કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧૪. દૂર શું? નજીક શું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪. દૂર શું? નજીક શું?

છોને છોડે એ ભૂમિના કિનારા,
          ને શહેરના મિનારા,
                    કે હોડીને દૂર શું? નજીક શું?

એક વાર સઢ ભર્યા ફૂલ્યા,
          ને વાયરા ખૂલ્યાં,
                    કે હોડીને દૂર શું? નજીક શું?

સામે આભના તે આગળા ખૂલે,
          ને પંથ નવા ઝૂલે,
                   કે હોડીને દૂર શું? નજીક શું?

એના પહોળા પાલવ દૂર ફરકે,
          ને ઝીણું ઝીણું મરકે,
                   કે હોડીને દૂર શું? નજીક શું?

કદી કુદી દે તારલીને તાલી,
          હસંત મતવાલી,
                   કે હોડીને દૂર શું? નજીક શું?

કદી ઝંઝાને વીંજણે રમંતી,
          તૂફાને ભમંતી,
                   કે હોડીને દૂર શું? નજીક શું?

એ તો સરખાં-સમોવડાંને ભેટે,
          ત્રિકાળને ત્રિભેટે,
                   કે હોડીને દૂર શું? નજીક શું?

આજ બીજકલા દેખીને ઊપડી,
          પૂનમ એની ઢૂકડી,
                   કે હોડીને દૂર શું? નજીક શું?

એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું,
          બાકી ન કાંઈ રાખ્યું,
                   કે હોડીને દૂર શું? નજીક શું?

છોને છોડે એ શહેરના મિનારા,
          ને ભૂમિના કિનારા,
                    કે હોડીને દૂર શું? નજીક શું?

૨૮-૧૧-૧૯૩૪
(સમગ્ર કવિતા, પૃ. ૧૩૩)