કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૨૦. વાંસળી વેચનારો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૦. વાંસળી વેચનારો

– ‘ચચ્ચાર આને!
હેલી અમીની વરસાવો કાને!
ચચ્ચાર આને!
હૈયાં રૂંધાયાં વહવો ન શાને?'
– મીઠી જબાને લલચાવી હૈયાં
રસે પૂરા કિંતુ ખીસે અધૂરા
શ્રમીણ કોને અમથું રિબાવતો
બરાડતો જોસથી બંસીવાળો.

ઘરાક સાચા સુણવા ન પામે
વેગે જતી ગાડી મહીં લપાઈ જે
બંસી સુણંતા પ્રણયોર્મિગોષ્ઠિની.
‘ચચ્ચાર આને!'
ના કોઈ માને
અને ખભે વાંસળી-જૂથ એનું
થયું ન સ્હેજે હળવું, ભમ્યો છતાં.

‘ચચ્ચાર આને!
લો, ને રમો રાતદી સ્વર્ગ-તાને!'
– ‘ચચ્ચાર આને?'
– ‘દે એક આને!'
‘ના, ભાઈ, ના, ગામ જઈશ મારે,
છો ના ખપી! ઈંધણથી જશે નહીં.
ચચ્ચાર આને! બસ ચાર આને!!’

પાછાં વળંતાં, પછી જૂથમાંથી
ખેંચી મજાની બસ એક બંસી,
આષાઢની સાંજની ઝર્મરોમાં
સુરો તણાં રંગધનુ ઉડાવતી
એણેય છેડી ઉરમાંથી ઝર્મરો.

જીવંત આવી સુણી જાહિરાત, કો
બારી મહીંથી જરી બ્હાર ઝૂકતી,
બોલાવતી તાલીસ્વરેથી બાલા.

હવે પરંતુ લયલીન કાન,
ઘરાકનું લેશ રહ્યું ન ભાન.

મુંબઈ, ૨૨-૬-૧૯૩૫
(સમગ્ર કવિતા, પૃ. ૧૯૬)