કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/કૈં નથી કહેવું
Jump to navigation
Jump to search
૨૩. કૈં નથી કહેવું
છીએ દરવેશ આજે, કોના દ્વારે કૈં નથી કહેવું,
પડ્યા છીએ અમે કોના પનારે, કૈં નથી કહેવું.
વિચારે કે ફરીથી ના વિચારે, કૈં નથી કહેવું,
પધારે કે હવે એ ના પધારે, કૈં નથી કહેવું.
હશે જે કૈં કહેવું, ટૂંકમાં ચહેરો કહી દેશે,
કહે છે મૌન એનાથી વધારે કૈં નથી કહેવું.
કરી સંધ્યાએ કેવી? રાત જેવી રાત ક્યાં વીતી!
કહેવાનું ઘણું છે પણ સવારે કૈં નથી કહેવું,
હશે કહેવા સમું કૈં તો જઈ મઝધારમાં કહેશું,
હજી તો આ કિનારો છે, કિનારે કૈં નથી કહેવું.
ચડાવ્યા કોઈના ચડિયે નથી એવા અમે મૂરખ,
ધરમના કે ધજાઓના ઇશારે કૈં નથી કહેવું.
કહેવાના પ્રકારો આમ તો, ‘ઘાયલ', હજારો છે,
પરંતુ સૌ કહે છે એ પ્રકારે કૈં નથી કહેવું.
(આઠોં જામ ખુમારી, પૃ. ૩૫૨)