કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧૦. બળતાં પાણી
Jump to navigation
Jump to search
૧૦. બળતાં પાણી
નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી.
ઘણું દાઝે દેહે, તપી તપી ઊડે બિંદુ જળનાં.
વરાળો હૈયાની પણ મદદ કૈં ના દઈ શકે.
જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.
અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપિયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.
કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું?
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્હે!
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?
સિંહગઢ, ૭-૫-૧૯૩૩
(સમગ્ર કવિતા, પૃ. ૧૦૦)