કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/કવિ અને કવિતાઃ કૃષ્ણલાલ શ્રીધરાણી
ગાંધીયુગના કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ તા. ૧૬-૯-૧૧ના રોજ ઉમરાળા (જિ. ભાવનગર)માં થયો હતો. પિતા જેઠાલાલ નાગજીભાઈ વકીલ હતા. માતા લહેરીબહેન. તેઓ ધર્મપરાયણ હતાં. શ્રીધરાણીએ આઠ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. આથી ભણવા માટે મામાને ત્યાં ગયા. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં. તેમના મામા જૂનાગઢની અશ્વશાળામાં મॅનેજર તરીકે સેવા આપતા. આથી શ્રીધરાણી ઘોડેસવારીમાં પારંગત થયા. શ્રીધરાણીનાં માતાએ ગાંધીજીની રાષ્ટ્રીય ચેતનાનો પ્રભાવ ઝીલ્યો હતો. તેમણે બાળક શ્રીધરાણીને રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કરવા જવાનો આદેશ કર્યો. અગિયારમા વર્ષે તેમને દક્ષિણામૂર્તિ વિનયન મંદિર, ભાવનગરમાં દાખલ કર્યા. અહીંનું છાત્રાલય તેમને માટે ‘બીજું ઘર’ બન્યું. અહીં માધ્યમિક શિક્ષણ મેળવ્યું. ચૌદમા વર્ષે – ૧૯૨૫માં તેમનાં માતાનું અવસાન થયું. શ્રીધરાણી ૧૯૨૯માં અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ માટે જોડાયા. અહીં કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ. રા. વિ. પાઠક, કમળાશંકર પંડ્યા, શ્રીરંગ અવધૂત, સ્નેહરશ્મિ સુન્દરમ્ જેવા અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને ગાંધીજીના અંતેવાસીઓ મળ્યા. તેઓએ સાથે મળીને કેળવણીની પ્રવૃત્તિ અને સાહિત્યસાધના શરૂ કરી. ૧૯૩૦માં સત્યાગ્રહની લડત ઉગ્ર બની. ૧૨મી માર્ચ, ૧૯૩૦ની ઐતિહાસિક દાંડીકૂચમાં ૭૯ સૈનિકોમાં શ્રીધરાણી પણ હતા. ધારાસણા જતાં સ્વાતંત્ર્યસેનાનીઓની ધરપકડ થઈ. શ્રીધરાણીને ત્રણ માસની કારાવાસની સજા થઈ. પહેલાં સાબરમતી અને પછી નાસિક જેલમાં. નાસિકની જેલમાંથી દેખાતા વડને જોઈને તેમણે ‘વડલો’ (૧૯૩૧) નાટક લખ્યું. તેમણે ત્યાં જ ‘ઇન્સાન મિટા દૂંગા’ (૧૯૩૨) કથા લખી. જે સરકારે જપ્ત કરેલી. વિદ્યાપીઠ છોડી ૧૯૩૧માં વિશ્વભારતી – શાંતિનિકેતન, કોલકાતામાં અભ્યાસ માટે ગયા. સ્નાતક થયા. ૧૯૩૪માં તેમના એક અમેરિકન શિક્ષક અને રવીન્દ્રનાથ ટાગોરની સલાહથી તેઓ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા. ૧૯૩૫માં સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના વિષયો સાથે ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑફ જર્નાલિઝમમાંથી એમ.એસ. થયા. એ જ યુનિવર્સિટીમાંથી ૧૯૪૦માં પીએચ.ડી. થયા. ૧૯૪૫માં તેમણે ‘અમૃત બાઝાર પત્રિકા’ માટે લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં ભારત પાછા ફર્યા. તેઓ જવાહરલાલ નહેરુના મંત્રાલયમાં ખાસ ઑફિસર તરીકે નિયુક્ત થયેલા. ત્યાં થોડો સમય કામ કરીને તેઓ ‘અમૃત બાઝાર પત્રિકા’માં જોડાયા. જીવનના અંત સુધી ત્યાં જ સેવાઓ આપી. ‘Discovery of India’ પર આધારિત એક નૃત્યનાટિકાના મંચન સમયે દયારામ ગીદુમલનાં પુત્રી સુંદરીદરી બહેન સાથે પરિચય થયો. પરિચય લગ્નમાં પરિણમ્યો. તેમને બે સંતાનો – પુત્ર અમર અને પુત્રી કવિતા. શ્રીધરાણીને ૧૯૫૮નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ૨૩ જુલાઈ ૧૯૬૦માં અકાળે અવસાન થયું.
જૂનાગઢમાં અભ્યાસ માટે ગયેલા શ્રીધરાણીને પ્રકૃતિનો સીધો અનુભવ થયો. ગિરનારના ગીચ જંગલ અને પર્વતમાળાના પ્રદેશમાં તેમને સ્વર્ગનો અનુભવ થતો. તેમને ચિત્રો દોરવાનો અને રમકડાં બનાવવાનો રસ જાગ્યો. જૂનાગઢમાં વસવાટ દરમિયાન મુસ્લિમ ચોકિયાતો પાસેથી તેમણે અરેબિયન નાઇટ્સ અને દાદીમા પાસેથી રામાયણ, મહાભારત અને વીર વિક્રમનાં પરાક્રમોની કથાઓ સાંભળવા મળી. દાદીમા પાસેથી સાંભળેલી વાતોએ જ એમને કલ્પનામય સર્જનાત્મક જગતમાં પ્રવેશ કરાવેલો. દક્ષિણામૂર્તિમાં ચિત્રકામ કરવાની તકો મળી. સોમાલાલ શાહ જેવા ચિત્રકાર મિત્ર મળ્યા. શ્રીધરાણી શરૂઆતમાં રેખાચિત્રો દોરતા. તેની પ્રેરણા તેમને દક્ષિણામૂર્તિના રવિભાઈ અને કનુભાઈ પાસેથી મળેલી. આથી તેઓ ચિત્રાંકન તરફ વળેલા. આમ ચિત્રકળાથી કાવ્યકળા તરફ વળેલા શ્રીધરાણી લખે છેઃ ‘કુમળી અભિલાષા હતી તો ચિત્રકાર થવાની. નાનપણ ગિરનારની તળેટીમાં ગાળેલું – પપૈયાનાં છાયાચિત્રો દોરતા અને ખાપરા કોડિઆ કેવા હશે એની કલ્પના કાગળ ઉપર ઉતારતા. મોટામાં મોટો કાગળ મળે તેના ઉપર નવાબસાહેબની સવારી ચીતરાતી.’ લગભગ બારેક વર્ષની વયે શ્રીધરાણીએ એક રાસ લખ્યો. જે અભિનય સાથે રજૂ થયેલો. આ સમયમાં જ તેમણે એક કાવ્ય લખ્યું. એ કાવ્ય વાંચીને તેમના ગુજરાતીના શિક્ષક ખૂબ જ ખુશ થઈ ગયા. તેમણે તે કાવ્ય ‘કુમાર’માં મોકલ્યું. કાવ્ય ‘કુમાર’માં છપાયું. અહીંથી જ શ્રીધરાણીની કાવ્યયાત્રાની શરૂઆત થઈ. આ સંદર્ભમાં શ્રીધરાણીએ લખ્યું છેઃ ‘પછી તો રેખા જડે તે પહેલાં તો શબ્દ સ્ફુરે અને રંગ પહેલાં અર્થ પરખાય. ધીમે ધીમે ચિત્રો ચીતરવાનું નેવે મુકાયું અને કવિતાનાં ટાઢાં ટબૂકલાં શરૂ થયાં. મારા ગીત-ગંગોત્રીનો ઊગમ – આમ જીવનના પરોઢની જેમ અસ્પષ્ટ છે.’ આમ શ્રીધરાણી કવિતા તરફ વળે છે. તેમની કવિતા ‘કુમાર’. ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’ વગેરે સામયિકોમાં પ્રગટ થવા લાગી. તેમનો કાવ્યપ્રવાહ પુરજોશમાં વહેવા લાગ્યો. ૧૯૩૪માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ પ્રકાશિત થયો. તેમાં તેમણે કવિતાને બે ભાગમાં વહેંચી છે. એક તો, ‘પહેલી અટારી’ શીર્ષક હેઠળ ગાંધીજી અને ગૂજરાત વિદ્યાપીઠના સૈનિક તરીકેની ભૂમિકા દરમિયાનના કાવ્યો છે. જ્યારે ‘બીજી અટારી’ વિભાગમાં રવીન્દ્રનાથ અને શાંતિનિકેતનના સાન્નિધ્યમાં રચાયેલાં કાવ્યો છે. જોકે ‘કોડિયાં’ની સંવર્ધિત આવૃત્તિ ૧૯૫૭માં પ્રગટ થઈ. તેમાં તેમણે પહેલી, બીજી અટારી શીર્ષકો કાઢી નાખ્યાં છે. એ પછી ૧૯૬૧માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘પુનરપિ’ – મરણોત્તર કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો. શ્રીધરાણીએ કવિતા ઉપરાંત નાટકો, બાળનાટકો, વાર્તાઓ લખ્યાં છે તો પત્રકારત્વમાં તેમની પ્રતિભા ખીલી ઊઠેલી. અંગ્રેજીમાં પણ તેમણે મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે.
સૌંદર્યાનુરાગી કવિશ્રી શ્રીધરાણી વિશે કવિશ્રી ઉમાશંકર જોશીએ લખ્યું છેઃ ‘૩૦ના ગાળાના અપૂર્વ ચેતન-સ્પંદનની સાથે ગુજરાતમાં અનેક કવિકંઠ ખીલ્યા, તેમાં સાચી કવિતાનો રણકો જેઓના અવાજમાં વરતાતો હતો તેઓમાંના એક હતા શ્રીધરાણી. સુભગ શબ્દવિન્યાસ તાજગીભર્યો લયહિલ્લોળ, સુરેખ ચિત્ર ખડાં કરતાં ભાવપ્રતીકો – આદિ દ્વારા શ્રીધરાણીની રચનાઓમાં જે અનાયાસ કલાસૂઝ પ્રગટ થતી તે કદાચ અજોડ હતી.’ શ્રીધરાણીની કવિતામાં ‘સાચી કવિતાનો રણકો’ સાંભળનાર ઉમાશંકર જોશી શ્રીધરાણીની કવિતાનાં ત્રણ લક્ષણો તારવી બતાવે છે– ‘એક તો કમનીય રસોજ્જ્વલ પદાવલિ (diction), બલકે કાવ્યદેહની કીટ્સની યાદ આપે એવી ઇન્દ્રિયગ્રાહ્યતા (Sensuousness); બીજું, બુલંદ ભાવનામયતા; અને ત્રીજું જીવનના વાસ્તવની સહજ પકડ, આ તત્ત્વો વડે શ્રીધરાણીનો કાવ્યપિંડ આગવી રીતે જ ઘડાયો છે. અને અનોખું સૌંદર્ય સિદ્ધ કરી શક્યો છે.’ પ્રકૃતિ, પ્રણય, અધ્યાત્મભાવ, રાષ્ટ્રપ્રેમ, જોમ, જુસ્સો દલિતો-પીડિતો અને શોષિતો માટેની અનુકંપા વગેરે વિષયોનું શ્રીધરાણીની કવિતામાં નિરૂપણ થયું છે. છતાં તેમની કવિતાનું સૌંદર્ય કે કલાત્મકતા ક્યાંય જોખમાતાં નથી. છંદ, લય, ભાવ, ભાષા, પ્રતીકો સાથે તેમની કવિતામાં સહજ રીતે શબ્દચિત્રો કંડારાતાં જાય છે – આલેખાતાં જાય છે. ‘મોનાલિસાનું સ્મિત’ કાવ્યની શરૂઆતમાં કવિ મોનાલિસાને કહે છેઃ ‘કહું કદીકઃ ગૂઢ મર્મ સ્મિતનો લિસા! મેં ગ્રહ્યો! એ પછી કવિ મોનાલિસાના કમનીય સૌંદર્યનું – તેના પ્રત્યેક અંગનું જીવંત-સુરેખ વર્ણન કરે છેઃ
‘ઠરેલ તુજ ચીતરેલ મુખ તેમ મર્મે હસ્યું !
કપોત તુજ છાતીનું જરીક ઊછળીને લસ્યું !
પ્રદીપશિખ પાતળાં વિકલતા વળ્યાં આંગળાં !
સહસ્રશત વાળની વિકિરતીય સોળે કળા !’
‘સુકાન પર ટેકવી’ સૉનેટમાં દરિયાપાર જતા પ્રિયતમને વિદાય આપવા આવેલી પ્રિયતમાને નીરખતા નાયકનું ચિત્ર જુઓઃ
‘સુકાન પર ટેકવી સબળ વક્ષ, ને હાથની
પડાળ કરી આંખને, કમરથીય નીચા નમી,
પ્રિયે ! નીરખતો હતો ધરણી-પ્રાન્ત ઊભી તને;
હતી અમુલ બે ઘડી જલધિ પાર જાવા મને.’
સહજતાથી નાયક સાદૃશ્ય થાય છે. એ સાથે પ્રિયતમાને જોતાં નાયકની વિરહવ્યથા પણ વ્યક્ત થાય છેઃ
‘અને ત્યહીં દીઠી ઢળેલ તવપોપચે તોરણો
રચી નીતરતી સુધાંશુ સમ મૌક્તિકો પાંપણો,
સરી ગયુંય એક અશ્રુ મુજ નેનથી કારમું,
મહાન, દવલું, ઊનું, અમूલ પ્રેમના સારનું.’
પ્રેમ, વિરહ, પ્રણય, પ્રસન્ન દામ્પત્ય સહજ રીતે જ તેમની કવિતામાં આલેખાયાં છે. ‘ભથવારીનું ગીત’ પ્રસન્નદામ્પત્યજીવનનું કાવ્ય છે. કાવ્યમાં તળપદા શબ્દોના ઉપયોગથી રબારી સમાજનો સરસ પરિવેશ રચાયો છે. પતિને ભાતું આપવા જતી રબારણનું સુંદર ચિત્ર આલેખ્યું છે.
‘સેંથડે સિંદૂરઃ પ્રેમનાં આંજણ
આંજ્યા આંખે મતવારી;
ઢેલડી જેવી હું થનથન નાચું,
આવને મોરલા રબારી રે...’ હુંo
લય, ભાવ, ભાષા દ્વારા રબારણના હૈયાનો ઉમળકો અને પતિને મળવાની તાલાવેલી તાદૃશ્ય થાય છે. રબારણના સોળે શણગાર-ઝાંઝરનો ઝમકાર, ભાલમાં ચમકતી સ્નેહની સિતાર સાંભળી ખેતર ખૂંદી આવનાર પતિનો થાક વિસારે પડી જાય. તો ‘સલામ’ કાવ્યમાં બે પ્રેમીઓની સ્વભાવગત વિષમતા પ્રગટ થાય છે. કાવ્યનાયક તેની પ્રેમિકાને–અભિમાની પ્રેમિકાને ખુમારીથી કહી દે છેઃ
‘સલામ, સખી ! આજથી નવ વદું તને હું કદી,
હવે હૃદયમાં નહિ જ અભિમાન તું રાખતી;
... ... ... ... ... ... ...
... ... ... ... ... ... ...
સલામ, સખી ! છો પડે અગર આંસુડાં આંખથી,
નહીં જ મુજ હાથથી કદીય તેમ લ્હોવાં નથી;’
ઉમાશંકર જોશીએ આ કાવ્યને ‘શ્રીધરાણીની વાસ્તવની સહજ પકડનું પાણીદાર દૃષ્ટાંત’ ગણાવ્યું છે. શ્રીધરાણીની કવિતા આંખ, કાન, નાક, સ્વાદ અને સ્પર્શથી પામી શકાય તેવી ઇન્દ્રિયગ્રાહ્ય છે. પ્રકૃતિના આલંબન સાથે હૈયાના ભાવ, સંવેદનો, ચિંતન વગેરે સાથે કવિતામાં સુંદર સુરેખ ચિત્રો પણ રચાતાં જાય છે. ‘આજ મારો અપરાધ છે રાજા!,’માં જુઓઃ
‘પાંદડે પાંદડે પગલાં સુણું; વાદળે તારી છાંય;
નિભૃત આંબલે કોકિલકંઠમાં વાંસળી તારી વાય.’
નાયકથી કોઈ અપરાધ થયો છે. કદાચ ઊંઘ આવી ગઈ હશે એટલે જ સાક્ષાત્ ઈશ્વર આવીને પાછા ફર્યા છે. નાયકને ઈશ્વર આવીને ગયાનો અણસાર પણ છે. એ એનો સતત અનુભવ પણ કરે છે એટલે જ કહે છેઃ
‘જાણું નહિ! પણ જાગતાં અંગમાં મ્હેકતું તારું કપૂર!’
સ્પર્શ અને સુગંધથી તેનો અનુભવ કરે છે. કાવ્યનાયકમાં ખુમારી છે. એટલે જ ઈશ્વરને પણ એ પડકાર કરે છે. તને કશું જ કહ્યા વિના હું પણ આવીશ હૈયામાં હામ હોય તો તું જાગતો નહીં. ‘ઝંઝાવાત’ કાવ્યમાં સૃષ્ટિનું તાંડવ શરૂ થયું છે. કાવ્યની શરૂઆતમાં જ તાંડવને અનુરૂપ લય સાથે કવિએ સંવાદ રૂપે કાવ્યની શરૂઆત કરી છેઃ
‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ!
ખોલો બારીબારણાં!’
સૃષ્ટિના તાંડવમાં તાલ પૂરવા, સાથ આપવા કવિ માનવીને વીનવે છે. તાંડવમાં પણ પ્રકૃતિનું સુંદર નિરૂપણ આ રીતે કર્યું છેઃ
‘આભ ચંદરવો,
ઝણે સંગીત સાગરતારઃ
પાનખરનાં ઓઢણાં,
ઝંઝાનિલે નિજ નૃત્ય માંડ્યું
પૃથ્વીને પગથારઃ’
સમગ્ર કાવ્યમાં પ્રકૃતિને જીવંત વર્ણવી છે. પૃથ્વી, આકાશ, સાગર, વૃક્ષો, પશુ-પંખીઓ વગેરે આ તાંડવમાં નાચે છે, ઝૂમે છે, પરંતુ મનુષ્ય...
“પણ માનવી ધડ ધડ કરી
નિજ દ્વાર બારી વાસતાં.”
શ્રીધરાણીની ભાવપૂર્ણ – ભાવવાહી ભાષા, લય, સુરેખ પ્રકૃતિચિત્રો તેમનાં અનેક કાવ્યોમાં જોવા મળે છે. ‘ભરતી’ કાવ્યની શરૂઆત જુઓઃ
‘સહસ્રશત ઘોડલા અગમ પ્રાન્તથી નીકળ્યા,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થા ચડ્યા;’
સમુદ્રની ભરતીની પ્રચંડતા દર્શાવવા કવિએ અશ્વને પ્રતીક રૂપે નિરૂપ્યો છે. તેનો હણહણાટ, ધવલ કેશવાળી, તેના પડછંદ ડાબા વિશ્વભરમાં સંભળાય છે. ભરતી સમગ્ર વિશ્વને – ધરતી, આકાશ સૌને કંપાવે છે તેનું કંપન પણ તાદૃશ્ય થાય છે. પૃથ્વી અને આભ જાણે તૂટી પડશે. ‘સ્વમાન’ કાવ્યમાં જુઓઃ ‘હિમાદ્રિ... આભ અઢેલતો.’ આંખ સામે તાદૃશ્ય થાય છે. ‘પાપી’, ‘સ્વરાજરક્ષક’ અને ‘અવલોકિતેશ્વર’ શ્રીધરાણીનાં કથાકાવ્યો છે. ‘પાપી’ કાવ્યમાં નિહારિકાઓથી શરૂ કરી સમગ્ર બ્રહ્માંડનું વર્ણન કરતાં કરતાં કવિ ગાંભુ ગામ સુધી લાવે છે. ગાંભુ ગામમાં વસતા કાળાભગત અને તેમના દસ ભક્તો બેઠા છે. વાવાઝોડું ત્રાટકે છે. ભયંકર વરસાદ, વીજ, કડાકા થાય છે. સૌ ચિંતામાં પડે છે. વીજળી પડશે તો? ત્યારે ભગત કહે છે, જેણે પાપ કર્યું હશે તેના પર પડશે.’ વીજળીના ખપ્પરમાં હોમાઈ જવાની સૌને ચિંતા છે. ભગતે એક પછી એકને લીમડીને અડવા કહ્યું. સૌ ડરતાં ડરતાં જાય છે અડીને પાછા આવે છે. અંતે ભગત લીમડી તરફ ડોલતા, ધ્રૂજતા જાય છે. ત્યાં કડાકો થયો. સૌને થયું
‘ભગતના રામ રમ્યા કે શું?
પાપી કેરું પારખું તો થયું!’
પરંતુ સનન કરતી વીજળીએ પેલા દશને ભરખી લીધા. સમગ્ર કથામાં બ્રહ્માંડના, પૃથ્વીના, પ્રકૃતિના, પ્રદેશોના ચિત્રોની હારમાળા સરસ રીતે રચાઈ છે. ‘સ્વરાજરક્ષક’માં શિવાજી અને સ્વામી રામદાસના પ્રસંગનું આલેખન છે. પ્રકૃતિ વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. સરસ કલ્પન પ્રયોજ્યું છે. ગતિશીલ ચિત્ર આલેખાયું છેઃ
‘ધીમે સરી શાશ્વત બ્રહ્મચારિણી
ઉષા પ્રસારે ભગવી પ્રભાને;
કર્મણ્યતા પાય વસુંધરાને
સુધા સ્મિતે, ચેતન-દંડ-ધારિણી.’
આ કાવ્યમાં શ્રીધરાણીએ જીવનના વાસ્તવને ઠોસ રીતે રજૂ કર્યું છે.
‘ટીપે ટીપે ખેડૂત સ્વપ્રસેવે;
એ શેલડીમાં રસ મિષ્ટ પૂરે.’
‘અવલોકિતેશ્વર’ કાવ્ય કવિએ તિબિટનો પ્રવાસ કર્યો ત્યારે લખ્યું છે. તેમાં પણ સુંદર ચિત્રો આલેખાયાં છે. ‘સર્જકશ્રેષ્ઠઆંગળા’, ‘ધૂમ્રગાથા’, ‘યુગવણકર’ વગેરે કાવ્યોમાં દલિતો-પીડિતો, શોષિતો પ્રત્યેની અનુકંપા અભિવ્યક્ત થાય છે. તો ‘ગાંધીજીને’ ‘સપૂત’, ‘દાંડીને’, ‘મોહનપગલાં’ વગેરે કાવ્યોમાં ગાંધીજી અને ગાંધીભક્તિ પ્રગટ થાય છે. ‘ગાંધીજીને’ માં
‘દાહભરી આંખો માતાની,
તેનું તું આંસુ ટપક્યું.’
‘મોહન-પગલાં’માં ગાંધીજીનું મહાભિનિષ્ક્રમણ – અમદાવાદ છોડવાનો પ્રસંગ રજૂ કર્યો છે. શ્રીધરાણી ચૌદ વર્ષ પછી સ્વદેશ પાછા ફર્યા. ત્યારપછી તેમણે ‘આઠમું દિલ્હી’, ‘ઘરજાત્રા’, ‘શેતૂર અને પોપટ’, ‘બુદ્ધનું પુનરાગમન’ વગેરે કાવ્યો લખ્યાં છે. ‘ઘરજાત્રા’માં કવિએ પરદેશના વિવિધ અંગત અનુભવોને નિરૂપ્યા છે.
‘યાત્રા કેરો અંત જણાયો,
સર્વ જીત્યો એવું જ્યાં થાય;
સાત સમુંદર ઓળંગેલી
કવિતાની કેડી પરખાય.
કમાન જેવો દેહ પાતળો,
પકડું, પકડું, છટકી જાય;’
કવિતાનો ‘કમાન’ જેવો દેહ કલ્પ્યો છે. તે પણ સરકી જાય છે. પોતે પરદેશથી પાછા આવ્યા એ પછીની વાસ્તવિકતા જુએ છેઃ
‘ઊખડેલા નવ આંબા ઊગે!
ઘરે ઊગેલા આભે પૂગે!’
તેમના સમકાલીનો આગળ વધ્યા છે, પોતે ‘ઊખડેલો આંબો’ છે. ‘આઠમું દિલ્હી’માં ધારદાર શબ્દસંવેદનો રજૂ થયાં છે. ઋજુ શબ્દોને કવિ કટાક્ષ માટે વાપરે છે.
‘સાચું! ભવ્ય થશે ખંડેરો કો દી આ જ
જતન કરી ચણીએ સાચવવા અદકું પ્રાપ્ત સ્વરાજ’
શ્રીધરાણીએ સરસ બાળકાવ્યો લખ્યાં છે. જે આજે પણ તરોતાજાં લાગે તેવાં છે. બાળવયે શ્રીધરાણીએ બાળકાવ્યો લખવાની શરૂઆત કરેલી. ‘કુમાર’ના બાળવિભાગમાં તેમનાં કાવ્યો પ્રગટ થતાં. તેમનાં બાળકાવ્યોમાં ઉખાણાં, અભિનય ગીતો, પ્રાર્થના, આરતી, હાલરડું એ પ્રકારનું વૈવિધ્ય છે. ‘કૂકડાનું ગીત’ આજે પણ એટલું જ તાજ્જું લાગે છેઃ
‘અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !’
‘ચાડિયાનું ગીત’ સરસ અભિનય ગીત છેઃ
‘ઊડો કાબર, ઊડો ચકલાં,
ઊડો મેના પોપટ મોર;
હું આ ખેતરનો રખવાળો,
સઘળાં પેઠાં ક્યાંથી ચોર?’
બાળસહજ લય ઢાળમાં રચાતી કવિતાઓ પ્રકૃતિસૌંદર્ય પણ સહજ રીતે આલેખાયું છે. જુઓ ‘શુક્ર’ કાવ્યમાં ઉખાણાના લય સાથે સંધ્યાથી ઉષાના આગમન સુધીનું રાત્રિ સૌંદર્ય સરસ રીતે ચિત્રબદ્ધ કર્યું છે. અંતે ‘શુક્ર’ તો કેઃ
‘ઉષા તણી નથડીનું નંગ’
‘એક ફૂલખરણી’, ‘પાંચીકા’, ‘હું જો પંખી હોત’, ‘પતંગિયુ ને ચંબેલી’ વગેરે કાવ્યો બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે, પ્રકૃતિની ઓળખ થાય તેવાં છે. ‘હું જો પંખી હોત’માં બાળકના કલ્પના વિશ્વ – સાથે સમગ્ર નભોમંડળનો પરિચય શ્રીધરાણી બાળકોને કરાવે છે. ‘પતંગિયું ને ચંબેલી’માં કવિએ કેટલું સરસ કલ્પન રજૂ કર્યું છેઃ
‘પતંગિયું ને ચંબેલી !
એક થયાં ને બની પરી !’
‘હાથરસનો હાથી’ કાવ્યમાં સાત પૂંછડિયાળા ઉંદરની બાળવાર્તાને સરસ રીતે કાવ્યમાં ગૂંથી છે.
કવિશ્રી શ્રીધરાણીનું કાવ્યવિશ્વ સ્વાનુભૂતિમાંથી સર્જાયેલું છે. સહજ રીતે જ તેમાં લય, ભાવ, ભાષા, પ્રકૃતિસૌંદર્ય અને જીવનનું વાસ્તવ આલેખાયું છે.