કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૯. બેસ, બેસ, દેડકી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯. બેસ, બેસ, દેડકી!

ચંદ્રકાન્ત શેઠ

બેસ, બેસ, દેડકી!
ગાવું હોય તો ગા,
ને ખાવું હોય તો ખા;
નહીં તો જા...
મારે પાંચ શેર કામ
ને અધમણ આરામ બાકી છે.

તું તો બોલ્યા કરે,
ને આકાશ પેટમાં ફુલાવ્યા કરે!...
મારે તો સાત લાખ સપનાં
ને વીસ લાખ વાસના બાકી છે.

તું તારે ડોલ્યા કર,
ને ગળ્યા કર જીવડાં...
મારે તો અનંત ગાઉનાં મરવાં
ને અનંત ગાઉનાં જનમવાં બાકી છે.

બેસ, બેસ, દેડકી! મૂગી!
ખા તારે ખાવું હોય તો,
નહીંતર ભાગ અહીંથી કૂદતી કૂદતી!...
મારે તો સાત પગથિયાં ઊતરવાં
ને સાત પગથિયાં ચઢવાં બાકી છે.
દેડકી! ડાહી થા,
મળે તે ખા,
સૂઝે તે ગા
ને નહીંતર જા... પાવલો પા...

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૨૫)