કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૪. છાલક વાગી રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૪. છાલક વાગી રે

ઉશનસ્

છાલક વાગી રે છોગાળા, તાર છંદની રે,
છોળ જે ઊઠેલી સામે છોર;
છોળ જે ઊઠેલી જળબંબોળ;
માળા થૈ તૂટી રે આ તટ બુંદની રે.

ઢોલક ઢમક્યું રે છોગાળા, તારા રાસનું રે,
હાં રે, એ તો ઢમક્યું આખીયે રાત,
હાં રે, એ તો ઢમક્યું ને ચમકી જાત,
તોરણ લટક્યું રે છોગાળા, મારા શ્વાસનું રે.

ઝાંઝર ઝણક્યું રે છોગાળા, તારા તાલમાં રે,
ઝણક્યું એ તો સો સો ઘૂઘરીઓને બોલ,
ઝણક્યું એ તો સો સો ઘુમ્મરીઓએ ગોળ,
ઝણકું હુંયે છોગાળા મુંને ઝાલ મા રે.

૧૯૯૨

(સમસ્ત કવિતા, પૃ. ૮૬૦)