કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૫. તૃણનો ગ્રહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫. તૃણનો ગ્રહ

ઉશનસ્

આને વળી કોણ કહે ‘માટી’?
આ તો નર્યા તૃણતણો ગ્રહ મસૃણ!
ક્યાંય જરા કોરી નથી પાટી
તૃણ... એકમાત્ર તૃણ!
શિશુલખી રેખ જેવી કેડી જરા વાંકી
તૃણલિપિ લખવા જ હશે અહીં આંકી,
વૃક્ષતણા વચ્ચે વચ્ચે ગોળાકાર
તે તો જાણે—શિશુલીલા—લીલા લીલા અનુસ્વાર!
તૃણ તણી શિશુલિપિ
થોડી હજી અનઘડ—અણચીપી;
ધરા નભતણું કેવુંય તે અમી હશે ગઈ પી
(કેવી હશે ઉગ્ર પ્યાસ!)
કે નીકળ્યો જે તૃપ્તિતણો ઓડકાર ‘હાશ’,
તે જ તો આ લીલું લીલું ઘાસ!
ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે પલ્લવોમાં નીતર્યો છે
અનાવિલ અવકાશ
તે તો જાણે વચ્ચે વચ્ચે ગૂંથી લીધા
નાના નાના નીલમણિ
અને આજુબાજુ અણસીમ પોખરાજી ફ્રેમ મઢી
તૃણતણી!

૧૧-૮-૬૨

(સમસ્ત કવિતા, પૃ. ૨૬૭-૨૬૮)