કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૧૦. કક્કાજીની અ-કવિતા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦. કક્કાજીની અ-કવિતા!

ચંદ્રકાન્ત શેઠ

કક્કાજીને કાજે કવિતા નથી આ.
ને બહેરી બારાખડી માટેની બોલી નથી આ,
છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી
ઓગણીસો ચુમ્મોતેરને કેમ ચલાવવો?
ગર્દભો તો હજુયે ગોવર્ધનરામના ગોદામમાંથી ગદ્ય લાવીને
ગાંધી રોડ પર ફરે છે પાઘડી ને ખેસ નાખીને,
પણ તેથી ટ્રાફિક જામ થવાના
ઘેરા પ્રશ્નો સર્જાયા છે આજકાલ!

મીંચેલી આંખે
ઈસવી સન પૂર્વે જોયેલા એક સૂરજને યાદ કરી
આજના સૂર્યોદયે
કાપડની મિલનાં ભૂંગળાં
ગાયત્રીને બદલે વ્હિસલ સંભળાવે છે
તેથી બેચેન છે બાવન કુલ ભદ્રંભદ્રનાં.
તેઓ તો ઇચ્છે છે :
આ ભાષાને ચોળી ચણિયો ને પાટલીનો ઘેર સજીને
વટસાવિત્રીનું વ્રત કરતી
ને સુકાઈ ગયેલા વડની ચોફેર દિનરાત સૂતરના આંટા મારતી જોવાને!
પણ ભાષાને ભેટી ગયો કોક અલગારી!
કંઈક એવું ઘુસાડ્યું બખડજંતર એના દિમાગમાં
કે
એક સવારે
ભાષા
શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી
ચાલવા માંડી અમારી સાથે – અમારા રોજના જીવવાના માર્ગે.
ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.

(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૧)