કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/તલ તિલક લટ તખત...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૯. તલ તિલક લટ તખત...

તલ તિલક લટ તખત મુગટ શું છે?
આ ગુપત શું છે આ પ્રગટ શું છે?

હોય જે સિદ્ધ એ જ જાણે છે,
દૂર શું છે અને નિકટ શું છે?

તેં નથી કેશની તથા જોઈ,
આજ અંધાર શું છે પટ શું છે?

લાટ કન્યાઓ જોવા આવે છે,
એક લાડી છે એની લટ શું છે?

ડૂબવાની ન છૂટ તરવાની....
તો પછી સિંધુ શું છે તટ શું છે?

જૂઠ ને પણ હું સાચ માનું છું,
મારી જાણે બલા કપટ શું છે?

વહેલા મોડું જવું જ છે તો રામ!
શી ઉતાવળ છે એવી ઝટ શું છે?

કોઈ પણ વેશ ભજવે છે માનવ,
એ નથી જો મહાન નટ શું છે?

અંત વેળા ખબર પડી ‘ઘાયલ',
તત્ત્વત: દીપ શું છે, ઘટ શું છે?

(આઠોં જામ ખુમારી, પૃ. ૬૩૧)