કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/મેં આ ઘૂંટ ભર્યો, લે!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૨. મેં આ ઘૂંટ ભર્યો, લે!

એવી જ છે ઇચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે!
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે!

લઈ પાંખ મહીં એને ઉગારી લે પવનથી,
સળગે છે હજી દીપ નથી સાવ ઠર્યો, લે!

તક આવી નિમજ્જનની પછીથી તો મળે ક્યાં,
આ આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે!

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે!

સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે!

કેમે ય કરી ડૂબ્યો નહીં જીવ અમારો,
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે!

'ઘાયલ' ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી!
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે!

ઑગસ્ટ, ૧૯૩૩+૧(આઠોં જામ ખુમારી, પૃ. ૪૧૫)