કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૭. મોક્ષ
Jump to navigation
Jump to search
૧૭. મોક્ષ
ઉશનસ્
ગમ્યા તે ચ્હેરાઓ ઉપર નયનો ભીડ રચતાં,
અશી ચ્હેરે ચ્હેરે મુજ જીવનયાત્રા વિકસતી;
અકેકાપે આખો ઠલવઈ જતો લાગણીઘટ,
ક્યહીંથી — ના જાને — અતલ અમીના કોક કૂપથી
ભરાઈ આવે જ્યાં ઉપર ઘટ પાછો છલકતો.
તદા સામે ચ્હેરો પણ અવર તૈયાર વળી કો!
ભરાતો ઠલ્વાતો મુજ હૃદયનો રેંટ ફરતો;
જતો લૂંટાવંતો વદનવદને જન્મશતકો
તણી ભેગી પ્રીતિ — અશીવિધ હું જન્મો ખૂટવતો
બને કે આ જન્મે જઉં હું ભવના ચક્રથી છૂટી;
ચહ્યા ચ્હેરાઓની ગણતરીથી માપું મુજ ગતિ,
નથી મારે માટે અવર વળી કો મોક્ષની રીતિ.
મુમુક્ષુ તો મારા હૃદય! ચલ, આ પંથ વહીએ,
મળ્યા જે બે ચ્હેરા અધિક અહીં તે ચાહી લઈએ.
૧-૪-૬૨
(સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૭૩)