કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૩૧. રેસિડેન્સીમાં વરસાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧. રેસિડેન્સીમાં વરસાદ


ઢળતા ઢળી
ગળતા ગળી
નીતરી આખી
ધારેધારે સોંસરી
ને ઓગળી
આ સાંજ.
ઘર સજગ અડગ ધરી સીનો ખડું,
ધોળી ધાર ધરાર ઝીંકે વા૨ ૫૨ વા૨
જળે જર્જરિત દ્વા૨બાર આરપાર
ભીંત ઘરડી કણસતી
ચડે તિરાડ પર તિરાડ,
ચૂનો વ૨સે ચોધા૨.
દોઢ સૈકો આથેલી
અંગરેજી સાંજ
ઝમી, ટપકી, રેલાઈ રેલે
ઢળી ગૂંચળે તપેલીમાં, ડોલમાં, શણિયે શોષાઈ.
વીજમાં વાદળ લપેટી
નેવે નીતરતી રાત ઊતરી
આકાશ આખું છાપરે લૂંબ્યું પલકમાં
ને
પૂલ તૂટ્યા, પાળ ભાંગી, ધણ બધાં ભાગ્યાં ભુરાટાં
ચર્મબંધોના થયા ચીરા.
નીંગળતું ઘર
લૂમતું આકાશ બથમાં લઈ ઘડી ઊભું
અને પળવારમાં
ફફડાવતું ઊડ્યું, ગયું ઓ પા૨, ઓ પાર...

વરસાદ વધતો જાય છે
અને રસ્તાઓ ભૂંસાતા જાય છે
પહેલાં તો નેવાંની ધારે ધારે
ક્યાં ક્યાં નીકળી જવાતું
એકતાળીસ વરસના આટાપાટામાં
રેલાની જેમ ઊતરી પડાતું.
હજુ આ ઉનાળે જ
ઉંબરો ઓળંગતાં ઓળંગતાં
આંખો ઓગળી ગઈ’તી અંજાશમાં
વહેલી વયનું એક સરોવર ઉલેચાઈ ગયું હતું
સળગતી દીવાસળીઓ જેવી અસંખ્ય સાંજ
ખરતી રહી’તી
એના તિખારા ક્યાં ક્યાં ઊડ્યા હતા!
સામેના લીમડા પાછળ
ઊગતી જુવાનીનો વંડો ઊભો થયો'તો
બાળપણનું કીડિયારું ઊભરાયું’તું.
હમણાં હમણાં ખાલી વળે છે
છાતી પરના સફેદ વાળ જેવું
શરીર
જોડા પહેરતાં પગમાં ઊતરી પડે છે
પલંગ પર સળ જેવું સૂઈ રહે છે

વરસાદ વધતો જાય છે
રસ્તા ધોવાતા જાય છે
કહે છે કોઈ બંધ તૂટ્યો છે
અને પૂર શહેરમાં પથરાતું જાય છે.
બહાર જોઉં તો
નેવામાં લીમડો ગરક
પગમાં પગથિયાં
નજર સામે પરસાળે માંડી પીગળવા.
અંધકારના ઉંબરે સરકતું
સર્પવાન ઘ૨ સંકેલી
પ્રવાહમાં પગ મૂકું છું
ત્યાં ફરી પાછો
નખથી નક્ષત્ર લગી ઝણઝણાટ.

૨૯-૮-૭૮
(અથવા અને, પૃ. ૮૭-૮૯)