કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૪૪. સંસ્કારનગરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૪. સંસ્કારનગરી

તાડનાં પાંદડાં ચીરી
પૂનમનો ચન્દ્ર
મ્યુઝિયમની નકશીદા૨ અગાશી પર
આવીને ઊભો રહે છે.
પદભ્રષ્ટ રાજવી જેવા
એના ફિક્કા ચહેરાને નીરખવા
કોઈને નવરાશ નથી.
મ્યુઝિયમના ભંડકિયામાં પૂરેલા
વ્હેલના હાડપિંજરની જેમ
એની સામે કુતૂહલભરી દૃષ્ટિ નાખવા પણ કોઈ તૈયા૨ નથી.
ઘેટા જેવી નગરી
અજવાળું સૂંઘતી સૂંઘતી અંધારા ભણી હંકાર્યે જાય છે,
હાંફળોફાંફળો ચન્દ્ર
મ્યુઝિયમની ટોચ પર ચડી બેસે છે.
શિખર પર થાળીની જેમ ડગમગતા
એના હાસ્યાસ્પદ ચહેરાને જોઈ કોઈ હસતું નથી.
ગંભીર મુખમુદ્રાવાળાં સજ્જનો અને સન્નારીઓ
બંધબારણે, મ્યુઝિયમના મમીના પાટા છોડી
આરોગવા બેસે છે
ત્યારે ભૂંડ જેવો ભૂખ્યો ચન્દ્ર
રસ્તા પ૨ જીભ ઘસતો,
નસકોરાં ફુલાવતો
આમતેમ ભટક્યા કરે છે.

૧૧-૧-૧૯૭૪
(અથવા અને, પૃ. ૧૧૫)