કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૧૪. એક ભાગવતપારાયણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪. એક ભાગવતપારાયણ

ચંદ્રકાન્ત શેઠ

અંધારું ચશ્માં ચઢાવી વાંચે છે શ્રીમદ્ભાગવત
ને ઘરડી દીવાલો આછું સાંભળતી હોંકારો ભણે છે ગદ્ગદ થઈને.

જ્ઞાનેશ્વર પાસે ભાગવત ભણીને આવેલી ભેંસ
ગાદીતકિયે બેસી,
કાન હલાવે ને પૂછડું હલાવે,
પૂછડું હલાવે ને કાન હલાવે.

અરે! કોણ છે?
કોણ કરે છે ધમાલ આ બારણા આગળ?

અલ્યા વનેચરો!
વસ્તીમાં તો વર્તો જરા સંસ્કારી રીતે!
હાશ... ટળ્યા વનેચરો!
ચલાવો આપની દેવકથા આગળ!

ને અંધારું ફરીથી ચશ્માં ચઢાવી,
પુનશ્ચઓમ્ કરી,
હંકારે છે આગળ શ્રીમદ્ભાગવતનો દશમસ્કંધ.

દશમસ્કંધમાં દેવકીને પીડા ઊપડી પ્રસવની
ને આ બાજુ પેલી જ્ઞાનેશ્વરવાળી ભેંસનેય પીડા ઊપડી જણતરની!
ભેંસ તો જે ભાંભરે છે – જે ભાંભરે છે!...
ઘરડી દીવાલો કાને આંગળીઓ ખોસીને કહે,
‘રાંડ, મૂંગી મર,
ને ભાગવત તો સાંભળ!’
ભેંસનો માલિક તો ચશ્માંધારી અંધારાને જ્ઞાનેશ્વર માની પૂછે :
‘બાપજી! ભેંસને પાડો આવશે કે પાડી?’

ને ચશ્માંધારી અંધારું તો સાવ નિરુત્તર!
ભેંસના ખાલી પેટ જેવું ખાલી – સાવ નિરુત્તર!

(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૪૯)