કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૨૩. વર્ષામંગલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૩. વર્ષામંગલ

અંધારી રાતમાં વાદળી ટબૂકે,
માંહી માંહી વીજળી વાંકી વળે;
ટાઢા શરીરના એકલ આવાસમાં,
ઉરની પારેવડી આજ કકળે.
ફાટ ફાટ થાતાં સામાં સરોવર,
નદીઓનાં નીરમાં ધોધવા દડે;
દિલના દરિયાવની માઝા મુકાવી,
કોળ્યાં કદંબ બે હેલે ચડે !
આજ અભિસાર શો વર્ષાએ આદર્યો,
વાદળે વાદળે પગ આથડે;
અંગ અંગમાંથી ઊઠે અવાજ સો
અંતરના બેટમાં પડઘા પડે.
પાંદડે પાંદડે વિજોગની વાતડી,
નેવલે નેવલે આંસુ ઢળે !
ઊંચેરા ગોખમાં વેણી સમારતી,
મનડાનું માનવી ક્યારે મળે?

(કોડિયાં, પૃ. ૧૧૮)