કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/મારી ગઝલોનાં બે મૂળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧. મારી ગઝલોનાં બે મૂળ

મીઠાં શમણાં વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.

ઈડા પિંગલા સાથ સુષુમણા,
લઈને ફરું છું તેજ – ત્રિશૂળ.

આશા કહેતાં રાખની ઢગલી,
જીવન કહેતાં ચપટી ધૂળ.

પીડ મહીં પણ એમ હસું છું,
જાણે ગયો છે રોગ સમૂળ.

દોષ નથી સંજોગ તણો કંઈ,
થાવું’તું જિવતરને ધૂળ.

સ્વર્ગ મહીં સંસારના સોગન,
મુજને નહીં આવે અનુકૂળ.

જાત-અનુભવથી સમજાયું,
પુણ્ય સ્વયં છે પાપનું મૂળ.

ફાલી ફૂલી રહેશે ‘ઘાયલ’!
ગઝલોનાં છે ઊંડા મૂળ.

૨૮-૨-૧૯૫૩ (આઠોં જામ ખુમારી, ૧૯૯૪, પૃ. ૧૦૧)