કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૧૯. સેઝાન્નને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯. સેઝાન્નને

તમે પડછાયાને પલાળી પાતળા કરી નાખો છો,
ડુંગરા અને આકાશ વચ્ચેનું અંતર ઓગાળી નાખો છો,
કૂંડાં, પ્યાલા અને બાટલીઓમાંથી
પદાર્થ અને પ્રવાહી અચૂક ઢોળી નાખો છો.
તમારી આકૃતિઓને પહેરાવો છો ગાભા,
એમની વાચાને તાળું મારી
તમે છરી પર ચોંટેલા રંગમાં ઊતરી જવાની ઇચ્છા કરો છો
પણ તમે એ કદી કરી શકવાના નથી એની તમને ખાતરી છે.
લપેડામાં માંસનો અણસાર
ઉમેરી દીધાની લાગણીથી તમે સંતોષાવ છો
છતાં
પ્રકૃતિને પદાર્થમાં વટલાવ્યા પછી
તમારું નામ હોલવવાનું ભૂલતા નથી.

૧૯૬૦
(અથવા અને, પૃ. ૫૦)