કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૨. હું મુજ પિતા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૨. હું મુજ પિતા!

ઉશનસ્

અરે, આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવો;
હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો,
હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું;
બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની,
અશા કૌતુકે, કો અપરિચયથી જોઈ રહું કૈં;
પ્રવાસી વસ્ત્રોને પરહરી, જૂનું પંચિયું ધરું
પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું;
પછી નાહી, પ્હેરું શણિયું કરવા દેવની પૂજા.

અરીસે જોઉં તો જનક જ! કપાળે સુખડની
ત્રિવલ્લી, ભસ્માંકો! અચરજ! બપોરે સૂઈ ઊઠ્યો.
—પિતાજીની ટેવે! —અશી જ પ્રગટી પત્રની તૃષા!

સૂતો રાત્રે ખાટે જનકની જ, રે ગોદડુંય એ!
નનામીયે મારી નીરખું પછી — ને ભડ્ભડ ચિતા,
રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા!

૨૨-૨-૬૧

(સમસ્ત કવિતા, ‘પૂ. બાપા જતાં—’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૯-૨૯૦)