કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૦. તૃણ અને તારકો વચ્ચે
ઉશનસ્
ઘણીય વેળા
જાગી જતાં માઝમ રાતના મેં
જોયા કર્યો સ્ફટિક નિર્મલ અંધકાર,
ઘણા ઘણા તારક — ઓગળેલો,
તો સત્ત્વશો ચેતન વિસ્ફુરંત,
પૃથ્વીતણી પીઠ પરે ઊભા રહી;
ભૂપૃષ્ઠ ને વ્યોમ વચાળ
કો વસ્ત્ર શો ફર્ફરતો વિશાળ
અડ્યા કરે ઝાપટ જેની રેશમીઃ
અંધાર મેં અનુભવ્યો કંઈ વેળ પૃથ્વી પે
રોમાંચના સઘન-કાનન-અંતરાલમાં
વાયુતણી લહરી શો મૃદુ મર્મરંત.
આકાશના તારકતાંતણા ને
ધરાની તીણી તૃણપત્તીઓથી
વણાયલું વસ્ત્ર જ અંધકાર આ;
મેં જોયું છે ઘણીય વાર અસૂરી રાતે
કે તારકો ઝૂકત છેક નીચે ધરાપે,
રે કેટલાય પડતા ખરી, ઝંપલાવતા
આ તૃણની ટોચ વડે વીંધાઈ જૈ
પ્રોવાઈ
મોતી થવા, સૂરજ તેજનું પીણું
પીવા,
જેને તમે ઝાકળ ક્હો પ્રભાતે—
—ને જોઈ છે મેં તૃણપત્તીઓને
ઊંચે ઊંચે વધતી આભ-પીઠે વવાઈ
(આકાશમાંયે ધરતીતણું ધરુ! —)
તારાતણું ખેતર થૈ ફળી જવા.
તારાતણાં કણસલાં કંઈ મેં દીઠાં છેઃ
ને જોયું છે મેં મુજમાં રચાતું
માટી અને તેજનું ચક્રવાલ કો
લીલી અને ઉજ્જ્વલ ઝાંયવાળું!
મેં અંધકારે મુજને દીઠો છે
કાયાહીણા કેવળ પારદર્શક
આ તારકો ને તૃણને જવા’વવા
કો સૂક્ષ્મ સંવેદનશીલ માધ્યમ,
કો સ્તંભ ટ્રાન્સ્મીટરનો સીમમાં ઊભેલ!
ત્યારે મને કશુંક ભાન ઊંડું ઊંડું થતુંઃ
જાણે હું કોઈ ગ્રહ છું તૃણ-તારકોનો
આ આભ ને અવનીની અધવચ્ચ ક્યાંક,
જાણે
હું તારકો ને તૃણની બિચોબિચ,
છું તારકો ને તૃણથી ખીચોખીચ!
૧૩-૧૨-૬૪
(સમસ્ત કવિતા, ‘અનહદની સરહદે’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૪૩-૩૪૫)