગઝલો પણ ઘાયલસાહેબ પાસેથી જ મળે છે. થોડા શેર જોઈએ :

‘ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.’

*

‘ચડી આવે યદિ ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે,
નથી કંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે,
કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે –
અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે!’

*

‘ચડાવ્યા કોઈના ચડિયે નથી એવા અમે મૂરખ,
ધરમના કે ધજાઓના ઇશારે કૈં નથી કહેવું.’

*

‘મેલું ઘેલું મકાન તો આપો!
ધૂળ જેવુંય ધાન તો આપો.’
...
‘મુક્તિનું એને સાજ તો આપો!
આદમીનો અવાજ તો આપો!’

જીવનની અને મૃત્યુની, ખુમારી અને લાચારીની વિસંગતતા તેઓ આમ દર્શાવે છે :

‘નીકળ્યા કરું તો મને જીવ રોકે,
અને દ્વાર મૃત્યુ લગાતાર ઠોકે.’

ગઝલના રૂપ, સ્વ-રૂપ વિશેય આ ગઝલકાર સ-ભાન છે. –

‘અણગમાને અતિક્રમી તે ગઝલ,
ને પ્રણયમાં પરિણમી તે ગઝલ.
...
લીટી એકાદ નીરખી ‘ઘાયલ’,
હલબલી જાય આદમી તે ગઝલ.’

તેઓ પોતાની ગઝલોનાં મૂળ વિશે કહે છે :

‘મીઠાં શમણાં વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.’

એમની ગઝલોના મૂળમાં ગઝલકારનો મિજાજ પણ છે :

‘રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના!’

સ્વામી આનંદ સાથેની એક મુલાકાતમાં અમૃત ઘાયલે પોતાની કાવ્યબાની, કહો કે ગઝલબાની વિશે કહેલું : ‘સાક્ષરી ચીલાઓની ધૂંસરી ન સ્વીકારતાં ગુજરાતી, હિન્દી, ફારસી, સંસ્કૃત કશાનો ટાળો કર્યા વગર જે કોઈ ભંડોળનો શબ્દ હૈયે ચડે કે ઊગે તેને જોતરીને ધસ્યો જાઉં છું... જનતાની જીભે વસે તે શબ્દ સાચો ને નરવો... પ્રજાની જીભે ચડી જાય ને ચલણી થાય તે જ સાચી ભાષા અને એનામાં ઊતરે એટલાં જ એનાં સાચાં જોમ ને ખમીર...’

(ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૫, પૃ. ૨૩૮)

અમૃત ઘાયલે એમની કેફિયતમાંય કહ્યું છે : ‘ત્યારે ગુજરાતી ગઝલમાં શયદા વગેરે ફારસી-ઉર્દૂ એટલે કે ‘હુસ્ન’, ‘ઇશ્ક’ વગેરે શબ્દો પ્રયોજતા. મને તે ખૂંચતું. એટલે મેં મનોમન નિર્ધાર કર્યો કે હું મારી સોરઠી ભાષામાં ગઝલ કહીશ.’

(‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૨૩૯)

વિધિની વક્રતાને આ ગઝલકાર બોલચાલની સાદી બાનીમાં તારસ્વરે ઊપસાવે છે :

‘દુઃખી કેવા છીએ એ વાત જગજાહેર છે સાકી!
છતાં કહેવું પડે છે કે પ્રભુની મ્હેર છે સાકી!’

સૂક્ષ્મ સંવેદનોને તેઓ વ્યંજનાની ધાર કાઢીને ચોટદાર રજૂ કરી શકે છે :

‘પહોંચી હશે મોભને ઠેસ કોઈ,
દીવાલોમાં એમ જ તિરાડો પડે ના.’

*

‘એવો થયો ખમોશી તૂટ્યાનો અવાજ કે,
વીજ આવતીક વળગી પડી મુજને ધાકમાં.’

અવનવા રદીફ પાસેથી આ કવિએ સફળતાપૂર્વક કામ લીધું છે. જેમકે, ‘માણસ છું’, ‘બેઠા છે’, ‘આદમી છઈએ’, ‘દોડતા આવ્યા’, ‘મને ગમે છે’, ‘રાત તો જુઓ!’, ‘લિજ્જત છે’, ‘ફૂલ વેરાયાં’, ‘જેવી જેની મોજ’, ‘લે!’, ‘જીવ્યો છું’, ‘ધનેડાં તો જુઓ’ વગેરે. ‘હરેડ બંધાણી’, ‘કચ્છનું પાણી’, ‘ધનેડાં’, ‘રાત તો જુઓ!’ જેવી વિલક્ષણ કાવ્યકૃતિઓ પણ ઘાયલસાહેબ પાસેથી મળી છે.

આ કવિ, શાયર શું શું કરી શકે છે?! તોકે :

‘અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;

આ મારી શાયરીયે સંજીવની છે ‘ઘાયલ’,
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું.’

સંજીવની સમી ગઝલો, કાવ્યો આપનાર ઘાયલસાહેબને સો સો સલામ.

તા. ૩-૯-૨૦૨૪
– યોગેશ જોષી
 

***